- પ્રકાશન તારીખ01 Jun 2018

‘પ્રામાણિકતાથી કહું તો, મને લાગે છે કે મોબાઇલ ફોન એ કોઈ શેતાને શોધ્યા છે’ - અનામી
કેટલાક લોકો કહેતા હતા કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે લડાશે, એ લોકો સાચા નહીં પડે! વિશ્વમાં જે રીતે મોબાઇલ ફોન અને ડેટાનો ઉપયોગ વધી રહ્યો છે તે જોતાં ત્રીજું વિશ્વયુદ્ધ ડેટા માટે લડાઈ શકે છે. અગાઉ એવું કહેવાતું હતું કે રોટી, કપડાં અને મકાન એ માણસની જરૂરિયાત છે. આજના સંજોગોમાં એવું કહેવું પડે કે સ્માર્ટ ફોન, ડેટા અને સોશિયલ મીડિયા જ માણસની જરૂરિયાત છે. આપણામાંના સંખ્યાબંધ લોકો માટે સોશિયલ મીડિયા જ પ્રાત:સ્મરણીય હોય છે! જો એવું પૂછવામાં આવે કે કેટલા લોકો બ્રશ કરતાં પહેલાં વોટ્સએપ કે ફેસબુક પર એક નજર નાંખી લે છે તો એટલા હાથ ઊંચા થાય કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ.
આપણે કેટલો ડેટાનો વપરાશ કરીએ છીએ? આંકડા આઘાત આપી દે એટલા મોટા છે. એરિક્સન મોબિલિટી રિપોર્ટ અનુસાર 2017માં વિશ્વમાં 7.8 બિલિયન ફોન ક્નેક્શન હતાં જે વધીને 2023માં 9.1 બિલિયન ફોન ક્નેક્શન થઈ જશે, પણ ડેટાનો વપરાશ કેટલો વધશે? ડેટાનો વપરાશ 2017માં સરેરાશ 2.9 GB માસિક છે જે 2023 સુધીમાં વધીને 17 GB થઈ જવાનો છે. મતલબ કે 6 ગણો વધુ. ભારત પણ આ મામલે પાછળ નહીં રહે. વિશ્વમાં ડેટાનો વપરાશ 6 ગણો વધશે તો ભારતમાં આ જ સમયગાળામાં ડેટાનો વપરાશ 5 ગણો વધી જશે. એક અંદાજ મુજબ 2015માં ભારતીયો દર મહિને સરેરાશ 1.4 GB ડેટા વાપરતા હતા જે 2021માં વધીને 7 GB થવાનો અંદાજ છે. ઇન્ટરનેટ આવ્યું ત્યારે તેની અપાર શક્યતાઓ વિશે ઘણું લખાયું હતું. લોકો માટે માહિતીનો આવો અને આટલો બધો ખજાનો આશ્ચર્યકારક હતો પણ એ સમયે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા કોમ્પ્યુટર હોવું જરૂરી હતું. મોબાઇલ ક્રાંતિએ કોમ્પ્યુટરને સીમિત કરી દીધાં છે. આજે લોકો ડેટા શેમાં વાપરે છે? મોબાઇલ પર શું જુએ છે? લોકો ‘જ્ઞાન’ મેળવવા ઉપયોગ કરે છે? જી ના! મ્યુઝિક અને વિડિયો તમારો સૌથી વધુ ડેટા ખાઈ જાય છે અને સ્વાભાવિક જ સૌથી વધુ વપરાતી એપમાં વોટ્સએપનો નંબર પ્રથમ નંબરે આવે છે. જોકે સૌથી વધુ ડેટા વાપરતી એપ ઝેન્ડર છે.
સ્માર્ટ ફોનના બંધાણીઓને આ આંકડામાં રસ પડશે, 2017થી 2023ના સમયગાળામાં વિડિયોની એપ પર 48%ના દરથી ટ્રાફિક વધશે. સોશિયલ નેટવર્કિંગ પર 34%ના દરથી તો ફાઇલ શેરિંગની એપ પર સૌથી ઓછો એટલે કે માત્ર 20%ના દરથી વધારો થશે. 2023માં 95% જેટલો ડેટા ટ્રાફિક માત્ર સ્માર્ટ ફોન પરથી આવશે.
અને બાકીના 5%માં પર્સનલ કોમ્પ્યુટર, ટેબ્લેટ એ બધું આવી જશે.
વૈશ્ચિક આંકડાઓની સરખામણીમાં ભારતના આંકડા વધુ રસપ્રદ છે. ભારત આ ડેટા ક્રાંતિમાં ખાસ્સુ અગ્રેસર છે. આપણે ત્યાં કુલ ડેટા વપરાશ 2023 સુધીમાં 11 ગણો વધી જવાનો છે.
આ ગ્રોથની આપણા પર શું અસર પડશે? સ્વાભાવિક રીતે તમે જેટલો વધુ ડેટા વાપરો એટલો વધુ સમય ફોન પાછળ જશે! અને ડેટા તો જેટલો વધારાય એટલો વધારી શકાશે પણ તમારા માટે રોજ 24 જ કલાક હશે એમાં ક્યાંથી વધારો કરશો? એક સાદી ત્રિરાશિ માંડો તો સમજાય કે જો 2023 સુધીમાં ડેટાનો વપરાશ 11 ગણો વધવાનો હોય તો આપણો ઓછામાં ઓછો ત્રણથી ચાર ગણો વધુ સમય મોબાઇલ ફોન પાછળ જ જવાનો છે. એમાંય ટીનેજર તો ઘણો વધુ સમય ફોન પાછળ ગાળતા જશે. આ બધાનો સીધો મતલબ છે કે આંતરિક સંબંધોમાં વધુને વધુ તણાવ આવશે. આજે પણ સંખ્યાબંધ ઘરોમાં, ઘરના તમામ સભ્ય એકત્ર હોય પણ દરેક સભ્ય સતત મોબાઇલ પર જ હોય એવાં દૃશ્યો દેખાય છે. જો ડેટાનો વપરાશ હજુ વધુ ને વધુ થશે તો એકબીજા માટેનો, એકબીજા સાથેનો સમય ઘટી જશે.
કોઈ સમાજ વિજ્ઞાનીએ ચોક્કસ એવો અભ્યાસ કરવો જોઈએ કે ઘરના સભ્યો હાલમાં એકબીજા સાથે કેટલી મિનિટો વાત કરે છે અને 2023માં એ ઘટીને કેટલી સેકન્ડ્સ થઈ જશે. 2023માં ઘર એડ્રેસ પ્રૂફ હશે, માત્ર એડ્રેસ પ્રૂફ એ ધરતીનો છેડો નહીં હોય. કદાચ એવું કહેવાનું હશે કે હા એનું ને મારું ઘર એક જ છે પણ અમે અમારા મોબાઇલ સાથે રહીએ છીએ! {
જનોઇવઢ : મનુષ્યોની સ્માર્ટ બનવાની ઝડપ કરતાં ફોન વધુ ઝડપથી સ્માર્ટ થઈ રહ્યા છે. એવો સમય દૂર નથી જ્યારે સ્માર્ટ ફોન માલિક હશે અને આપણે ગુલામ હોઈશું.- અનામી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો