શુક્રવાર, 24 ઑગસ્ટ, 2018

સત્તાનો આતંક અને આતંકની સત્તા સત્યને સહન નહીં કરી શકે

Home » Rasdhar » પ્રણવ ગોળવેલકર
લેખક ‘દિવ્ય ભાસ્કર’ અમદાવાદ આવૃત્તિના નિવાસી તંત્રી છે.

  • પ્રકાશન તારીખ22 Jun 2018
 હત્યા પછી રાબેતા મુજબ જાહેર કરવામાં આવ્યું ત્રણ વણઓળખાયેલા લોકોએ હત્યા કરી છે. તમારા માટે એ વણઓળખાયેલા હશે. અમે સદીઓથી ઓળખીએ છીએ બુકાની પાછળની એ સત્તાને, આતંકના એ ચહેરાને. દર વખતે આ લોકો આવે છે લપાતા, છુપાતા, હાથમાં તલવારો, છરીઓ અને બંદૂકો લઈને. શરીરોને મારે છે અને આશા રાખે છે કે શાહી વહેતી અટકી જશે. શરીરોને મારીને શાહીને વહેતી અટકાવી શકાતી નથી, સત્યને રોકી શકાતું નથી.
અંધ હોવાનો ઇજારો એકલા ધૃતરાષ્ટ્રે લઈ રાખ્યો નથી. આપણે ત્યાં ઘણા છતી આંખે આંધળા થઈને બેસે છે. ધૃતરાષ્ટ્રો ક્યારેય સત્યને બચાવી શકતા નથી
કાશ્મીરમાં શુજાત બુખારીની હત્યા સાથે ફરી એક વાર ‘તલવારે’ પેનનું માથું વાઢવાની કોશિશ કરી છે. શુજાતનો વાંક એ હતો કે એણે આતંકવાદીઓનો વિરોધ કર્યો, શુજાતનો વાંક એ હતો કે એણે શાંતિની હિમાયત કરી અને શુજાતનો સૌથી મોટો વાંક એ હતો કે એ ડરતો નહોતો.
શુજાત ડરતો હોત તો એ જીવતો હોત! 18 વર્ષ પહેલાં એનું અપહરણ થયેલું. એની સામે એક આતંકવાદી પિસ્તોલ તાકીને ઊભો રહી ગયેલો. એણે ઘોડો દબાવી દીધો, પણ ગોળી છૂટી નહીં. પિસ્તોલ લોક થઈ ગઈ. સુજાત જીવ બચાવીને નાસી છૂટ્યો. એની જિંદગી પર મોત હંમેશાં તોળાયેલું રહ્યું હતું.

શુજાત બુખારીની જિંદગી ગૌરી લંકેશ કે કલબુર્ગીની જિંદગી કરતાં ઓછી કીમતી હતી? જો સત્યની કિંમત એક જ હોય અને સમાન હોય તો શુજાત બુખારીની હત્યા પર એટલો જ હંગામો થવો જોઈએ જેટલો ગૌરી લંકેશ અને કલબુર્ગીની હત્યા પર થયો હતો. જોકે, આવું થશે નહીં. સત્ય અને અસત્ય વચ્ચેની લડાઈ હોય ત્યારે અંધ ધૃતરાષ્ટ્રો જ ‘મામકા:’ અને ‘પાંડવા’ વચ્ચે ફરક કરી શકે છે. અંધ હોવાનો ઇજારો એકલા ધૃતરાષ્ટ્રે લઈ રાખ્યો નથી. આપણે ત્યાં ઘણા છતી આંખે આંધળા થઈને બેસે છે. ધૃતરાષ્ટ્રો ક્યારેય સત્યને બચાવી શકતા નથી.

જેને તમે સાચું જ માનતા હોવ એ જ બાબતને કોઈ પત્રકાર પણ સાચું માનતો હોય એ જરૂરી નથી. જો તમારું ‘સાચું’ જો ખરેખર સત્ય હશે તો તમારે ક્યાં કોઈનાથી ડરવાની જરૂર છે? આવું જ નેતાઓની કે પક્ષની બાબતમાં છે. જો નેતા કે પક્ષ ખરેખર જ સત્યવાન હશે તો એનો દિગ્વિજય કોઈ રોકી શકવાના નથી. ધમકીઓ અને હત્યાની સેન્સરશિપ સત્યને ક્યારેય રોકી શકી નથી, ક્યારેય રોકી શકવાની નથી.

જો આતંકની સત્તા કે સત્તાનો આતંક કોઈની કલમથી ખુશ હોય તો એવા કલમધારી અને મુજરો કરનારી ગણિકા વચ્ચે કોઈ અંતર નથી. સત્તાના દરબારમાં જો તમે બુદ્ધિશાળી હોવા છતાં પ્રિય રહેવાની કોશિશ કરો છો તો તમે ‘વિદૂષક’થી વિશેષ કશું નથી. દરેક સત્તા પોતાના સમયમાં શ્રેષ્ઠ વિદૂષકો પેદા કરે છે. આશ્ચર્યની વાત એ છે કે વિદૂષકો સેંકડોના પ્રમાણમાં હોય છે.

સત્તાને અને સત્યને હંમેશાં આડવેર હોય છે. 3 વર્ષ પહેલાં જનરલ વી.કે. સિંહે ‘પ્રેસ્ટિટ્યૂટ’ શબ્દ વાપર્યો હતો. આ શબ્દ વાપર્યો ત્યારે જનરલ સાહેબ સરકારમાં મિનિસ્ટર હતા, પણ હવે સવાલ એ છે કે જો શુજાત બુખારી જેવા પત્રકારને જો સત્તા કે સરકાર બચાવી ન શકતી હોય તો તમારા માથે કયું લેબલ ચિપકાવવું જોઈએ? ‘નપુંસક’ લેબલ કેવું રહેશે? સત્ય આકરું હોય છે અને એને સ્વીકારવું હંમેશાં તકલીફદેહ હોય છે. હમણાં કાશ્મીરમાં એક પોલીસ જવાનને આતંકવાદીઓએ ઠાર કરી દીધો.
એ પોલીસ જવાનનું નામ હતું, ઔરંગઝેબ. સરકારે આવા ઔરંગઝેબની જિંદગી બચાવવી પડશે! શુજાત એવો પહેલો પત્રકાર નથી જેની હત્યા થઈ હોય, એ એવો આખરી પત્રકાર પણ નથી કે જે સત્ય માટે શહીદ થશે. સત્તાની બંદૂકો અને પત્રકારોની કલમ વચ્ચેનો જંગ ચાલતો જ રહેવાનો છે. શાંતિ માટે, સત્ય માટે લડનારાઓએ પણ જિંદગી દાવ પર મૂકીને જ આગળ વધવું પડે છે. દરેક સત્તા પોતાની સાથે આતંક લઈને આવે છે, સત્તા જેટલી જૂની એટલો એનો આતંક વધુ હોય છે.

જનોઈવઢ : પત્રકારત્વ ક્યારેય ‘મૌન’ ન હોઈ શકે. આ એનો સૌથી મોટો અવગુણ છે અને સૌથી મોટો ગુણ પણ એ જ છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો