શુક્રવાર, 24 ઑગસ્ટ, 2018

સ્વચ્છંદતાનો અધિકાર ફોર્વર્ડેડ નોટ રિસીવ્ડ


  • પ્રકાશન તારીખ09 Jun 2018
સ્વતંત્રતા એ જવાબદાર માણસોને માટે શ્વાસ જેટલી અગત્યની છે અને બિનજવાબદાર માણસો માટે સ્વચ્છંદતા સિવાય કશું જ નથી. જ્યારે જ્યારે સોશિયલ મીડિયા પર લગામની
મેસેજીસની સત્યતા ચકાસવાનું કામ આસાન નથી હોતું, ઘણી વાર તો કલાકો સુધી રિસર્ચ કર્યા પછી મેસેજીસની સત્યતાની ચકાસણી થઈ શકતી હોય છે
વાત આવે છે ત્યારે સ્વતંત્રતાના નામે દુહાઈ દેનારા ધસી આવે છે. વાસ્તવમાં આ જ ટોળકી એવી છે જે આખો દિવસ જાતભાતના મેસેજીસની સત્યતા ચકાસ્યા વિના ફોર્વર્ડ કરી દેતા હોય છે. જે લોકો એક પણ રીપીટ એક પણ મેસેજને પૂરતો ચકાસ્યા વિના આગળ ધકેલે છે એ જૂઠ અને માત્ર જૂઠ ફેલાવે છે.
મેસેજીસની સત્યતા ચકાસવાનું કામ આસાન નથી હોતું, ઘણી વાર તો કલાકો સુધી રિસર્ચ કર્યા પછી મેસેજીસની સત્યતાની ચકાસણી થઈ શકતી હોય છે. આશ્ચર્યની વાત તો એ છે કે વ્યવસ્થિત રીતે ભણેલા ગણેલા માણસો પણ આવી રીતે ‘ફોર્વર્ડેડ એઝ રિસીવ્ડ’ની છટકબારી રાખીને મેસેજ ફોર્વર્ડ કરી દે છે.
જરા વધુ અંદર ઊતરીને જોઈએ તો સોશિયલ મીડિયા જૂઠ ફેલાવાનું પ્લેટફોર્મ બનતું જઈ રહ્યું છે. આમ તો કહેવાય છે કે એક તસવીર હજાર શબ્દોની ગરજ સારે છે. સોશિયલ મીડિયા પરની ફરતી તસવીરો હજાર જૂઠની ગરજ સારે છે. મોટાભાગની તસવીરો માત્ર ફોટોશોપ્ડ હોય છે અથવા તો મોર્ફ કરાયેલી હોય છે. ઘણી વખત એક ઘટનાના વિડિયો તદ્દન જુદા જ વિસ્તારમાં બનેલી ઘટનાના વિડિયો તરીકે મોકલી દેવાય છે અને વાઇરલ થઈ જાય છે.
માનવ સ્વભાવ એવો છે કે એમને સાચું સાંભળવાનું નહીં, પોતાને જે ગમે એવું અને એટલું જ સાંભળવાનું ગમે છે. બાંગ્લાદેશમાં થયેલી હિંસાને યુ.પી.ની હિંસા તરીકે અને યુ.પી.માં થયેલાં રમખાણોના વિડિયોને ગુજરાતની ઘટનાના નામે ફરતા કરી દેવાય છે. સરકાર ફેક ન્યૂઝની સામેની ઝુંબેશના નામે એની પોલ ખોલનારા મીડિયા પર તવાઈ લાવવા માંગે છે, પણ હકીકત એ છે કે સોશિયલ મીડિયા પોતે જ ફેક ન્યૂઝનું સૌથી મોટું પ્લેટફોર્મ બની ગયું છે. અમુક માણસોના હાથમાં ટેક્નોલોજી એ વાંદરાના હાથમાં મશાલ બની ગઈ છે જ્યાંને ત્યાં આગ ચાંપતા ફરે છે.
આપણને રાષ્ટ્રીય ગર્વની જેટલી જરૂર છે એટલી જ જરૂર રાષ્ટ્રીય સ્વસ્થતાની અને રાષ્ટ્રીય સત્યતાની પણ છે. ક્યાંક બંધનું એલાન હોય કે ક્યાંક છમકલું થયું હોય સંપૂર્ણ સ્વસ્થતાથી અને સત્યતાથી જ મેસેજ ફેલાવવા જોઈએ. અમુક લોકો ભળતાસળતા મેસેજ ફેલાવીને ભયંકર ઉશ્કેરણી ફેલાવે છે.
ત્રીજો મુદ્દો રાષ્ટ્રપુરુષો અંગેનો છે. ઇતિહાસ વિશે લખવું એ દરેક મોબાઇલધારકના બસની બાબત નથી. ઐતિહાસિક તથ્યો બહુ અભ્યાસ પછી સાબિત થતા હોય છે. હવે લોકો એમના મહાનાયકોને જેવા હતા તેવા સ્વીકારવાના બદલે પોતે જેવા માને છે એવા સ્વીકારવા માટે ઝનૂની થઈ જતા હોય છે. પ્રથમ તો તમારી માન્યતાના આધારે રાષ્ટ્રપુરુષોના કદ નાના કે મોટા કરી શકાતા જ નથી. તમે ગમે એટલો પ્રકાશ નાંખશો, સૂર્યને વધુ કે ઓછો પ્રકાશિત કરી શકશો નહીં. કોઈ સૂર્ય સામે ધૂળ ઉડાડવાની કોશિશ કરે તો પણ બહુ ડરવા જેવું હોતું નથી. ઉડાડનારાની આંખમાં જ ધૂળ પડવાની શક્યતા સોએ સો ટકા હોય છે.
અને સૌથી મહત્ત્વની વાત એ છે કે રાષ્ટ્રપુરુષો માટે સોશિયલ મીડિયા પર બેફામ યુદ્ધો કરવા કરતાં એ મહાનુભાવોએ આપેલા ઉપદેશોના આધારે ચાલવું વધારે અગત્યનું છે. એક વાત યાદ રાખવી કે ક્યારેય કોઈ પોતાની પાસેનું સોનું લોકોમાં વહેંચતો ફરતો નથી. એટલે જે કીમતી હોય એનાથી પોતાની જાતને સમૃદ્ધ કરવું એ વધુ અગત્યનું છે.
હા, સોશિયલ મીડિયા અત્યંત મહત્ત્વનું હથિયાર છે. જ્યારે સરકારો જૂઠ ફેલાવતી હોય ત્યારે સોશિયલ મીડિયા જ લોકોનો એક મજબૂત સહારો બની શકે છે. સોશિયલ મીડિયાની ક્ષમતાઓ વિશાળ છે એમ એની મર્યાદાઓ પણ વિશાળ છે. {
જનોઇવઢ : સત્ય અને અર્ધ સત્ય વચ્ચેની દીવાલ સૌથી પાતળી દીવાલ હોય છે.
- અજ્ઞાત

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો