શુક્રવાર, 24 ઑગસ્ટ, 2018

બીજાની ચિતા પર પોતાના રોટલા શેકવાનો ખેલ સોશિયલ મીડિયા પરની શ્રદ્ધાંજલિઓ


  • પ્રકાશન તારીખ17 Jul 2018
મૃત્યુ ગંભીર બાબત છે અને શોક વ્યક્ત કરવો એ એનાથી પણ ગંભીર બાબત છે, જે મૃત્યુ પામેલાની નજીકના લોકો માટે અત્યંત દુ:ખની બાબત છે. એ બીજા લોકો માટે પ્રસિદ્ધિની એક તક માત્ર બની રહે છે. જે મરી ગયા છે એ જીવતા હતા ત્યારે એમનું નામ પણ લઈ શકાતું નહોતું, કારણ કે એ તમને ‘ઓળખી’ ગયા હતા એટલે એ વખતે એમની નજીક હોવાનો દાવો કરનારા લોકો રાહ જુએ છે એમના મરવાની.
કોઈના મૃત્યુનો જેમને ખરેખર આઘાત લાગ્યો હોય તો તમે ફેસબુક પર પોસ્ટ મૂકવા જેટલા સ્વસ્થ રહી જ ન શકો. પુત્રનું મૃત્યુ થાય ત્યારે બાપને પોસ્ટ મૂકવા જેટલું ભાન હોય ખરું?
જ્યારે જ્યારે કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ ગુજરી જાય ત્યારે આલિયા માલિયા જમાલિયા, બધા જ જાતભાતની પોસ્ટ મૂકીને પ્રસિદ્ધિની ગંગામાં ડૂબકી મારવાની તક છોડતા નથી. બલ્કે કહેવું જોઈએ કે સળગતી ચિતામાં આપણા રોટલા શેકવાનું છોડતા નથી.

કોઈના મૃત્યુનો જેમને ખરેખર આઘાત લાગ્યો હોય તો તમે ફેસબુક પર પોસ્ટ મૂકવા જેટલા સ્વસ્થ રહી જ ન શકો. પુત્રનું મૃત્યુ થાય ત્યારે બાપને પોસ્ટ મૂકવા જેટલું ભાન હોય ખરું? મૃત્યુ એ અંગત વેદનાનો વિષય છે, જાહેરમાં એના દેખાડા ન હોય! જે લોકો તેમણે આજ દિન સુધી મૂકેલી એક હજાર પોસ્ટમાં જે વ્યક્તિનો ઉલ્લેખ સુધ્ધાં કરતા નથી એ વ્યક્તિના જવાથી બહુ મોટી ખોટ પડી છે એવું એકાએક કહેવા માંડે ત્યારે આ આખું શોક પ્રદર્શન હાસ્યાસ્પદ બની જતું હોય છે.

કેટલાક લોકોને એ વ્યક્તિના મરવાથી એટલો આઘાત લાગતો નથી જેટલો આઘાત એમની શોક પ્રદર્શક પોસ્ટને ઓછી લાઇક મળવાથી લાગે છે. એકાદ બેને તો ઓછી લાઇક મળતાં ખુદ જ મરી જવાના વિચાર આવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે! કેટલીક શોકાંજલિઓનાં મૂળ વિકિપિડિયામાં રહેલાં હોય છે. જો વિકિપિડિયા ન હોત તો સંખ્યાબંધ લોકોને પ્રસિદ્ધ વ્યક્તિઓના મરવાથી આટલી મોટી ખોટ ન પડી હોત એ નિશ્ચિત છે. જીવતેજીવ જેને તમે મહાન ગણતા નહોતા એને મર્યા પછી મહાન ગણવાનો શું મતલબ?
જે શ્રદ્ધાંજલિઓમાં મૃતક વ્યક્તિના નામ કરતાં ‘હું’ વધારે વખત આવતું હોય એ શ્રદ્ધાંજલિઓ તો તાત્કાલિકપણે કચરાટોપલીમાં ફેંકવાને લાયક જ હોય છે. કેટલાક એવું છાતી ઠોકીને કહે છે કે જ્યારે સદ્્ગત જીવતા હતા ત્યારે મેં એમને ફલાણી-ઢીકણી સલાહ આપેલી અને એમણે એ સલાહનું પાલન કર્યું, તેથી જ અને તેથી જ એ આટલા આગળ આવી શક્યા. હવે આપણને સવાલ એ છે કે ભાઈ, જો તારી એ સલાહ એટલા જ કામની હતી તો તેં જાતે જ એ સલાહ પર અમલ શું કામ ન કર્યો. શક્ય છે કે એ સલાહ પર કામ કરીને તું ખુદ જ મહાન બની ગયો હોત અને આવી શ્રદ્ધાંજલિઓ લખવા જેવાં કામો ન કરવાં પડત!
વાસ્તવિકતા એ છે કે ટોળાને અક્કલ હોતી નથી અને સોશિયલ મીડિયા પરના મોટાભાગના ‘ફોરવર્ડ’ આનો સૌથી મોટો પુરાવો છે.
ગુજરાતી સાહિત્યમાં તો હવે એક નવો ચીલો શરૂ થયો છે. એકાદ મૃત લેખકના નામની આસપાસ એકાદી ટોળકી આવીને એવી વળગી પડે છે જેમ ભૂતો કોઈ અવાવરુ સ્થળની આંબલીને વળગતા હોય. એ લેખક જીવતેજીવ પોતાની કૃતિ માટે જેટલા ઝનૂની નહીં હોય એટલુ આ ટોળકી એ લેખક માટે ઝનૂની થઈ જાય છે. પછી શરૂ થાય એમના નામે એકાદું ‘સંપાદન’ રચી કાઢવાનો કે એકાદી ચોપડી છપાવી નાખવાનો ખેલ! પારકા નામે પ્રતિષ્ઠિત થવા માટે આનાથી ઉત્તમ રસ્તો કયો મળવાનો હતો?

વાસ્તવિકતા એ છે કે ટોળાને અક્કલ હોતી નથી અને સોશિયલ મીડિયા પરના મોટાભાગના ‘ફોરવર્ડ’ આનો સૌથી મોટો પુરાવો છે. કોઈ પણ ધડમાથા વિનાની વાતો બહુ ઝડપથી ફોરવર્ડ થઈ જતી હોય છે કે શેર થઈ જતી હોય છે. માણસનું મૃત્યુ એ સંવેદનાનો વિષય છે, ફોરવર્ડ કે શેરનો વિષય નથી. જોકે, આટલી અક્કલ મોટાભાગના લોકોમાં હોતી નથી. જો હોત તો શોકાંજલિઓ એકાંતમાં હોત અને અશ્રુઓ વડે લખાતી હોત!

જનોઈવઢ : જ્યારે શબ્દોની સરહદ પૂરી થાય છે ત્યારે અશ્રુઓને વાચા ફૂટે છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો