શુક્રવાર, 24 ઑગસ્ટ, 2018

ગુજરાતી ભાષા: નદી છે કે સમુદ્ર છે, નક્કી કરો


  • પ્રકાશન તારીખ25 Jun 2018
‘જ્યારે આપણી પાર્લામેન્ટ થશે ત્યારે ફોજદારી કાયદામાં એક કલમ દાખલ કરવાની હિલચાલ કરવી પડશે એમ હું જોઉં છું. બંને હિન્દુસ્તાની એક જ ભાષા જાણતા હોવા છતાં એક માણસ બીજાને અંગ્રેજીમાં લખે અથવા બીજા સાથે તે ભાષામાં બોલે તેને ઓછામાં ઓછી છ માસની સખત મજૂરીની સજા કરવામાં આવે. આવી કલમ વિશે તમારો અભિપ્રાય જણાવશોજી અને સ્વરાજ મળ્યું નથી તે દરમિયાન જે ગુનો કરે તેને સારુ શો ઇલાજ કરવો તે જણાવશો.’
- મો. ક. ગાંધી
આપણું કમળગોત્ર એક વાતનું ચોક્કસ અભિમાન લે છે કે અટલ બિહારી વાજપેયીએ યુનોની મહાસભામાં હિન્દીમાં ભાષણ આપ્યું હતું. સાચે જ આ ગર્વની બાબત હતી. ગુજરાતે દેશને બીજા વડાપ્રધાન આપ્યા છે. મોદી એક જબરદસ્ત વક્તા છે એ બાબતમાં કોઈ શંકા નથી એટલે જ એક સવાલ પૂછવાની ઇચ્છા છે કે એ સંસદને ગુજરાતીમાં સંબોધન ક્યારે કરશે? માતૃભાષા દિન પર કે એની આજુબાજુ કરે તો એક ગુજરાતી હોવાના નાતે ચોક્કસ જ ગર્વ થાય.
માતૃભાષા દિન નિમિત્તે ભાષાના પતન વિશે, એમાં ઘૂસી જતાં અન્ય ભાષાના શબ્દો વિશે ઘણું બધું કહેવાશે. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીમાં 70થી વધુ શબ્દો ભારતીય ભાષાના છે, જેમાં ગુજરાતી પણ આવી ગઈ! અંગ્રેજી ભાષાને બંધિયાર રાખવા માગતા નથી અને એટલે જ અંગ્રેજી જીવતી રહી શકે છે.
ક્રિકેટની સમગ્ર કોમેન્ટ્રી સંપૂર્ણ મરાઠીમાં વર્ષોથી અપાય છે. ગુજરાતીમાં કોમેન્ટ્રી અંગ્રેજી શબ્દો વગર આપવી લગભગ અશક્ય છે
ભાષા નદી જેવી નહીં સમુદ્ર જેવી હોવી જોઈએ જેમાં ચલણમાં આવેલા બીજી ભાષાના શબ્દોને પણ સમાવી લેવા જોઈએ. આ શબ્દો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) ગણાવવા જોઈએ. બિઝનેસની ભાષામાં એફ.ડી.આઇ. હંમેશાં નવી સમૃદ્ધિ લાવે છે અને દરેક ગુજરાતી બિઝનેસની ભાષા તો અચૂક સમજે જ છે.

ગુજરાતી ભાષાનું દાઝતું હોય એવા લોકો માટે ક્રિકેટ એક ખુલ્લી ચેલેન્જ છેલ્લાં 70થી વધુ વર્ષથી આપી રહ્યું છે. ક્રિકેટની સમગ્ર કોમેન્ટ્રી મરાઠી ભાષામાં, સંપૂર્ણ મરાઠી શબ્દો સાથે વર્ષોથી અપાય છે. ક્રિકેટની ગુજરાતીમાં કોમેન્ટ્રી અંગ્રેજી શબ્દો વગર આપવી લગભગ અશક્ય છે. બોલને દડો તો કદાચ કહી શકાશે, પણ બેટને ધોકો કહેવામાં જરા પ્રોબ્લેમ થઈ જાય એવું છે અને ઓલરાઉન્ડર તો શબ્દ જ આપણે સાવ જુદા જ અર્થમાં વાપરીએ છીએ.
ભાષાશાસ્ત્રીઓ જરા આ રમતમાં ઝુકાવે એ ઇચ્છનીય છે. ક્રિકેટની સાથે સાથે એ તો ફૂટબોલ પણ લોકપ્રિય થતી જાય છે અને આ મહાન રમતને ‘પગદડો’ કહીએ તો ટીવીની સ્વીચ જ બંધ કરવાની ઇચ્છા થઈ આવે છે.

ભાષાની શુદ્ધતા કરતાં વધુ ભાર ભાષાની સ્થિતિસ્થાપકતા પર જ હોવો જોઈએ. સાર્થ જોડણીકોશ કોઈ ધર્મગ્રંથ તો છે નહીં કે જેમાં લખેલું ક્યારેય બદલી શકાય નહીં! ગુજરાતીઓ અભૂતપૂર્વ ઝડપે વિશ્વમાં ફેલાય છે અને વૈશ્વિક ચીજોને આત્મસાત્ કરી લે છે. ભાષા અગળ વધી ગઈ છે અને ભાષાશાસ્ત્રીઓ ઘણાં પાછળ ઠેબાં ખાઈ રહ્યા છે. વારંવાર ગુજરાતીમાં ઘૂસી જતા અંગ્રેજી શબ્દો માટે જે ફરિયાદ કરવામાં આવે છે એના મૂળમાં ભાષાશાસ્ત્રીઓની નિષ્ફળતા જ જવાબદાર છે. એમણે અંગ્રેજી શબ્દના સરળ અને સ્પષ્ટ તથા લોકબોલીમાં આવી જાય એવા ગુજરાતી પર્યાય આપવા જોઈએ અથવા કોઈ ફરિયાદ કર્યા વગર મૂળ અંગ્રેજી શબ્દને જ ગુજરાતી ભાષાનો હિસ્સો બનાવી લેવો જોઈએ. બાકી તો ગુજરાતી ભાષાશાસ્ત્રીઓની હાલત એવા ઘોડેસવાર જેવી છે, જેના પર પેંગડામાં ભરાઈ ગયા છે અને નીચેથી ઘોડો અાગળ દોડી ગયો છે.

ગુજરાતી ભાષા હવે માત્ર કક્કો બારાખડી નથી. અા તમામ બોલનારા લોકોએ વર્ષોથી સમુદ્ર પર રાજ કર્યું છે, ધરતી ખૂંદી છે અને હવામાં ઊડતા રહ્યા છે. ભાષા બળકટ તો છે કળકટ પણ છે જ. ગુજરાતીઓ કળથી રસ્તો કાઢવામાં કેવા અને કેટલા માહેર હોય છે એ કોઈને કહેવા જેવું નથી બધા જાણે છે.

આ ભાષાનું સમુદ્રપણું જળવાશે એવું આ ભાષા બોલનારાઓને જોઈને ચોક્કસ લાગે છે. હા, કોઈ કોઈવાર ભાષાશાસ્ત્રીઓની દયા ચોક્કસ જ થઈ આવે છે. હા, ગુજરાતી સ્કૂલો વધવી જોઈએ અને સાચું ઇંગ્લિશ બોલનારા ગુજરાતીઓ પણ વધવા જોઈએ. બાકી, જે ભાષાએ મારા રાષ્ટ્રપિતાને ઘડ્યા હતા એ ભાષા મારો માનદંડ છે. મારી ભાષા મારું અભિમાન છે.

જનોઈવઢ: તમે ઇંગ્લિશ ભાષા પર તમારા સારા કાબૂ માટે ચોક્કસ ગર્વ લો, પણ જો તેને તમારી ખરાબ માતૃભાષા માટે ગર્વ લો છો તો તમારા જેટલો મોટો મૂર્ખ બીજો કોઈ નથી.
- અજ્ઞાત.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો