- પ્રકાશન તારીખ13 Jun 2018

ના ના હતા ત્યારે શાળાઓમાં ભણાવાતું,
એ જંગલનો રાજા છે,
એ ક્યારેય કોઈનો કરેલો શિકાર ખાય નહીં,
એ ભૂખ્યો હોય તોય ઘાસ ખાય નહીં,
એ વિકરાળ હોય,
એના ડરથી જંગલ આખું થરથર ધ્રૂજે.
એ જંગલનો રાજા છે,
એ ક્યારેય કોઈનો કરેલો શિકાર ખાય નહીં,
એ ભૂખ્યો હોય તોય ઘાસ ખાય નહીં,
એ વિકરાળ હોય,
એના ડરથી જંગલ આખું થરથર ધ્રૂજે.
હવે આવા સિંહ ચોપડીમાં જ રહી ગયા છે! સિંહ જોવાના લાલચું લોકોએ મારણ ધરી ધરીને સિંહને સિંહ જેવા રહેવા દીધા નથી. હવે જે સિંહ છે એ નતો ચારણ કન્યાવાળા ડાલામથ્થા સિંહ છે ન તો દરબાર માત્રાવાળાની વાર્તાના ખૂંખાર સિંહ છે. તાજેતરમાં સિંહને લોકો મરઘી ખવડાવતાં હોવાનો વિડિયો વાઇરલ થયો હતો. એ વિડિયોને જોઈને લાગે જ નહીં કે એ સિંહ છે, કૂતરાંઓને શરમાવે એવું વર્તન સિંહનું હતું. આશ્ચર્યની વાત છે કે વાતવાતમાં સૌરાષ્ટ્રની અસ્મિતા વિશે, સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ હોવા અંગે સોશિયલ મીડિયા પર લડાઈઓ છેડી દેતી આખી ગેંગ સિંહોના ‘કૂતરાંકરણ’ વિશે ચૂપ છે. સિંહોના વ્યવહારમાં આવેલા આ પરિવર્તન માટે ખરેખર તો આપણે જ જવાબદાર છીએ.
છાશવારે સૌરાષ્ટ્રની બાબતે સોશિયલ મીડિયા પર
હો-હલ્લો મચાવનારી ગેંગ સિંહોના ‘કૂતરાંકરણ’ બાબતે કાન ફાડી નાંખે એવું મૌન ધારણ કરીને કેમ બેઠી છે? |
સિંહ મૂળથી જ શિકારી પ્રાણી છે. એ શિકાર કરે તો જ એનું વ્યક્તિત્વ, એનો રૂઆબ બરકરાર રહે. સિંહદર્શનના નામે એને તૈયાર મારણ ધરી દો તો સિંહ જોયાની તમારી ભૂખ તો સંતોષાય, પણ પછી એ સિંહ સિંહ જ ન રહે! કૂતરાં જેવો થઈ જાય જે ખોરાક માટે માલિકની મરજી પર જ આધારિત રહે છે. આઘાતની વાત એ છે કે અગાઉ સરકસમાં ખેલ કરતાં સિંહોને આપણે જંગલમાં છોડી મૂક્યા હતા અને હવે આપણે જંગલના સિંહોને જ સરકસના સિંહો બનાવી
દીધા છે!
સિંહની ઓળખ જાળવવા માટે હવે એક અંતિમ કક્ષાનું પગલું ભરવાની જરૂર છે. 10-15 વર્ષ માટે ગીરમાં સંપૂર્ણપણે પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકી દેવાની જરૂર છે. ચોક્કસપણે આ પગલાંથી હોબાળો મચી જશે. આપણે કેટલાંક પ્રવાસીઓની નારાજી ચોક્કસ વહોરવી પડશે, પણ આ પગલાંથી સિંહની ઓળખ તો જાળવી શકાશે. સિંહને હવે થોડાં વર્ષો સુધી સંપૂર્ણ કુદરતી વાતાવરણ મળવું જોઈએ, જ્યાં એ માત્ર શિકાર પર નભી શકે અને વનરાજ હોવાની ઓળખ જાળવી શકે.
આવું જ બીજું ક્રાંતિકારી પગલું એ લેવાની જરૂર છે કે ગીર બહાર પણ સિંહો માટે રક્ષિત જંગલ વિસ્તારો જાહેર કરી દેવા જોઈએ. 1,412 ચોરસ કિલોમીટરનો વિસ્તાર સિંહો માટે અપૂરતો છે. સિંહોની સંખ્યા છેલ્લાં કેટલાય વર્ષોથી સતત વધી રહી છે, પણ ગીર નેશનલ પાર્કનો વિસ્તાર તો એટલો ને એટલો જ રહ્યો છે. સિંહને લગભગ 10-12 ચોરસ કિલોમીટર વિસ્તાર જોઈએ. આ જ કારણોસર જેમ જેમ વસ્તી વધી એમ સિંહોએ ગીરમાંથી બહાર સ્થળાંતર શરૂ કર્યું અને નવા નવા વિસ્તારોમાં રહેવા માંડ્યા છે. આ જ સ્થિતિ ચાલુ રહી તો હવે ગીચ માનવ વિસ્તારોમાં પણ ધીરે-ધીરે સિંહો ઘૂસવા માંડશે.
મરઘીખાઉં સિંહો એક બોધપાઠ છે. આપણે સમજવું પડશે કે જંગલોને અને વન્ય પ્રાણીઓને આપણે એમના કુદરતી વાતાવરણમાં જ રાખવાં જોઈએ.
|
બીજી તરફ ‘સિંહદર્શન’માં તૈયાર મરઘાં ખાવાના રવાડે ચડેલા સિંહોના મનમાંથી માણસોથી દૂર રહેવાની વૃત્તિ પણ જતી રહેશે. આ સૌથી ભયંકર છે, કારણ કે પછી ભૂખ્યા સિંહો માણસો પર હુમલો કરતાં જરાય અચકાશે નહીં અને આપણે માણસખાઉ સિંહોની સમસ્યાનો સામનો કરવો પડશે.
મરઘીખાઉં સિંહો એક બોધપાઠ છે. આપણે સમજવું પડશે કે જંગલોને અને વન્ય પ્રાણીઓને આપણે એમના કુદરતી વાતાવરણમાં જ રાખવાં જોઈએ. કોઈ વૃક્ષને આપણે બોન્સાઈ કરી દઈએ છીએ, પણ જંગલના પ્રાણીઓને આવી રીતે ‘બોન્સાઈ’ કરી દેવા બિલકુલ યોગ્ય નથી.
સરકારે પણ આ બાબતમાં સખતાઈથી વર્તવાની જરૂર છે. સિંહ કોઈ માલધારીની ભેંસને મારી નાંખે તો સરકાર વળતર આપે જ છે. હવે કોઈ સિંહને મરઘી ખવડાવી આવે તો એની પર સિંહની ‘ઓળખ’ની હત્યા કરવાના આરોપસર 5 લાખનો દંડ ફટકારી દેવો જોઈએ અથવા જો કોઈને આટલી નજીકથી સિંહને જોવાનો શોખ હોય તો એને ઝૂમાં સિંહના પાંજરામાં છોડી મૂકવો જોઈએ. પછી સિંહોને પણ એને નજીકથી ‘જોઈ લેવાની’ તક આપવી જોઈએ.
જનોઇવઢ : 3 સિંહોની આકૃતિ આપણું રાષ્ટ્રીયચિહ્ન છે, 3 કૂતરાંવાળું રાષ્ટ્રચિહ્ન ભારતને શોભશે નહીં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો