શુક્રવાર, 24 ઑગસ્ટ, 2018

દેવળદેવી : હારેલાઓના ઈતિહાસનું સત્ય કોણ તપાસશે?


  • પ્રકાશન તારીખ11 Jul 2018
‘ઈતિહાસકાર એવો બહેરો માણસ છે જે એવા પ્રશ્નોના જવાબ આપ્યા કરે છે જે તેને કોઈએ પૂછ્યા જ નથી’
- ટોલ્સ્ટોય
આપણે ઈતિહાસની બાબતમાં ઉદાસીન પ્રજા છીએ. આપણે ચિતા પર શરીર સળગાવી દઈએ છીએ એ અને એ વ્યક્તિના ઈતિહાસને રાખ કરી દઈએ છીએ. આપણો મધ્ય યુગીન ઈતિહાસ એ સત્યનો દસ્તાવેજ હોવાના બદલે વિજેતાઓની પ્રશસ્તિ વધુ છે. વર્ષો બાદ અન્ય કોઈ પ્રમાણ ઉપલબ્ધ નહીં હોવાથી આ ભાટાઈને જ ઈતિહાસ તરીકે સ્વીકારી લેવો પડે છે.
ઈતિહાસ વિજેતાઓની 
ઉપપત્ની છે તો હારેલાઓ 
માટે બેવફા પ્રેયસી છે
ઈતિહાસના સંખ્યાબંધ પાત્રોને મહેલોમાં કેદ કરી દેવાયા હતા અને પછી એમને એવા ચીતરી દેવાયા જે એ ક્યારેય હતા જ નહીં. ઈતિહાસમાં બોધ અન્યાય બોધ બની જાય છે. અલાઉદ્દીન ખિલજીના સમય અંગે ફરી વિવાદ શરૂ થયો છે. ગુજરાત માટે પણ એ રસપ્રદ છે. ગુજરાતના છેલ્લા હિંદુ રાજવી કરણ ઘેલાને હરાવનાર અલ્લાઉદ્દીન ખિલજી જ હતો. કરણ ઘેલાને હરાવનાર સેનાએ કરણ ઘેલાની પત્ની કમલાદેવીને તોહફા સ્વરૂપે ખિલજીને પેશ કરી અને ખિલજીએ એને પોતાની ત્રીજી પત્ની બનાવી લીધી. કમલાદેવીને દેવળદેવી નામની દીકરી હતી. ઈતિહાસની એક શાખા અનુસાર ખિલજીથી હારેલો કરણ ઘેલો દક્ષિણમાં જતો રહ્યો હતો અને એણે દેવગીરીમાં રાજ્યાશ્રય લીધો હતો. દેવળદેવી એની સાથે જ હતી. ખિલજીએ ત્યાં પણ સેના મોકલી અને દેવળદેવીને પોતાના પુત્ર ખિઝર ખાન સાથે પરણાવી દીધી. માતા-પુત્રીના વિજેતા બાપ-બેટાની સાથે લગ્ન કરી દેવાયા હતા. દેવળદેવીની યાતનાની તો હજુ શરૂઆત હતી.
ખિઝરને અેના ભાઈઅે હરાવ્યો અને દેવળને પોતાના હરમમાં દાખલ કરી. એ ભાઈને પણ અન્ય સેનાપતિએ હરાવ્યો અને દેવળદેવીને કબજે કરી લીધી! હરમ દર હરમ દેવળદેવી ફરતી રહી. ઈતિહાસ અેના વિશે કહાનીઓ ઘડતો રહ્યો અને પછી દેવળદેવી વિશે એકાએક મૌન થઈ ગયો.! દેવળદેવી જીવતી રહી એટલે એ ઈતિહાસની ઉપેક્ષાનું પાત્ર બની? જો એણે જોહર કર્યું હોત તો ખીલજીના ઈતિહાસકારો એના માટે શું લખત? દેવળદેવી હારેલાઓનો ઈતિહાસ છે. િવજેતાઓ એની સાથે ખિલવાડ કરતા રહે છે. દેવળદેવીના મનમાં શું ચાલતું હતું, એના વિશે ભાગ્યે જ ઈતિહાસમાં કશું લખાયું છે. કેટલાક ઈતિહાસકારોએ દેવળદેવી અને ખિઝર ખાનની પ્રેમકથા વિશે પણ લખ્યું છે. પણ સત્યના માઈક્રોસ્કોપમાં જુઓ તો આ પ્રેમકથાની ઘણી બાબત ગળે ઉતરે એવી નથી.

ઈતિહાસ વિજેતાઓની ઉપપત્ની છે તો હારેલાઓ માટે બેવફા પ્રેયસી છે. દેવળદેવી તો મધ્ય યુગીન હતી. પણ નાના સાહેબ પેશ્વાને તો માંડ બસો-ત્રણસો વર્ષ થયા છે. મરાઠાઓના એ રાજવીનું શું થયું એ વિશે અંગ્રેજી ઈતિહાસ મીંઢું મૌન પાળે છે. એના સાથીદાર અઝીમુલ્લા ખાનનું ખરેખર શું થયું એ વિશે ઈતિહાસ આધારભૂત રીતે કશું કહેતો નથી.

આપણો ઈતિહાસ ભાગ્યે જ સત્યની બાબતમાં ફૂલપ્રૂફ હોય છે. એમાંય મધ્યયુગીન ઈતિહાસ, દસ્તાવેજ બનવાને બદલે વિજેતાની પ્રશંસા બની રહેતો હોય છે. વર્ષો વીતતાં જાય છે અને દરબારી પ્રશંસાઓને જ ઈતિહાસમાં ખપાવી દેવાય છે. આપણા પૂર્વજોએ ગામે ગામ પાળિયા ઊભા કર્યા, ‘આપણને માથું કપાય અને ઘા લડે’માં જ રસ પડતો હતો. એક પણ પાળિયાની પાછળ, એ મરનાર કઈ લડાઈમાં અને કેવી રીતે મર્યો એ પણ કોતરી દેવાયું હોત તો આપણો ઈતિહાસ પણ પથ્થર કી લકીર બની ગયો હોત. અશોકના શિલાલેખો આજે, સદીઓ પછી પણ લગભગ યથાવત્ સચવાયેલા છે અને અશોકના શાસનની કહાની કહે છે. જે રાજવી બળવાના મૂળમાં હતો અેને શોધવા માટે, એના કુટુંબ કબીલાને શોધવા માટે અંગ્રેજોએ કદી જ રસ દાખવ્યો નહીં.
વર્ગ ખંડોમાં ભણાવાતી ચોપડી પર ભલે ઈતિહાસ લખેલું હોય પણ એ ચોપડાના બે પૂંઠા વચ્ચે ભરેલું બધું ઈતિહાસ હોતું નથી.
1857ના એ લોહિયાળ વર્ષ બાદ એ જાણે ધરતી પરથી અલોપ થઈ ગયા!
ત્રીજું ઉદાહરણ છે, સુભાષચંદ્ર બોઝનું, એમનું ખરેખર શું થયું એ વિશે ઈતિહાસમાં ભારે મતમતાંતર છે. આઝાદી બાદની સરકારોએ,(વાંચો નહેરૂએ) બોઝ વિશે જાણવાના પૂરતા પ્રયત્નો કર્યા જ નહોતા એવો આક્ષેપ ઘણાંએ કર્યો છે. ઈતિહાસની ‘લોકશાહી’ પણ જરા ન સમજાય એવી જ હોય છે.

વર્ગ ખંડોમાં ભણાવાતી ચોપડી પર ભલે ઈતિહાસ લખેલું હોય પણ એ ચોપડાના બે પૂંઠા વચ્ચે ભરેલું બધું ઈતિહાસ હોતું નથી. હારેલાઓનો પણ એક ઈતિહાસ હોય છે જે આંસુઓની શાહીથી લખાય છે અને હવા એને ભુંસી નાંખે છે.

જનોઈવઢ : આપણે ઈતિહાસ બનાવ્યો નથી ઈતિહાસે આપણને બનાવ્યા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો