- પ્રકાશન તારીખ06 Jun 2018

એસી કમરાઓમાં બેસીને ‘ડિસલાઇક’નું બટન દબાવવાથી રાજકારણીઓને ગલગલિયાં થઇ શકે,
ઘા ન વાગે |
જો કર્ણાટકમાં જે થઇ રહ્યું છે એ ખોટું છે તો સમજવું પડશે કે આ તો માત્ર ચિહ્્નો છે, ખરો રોગ તો બીજે કયાંક જ છે. ભાજપતરફીઓએ દલીલો કરી હતી જ કે આ બધું તો અમે કોંગ્રેસ પાસેથી જ શીખ્યા હતા. આ બાબતમાં થોડું તો થોડું સત્ય તો છે જ. કોંગેસના સમયમાં જે ઘટનાઓ બાબતે લોકોએ પ્રખર વિરોધ કર્યો એ ઘટનાઓ દોહરાવાઇ નહીં. ઇમરજન્સી આવી જ એક ઘટના હતી. જેમાં લોકશાહીને તડકે મૂકી દેવાઇ હતી. લોકોએ ઇમરજન્સીનો વિરોધ કર્યો, ભયંકર વિરોધ કર્યો. આ વિરોધની માત્રા એટલી પ્રચંડ હતી કે કોઇ રાજકીય પક્ષ ભવિષ્યમાં ફરી ક્યારેય પણ ઇમરજન્સી ડિકલેર કરવાની હિંમત જ ન કરે. ઇન્દિરા ગાંધીએ સત્તા ગુમાવવી પડી અને જનતા સરકાર તૂટી પડી ન હોત તો કદાચ ઇન્દિરાને બહુ લાંબો સમય સત્તાથી વંચિત રહેવું પડ્યું હોય. રાજકીય પક્ષો માટે આ એક કડવો અને શકિતશાળી બોધપાઠ હતો એટલે ફરી કોઇએ ઇમરજન્સીના વિકલ્પ તરફ વળીને જોયું પણ નહીં.
લોકો માટે જરૂરી એ છે કે જો તમને કંઇ ખોટું લાગતું હોય તો વિરોધ કરો, ન્યાયી વિરોધ કરો પણ એવો જબરજસ્ત વિરોધ કરો કે સત્તા લાલચુઓ એ દિશામાં વિચારવાનું પણ બંધ કરી દે. એ.સી.માં બેસીને સોશિયલ મીડિયા પર પોસ્ટ્સની લડાઇ કરવાથી કશું ન થઇ શકે. તમે જે સિદ્ધાંતમાં માનતા હોવ એને માટે મરી ફીટવાની તૈયારી રાખવી પડે. લાગે છે કે વિરોધમાં પણ આપણે સુંવાળા અને સુગાળવા થઇ ગયા છીએ. વિરોધ કરવાનું પણ જાણે આપણે ભૂલી ગયા છીએ. એ સમજવું પડશે કે એરકન્ડીશન્ડ કમરાઓમાં બેસીને ‘ડિસલાઇક’નું બટન દબાવવાથી રાજકારણીઓને ગલગલિયાં થઇ શકે ઘા ન વાગે. કર્ણાટકના નાટકમાં હીરો કોણ અને વિલન કોણ એ માટે તમારા મત ગમે તે હોઇ શકે પણ જો તમે માનતા હોવ કે કોઇએ કંઇક ખોટું કર્યું છે તો મેદાનમાં ઊતરી પડવું પડે, રસ્તા પર ઊતરી આવવું પડે.
ભારતીય લોકશાહીને સાચી રીતે ટકાવવી હોય તો કર્ણાટકમાંથી એ બોધ તો ચોક્કસ લેવો પડે કે આવી ઘટનાનું કે આ ઘટનાના કોઇ ભાગનું પુનરાવર્તન કયારેય ન થાય! રાજ્યપાલોની ભૂમિકા પર ફરી એકવાર સંશયનાં વાદળો ઘેરાયાં છે. ફરી સવાલ ઊઠયો છે કે રાજ્યપાલોની જરૂર જ શું છે? આમ પણ રાજ્યપાલો ભાગ્યે જ સ્વતંત્ર બુદ્ધિથી નિર્ણય લે છે, એ લોકો મોટે ભાગે દિલ્હીથી આવેલા આદેશોને આધારે જ નિયમોને તોડતા મરોડતા હોય છે. વજુભાઇ આ મણકામાં પહેલાં નથી અને છેલ્લા પણ નહીં હોય. આ પણ એક કોંગેસી પરંપરા છે અને ભાજપ આ ‘પરંપરા’ને આગળ વધારી રહ્યું હોય એમ જ લાગે છે.
આપણા રાજકારણીઓએ ઘણી ખરી બંધારણીય વ્યવસ્થાને તોડી મરોડી છે અથવા રબર સ્ટેમ્પ બનાવી દીધી છે. બંધારણ એ કોઇ આખરી આદેશ નથી, બંધારણમાં ફેરફાર થઇ શકે છે અને થયા જ છે. રાજ્યપાલ જેવી વ્યવસ્થાઓ હવે ધોળા હાથી જેવી બની ગઇ છે. આજના સંજોગોમાં આવી વ્યવસ્થાઓ કોઇ ચીજનું સોલ્યુશન લાવે છે કે સમસ્યા વધારી મૂકે છે એનો અભ્યાસ થવો જોઇએ. રાજ્યપાલોની નિમણૂક પણ ઘણી જ વિવાદાસ્પદ રીતે થાય છે. રાજ્યપાલ ભવનો વૃદ્ધાશ્રમ જેવાં કે નિવૃત્તિ ભવન જેવાં વધુ લાગે છે. રાજ્યપાલો જો માત્ર સત્તાપાલ બની રહેવાના હોય તો આ આખી વ્યવસ્થા જ તાકીદે સમાપ્ત કરી
દેવી જોઇએ.
લોકશાહીના ચારેય સ્તંભો ગંદા રાજકારણથી દૂર હોવા જોઇએ. અત્યારે સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યું છે કે રાજકારણીઓ ચારેય સ્તંભ પર હાવી થઇ ગયા છે. અગાઉ કોંગ્રેસીઓ ઇન્દિરાની સરમુખત્યારી વિશે ભારે વિરોધ કરતા હતા. અરે! નહેરુની કહેવાતી સરમુખત્યારી વિશેય અવાજ ઊઠયા હતા. મોદીની છાપ તો અગાઉથી જ સખત અને એરોગન્ટ માણસની હતી એટલે એમની છબી કોઇપણ રીતે મવાળ તો ગણી શકાય એમ નથી જ. કદાચ હવે આપણને સરમુખત્યારોની આદત પડી ગઇ છે! ફરક માત્ર એટલો જ રહી ગયો છે કે આપણને લોકશાહી ઢબે ચૂંટાયેલા સરમુખત્યારો જોઇએ છે. આપણા દેશની હાલત એવી છે કે જો ખરેખર સાચી લોકશાહી આવી જાય તો કેટલાંક લોકો શ્વાસ જ નહીં લઇ શકે! {
જનોઈવઢ: લોકોએ સરકારોથી નહીં બલ્કે સરકારોએ લોકોથી ડરવાની જરૂર છે. - એલન મૂર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો