- પ્રકાશન તારીખ25 Jun 2018

‘શિક્ષણ એ દુનિયાને બદલી નાખવાનું સૌથી શ્રેષ્ઠ હથિયાર છે’
- નેલ્સન મંડેલા
શિક્ષણ ક્ષેત્રે, કુરુક્ષેત્રે મહાભારતના જંગનાં મંડાણ થઈ ચૂક્યાં છે. એકતરફ શાળા સંચાલકોની સેના મરણિયા પ્રયાસો કરી રહી છે. વકીલ મહારથીઓ એમની સેનાની આગળ રહી સરકારની સેનાને હંફાવવાના ભારે પ્રયત્નો કરી રહ્યા છે. સરકારી સેના કાયદાનું હથિયાર હાથમાં હોવાથી પોતાની તાકાત પર મુસ્તાક છે જ્યારે વકીલ મહારથીઓ અધિકારોની ઢાલ વડે પ્રહારો ખાળી રહ્યા છે અને આ આખો જંગ જેના માટે ખેલાઈ રહ્યો છે એ વિદ્યાર્થી કાં તો મોબાઇલ ફોનમાં વ્યસ્ત છે અથવા પેટિયું રળવાની ચિંતામાં ત્રસ્ત છે.
તમારે ચંદ્રગુપ્તનું નિર્માણ કરવું હોય તો શિક્ષક ચાણક્ય જેવો હોવો જોઈએ અને દરેક ચાણક્યને અકિંચન રહેવાનો શોખ હોતો નથી એ સમજી લેવું પડે
|
શિક્ષણ બેશક પરવડે એવું હોવું જોઈએ પણ સવાલ એ છે કે આ બધી કથિત શૈક્ષણિક સંસ્થાઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતી હતી ત્યારે સરકારો શું કરતી હતી? સંખ્યાબંધ શૈક્ષણિક સંસ્થાઓનાં મૂળિયાં રાજકારણીઓને જ વીંટળાતા હોવાનું બહાર આવ્યું છે. શિક્ષણ એ ધંધો બની ગયું અને શિક્ષણ વિભાગ આંખો મીંચીને જોતો રહ્યો. વર્ષો સુધી આ ગાંધી-વૈદનું સહિયારું ચાલતું રહ્યું હતું. આ સરકારે શિક્ષણધામોમાંથી લક્ષ્મીના દુષ્પ્રભાવને ખાળવા માટે જે પ્રયત્નો હાથ ધર્યા છે એ પ્રશંસાને પાત્ર છે. સરકાર પાસે કાયદાનું અમોઘ શસ્ત્ર છે એટલે સરકાર ફી નિર્ધારણ કરીને જ રહેશે એ સ્પષ્ટ છે. સંચાલકોનું ખાસ કંઈ ઊપજવાનું નથી.
પડકાર માત્ર ફી નિર્ધારણનો નથી શિક્ષણનું સ્તર એ સૌથી મોટી સમસ્યા છે. શિક્ષણ સોંઘું કરવું જોઈએ પણ શિક્ષણનું સ્તર હલકું ન થાય તેનું હંમેશાં ધ્યાન રાખવું જોઈએ. ટેક્નોલોજી હંમેશાં માણસોનું અને ખાસ કરીને બાળકોને આકર્ષે છે. શિક્ષણમાં ટેક્નોલોજીનો વધુ ને વધુ પ્રયોગ બાળકોને ભણવા માટે વધુ ને વધુ પ્રેરિત કરી શકે છે.
જેટલી વધુ ફી હોય એટલું શિક્ષણ સારું એવો ખોટો ખ્યાલ વાલી નામના પ્રાણીના મગજમાં ઘુસાડી દેવામાં આવ્યો છે. વાસ્તવમાં ઘણી ફાઇવસ્ટાર શાળાઓમાં જે શિક્ષણ અપાય છે તેના કરતાં કેટલીક સારી સરકારી શાળાઓમાં શિક્ષણ ઘણી રીતે ચઢિયાતું છે. હા, શાળાઓ ઘણી વખત સ્વિમિંગ પુલ કે ઘોડેસવારી શિખવાડવા માટે તોતિંગ ફી પડાવી લેતી હોય છે. સરકારી શાળાઓમાં શિક્ષણ સસ્તું હોય છે, પણ એ માત્ર વિદ્યાર્થીઓ માટે. આપણને, કરદાતાઓ માથે એ શિક્ષણનો મોટો બોજો આવે છે. સામાન્ય રીતે મ્યુનિસિપલ સ્કૂલોમાં વિદ્યાર્થી દીઠ વાર્ષિક 30-35 હજાર ખર્ચ થતો હોય છે.
શિક્ષણને સ્તરીય બનાવવા માટે શિક્ષકો પણ સ્તરીય જોઈશે, રેંજીપેંજી પંતુજીઓથી કામ નહીં ચાલે. તમારે ચંદ્રગુપ્તનું નિર્માણ કરવું હશે તો શિક્ષક પણ ચાણક્ય જેવો જોઈશે અને દરેક ચાણક્યને અકિંચન રહેવાનો શોખ હોતો નથી એ પણ સમજી લેવું પડે.
શિક્ષકોનાં પગારધોરણો સુધર્યાં છે, પણ હજુ એ પૂરતાં નથી. લાયકાતવાળા શિક્ષકોને શ્રેષ્ઠ પગાર હોવો જોઈએ. આઇ. આઇ.એમ. જેવી સંસ્થાઓની શ્રેષ્ઠતા ટકી રહેવાનું એક કારણ એના શિક્ષકોની શ્રેષ્ઠતા પણ છે અને આવા શિક્ષકોને ઊંચો પગાર આપવો પડે છે.
એકવાર ફી નિર્ધારણ થઈ જાય પછી એક નિષ્પક્ષ સંસ્થા વડે શાળાઓની ગુણવત્તાની ચકાસણી થવી જોઈએ. અત્યારે માત્ર માઉથ પબ્લિસિટીથી કે પેઇડ પબ્લિસિટીથી શાળાઓ પોતાનાં ગુણગાન ગાયા કરે છે. વાસ્તવમાં કઈ શાળા ભણતરના મામલે કેટલી શ્રેષ્ઠ છે એ ક્યારેય ખબર પડતી નથી. સરવાળે વાલીઓને અને વિદ્યાર્થીઓને સહન કરવાનું આવે છે. વિદ્યાર્થીઓની જેમ સ્કૂલોનું મૂલ્યાંકન થાય તો જ શાળાઓમાં એક પ્રકારની સ્પર્ધાની ભાવના જન્મે અને ઉત્તરોત્તર શ્રેષ્ઠ વળતર આપવાની દિશામાં શાળાઓ આગળ વધે.
સરસ્વતી એ લક્ષ્મીની આશ્રિત નથી અને ના હોવી જોઈએ, પણ સરસ્વતીના ઉપાસકો લક્ષ્મીથી વંચિત ના રહેવા જોઈએ. વિદ્યાર્થીઓ માટે ઓછી ફીનો મતલબ શિક્ષકોને ઠન ઠન ગોપાલ રાખવો એવો હરગિજ થતો નથી.
જનોઈવઢ: ભાર વિનાનું ભણતર એટલે જવાબદારી વિનાનું ભણતર નહીં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો