શુક્રવાર, 24 ઑગસ્ટ, 2018

ન્યાયની દેવીએ આંખો ખોલવી પડશે


  • પ્રકાશન તારીખ08 Jun 2018
‘હું સત્યની સાથે છું, એ સત્ય કોણ બોલે છે એથી મને ફરક પડતો નથી. હું ન્યાયની સાથે છું, કોણ એની વિરુદ્ધ છે કે કોણ એની તરફેણમાં છે એથી ફરક પડતો નથી.’
- માલ્કમ એક્સ 
કોઈ વાર કલ્પના કરો કે આપણે ત્યાં ચુકાદા આવવામાં જેટલો સમય જાય છે એટલો સમય મતદાન પછી પરિણામો આવવામાં જાય તો શું થાય?
એ ક વાર એક યુવાનને પરણવાની ઇચ્છા થઈ. એને એક છોકરી પસંદ આવી ગઈ. એણે એની માને કહ્યું, મારે આ છોકરી સાથે પરણવું છે. માએ કહ્યું, બેટા એમ કંઈ જોયા-જાણ્યા વિના હું તને પરણવાની મંજૂરી ના આપું. માએ સંખ્યાબંધ લોકોને પૂછ્યું, એ છોકરીનો બે-ત્રણ વાર ‘ઇન્ટરવ્યૂ’ લીધો. આ બધી તરખડમાં ઘણો સમય પસાર થયો. અંતે માએ ફેંસલો આપ્યો. આ છોકરી આપણા કુળને છાજે એવી નથી. કોઈ પણ સંજોગોમાં એને વહુ બનાવી શકાય નહીં. દીકરો કેટલાય દિવસ સુધી નાસીપાસ થઈ ગયો. એક દિવસ એણે તક જોઈને પિતાને આખી 
વાત કહી.
પિતાએ કહ્યું, તારી માને આ વાતમાં શું સમજ પડે? હું જાતે જ તપાસ કરીશ. પિતાએ એ છોકરીના સંબંધીઓને એક પછી એક બોલાવવાનું શરૂ કર્યું. એમની સાથે એ છોકરીના ચાલ-ચલગત વિશે લાંબી-લાંબી ચર્ચાઓ કરી માહિતીઓ મેળવી. પછી પોતાના સંબંધીઓને બોલાવીને એ છોકરી વિશે અભિપ્રાય લેવાનું શરૂ કર્યું. એટલું ઓછું હોય એમ ફરી ત્રણ-ચાર વાર છોકરીને બોલાવી એની સાથે વાત કરી. આ બધી પળોજણમાં સમય વ્યતિત થતો હોઈ છોકરો અકળાઈ રહ્યો હતો. એની ઉંમર વધતી જતી હતી અને પેલી છોકરીને પણ બીજાં માગાં આવી રહ્યાં હતાં. એણે વારંવાર પિતાને જલ્દી નિર્ણય લેવા કહ્યું, પણ પિતા કુળના સન્માન માટે કોઈ બાંધછોડ કરવા તૈયાર નહોતા. આખરે બહુ જ લાંબા સમય બાદ એમણે નિર્ણય આપ્યો કે આ છોકરી આપણા કુળની વહુ બનવાને લાયક છે એટલે લગ્નમાં કોઈ હરકત નથી.
પિતાના આ નિર્ણયથી માતા નારાજ થઈ ગઈ. એણે સસરાને આખી વાત જણાવી. સસરાજીએ માતા અને પિતાને સામસામે બેસાડ્યાં. બંને પોતાની વાત રજૂ કરવા માંડ્યાં. વારંવાર વાત આડે પાટે જતી રહેતી.રોજ બપોરે બે કલાક દલીલબાજીઓ ચાલતી, પણ કોઈ ટસનું મસ થતું નહીં. જેમ જેમ સમય પસાર થતો હતો એમ પેલો યુવક વધુને વધુ અકળાતો હતો. એની રજૂઆતો તો કોઈ કાને ધરતું જ નહોતું. માતા અને પિતા તો પોતાની દલીલોની ખરાઈમાં જ વ્યસ્ત હતાં. દાદા કોઈને નારાજ કરવા માંગતા નહોતા એટલે સાંભળ્યા કરતા હતા. અંતે વર્ષો પછી દાદાએ ચુકાદો આપ્યો કે એ યુવક લગ્ન કરી શકે છે. યુવક હોંશભેર પેલી યુવતીના ઘરે વધામણી આપવા પહોંચ્યો. એણે જોયું કે એ યુવતીના માથે ધોળાં આવી ગયા હતા, એના લગ્ન થઈ ગયા હતા અને બે છોકરાં થઈ ગયા હતા. આઘાતની વાત એ હતી કે એ યુવતી પેલા છોકરાને લગભગ ભૂલી ચૂકી હતી. પેલા છોકરાના હાથમાં અફસોસ સિવાય કંઈ બાકી 
રહ્યું નહોતું.
લગભગ આવી જ સ્થિતિ આપણી ન્યાયવ્યવસ્થાની છે. એક કહેવત છે કે, ‘જસ્ટિસ ડિલેઇડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ.’ આપણે ત્યાં ન્યાય વહેલો આવી જાય તો આઘાત લાગી જાય એવી સ્થિતિ હોય છે. વર્ષો સુધી ન્યાયની પ્રક્રિયા ચાલ્યા જ કરે છે અને પરિણામ કંઈ જ આવતું નથી. અલબત્ત, આપણે ત્યાં આરોપીઓને ન્યાય પછી જે મળે છે એ ‘સજા’ હોતી નથી! ન્યાય થાય ત્યાં સુધી એટલે કે વર્ષો સુધી કોર્ટના ચક્કર કાપવા પડે છે એ જ મોટી સજારૂપ હોય છે.
અલબત્ત, આમાં ન્યાયના સિદ્ધાંતોનો કે અદાલતોનો કોઈ વાંક ભાગ્યે જ હોય છે. જેટલી ઝડપે કેસોની સંખ્યા વધે છે એટલી ઝડપથી અદાલતોની સંખ્યા વધતી નથી, આથી દરેક અદાલતમાં હજારો કેસોનો ભરાવો થઈ જાય છે અને ન્યાયની પ્રક્રિયા ધીમી ને ધીમી પડતી જાય છે.
કોઈકવાર કલ્પના કરો કે આપણે ત્યાં કેસોનો નિકાલ કરવામાં જેટલો સમય થાય છે એટલો સમય જો મતદાન બાદ પરિણામો આવવામાં થાય તો શું થાય? આપણે કરોડો લોકો માટે મતદાનની વ્યવસ્થા ગોઠવી શકીએ તો ન્યાય ઝડપી મળે એવી વ્યવસ્થા કેમ ગોઠવી શકતા નથી? આખરે ન્યાય એ ‘દાન’ નથી એ અધિકાર છે.
તાજેતરમાં નરોડા પાટિયા કેસમાં આવો જ અસહ્ય વિલંબ જોવા મળ્યો. 2002માં બનેલી ઘટનાના કેસનો ચુકાદો 16 વર્ષે આવ્યો અને હજુ તો આ હાઇકોર્ટનો ચુકાદો છે. હજુ સુપ્રીમ કોર્ટમાં કાયદાકીય લડાઈ લડાવાની બાકી છે. આ કેસમાં અંતિમ ન્યાય ક્યારે થશે એ તો કોઈ કહી શકે એમ નથી. આવી જ સ્થિતિ ઘણા બીજા કેસોની હોય છે. સરકાર ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરે છે, પણ સરકારનો ખુદનો ટ્રેક ફાસ્ટ હોતો નથી.
આટલા વિલંબ પછી જે ન્યાય મળે છે એને પણ ઘણા લોકો શંકાની નજરે જુએ છે. જો કોર્ટમાં સમયસર કેસો ચાલે અને ચુકાદાઓ મળી જાય તો ન્યાયની પવિત્રતા પણ જળવાઈ રહી શકે. દર વખતે આંખ પર પટ્ટી મારીને ચાલવાનું નથી. હવે તો ન્યાયની દેવીએ આંખો ખોલવી પડશે અને માત્ર તરાજુને આધારે નહીં, પણ સમયને આધારે ન્યાય તોળવો પડશે. {
જનોઇવઢ : જો તમારો હેતુ ન્યાય કરવાનો હોય તો સત્ય તમને ક્યારેય નુકસાન કરતું નથી.- મહાત્મા ગાંધી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો