- પ્રકાશન તારીખ25 Jun 2018

‘હું એની પર નજર નાખું છું અને મારી બાકીની આખી જિંદગી નજર સામે આવે છે.’
- અજ્ઞાત
- અજ્ઞાત
કોઈકે કહ્યું છે કે પ્રેમ એ નથી કે જેને તમારે શોધવો પડે છે, પ્રેમ એ છે કે જે તમને શોધી કાઢે છે. નરી આંખે જે તમને દેખાતું નથી એ દિલની આંખને દેખાઈ જાય છે. તકલીફ એ છે કે પ્રેમ થઈ ગયા પછી આપણે પ્રેમનું વિશ્લેષણ કરવામાં પડી જઈએ છીએ. વિશ્લેષણ કરવા માટે મગજ વાપરવું પડે છે, તર્કનાં ચશ્માં પહેરવાં પડે છે અને એક વાર તર્કનાં ચશ્માં પહેરી લો એટલે પ્રેમની મજા ખતમ થઈ જાય છે અને માત્ર શુષ્ક સમીકરણો રહી જાય છે. પ્રેમ દિલનું કાર્યક્ષેત્ર છે એને તર્કનું કુરુક્ષેત્ર બનાવવા જતાં પ્રેમ તૂટી જાય છે. ઓશોએ એક અદ્્ભુત વાક્ય કહેલું, બહતે જાઓ, તૈરો મત. પ્રેમ એફર્ટ્સની નહીં એફર્ટલેસ થવાની ચીજ છે. આનો મતલબ એમ નથી કે પ્રેમી માટે કંઈ ન કરવું, પણ જ્યારે પ્રેમી માટે કંઈક કરવામાં મજા આવવા માંડે ત્યારે એ આનંદ આપે, એ અર્થમાં પ્રેમ એફર્ટલેસ થવાની પ્રક્રિયા છે.
જ્યારે આંખોમાં શમણાંને સ્થાને સીસીટીવી ફિટ થઈ જાય ત્યારે પ્રેમનો અંત આવી ગયો છે એમ માનવું
|
સંખ્યાબંધ લોકો પોતાના વાડામાં પૂરવા ગાય કે ઘેટું શોધતા હોય એવી રીતે પ્રેમી કે પ્રેમિકાને શોધતા ફરે છે. મનને ઠીક લાગે એવું જોયું નથી કે વાડામાં પૂરવાના પેંતરા શરૂ થયા નથી! શિક્ષણ માટે કહેવાય છે કે સા વિદ્યા વિમુક્તયે. વિદ્યા એ છે જે મુક્તિ અપાવે છે. એ જ રીતે પ્રેમ એ છે કે જે મુક્તિ અપાવે. પ્રેમ એ શરીરનું કેદખાનું નથી. કેટલાં પ્રેમીઓ છાતી પર હાથ મૂકીને સાચું કહી શકે કે એમના મનમાં પ્રેમી કે પ્રેમિકા સિવાયની બીજી કોઈ વ્યક્તિનો ‘એવી રીતે’ ખ્યાલ આવ્યો જ નથી? બહુ અઘરું છે આ. જે સત્ય સામે આવશે એ તમારું સત્ય હશે, તમારા પ્રિય પાત્ર સાથે તમે વહેંચી નહીં શકો, વહેંચવું પણ નહીં જોઈએ.
હા, આમાં કોઈ પ્લેટોનિક લવની વાત નથી, એક્સ-રે જોઈને કોઈને પ્રેમ થતો નથી, દુનિયાનો કોઈ રેડિયોલોજિસ્ટ પણ કોઈનો એક્સ-રે જોઈને પ્રેમમાં પડ્યો હોય એવી માહિતી નથી. પ્રેમની બાબતમાં ચાર્વાકવાદી થઈ જવું જોઈએ. બેશક આઈ લવ યુ કહેવું સારું છે, પણ ક્યારેક ચોકલેટની ભેટ આપો તો પ્રેમને માઠું લાગી જતું નથી. ચોકલેટ ખાવી એ હોઠ અને જીભ વડે થતી બીજી શ્રેષ્ઠ પ્રક્રિયા છે, પહેલી કઈ છે એ બાબતે રિવરફ્રન્ટ પર કોઈ પણ જુવાનિયાને પૂછી લેવું, સાચો જવાબ મળશે. ભક્તિ નિરાકારને થઈ શકે નિરાકાસે પ્રેમ કરવો એ બહુ કઠિન છે. પ્રેમ એ શરીરનું કેદખાનું નથી એમ પ્રેમ એ શરીરની બાદબાકી પણ નથી. પ્રેમની અભિવ્યક્તિ શરીરનાં પ્રતીકો વગર કરવી શક્ય નથી, આંખો, સ્પર્શ, ઝુલ્ફાં આ બધું હટાવી લો તો પ્રેમને અભિવ્યક્ત કરવો જ લગભગ અશક્ય બની જાય.
પ્રેમ એટલે શું? આ સવાલ વારંવાર પૂછવામાં આવે છે. જવાબ સીધો અને તદ્દન સાદો છે, જે સંબંધમાં તમને ગમતું કરવાની આઝાદી મળે છે એ પ્રેમ છે અને જે વ્યક્તિ તમને ગમતું કરવાની આઝાદી આપે છે અેને સાચો પ્રેમી માનવો અને તમે જે વ્યક્તિને એને ગમતું બધું કરવાની આઝાદી આપો છો એને તમે પ્રેમ કરો છો એ માની લેવું. શાયરો ભલે કહે કે ગમતાનો કરીએ ગુલાલ, પણ આવા ‘ગમતા’ને સિંદૂર કરી લેવામાં પણ કોઈ હરકત ન આવે એવું સ્ત્રીવર્ગે માનવું! સામાન્ય રીતે જેને પ્રેમની વ્યાખ્યા ખબર ન હોય એ માણસ સાચો અને સફળ પ્રેમી હોઈ શકે છે, કારણ કે એ વ્યાખ્યાઓની મગજમારીમાં પડવાને બદલે દિલની અભિવ્યક્તિમાં વધુ વિશ્વાસ રાખતો હોય એવું બની શકે છે.
પ્રેમ અચીબ ચીજ હોય છે. હજાર ઝઘડાઓ પછી પણ જો તમે એકબીજાને ચીપકી રહેતા હો તો એ પ્રેમ હોઈ શકે છે. હા, કેટલાક ‘ઇગો’ જેવા નકામા પદાર્થોનો સંબંધમાં ભરાવો થયો હોય તો ઝઘડા થઈ શકે છે. તો પ્રેમ પૂરો થયો છે એમ ક્યારે માનવું? જ્યારે આંખોમાં શમણાંને સ્થાને સીસીટીવી ફિટ થઈ જાય ત્યારે માનવું કે પ્રેમનો અંત આવી ગયો છે.
પ્રેમ વર્તમાનમાં જીવવાનો કસબ છે, ગયેલી ક્ષણ ભૂતકાળ છે જે બદલાવાની નથી અને આવનારી ક્ષણ ભવિષ્ય છે જેની ઉપર તમારો કોઈ કાબૂ નથી. આ જે પસાર થઈ રહી છે એ ક્ષણને જીવી લેવાની કળા એ જ પ્રેમ છે. જે સતત આ રીતે ક્ષણ દર ક્ષણ પ્રેમમાં જીવતો રહે છે એનો પ્રેમ પણ જીવતો રહે છે. કેલેન્ડરો કોફિન જેવા હોય છે જે સતત વીતેલી ક્ષણોને દફન કરતા રહે છે.
અંતે પ્રેમ એક જ વાર થાય? પૂછો કૃષ્ણને, પૂછો રાધાને અને પૂછો 16,108 રાણીઓને. કૃષ્ણથી મોટો પ્રેમેશ્વર થવો મુશ્કેલ છે. કૃષ્ણે અર્જુનને માત્ર એકવાર ગીતા કહી છે, પણ ઘણી ગીતાઓના સવાલના જવાબ આખી જિંદગી આપતા રહ્યા છે. એ ભૂતકાળ અને વર્તમાનની ચિંતામાં બહુ પડતા નથી. એ ક્ષણમાં જીવે છે એટલે કૃષ્ણ છે. જો તમે ક્ષણે ક્ષણમાં પ્રેમ કરતા રહો છો તો પછી તમારે આ વેલેન્ટાઇન્સ ડેને યાદ કરવો નહીં પડે, યાદ રાખવો પણ નહીં પડે.
જનોઈવઢ : ચાલો આપણે એકબીજાને સ્મિતથી આવકારીઓ સ્મિત એ પ્રેમની શરૂઆત છે.
- મધર ટેરેસા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો