શુક્રવાર, 24 ઑગસ્ટ, 2018

આ બુક બંધ કરો દિમાગ ખૂલવા માંડશે


  • પ્રકાશન તારીખ16 Jun 2018
જો આપણે આ જ રીતે પ્રગતિ(?) કરતા રહ્યા તો વિશ્વભરમાં તો એક જ ધર્મ હશે, એક જ ભગવાન હશે અને એક જ દુ:ખ હશે અને તે હશે ઇન્ટરનેટ! ફેસબુકના ડેટા લીકના વિવાદ પછી ઇન્ટરનેટ પર ફરી પ્રાઇવસીની ફાલતુ ચર્ચાઅો શરૂ થઈ ગઈ છે. ફાલતુ ચર્ચાઓ... કારણ કે
ઇન્ટરનેટ જેટલો મોટો જાસૂસ બીજો એક પણ નથી. તે તમારી તમામ ઓનલાઇન બાબતો પર નજર રાખે જ છે
ઇન્ટરનેટ એક મોટા હમામ જેવું છે, નહાવાની પહેલી શરત છે કે તમે નિર્વસ્ત્ર હોવા જોઈએ. તમારે જો કંઈ છુપાવવા જેવું હોય તો તેને ઇન્ટરનેટ પર ક્યાંય પણ મૂકવું એ ચોરોના બજારમાં હીરાને ખુલ્લો મૂકવા જેવું છે. ઇન્ટરનેટ જેટલો મોટો જાસૂસ બીજો એક પણ નથી. તે તમારી તમામ ઓનલાઇન બાબતો પર નજર રાખે જ છે.

સૌથી મોટી વિચિત્રતા એ છે કે ઇન્ટરનેટ એકલતા અનુભવતા માણસો માટેનો સૌથી મોટો સહારો છે, પણ ઇન્ટરનેટ અને ડેટા કંપનીઓ માટે માણસ એ માણસ જ નથી, એ ક્યાં તો ટાર્ગેટ છે અથવા માર્કેટ છે. આ શાયલોક જેવા શાહુકારોની દુનિયા છે જેમાં માણસની લાગણીઓ કે ફોર ધેટ મેટર પ્રાઇવસીની કોઈ કિંમત નથી. સોશિયલ મીડિયા સાઇટ્સ ક્યારેય પણ દૂધે ધોયેલી હોતી નથી, હોઈ શકે નહીં. એવું જ જુદાં જુદાં સર્ચ એન્જિનોનું છે.
ગૂગલનું નામ ‘રામરોટી’ કે ‘ભંડારો’ નથી અને ઇન્ટરનેટ કોઈ ‘ધરમશાળા’ નથી એ હંમેશાં યાદ રાખવું. કહેવાય છે કે ‘નો લંચ ઇઝ ફ્રી લંચ’, જગતમાં કશું મફત મળતું નથી! ફેસબુક પૈસા નહીં ચાર્જ કરતી હોય પણ એ તમારી માહિતીની રોકડી કરતી હોય એમ બની શકે છે. લોકો સાથે કનેક્ટ થવાનો એકમાત્ર રસ્તો ઇન્ટરનેટ નથી. મિત્રની સાથે ઉત્સાહથી હેન્ડશેક કરો કે જોશ સાથે એને ભેટી પડો, ત્યારે જે લાગણીઓ પેદા થાય છે એ કમ્પ્યૂટરના સ્ક્રીન પર ઉપસતું ‘Hi’ પેદા નથી કરી શકતું.

કહે છે કે એવરીથિંગ ઇઝ ફેર ઇન વોર એન્ડ લવ, હવે યુદ્ધોનું સ્થાન ચૂંટણીઓએ લીધું છે. સત્તા મેળવવા માટે રાજકારણીઓ, (ભલે એ આપણા દેશના હોય કે બીજા દેશના હોય) ગમે તે હદે જતા અચકાતા નથી. એમના માટે ઇન્ટરનેટ પર મળતી તમારી માહિતી એ સૌથી સહેલું હથિયાર છે. તમારી સામેના સ્ક્રીન પર વીડિયોઝ, આર્ટિકલ્સ અને તસવીરોને પુશ કરીને તમારો મત બદલી શકાય છે એવી આ લોકોને ખબર પડી ગઈ છે.
માઓ ઝેદોંગે કહ્યું હતું, સત્તા બંદૂકની નળીમાંથી આવે છે. અમેરિકામાં આજે બંદૂકો કેટલાક મનોવિકૃત લોકોની વિકૃતિ પૂરી કરવા માટે જ કામમાં આવી રહી છે અને સત્તા... સત્તા કમ્પ્યૂટરના સ્ક્રીનમાંથી આવી રહી છે.
ભારતમાં ઇ.વી.એમ. પરની શંકાઓ હજુ ટળી નથી. વાત ગુપ્તતાની હોય ત્યારે મશીન પર ભરોસો કરી શકાતો નથી. માણસને માત્ર એક મોઢું હોય છે. ઇલેક્ટ્રોનિક મશીનને ઘણાં મોંઢાં હોવાની સંભાવના છે. એમાં પણ કોઈપણ નેટવર્ક સાથે કનેક્ટ થઈ શકતાં મશીનો પર ક્યારેય ભરોસો કરી શકાય જ નહીં. ઇલેક્ટ્રોનિક મશીન ઘણીવાર આપણે ડિલીટ કરેલો ડેટા પણ સંઘરી રાખતાં હોય છે અને આપણને ખબર પણ પડતી નથી.

ફેસબુકની મથરાવટી મેલી છે એનો બીજો એક પુરાવો પણ છે. યુરોપિયન યુનિયને ગયા વર્ષે જ ડેટા સંબંધી ગેરરીતિઓ બદલ 120 મિલિયન ડોલરનો દંડ ફટકાર્યો હતો. યુ.એ. ફેડરલ કમિશને 2011માં ચુકાદામાં નોંધ્યું હતું કે, ‘ફેસબુક પરની ઇન્ફર્મેશન પ્રાઇવેટ રાખવામાં આવે છે એવું કહીને ફેસબુકે તેના યૂઝર્સને ભરમાવ્યા હતા અને પછી યૂઝર્સની માહિતીને બીજાઓને આપી હતી અને જાહેરમાં મૂકી દીધી હતી.’ આ અવલોકન ઘણું કહી આપે છે. તો શું કરવું?
ઇન્ટરનેટથી ડિસકનેક્ટ થવું કે ફેસબુક ડિલીટ મારી દેવું? દેશના વ્યાપારની વાત કરીએ તો કેટલાક આંકડા બહુ ચોંકાવનારા છે. ફેસબુકે 19 બિલિયન ડોલરમાં વોટ્સટએપને ખરીદ્યું હતું. એ અગાઉ લગભગ એટલી જ રકમમાં ઇન્સ્ટ્રાગ્રામ ખરીદ્યું હતું. સાવ ફ્રીમાં મળતી આ સાઇટ માત્ર ‘નિર્દોષ’ જાહેર ખબરોથી જ આટલું કેવી રીતે કમાઈ શકે ? વળી, એડવર્ટાઇઝરો કે જે ખૂબ મોટી રકમ ખર્ચે છે એ આડેધડ જાહેર ખબરો આપે નહીં એ લોકોને માટે પોતાનું ટાર્ગેટ ગ્રૂપ જ અગત્યનું હોય છે. આથી એમના માટે સૌથી મોટી જરૂરિયાત ડેટાની હોય છે અને સ્વાભાવિક જ આ ડેટા ફેસબુક જ આપી શકે. કેટલાક માટે આ બંને સૂચન હિસ્ટેરિકલ સાઇકોલોજિકલ એટેક લાવી શકે છે. આમ જુઓ તો રસ્તો સાદો છે, જે ગુપ્ત રાખવું છે એ કદી શેર જ ના કરો અને બીજું કે બધી ચોપડીઓ જ્ઞાનની જ હોય એવું જરૂરી નથી. કેટલીક ‘બુક્સ’ બંધ કરી દો તો પણ ઘણું જ્ઞાન મળી શકે છે.

જનોઈવઢ: દરેક નવી વ્યક્તિ ઇન્ટરનેટનું કનેક્શન લે છે તે સાથે જ એક નવી રોજગારીનું સર્જન થાય છે. એટલે સૈદ્ધાંતિક રીતે દેશની અને વિશ્વની દરેક વ્યક્તિ પાસે ઇન્ટરનેટ કનેક્શન હોય અે વૈશ્વિક અગ્રતા હોવી જોઈએ.
- માર્ક ઝુકરબર્ગ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો