- પ્રકાશન તારીખ18 Jul 2018

ભારત ખેતીપ્રધાન દેશ છે એ વિધાન ખોટું છે, ભારત એ અફવાપ્રધાન દેશ છે. આપણને અફવા સાંભળવી ગમે છે, વાંચવી ગમે છે અને સૌથી વધુ ફોરવર્ડ કરી દેવાનું ગમે છે. તાજેતરમાં જ ‘એક ટોળકી બાળકો ઉપાડવા આવે છે’ની અફવા ફેલાવવામાં આવી અને સંખ્યાબંધ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા પડ્યા. તથ્યોને ચેક કરવા એ આપણી રાષ્ટ્રીય પ્રકૃતિનો હિસ્સો જ નથી. આપણા માટે વાત જેટલી સેન્સેશનલ હોય એટલી જ વધુ માનવાલાયક હોય છે. ખરેખર તો વાત સત્ય છે કે નહીં એની આપણે ચકાસણી કરતા જ નથી. એ વાત આપણને ગમતી હોવી જોઈએ, ગમતી વાત ગમે તેટલી સત્યથી દૂર હોય આપણને એ શ્રેષ્ઠ જ લાગે છે.
કહેવાતા બુદ્ધિજીવીઓના વોટ્સએપ ગ્રૂપમાં જેટલી અફવાઓ ફેલાવાય છે એટલી આમઆદમીના ગ્રૂપમાં નથી હોતી
|
અફવાઓની સાથે એક બીજી પણ વિચિત્ર બાબત જોડાયેલી છે. જ્યારે તમે કોઈ અફવા કે સાવ ખોટી વાત બીજાને ફોરવર્ડ કરો છો ત્યારે તમે પોતાની જાતને એની સાથે જોડી દો છો. બીજા, ત્રીજાને, ચોથાને એમ જ્યારે અફવા વારંવાર વધુ ને વધુ લોકો સુધી ફોરવર્ડ કરવા માંડે ત્યારે અફવાની એક મલ્ટિલેવલ ચેઇન શરૂ થઈ જાય છે. હિટલરના સાથીદાર ગોબેલ્સે કહેલું, ‘જૂઠું વારંવાર બોલો એ સત્ય થઈ જશે.’ જર્મનીની તો ખબર નથી, પણ ભારતમાં તો આ શતપ્રતિશત સત્ય છે. અહીં 10 જણને મળેલી અફવા પથ્થરની રેખા જેટલું જ અમિટ સત્ય બની જાય છે. ભણેલા અને બુદ્ધિજીવીઓ આવી ધડમાથા વગરની અફવાઓને ફેલાવવામાં પાશવી આનંદ લેતા હોય છે.
સત્યની ચકાસણી કરવા માટે બુદ્ધિજીવીઓ અને કહેવાતા કર્મશીલો તસુભાર સમય નહીં વેડફવા માટે જાણીતા છે. કહેવાતા બુદ્ધિજીવીઓના વોટ્સએપ ગ્રૂપમાં જેટલી અફવાઓ ફેલાવાય છે એટલી આમઆદમીના ગ્રૂપમાં નથી હોતી. અફવા ફેલાવવી એ બુદ્ધિજીવીઓનો અબાધિત અધિકાર છે! હા, એમની અફવાઓ પરથી કોઈ કોઈની હત્યા કરવા જતું નથી! એમની અફવાઓ જરા જુદા કિસમની હોય છે. કેટલાક બુદ્ધિજીવીઓ ખાસ મહેનત કરીને, ઘણું બધું રિસર્ચ કરીને અફવાઓનો ગ્રંથ લખે છે અને તેને ઇતિહાસના પુસ્તક તરીકે ખપાવી દે છે.
ખરેખર તો ભણેલા ત્યારે જ કહેવાઓ જ્યારે તમે દરેક અફવાને ચેલેન્જ કરતા હોવ, સત્યને માટે સતત ચકાસણી કરતા હોવ. બાકી તમને કેટલી ડિગ્રીઓ મળેલી છે તેનો કોઈ મતલબ જ નથી અને હંમેશાં યાદ રાખવું કેટલાક નામચીન લોકો જ્યારે આંકડાઓને ટાંકીને કોઈ વાત કહે ત્યારે એમાં સત્ય ઓછું અને અફવા વધુ હોવાની સંભાવના છે. સૌથી વિચિત્ર બાબત એ છે કે જ્યારે તમે આવી કોઈ અફવાને પડકારો કે એમાંથી સત્ય શોધવાની કોશિશ કરો ત્યારે અફવાની આખી મલ્ટિલેવલ ચેઇન જાતજાતની દલીલો લઈને તમને ખોટા સાબિત કરવા મેદાને પડી જાય છે. તમને ‘જમણેરી’, ‘ડાબેરી’, ‘ભક્ત’ કે પછી ‘વિભક્ત’ જેવાં લેબલ લગાડી દેવાય છે.
અફવાબાજોની એક નવી પણ અત્યંત ભયાનક ગેંગ ઊભી થઈ છે. જેમણે પોતાને ગમતા મહાપુરુષો વિશે અાત્યંતિક અને નહીં ગમતા મહાપુરુષો વિશે અત્યંત નીચ કક્ષાની અફવાઓ ફેલાવવામાં કંઈ બાકી રાખ્યું નથી.
|
અફવાનો વધુ સગવડિયો પ્રકાર છે અર્થઘટન! અર્થઘટન એટલે આપણને ગમતો અર્થ કાઢીને એ સો-બસો લોકો સુધી પહોંચાડી, એમની બુદ્ધિને ભ્રષ્ટ કરવાના યથાશક્તિ પ્રયત્નો કરવા. ઘટનાને જેમ છે તેમ જોવાના બદલે જાતજાતના અર્થઘટન કરવા એ સત્યની હિંસા જ છે. રાજકીય પક્ષો આપણા અફવાપ્રેમને સમજી ગયા છે. એમણે અફવાઓ ફેલાવવા માટે ચુનંદા, તાલીમબદ્ધ માણસોની એક આખી ફોજ ઊભી કરી છે જેને ‘આઇટી સેલ’ જેવું રૂપકડું નામ આપ્યું છે. ખરેખર આ સેલનું નામ અફવા સેલ જ રાખવું જોઈએ. ઈ.સ. 2019ની ચૂંટણીઓ સુધીમાં આ અફવા સેલ એટલી ભયાનક રીતે કામ કરશે કે એકવાર ઘાસની ગંજીમાં સોય જડી આવશે, પણ આ ફોરવર્ડેડ પોસ્ટ્સમાંથી સત્ય નહીં જ મળે. આમ પણ સત્યને ખતમ કરવા જતાં અફવાઓનો જન્મ કરાવાતો હોય છે.
અફવાબાજોની એક નવી પણ અત્યંત ભયાનક ગેંગ ઊભી થઈ છે. જેમણે પોતાને ગમતા મહાપુરુષો વિશે અાત્યંતિક અને નહીં ગમતા મહાપુરુષો વિશે અત્યંત નીચ કક્ષાની અફવાઓ ફેલાવવામાં કંઈ બાકી રાખ્યું નથી. નાનપણમાં ખપાટિયાંના બેટ વડે રમતાં-રમતાં એક ‘જાણકાર’ કહેતો કે એક વાર જામ રણજીએ 7 દિવસ સુધી બેટિંગ કરી હતી, પણ વિશ્વનો કોઈ બોલર એમને આઉટ કરી શક્યો નહોતો! હવે આ ‘જાણકારો’ પોતાને ‘અભ્યાસુ’ ગણાવે છે.
આવા અભ્યાસુઓને વીરપુરુષો હતા તે કરતાં વધુ વીર લાગે છે, વિદ્વાન પુરુષો હતા તે કરતાં ક્યાંય વધુ વિદ્વાન લાગે છે અને રાજ્યકર્તાઓ હતા તેના કરતાં ક્યાંય વધુ અસરકારક લાગે છે.
જનોઈવઢ : અફવા વડે, અફવાથી, અફવા માટે જીવતા લોકો લોકશાહીનું ઘોર કલંક છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો