બુધવાર, 14 નવેમ્બર, 2012


રિપોટર્સ ડાયરી-

ત્રણ કૂતરાં, બે ગાયો, એક કુતૂહલવશ આમ તેમ જોતો યુવક, એક મૌલવી, બે નમાજી અને ભૂતાવળસમાં કેટલાંક ઝાડ... ગુલબર્ગ સોસાયટીમાં જીવનના નામે કુલ આટલું જ બચ્યું છે. દસ વર્ષ પહેલાં ૨૯ બંગલા અને દસ એપાર્ટમેન્ટની આ સોસાયટીમાં સો-દોઢસો લોકોનો વસવાટ હતો.

આજે ઘરો-ખંડેરો મૌન છે, પાંદડાં પણ હાલતાં નથી. કૂતરાં અજાણ્યાઓ જોઈને ભસે છે અને પછી શાંત થઈ જાય છે. બે ગાયો નિરાંત જીવે કશુંક વાગોળી રહી છે પણ અહીંનો ભૂતકાળ વાગોળવા જેવો નથી. એક સમયે જે રસ્તા પર ક્રૂરતાએ નગ્ન નાચ કર્યો હતો, જે દીવાલો પર મરણચીસોએ અસહાય બનીને માથા અફાળ્યાં હતાં એ દીવાલો વચ્ચે- એ રસ્તાઓ પર ચાલતાં કમકમાટી થઈ આવે છે. પગ કશાકને અથડાય છે અને કોઈ લાશને અડક્યાનું માનીને છળી જવાય છે. ઘરોમાં કશું નથી. કાળી પડી ગયેલી દીવાલો, તૂટેલી ફરસ અને ઊખડી ગયેલી છતો. માનવતાનું મૃત્યુ અહીં દરેક જગ્યાએ છપાઈ ગયેલું છે. રસોડાના, બાથરૂમના ગ્લેઝ્ડ ટાઇલ્સ પણ ઊખડી ગયેલા છે. શાયદ અહીં જે બન્યું એનું પ્રતિબિંબ પણ ભયાવહ હશે.

અહેસાન જાફરીના ઘરના ઉપરના માળે જઈ શકાતું નથી. જાળીનો નકૂચો સાવ વાળી દેવાયો છે- તદ્દન ન ખૂલે એવો. શા માટે ? ગુલબર્ગ ઘણા સવાલો કરે છે, દસ વર્ષ પછી પણ જવાબ મળતા નથી.

શાંત... તદ્દન શાંત રહો તો શાંતિને ચીરતો અહેસાન જાફરીની બંદૂકનો અવાજ સંભળાય છે અને પછી સંભળાય છે એક્સામટા હજારો અવાજો અને એમાં દબાઈ જતી ચીસો. અહીંની શાંતિ પણ અસહ્ય છે, અસહાય છે. અહીં જે કાંઈ બન્યું એનાં કારણો આપવા આસાન છે પણ બચાવ કરવો મુશ્કેલ છે.

એક પછી એક ઘરમાં માત્ર ખાલીપો છે. અહીં લાગેલી આગનાં ચિહ્નો દરેક સ્થળે સ્પષ્ટ છે. બારસાખ અને બારીઓ માત્ર કોલસો બનીને રહી ગયાં છે. એક ઘરમાં દાદરની નીચે આવા કોલસાથી કોઈએ ‘ઓમ’ દોર્યો છે અને મોર ચિતર્યો છે. સુંદરતાનું પ્રતીક આવા સ્થળે જુગુપ્સા વર્તાવે છે. ગુલબર્ગ વિરોધાભાસો અને સમાનતાનું પ્રતીક બની ગઈ છે. ગુલબર્ગની બહારના રસ્તા પર એક પોલીસવાળો બંદૂકને ખોળામાં મૂકી ખુરશીમાં બેઠો છે, ચોકી કરવા. દસ વર્ષ બાદ પણ પોલીસ ગુલબર્ગની સરહદથી દૂર છે. ગુલબર્ગ અને બહારની દુનિયા વચ્ચે એક દીવાલ હજુ છે, બહારની ચહલપહલ અને અંદરની સ્મશાનવત્ શાંતિને જુદી પાડતી દીવાલ. દીવાલની પેલી તરફ સહેજ આગળ એક સ્કૂલ છે, જ્યાં યાદ રાખવા જેવું ઘણું શિખવાડાય છે. ગુલબર્ગ ક્યારેય ભૂલી ન શકાય તેવા પાઠ ભણાવે છે. દસ વર્ષ થઈ ગયાં, આ દીવાલ આજેય ભેદ અકબંધ રાખે છે.

અહીંની દીવાલો પરની કાળાશ પર હાથ ફેરવું છું તો હાથ કાળા થાય છે. દીવાલની કાળાશ ઓછી થતી નથી. હાથ વધુ જોરથી ઘસું છું તો હાથ વધુ કાળા થાય છે. દીવાલની કાળાશ સહેજેય ઘટતી નથી. માનવતા આ કાળાશને કેવી રીતે ધોશે ? ગુલબર્ગ સંખ્યાબંધ સવાલો કરે છે, પરંતુ દસ વર્ષ બાદ પણ જવાબો મળતા નથી.

ગુલબર્ગકાંડ: એ બધું જે તમે જાણવા માંગો છો

સોમવાર, 27 ઑગસ્ટ, 2012

એક્સરસાઈઝ બ્રેઝન ચેરીયટ 1


  એક્સરસાઈઝ બ્રેઝન ચેરીયટ 1
 પ્રકરણ-1



ભારતીય સેનાના કમાન્ડો એક મૂછાળા આધેડ સામે મશીનગન ધરે છે અને બે સેન્કડમાં ચાળણીની જેમ વીંધાયેલો આદમી ઢળી પડે છે. ભારતની ટોચની ખૂફિયા સંસ્થા ‘રૉ’ના વડાનો ચહેરો સ્ક્રીન પર ઝળકે છે અને કહે છે, ‘ઓપરેશન સુલતાન’ ઓવર. કરાચીની ડિફેન્સ કોલોનીમાંનાં પોશ મકાનોમાં કેટલીક બત્તીઓ સળગે છે, કેટલાક સંત્રીઓ દોડ્યા છે. એક મકાનમાં કંઈક ઘમાસાણ મચ્યું હોવાનું લાગતાં એ લોકો એ તરફ દોડે છે, ત્યાં સુધીમાં તો કમાન્ડોનું હેલિકોપ્ટર એ મકાન ઉપરથી ઊડી ચૂક્યું છે. ઊંઘમાંથી હમણાં જ જાગેલા પાકિસ્તાની જનરલો અને સદાને માટે મોતની સોડમાં સૂઈ ગયેલા દાઉદ શેઠ ઉર્ફે દાઉદ ઈબ્રાહીમ પાછળ રહી ગયા છે.

દિલ્હીમાં સ્ક્રીન પર રૉના વડા કહી રહ્યા છે, ‘ઓપરેશન સુલતાન ઓવર’ અને એમના શબ્દો પૂરા થાય એ પહેલાં ચીફ ઓફ આર્મી સ્ટાફ કહે છે, ‘સર.... વી આર રેડી.’ આ સ્પષ્ટ ઈશારો છે ઓર્ડર માટેનો. ભારતીય સેનાની એક ચુનંદી ટુકડી તૈયાર છે. હુમલો કરવાને સફેદ વસ્ત્રોમાં સજજ વ્યક્તિ રૂમમાં હાજર એકમાત્ર મહિલા સામે જુએ છે અને પછી ચીફ ઓફ આર્મી સ્ટાફને કહે છે, ‘ઓ.કે. ગો અહેડ’ અને પછી શરૂ થાય છે ‘ઓપરેશન કોલ્ડ સ્ટાર્ટ..’ 

ઓપરેશન  ‘કોલ્ડ સ્ટાર્ટ’ શું છે?

ભારતીય સેનાના સૌથી મહત્વાકાંક્ષી પ્લાનનો અમલ, પાકિસ્તાન કોઈ હરક્ત કરે તે પહેલાં જ તેને પાંગળું કરી દેવાનું ઓપરેશન. દાઉદ ઈબ્રાહીમના ઓસામા જેવા હાલ કરવાનો આ સિનારિયો ભલે કાલ્પનિક હોય, પરંતુ ભારતીય સેનાની ત્રણેય પાંખોની પાકિસ્તાનને ઊંઘતાં જ માત આપવાની તૈયારી વાસ્તવિક છે. ભારતીય લશ્કરના સૌથી અસરકારક ડોકટ્રાઇન કોલ્ડ સ્ટાર્ટને સમજવા ઈતિહાસમાં પાછળ જવું પડે તેમ છે.

સંસદ પર હુમલા વખતે ભારતીય આર્મીએ વળતો જવાબ આપવા 72 કલાક માંગ્યા હતા!

૧૩મી ડિસેમ્બર ૨૦૦૧માં જ્યારે ભારતીય સંસદ પર હુમલો થયો ત્યારે પાકિસ્તાન પર આક્રમણ કરવાની ગંભીર વિચારણા થઈ હતી અને લશ્કરને સાબદું કરાયું હતું, પરંતુ સામાન્ય રીતે લશ્કર સરહદે નહીં પણ બેરેકસમાં રહે છે. તેને ફુલફ્લેજડ વોર માટે મોબિલાઇÍડ થવામાં ઘણો સમય લાગે છે. વળી હુમલો પાકિસ્તાનમાંથી માસ્ટર માઇન્ડ થયો હવાથી આમેય પાકિસ્તાન સતર્ક હતું. આથી લશ્કરના વડાએ ૭૨ કલાકનો સમય માગ્યો, જે એમની મજબૂરી હતી. દિલ્હીના સત્તાધીશોએ આટલો સમય આપવો જ પડે એમ હતું અને એમણે આ આપ્યો. ગ્રહો પાકિસ્તાનને સાથ આપી રહ્યા હતા. ભારત એ સમયે અને ત્રાસવાદ જેવા સંવેદનશીલ મુદ્દે પાકિસ્તાન પર હુમલો કરી દે તો અમેરિકા કફોડી સ્થિતિમાં મુકાય એમ હતું. એને ‘અફઘાન થિયેટર’ માટે હજુ પાકિસ્તાનની જરૂર હતી. વ્હાઇટ હાઉસનો સફેદ રંગ શાંતિનો રંગ બનીને ઉતરી આવ્યો, ભારતના સત્તાધીશોને યુદ્ધ ન કરવા ‘સમજાવી’ દેવાયા. યુદ્ધ ટળી ગયું.

...કંઈક આવી રીતે ‘બ્રેઝન ચેરિયટ’ની શરૂઆત થઈ હતી

આ યુદ્ધ રાજનેતાઓ માટે ટળ્યું પણ આ ઘટનાક્રમે ભારતીય લશ્કરના ચાણકયોને વિચારતા કરી દીધા. ફરી આવું બને તો શું કરવું ? આપણા પર ફરી ત્રાસવાદી હુમલો થાય તો શું કરવું ? અથવા આપણે કોઈ ‘સ્ટ્રેટેજિક સ્ટ્રાઇક’ (પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલતા ત્રાસવાદી કેમ્પો ઉડાવી દેવાની કે દાઉદને કરાચીમાં જ ઉડાવી દેવા જેવી કોઈ કાર્યવાહી) કરવી પડે અને એકાએક યુદ્ધ છેડાય તો શું કરવું? ભારતીય સેનાએ આનો જવાબ શોધ્યો ડોક્ટ્રાઇન ‘કોલ્ડ સ્ટાર્ટ’માં. પાંચ-છ વર્ષની મથામણ બાદ આ ડોકટ્રાઇને આકાર લીધો અને માર્ચ-૨૦૦૮માં ‘એક્સરસાઇઝ બ્રેઝન ચેરિયટ’ના નામે પોખરણના રણમાં ભારતીય સેનાની સંહારક ક્ષમતાને ચકાસવામાં આવી.

પાકિસ્તાન આંગળી પણ હલાવે એ પહેલાં એનો હાથ કાપવા ભારતીય સેના કેવી રીતે સજજ હતી? જમીન પર ભયાનક વિધ્વંસક ટી-૯૦ ટેન્કોની સાથે કેવી રીતે તાલમેલ રાખી આકાશમાંથી મોત વરસાવતાં હતાં સુખોઈ ૩૦ ? નિશાના પર અચૂક ગોળા ઝીંકતી ૧૫૫ એમ.એમ. હોવિત્ઝર ‘બોફોર્સ’ કેવી રીતે હીટ એન્ડ રન ટેક્નિક અજમાવતી હતી અને લશ્કરના કમાન્ડોઝ કેવી રીતે વિવિધ સ્થળે સર્જિકલ સ્ટ્રાઇક’ કરતા હતા.

અમદાવાદીઓના ટોપ ટેન




અમદાવાદીઓના મિજાજ અને રંગ ખૂબ અનોખા છે. પ્રત્યેક અમદાવાદી તેના માટે જગજાણીતા છે આવો જાણીએ શહેરની ટોપટેન વાતો...

સાબરમતી

સાબર અને હાથમતીના મિશ્રણથી બનેલી ‘અરવલ્લી પુત્રી’ અમદાવાદને બે ભાગમાં ચીરી નાખે છે. વર્ષોસુધી અહીંના લોકો એમ માનતા હતા કે અમદાવાદના બ્રિજ તો ભૂલથી બનાવી દેવાયા છે, પાણી તો છે નહીં, પછી બ્રિજ શું કામ બાંઘ્યા? હાલમાં નર્મદાના વાટકી વ્યવહારથી સાબરમતી હરીભરી રહે છે. આ નદીનાં પાણીમાં કંઈક તો છે એ ચોક્કસ. નહિતર પોચટ ગણાતી વણિક કોમનો સાંઠીમાં પહોંચેલો વૃઘ્ધ, નામે મોહનદાસ સાબરમતીના કિનારેથી ‘હકૂમતે બરતાનિયા’ને ધ્રુજાવતી ત્રાડ પાડી શકત ખરો? કહે છે કે જેણે સાબરમતીનું પાણી પીધું હોય એ કોઈથી ગાંજયો જાય નહીં. ‘રિલાયન્સ’ રેવોલ્યુએશનના ધીરુભાઈથી માંડીને નિરમા નરેશ કરસનભાઈ સુધી કયાંકને કયાંક પ્રગટતી સાબરમતી તેનું પ્રૂફ છે.

રથયાત્રા

પુરીની રથયાત્રા કરતાં સાવ જુદા જ કારણથી અમદાવાદની રથયાત્રા જગવિખ્યાત છે. હવે તો એ ભક્તિપર્વ કરતાં ‘વીરતા’નું પર્વ વધુ છે. વર્ષમાં એક વાર બલભદ્ર અને સુભદ્રા સાથે ત્રણ રથો, સંખ્યાબંધ ટ્રકો અને અખાડાઓ, ભજનમંડળીઓ અને ભાવિકો સાથે શહેર યાત્રાએ નીકળતા ભગવાન જગન્નાથને જોવા એ ખરેખર લહાવો છે. રથયાત્રા દરમિયાન ભગવાનને મળવાનો ભક્તજનોને જેટલો ઊમળકો હોય છે એટલું જ શુરાતન અહીંના જાંબાઝો અને ‘ખાંસાહેબો’ને ચઢી આવે છે. રથયાત્રા ભલે ૧૩ કિલોમીટરના દાયરામાં સમાપ્ત થઈ જાય છે પણ એની અસરો ગાંધીનગર સુધી પહોંચે છે અને ગુજરાતના એક બે નાથની સિંહાસનથી ઘરભણીની યાત્રાનાં મૂળ રથયાત્રામાં રહેલાં હોવાનું કહેવાય છે.

ઉત્તરાયણ

પતંગ-માંજાનો સોથ વાળી દેવામાં ભલે સુરતીઓ માથું ઊંચું રાખીને ફરતા હોય, ઉત્તરાયણતો અમદાવાદની જ. એક કોડી પતંગમાં પણ વટ રાખનારા ‘પતંગ બહાદૂરોથી માંડીને વીસ - વીસ કોડી પતંગ ઉડાવી નાખનારા ‘ઉસ્તાદો’ અમદાવાદના આસમાનમાં આસાનીથી સમાઈ જાય છે. અહીંના લોકોને પતંગ ચઢાવવા જેટલી જ મજા પતંગ પકડવામાં પણ આવે છે. રાત્રે ટોટલ મારતી વખતે નવજવાનિયાઓને કૌતુક એ વાતનું હોય છે, કોણે કેટલા પતંગ પકડયા? માંડમાંડ ધાબા પર ચઢેલી અદોદળી ગૃહિણીઓ પણ કપાઈને જઈ રહેલા પતંગને પકડવામાં જે ચપળતાનું કૌશલ્ય દાખવે છે તે જૉઈને એરોબિકસ અંગનાઓ પણ શરમાઈ જાય. અમદાવાદીઓ કશું ગુમાવવામાં માનતા નથી. સેંકડો લોકો ઉત્તરાયણે દિવસભર પતંગ ઉડાવે છતાં રાત્રે તેમના જથ્થામાં કુલ નંગ પતંગ વઘ્યા હોય એમ પણ બને છે!

રમખાણો

વિશાળ શહેરના કેટલાક નાનકડા ભાગોમાં થતાં રમખાણોએ આ શહેરને કુખ્યાત બનાવી દીધું છે. નવનિર્માણ હોય કે ગોધરાકાંડ અમદાવાદનાં રમખાણો હંમેશાં ‘યુનિક’ રહ્યાં છે. શહેરની સંવેદનશીલતા અને ઝનૂનનું રેડી ટુ એકસપ્લોડ મિશ્રણ રમખાણોનો કાચો માલ છે. શાકમાર્કેટમાં ભડકેલી ગાય કે દૂરસુદરના દેશના ક્રિકેટના ગ્રાઉન્ડમાં ભારતનો વિજય અમદાવાદમાં મોતનું કારણ બની શકે છે. ક્યારેક તો નાના છોકરાઓની પતંગબાજી પણ એકાદ કલાકમાં ખંજરબાજી રૂપે રસ્તાઓ પર ઊતરતી દેખાય છે. રમખાણોનું આગવું ‘અર્થશાસ્ત્ર’ અને રાજયશાસ્ત્ર છે. રમખાણોની જે બાબત વિશે નાના છોકરાઓને ખબર હોય છે તે બાબત વિશે ગાંધીનગરના મોટેરાઓને કાંઈ જ ખબર હોતી નથી, એ ઉઘાડું રહસ્ય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે અમદાવાદ ‘શાંત’ છે, બહારની દુનિયા માને છે તેના કરતા વધુ શાંત.

બે અડધી ચા

રસ્તા પર પડેલું ઇંડું ફૂ઼ટીને આમલેટ બની જાય એવી ૪૫ ડિગ્રી ગરમીમાં શેકાતા અમદાવાદીઓ જીભ દઝાડે એવી કડક મીઠી ચા પીવાના બંધાણી છે પરંતું ચા કેટલી પીવાની? બે ઘૂંટડા જેટલી. અન્ય શહેરના લોકો અમદાવાદીઓની ગણતરીબાજ ‘બે અડધી ચા’ની સિસ્ટમને કંજૂસાઈના નામથી ઓળખે છે પણ અમદાવાદીની ચા એક બિઝનેસ સ્ટ્રેટેજી છે, લાગણીઓનો ઊભરો નથી. અહિ અડધી ચાના જોર પર કરોડોના સોદા પાર પડે છે અને ફોક પણ થઈ જાય છે. અમદાવાદ વિસ્તરતું જાય છે અને ચાના ‘કપ’ સંકોચાતા જાય છે. જયારે કેટલાક ‘વટલાયેલા’ઓ હવે આખી ચા પણ પીતા અને પિવડાવતા થયા છે. પણ એમની આખી ચામાં બે અડધી ચાનો વૈભવ અને ‘દિલદારી’ નથી - નથી અને નથી જ...

આપણે કેટલા ટકા ?

અહિની ભાષા આર્ટ નથી ગણિત છે. કોઈ વાત સાથે નિસ્બત નથી એમ બતાવતા અમદાવાદીઓ ઠંડકથી કહે છે, ‘આપણે કેટલા ટકા?’ રમખાણોમાં થતો મૃત્યુઆંક અહીં એક ‘આંકડો’ છે. તંબુચોકી પર ઘમાસાણ રમખાણો ચાલતાં હોય ત્યારે દિલ્હી દરવાજા પાસેથી ધંધા પર નીકળેલો જણ પૂછી લે છે, ‘‘કેટલો ‘સ્કોર’ થયો?’’ તદૃન સાચા આત્મવિશ્વાસથી ખોટું અને ખોટું જ અંગ્રેજી બોલવું એ સાચા અમદાવાદીની ખાસિયત છે. અમદાવાદમાં બોલાતી ગુજરાતી ભાગ્યે જ કોઈ ગુજરાતી ફિલ્મોમાં સંભળાય છે કે કોઈ ગુજરાતી બુકમાં વંચાય છે. અમદાવાદીઓની વિશિષ્ટ ભાષા માત્રથી ગુજરાતના કોઈ પણ ખૂણે પરખાઈ ( કેટલાક દાઢમાં વર્તાઇ આવે છે.) આવે છે એમ જાણકારો અમસ્તું નથી કહેતા.

ભાવતાલ

વેપારી કહે એ ભાવે વસ્તુ કયારેય ન જ ખરીદવી એ અમદાવાદીઓની ગળથૂથીમાં છે. કેદારનાથ મંદિરની બહારની દુકાનો પર પણ ‘દેણે કા ભાવ બોલોને ભાઈ’ કહેનારી વ્યકિત અચૂક અમદાવાદી જ હોય. અમદાવાદીઓની આ પ્રકૃતિને કારણે આ શહેરના સેલ્સમેનો યોગીઓ કરતાં પણ વધુ ધીરજ ધરાવતા થયા છે. રતનપોળમાં ૨૦૦ રૂપિયાની સાડીના ખરીદ - વેચાણની વાટાઘાટો કોઈ કંપનીના ‘મર્જર’ સમયે થતી વાટાઘાટોથી ઓછી હોતી નથી. વેપારીએ કહ્યા કરતા અડધાથી ઓછા ભાવે વસ્તુ ખરીદતા હોવા છતાં બીજે તો આનાથી પણ સસ્તું મળે એવો બબડાટ કરવાનું કોઈ અમદાવાદી ચૂકતો નથી. કમનસીબે હવે ભાવતાલની તક ઓસરી રહી હોવાથી સાચા અમદાવાદીઓની ખરીદીની મજા જરા ઓછી થઈ રહી છે.

રિક્ષાવાળાઓ

અમદાવાદની સાચી શોભા રિક્ષાવાળાઓથી જ છે. વાંકદખાઓ તેમને ન્યૂસન્સ ગણે છે! ભરપુર અને ભયંકર ટ્રાફિક વરચે મુસાફરોને તેમના સ્થાને પહોંચાડવા માટે રિક્ષાવાળાઓ જે જૉખમ ઉઠાવે છે, જે બહાદુરી દાખવે છે તે જૉઈને લશ્કરના ટેન્કચાલકો પણ ઠંડાગાર થઈ ગયા હોવાના દાખલા છે. એક ટાયર મૂકી શકાય એટલી જગ્યામાંથી હેમખેમ પસાર થઈ જતી રિક્ષાઓ આ શહેરની સાચી માસ ટ્રાન્ઝીટ સિસ્ટમ છે. અમદાવાદના ખૂણેખૂણામાં રિક્ષાવાળાઓ આસાનીથી પહોંચી જાય છે અને શહેરને ધબકતું રાખે છે. ત્રણ મુસાફરોની ઓફિશિયલ સીટિંગ કેપેસિટીવાળી રિક્ષામાંથી દસ મુસાફરોને ઊતરતા જૉઈને અમદાવાદી કરકસરનો સાચો અર્થ સમજાઈ જાય છે!

ખાણીપીણીઆ શહેરને ઇમ્પોર્ટેડનો મોહ છે. ઇટાલિયનોના પિત્ઝા, ચીનાઓના મંચુરિયન અને નૂડલ્સ થાઇલેન્ડનું એકઝોટિક ફૂડ અને મેકિસકનોના નાચોઝ. અમદાવાદીઓ દરેક ફૂડને મોં ફાડીને પ્રેમ કરે છે. પંજાબી, સાઉથ ઇન્ડિયન, ગોવાનીઝ, કાશ્મીરી વાનગીઓ પણ અહીં ‘વેલકમ’ છે. અમદાવાદીઓ ટ્રાય કરવામાં એક્કા છે અમદાવાદી લાઇફમાં હર સન્ડે હોટેલ્સ ડે છે. રોડ સાઇડની લારીઓથી માંડીને પુલ સાઇડની રેસ્ટોરન્ટ્સે સુધી અમદાવાદીઓનો ટેસ્ટ વિસ્તરે છે. આ શહેરની ખાણી તો અદ્ભુત છે સાથે પીણી પણ જોરદાર છે. અમદાવાદમાં સ્ટીલના ગ્લાસમાં છાનેછપના પીવાતાં પીણાંઓમાં જે ‘કિક’ છે એ ગોવાના દરિયાકિનારે બેસીને ફેણી પીવામાં પણ નથી. એ અમદાવાદ બરચેબરચું જાણે છે.

એજ્યુકેશન

આઇ.આઈ.એમ. મેનેજમેન્ટના નિષ્ણાતો માટે અમદાવાદની ઓળખ આઇ.આઇ.એમ. છે. આઇ.આઇ.એમ. લૂઈ કહાને બાંધેલ આ બિલ્ડિંગમાંથી ફરકેલો મેનેજમેન્ટનો પરચમ વિશ્વભરમાં પથરાઈ ચૂકયો છે. આ સંસ્થાના વિધાર્થીઓના નામ વિના દેશના સીઈઓનું હૂઝ હૂનું લિસ્ટ અડધું પણ ભાગ્યે જ બની શકે. જાતભાતના સર્વે હોય કે સરકાર સામે શિંગડા ભરાવવાની વાત હોય, આઇ.આઇ.એમ. હંમેશા અવ્વલ રહે છે. એન.આઇ.ડી., ઇસરો અને પી.આર.એલ. પણ અમદાવાદના નામને વિશ્વભરમાં ચર્ચામાં રાખે છે. કમનસીબે અમદાવાદીઓ આ સંસ્થાઓની આજુબાજુથી હજારો વાર પસાર થાય છે પણ આ સંસ્થાઓમાં ‘જતા’ નથી.