એમીલિયા વ્હીલરે તે જેમાં રાંધતી હતી તે વાસણ સામે જોયું અને પછી સિલ્વર સામે
જોયું. એને કમકમા આવ્યાં. માણસો તો ભૂખને વ્યક્ત કરી શકતા હતા. સિલ્વર માટે તો
દયામણી આંખો કરીને એમીલિયા સામે જોઈ રહેવા સિવાય કોઈ રસ્તો નહોતો. તેની વફાદારી
જોઈને એમીલિયાની આંખ ભીની થઇ. ખોરાક નહીંવત મળતો હોવા છતાં આ ભારતીય નસલનો કૂતરો
એમીલિયાને વફદાર રહ્યો હતો એ તેની પાસેથી હટવાનું નામ લેતો નહોતો. યુદ્ધની ભયાનક
વિભિષીકા વચ્ચે પણ સિલ્વરનું ત્યાં હોવું એમીલિયા માટે રાહતરૂપ હતું એમીલિયા અને
એના કેમ્પની મુશ્કેલીઓની શરૂઆત 4થી જૂનથી શરૂ થઈ હતી.
48થી જૂન 1857ના એ દિવસે કાનપુરથી થોડે દૂર છાવણી નાંખીને પડેલા જનરલ વ્હીલરની ટૂકડી પર
પહેલો તોપનો ગોળો પડ્યો અને એ સાથે મસ્કેટમાંથી ગોળીઓનો વરસાદ વરસ્યો. કાનપુરમાં
અંગ્રેજો સામે બળવો શરૂ થઈ ચૂક્યો હતો. જનરલ વ્હીલર 75 વર્ષનો હતો. એણે પચાસથી વધુ
વર્ષ જુદી જુદી લડાઈઓમાં ગાળ્યા હતા. એ રણમેદાનનો ખેલંદો હતો. પણ રાજકારણમાં એની
ચાંચ ડૂબતી નહીં. નાના સાહેબ-તાત્યા ટોપની જોડીએ એને અંધારામાં રાખ્યો હતો. બળવાના
આ બંને સૂત્રધારો વ્હીલરને એવું ઠસાવવામાં સફળ રહ્યા હતા કે તે લોકો ખરેખર તો
અંગ્રેજોના પક્ષે છે.
નાના અને તાત્યાએ વ્હીલર પાસે બે ગંભીર ભૂલો કરાવી હતી. બળવાના અણસાર મળતાં
કાનપુરમાં રહેલો બ્રિટીશરોનો ખજાનો વ્હીલરે સાચવવા માટે નાના સાહેબને જ સોંપ્યો
હતો. અંગ્રેજોને છેક સુધી અંધારામાં રાખવાની નીતિ કામ આવી હતી. એકપણ રાઉન્ડ ફાયર
કર્યા વિના અંગ્રેજોના લાખો પાઉન્ડનો ખજાનો નાના સાહેબના હાથમાં આવી ગયો હતો.
કાનપુરમાં અંગ્રેજોનું તોપો અને ગોળા રાખવાનું મોટું મેગેઝિન હતું. જેની દીવાલો
મજબુત હતી અને ત્યાં જથ્થાબંધ દારૂગોળો હતો. વ્હીલર એની અંગ્રેજ ટૂકડીને લઈને
મેગેઝિનમાં ભરાઈ ગયો હોત તો સ્ટ્રેટેજિક એડવાન્ટેજ એના પક્ષે હોત, વળી એને દારૂગોળાનો મોટો
સપ્લાય મળી રહેત. સામાન્ય રીતે આ મેગેઝિન પર ભારતીય સિપાઈઓની પહેરેદારી રહેતી.
અંગ્રેજોએ વ્હીલરને કહ્યું હતું કે, એ મેગેઝિન ઉપરથી ભારતીય સૈનિકોને હટાવી અંગ્રેજોને
મૂકી દે.પણ નાનાએ એને સલાહ આપી હતી કે, આવું કરવાથી ભારતીય સૈનિકોને લાગશે કે અંગ્રેજો એમની
પર વિશ્વાસ નથી કરતાં અને આ બાબત પ્રસરશે તો બળવો થઈ જશે. વ્હીલરે નાના સાહેબની આ
સલાહ માની હતી અને હવે એ દારૂગોળાનો મોટો જથ્થો ગુમાવી ચૂક્યો હતો અને કિલ્લા
જેવું મેગેઝિન છોડીને એણે બેરેકમાં ભરાવું પડ્યું હતું. વ્હીલરનો પરિવાર પણ એની
સાથે હતો. વ્હીલરની પત્ની હિન્દુ હતી પણ એનું થોડાં વર્ષો પહેલાં મૃત્યુ થઈ
ચૂક્યું હતું. એને બે પુત્રીઓ હતી એમીલિયા અને મારીયા. વ્હીલરનો પરિવાર ઘણો ખરે
અંશે ભારતીય સંસ્કૃતિથી રંગાઈ ચૂક્યો હતો. એમીલિયાએ તો ભારતની વણઝારા નસલનો કૂતરો
પણ પાળ્યો હતો. અંગ્રેજોના ઘરનું ખાઈને આ કૂતરો પઠ્ઠા જેવો થયો હતો. એનું મૂળ નામ
તો ટીલવો હતું. પણ એમીલિયાએ એનું નામ સિલ્વર પાડેલું વ્હિલરે કેમ્પમાં જવાની
તૈયારી કરી ત્યારે એમીલિયાએ હઠ કરીને સિલ્વરને સાથે લીધેલો.
વ્હીલરની બીજી પણ એક કમબખ્તી હતી. કાનપુરમાં મૂળે જ અંગ્રેજ સૈનિકો ઓછા હતા.
પંદરેક હજાર ભારતીય સૈનિકો સામે માંડ પાંચસો અંગ્રેજો હતો એમાંય બળવો શરૂ થતાં
થયેલી કત્લેઆમમાં સો સૈનિકો મરાયા હતા અને પચાસેક ઘાયલ થયા હતા. બાકીના સાડા
ત્રણસો જેટલા સૈનિકો અને છસ્સો જેટલા બાળકો અને સ્ત્રીઓ સાથે વ્હીલર ચાર બેરેકમાં
ભરાયો હતો. વ્હીલરની સ્થિતિ કફોડી હતી એની પાસે લડી શકે એવા એક માણસ સામે ત્રણ એવા
હતા જે ન લડી શકતા હોય. વળી એની પાસે રસદ પણ ઓછી હતી. આ બેરેકોને ચારેતરફથી ભારતીય
સ્વાતંત્ર્યવીરોએ ઘેરી લીધી હતી. એટલે બહારથી સપ્લાય આવવાનો કોઈ સવાલ જ ઊભો થતો
નહોતો. પ્રથમ અઠવાડિયામાં જ વ્હીલરે 250 માણસોને ગુમાવ્યા હતા. એમાંના મોટા ભાગનાના મોત
દર્દનાક રીતે થયા હતા.
બળવાના ટાઈમીંગમાં થયેલા કન્ફ્યૂઝનને કારણે તમામ ભારતીય સૈનિકો બળવામાં જોડાયા
નહોતા. સંખ્યાબંધ ભારતીય સૈનિકો અંગ્રેજોને વફાદાર હતા અને આવી એંસી ભારતીય સૈનિકો
વ્હીલરની આ ટૂકડી સાથે આવી ગયા હતા.જોકે, અંગ્રેજોને તેમની વફાદારી પર શંકા હતી. એથી આ લોકો
તેમને ડિફેન્સની પહેલી લાઈનમાં ક્યારેય મૂકતાં નહીં. મોટાભાગે તેમને ડિફેન્સની
બીજી અથવા ત્રીજી લાઈનમાં જ મૂકવામાં આવતા.પંદરમી જૂન આવી ત્યાં સુધીમાં રાશન લગભગ
ખલાસ થવા આવ્યું હતું. વ્યક્તિદીઠ અપાતા ખોરાકની માત્રા સાવ નજીવી જ હતી. આ સાથે જ
વ્હીલરના કેમ્પમાં ભૂખમરો શરૃ થયો હતો. વ્હીલરની મોટી પુત્રી એમીલિયા રાશનનું કામ
સંભાળતી અને એ માથાદીઠ પ્રમાણનું ધ્યાન રાખતી. વળી સિલ્વર હંમેશા એની સાથે રહેતો
એટલે કોઈ એની પાસે વધુ ખોરાક માંગતા નહીં. રસોઈ બનાવતા જે કાંઈ વધતું એનાથી
સિલ્વરનું કામ નભી જતું હતું. કેમ્પના માણસોની હાલત ભૂખથી ખરાબ થતી જતી હતી.
છેલ્લે તો એમેલિયાએ કેવલરીના અશ્વોને મારીને સૂપ બનાવવાનું શરૂ કર્યું હતું. અને આ
સૂપ દરેકને વાટકો ભરીને આપવામાં આવતો હતો પણ ઘોડાઓ પણ બે કે ત્રણ જ રહ્યા હતા.
સાતસો માણસો માટેની રસોઈમાં શું બનાવવાનું એ એમીલિયાને રોજ સતાવતો પ્રશ્ન હતો.
અંગ્રેજો ટપોટપ મરી રહ્યા હતા.
કેમ્પને ઘેરીને બેઠેલા ભારતીય સૈનિકો એ અંગ્રેજોનું દારૂગોળો ભરેલું મેગેઝિન કબજે
કર્યું હતું અને એ લોકો બેફામપણે દિવસ-રાત તોપો અને બંદૂકોમાંથી ફાયરિંગ કરતા
રહેતા હતા. ઉંઘ અને આરામનો તદ્દન અભાવ સતત લડવાનું અને એમાં તદ્દન નજીવો ખોરાક....
કેમ્પમાંના અંગ્રેજો અને ભારતીય સૈનિકોની સ્થિતિ બગડતી જતી હતી. માણસો ભૂખથી તદ્દન
બેહાલ બની ગયા હતા. તેમના પેટમાં આંટીઓ વળતી અને કેટલાક ગબડીને પડી જતાં. આવી
સ્થિતિમાં કેમ્પમાં રહેલા ભારતીય સૈનિકોની વફાદારી પણ ઘટવામાંડી હતી. આ કેમ્પમાં
પાણીનો એક માત્ર સ્ત્રોત હતો એક કૂવો. આ કૂવો તદ્દન ખુલ્લામાં હતો. અહીં થતી કોઈપણ
હિલચાલ પર ભારતીય સ્વતાંત્ર્ય સૈનિકોના ચાંપતી નજર રહેતી અને કોઈપણ હિલચાલ નજરે
પડે તો એ લોકો ગોળીઓ વરસાવવાનું ચૂકતા નહીં. પાણીના પ્રત્યેક જથ્થા માટે અંગ્રેજોએ
લોહી વહેવડાવવું પડતું હતું.
અંગ્રેજોની એ નબળાઈને પારખી ગયેલા વિપ્લવી સૈનિકોએ વીસમી જૂનના એ દિવસે બેવડો
હલ્લો કર્યો હતો. એમણે આગળથી સતત આક્રમણ કરીને અંગ્રેજોને એંગેજ રાખ્યા હતા અને
બીજીતરફ કૂવા સુધી પહોંચવા સતત હુમલા કર્યા હતા. વિપ્લવીઓની નેમ કૂવા સુધી પહોંચી
પાણીમાં ઝેર નાંખવાની હતી. જો એ લોકો સફળ થાય તો અંગ્રેજોને માટે શરણે આવવા સિવાય
કોઈ વિકલ્પ રહે નહીં. અંગ્રેજો આ જાણતા હતા. આથી તેમણે બરાબરની ઝાંક ઝીલી હતી. પણ
હવે એમના ફ્રન્ટલાઈનના માણસો થાકવા માંડ્યા તા. એમના પક્ષે રહેલા ભારતીય સૈનિકોને
ફ્રન્ટ લાઈનમાં મોકલવા કે નહીં તેની વિમાસણ ઊભી થઈ હતી.
બીજીતરફ આ ભીષણ લડાઈ વચ્ચે એમીલિયાએ હંમેશની જેમ માંસનો સૂપ બનાવવાનું શરૂ
કરેલું. એ સૂપમાં કેટલું માંસ અને કેટલું પાણી હતું એ તો માત્ર એ જ જાણતી હતી.
જ્યારે એ આજે શેનો સૂપ બનાવવાનો એની વિમાસણમાં હતી. તે સમયે જનરલ વ્હીલરે એક
મહત્ત્વનો નિર્ણય લીધો એણે રાત્રીના સમયે પાણીના કૂવાના રક્ષણ માટે વીસ ભારતીય
સૈનિકોને તૈનાત કરવાનું નક્કી કર્યું.
સાંજના ખાણામાં એમીલિયા તરફથી હંમેશની જેમ સૂપ અને એક રોટી આવી. આમ તો દરેક
વ્યક્તિ માટે સૂપનો એક જ કટોરો આપવાનું નક્કી થયું તહું. પણ જે વીસ ભારતીય
સૈનિકોને કૂવાના રક્ષણની જવાબદારી અપાઈ હતી. તેમને આખી રાત લડવાનું થવાનું હતું.
એટલે એમને બે કટોરા સૂપ એક રોટી અપાઈ. થોડો વધારાનો ખોરાક મળતાં એ સૈનિકોમાં થોડી સ્ફૂર્તિ
આવી.
એ રાતે આ સૈનિકો જીવ પર આવીને લડ્યા હતા. કૂવાને કબજે કરવા વિપ્લવી સૈનિકોના ધાડેધાડાં
આખીરાત આવતા રહ્યા હતા પણ કેમ્પમાંનાં ભારતીય સૈનિકોએ તેમનો ભયાનક પ્રતિકાર કર્યો
હતો. ઘણી વખત વિપ્લવીઓ સાવ નજીક આવી જતાં સંગીનો અને તલવારોની લડાઈ ખેલાઈ જતી હતી.
પણ કૂવા પરના સૈનિકો મચક આપતા નહોતો. સામે ભારતીય સૈનિકો હોવાનું જાણી વિપ્લવીઓ
એમને પોતાના પક્ષે આવી જવા લલચાવતા હતા. પણ કૂવા પર રહેલો એક પણ સિપાહી ડગ્યો નહતો. એ રાત ખૂનખાર લડાઈની રાત હતી.
ભારતીય સૈનિકોની અદભૂત વફાદારી અને વીરતા જોઈને જનરલ વ્હીલર સ્તબ્ધ થઈ ગયો હતો.
એણે પચાસ વર્ષની યુદ્ધની કારકિર્દીમાં આવી રીતે લડતાં સૈનિકોને જોયા નહોતા. જ્યારે
સવારનો પ્રકાશ ક્ષિતિજે રેલાયો ત્યારે વિપલ્વીઓના હુમલા થંભ્યા હતા. કૂવા પર સૌ
પ્રથમ પહોંચનારો જનરલ વ્હીલર હતો. એણે જોયું તો વીસમાંથી દસ સૈનિકો મરાયા હતા અને
પાંચને જીવલેણ ઈજાઓ થઈ હતી. જ્યારે બાકીના પાંચને પણ ગંભીર ઈજાઓ હતી. પણ જીવતો એક
એક માણસ લડવા તૈયાર હતો. એ સૈનિકોને ભેટી પડ્યો. ભારતીય સૈનિકોએ કૂવો બચાવીને
કેમ્પને સાચવી લીધો હતો. કેમ્પમાં હરકોઈ ખુશ હતા. એકમાત્ર એમીલી સિવાય....એ હજુ પણ
ચૂલા પાસે બેઠી હતી. સૂપનું મોટું તપેલું ત્યાં જ પડ્યું હતું. એમીલિયાએ કાલે કંઈ જ
ખાધું નહોતું. એની આંખોમાં ભયાનક વિષાદ હતો. વ્હીલર તેની પાસે આવ્યો ત્યારે તેની
આંખે જે જોયું એ તે માની શકયો નહીં. હતો. સૂપના વાસણની પાસે સિલ્વરનું કપાયેલું
માથું પડ્યું હતું. સિલ્વરની વફાદારી અપ્રતિમ હતી. મર્યા પછી પણ એના લોહીના દરેક બુંદે...
એના શરીરના દરેક અંગે વફાદારી દાખવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો