મંગળવાર, 27 ઑગસ્ટ, 2013

વેડીંગ રીંગ


                                                                    
વેડીંગ રીંગ
ઈ.સ. 2000નાં નવેમ્બરના અમદાવાદમાં જવલ્લેજ પડતી એવી ઠંડી એ દિવસે પડી હતી. મણિનગર બસ સ્ટેશને મુસાફરોની સંખ્યા પણ ઠંડીને કારણે સંકોચાઈ ગઈ હતી. એ દિવસે આમ તો કોલેજ જવાનો પરિતોષનો સહેજ પણ મૂડ નહોતો પણ ઠંડી એને ગમતી હતી. બાપના પૈસે ખરીદેલું વુડલેન્ડનું મોંઘુદાટ લેધર જેકેટ પહેરવાનો વળી એને મોકો ક્યારે મળવાનો હતો? રોજ તો પરિતોષ સાડા અગિયાર વાગ્યે બસ સ્ટેન્ડ પહોંચતો પણ એ દિવસે લગભગ કલાક વહેલા પહોંચ્યો. જો એ દિવસે એ વહેલા ન પહોંચ્યો હોત તો જિંદગીમાં ઘણો મોડો પડી જાત. એ દિવસે એ બસ સ્ટેન્ડ પહોંચ્યો અને એણે પહેલીવાર પ્રેક્ષાને જોઈ. અને જોતો જ રહી ગયો.
એણે તિબેટીયન બજારમાંથી ખરીદેલી વુલન કેપ પહેરેલી હતી. ઠંડીને કારણે એના ગાલ હતા એના કરતાં વધુ ગુલાબી લાગતા હતા. એની આંખો લાંબી અને માછલીના આકારની હતી. પાંપણો લાંબી હતી. એની આંખોનો રંગ બદામી હતો અને એક અજબ ભીનાશ એની આંખમાં રહેતી હતી. એનું ગળું લાંબુ અને કોલર બોન ઉપસેલા હતા. ખભા મધ્યમ પહોળા હતા અને ઉરોજો મોટા અને ગોળ હતા. એ શ્વાસ લેતી ત્યારે જે રીતે એની છાતી ઉંચી નીચી થતી એ જોઈને અનેક મુસાફરોના શ્વાસ થંભી જતા હતા. એની કમર પાતળી અને નિતંબ મજબૂત હતા. એણે બ્લ્યૂ કલરના ડ્રેસ ઉપર ગુલાબી સ્વેટર પહેરેલું હતું. એના ચહેરા પર થોડો રઘવાટ હતો. એ એના હંમેશના ટાઈમ કરતાં મોડી પડી હતી. એ ઈન્કમ ટેક્સ જતી 72 નંબરની બસની રાહ જોઈ રહી હતી. પરિતોષ કયાંય સુધી એને જોતો રહ્યો અને આખરે એણે પોતાની કાયમની 32 નંબરની બસમાં જવાને બદલે  એ પણ 72 નંબરની બસની લાઈનમાં ઉભો રહી ગયો એ સાથે જ એની જિંદગીની બસે પણ રસ્તો બદલી લીધો હતો. એ પછી અગિયાર દિવસ પરિતોષ એ જ બસમાં પ્રેક્ષા સાથે ગયો. ચોથે દિવસે એને પ્રેક્ષાની બાજુમાં બેસવાની જગ્યા મળી અને સાતમે દિવસે પ્રેક્ષા એની સાથે આશ્રમ રોડ પરની કાફેમાં આવવા સંમત થઈ.
પ્રેક્ષા એ પ્રથમ મુલાકાતમાં જ પરિતોષને જણાવ્યું કે એના ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી અને એ દિવસે એક જ્વેલરી શોપમાં સેલ્સ ગર્લ તરીકેની નોકરી કરતી હતી અને સાંજે પાર્ટ ટાઈમ કોલેજમાં ભણતી હતી. એ મુલાકાત પછી પરિતોષની મિત્રો સાથેની ભેરવનાથ ખાતેની બેઠક પણ બંધ થઈ ગઈ અને પ્રેક્ષાની સાંજની કોલેજે જવાનું શરૂ થઈ ગયું. પરિતોષની જિંદગી હવે પ્રેક્ષામય હતી.
એક મહિના પછી, દરેક પ્રેમીઓની જેમ પરિતોષને પણ એ દિવસે આખી જિંદગી યાદ રહેવાનો હતો. એ 15મી ડિસેમ્બરે પરિતોષે એજ કાફેમાં પ્રેક્ષાને પ્રપોઝ કર્યું. પ્રેક્ષાએ એને હા પાડી. એ દિવસે પ્રેક્ષા કોઈ તોફાની મિજાજમાં હતી. પરિતોષે એને પુછ્યું કે એને કઈ ગિફ્ટ જોઈએ છે તો તરત જ પ્રેક્ષાએ કહ્યું. હાર્ટ શેપની કેનેરી ડાયમંડની રીંગ. બીજા દિવસે પરીતોષે પહેલું કામ તનિશ્કની દુકાનમાં જઈને હાર્ટ શેપના કેનેરી ડાયમંડની રીંગની જોવાનું કર્યું. સેલ્સમેનને પહેલી નજરે જ સમજાઇ ગયું કે પરિતોષ એ રીગ ખરીદવાની હેસિયત ધરાવતો નથી પણ સેલ્સમેનોને સાચી વાત નહીં કહેવાની તાલિમ અપાયેલી હોય છે. પીળા રંગનો હાર્ટ શેપનો એ ડાયમન્ડ અત્યંત સુંદર લાગતો હતો. એણે હિંમત કરીને કિંમત પુછી એને જે કિંમત કહેવાઈ એ એની પહોંચથી કિલોમીટરો દૂર હતી. એને ખાતરી થઈ ગઈ કે પ્રેક્ષા એની સાથે મજાક કરતી હતી. પ્રેમીજનો વચ્ચે આવી મજાક ચાલ્યા કરતી હોય છે. એટલે જ કહે છે ને એવરી થીંગ ઈઝ ફેર ઈન વોર એન્ડ લવ. પરિતોષે આખરે મન વાળીને એને સોનાના ઈયરિંગ ભેટ આપ્યા. પ્રેક્ષા એનાથી ખુશ હતી. એ દિવસ બાદ પ્રેક્ષાએ કયારેય કેનેરી ડાયમન્ડના વાત કયારેય યાદ કરી નહીં અને પરિતોષ કયારેય એ વાત ભુલી શકયો નહીં. પ્રેમીઓની કેટલીક વાતો કયારેય ભુલી શકાતી નથી
26મી જાન્યુઆરીની સવારે પરિતોષ પ્રેક્ષાને લઈને સેટેલાઈટમાં એના મિત્રને મળવા ગયો ત્યાંથી એ લોકોનો મોઢેરા ફરવા જવાનો પ્લાન હતો. એ બંને ત્યાંથી પસાર થયો એની પાંચમી મિનિટે જ માનસી ટાવર ધરાશાયી થઈ ગયું. એ દિવસે આખો દિવસ અન્ય બજારો વ્યકિતઓની જેમ પરિતોષ માનસી ટાવર જમીન દોસ્ત થયેલા એ ટાવર પર જ રહ્યો એણે કાટમાળ ખસેડ્યો અને લાશો પણ ઉંચકી એણે પ્રેક્ષાને ઘરે મોકલી દીધી. એ સાંજે એ ઘરે પહોંચ્યો ત્યારે એ થાકીને લોથ-પોથ થઈ ગયો હતો પણ એ ખુશ હતો. એ આખો દિવસ પ્રેક્ષાએ ઉચ્ચક જીવે વીતાવ્યો પરિતોષ પાછો ઘરે આવ્યો પછી એને શાંતિ થઈ.
પહેલી ફેબ્રુઆરીથી રોજ એક યા બીજા સ્વરૂપે, એક અથવા બીજા વાતમાં પરિતોષ પ્રેક્ષાને સતત આગ્રહ કરતો રહ્યો. એક અઠવાડિયા સુધી પ્રેક્ષા લગ્ન પહેલાં ''એવું બધું'' કરવાની ના પાડતી રહી પણ દરેક છોકરીની જેમ એ પણ આખરે પ્રેમીની જીદ સામે ઝૂકી ગઈ. આઠમી ફેબ્રુઆરીએ એ બંને સી.જી. રોડ પરની એક હોટલમાં ગયા. રૂમમાં ગયાની પંદરમી મિનિટે પરિતોષે પ્રેક્ષાને નિર્વસ્ત્ર કરી. જે પ્રેક્ષા માટે અપેક્ષિત હતું એ શરમ અને સંકોચથી આંખો ઘટ્ટ મીંચીને ઉભી હતી. એ પછી પરિતોષે જે કર્યું એ પ્રેક્ષા માટે અનઅપેક્ષિત હતું. એણે વી.જે. જ્વેલર્સના નાનકડા બોક્સમાંથી હાર્ટ શેપના પીળા રંગના કેનેરી ડાયમંડની રીંગ કાઢી પ્રેક્ષાની ત્રીજી આગળીએ પહેરાવી આ હરકતથી પ્રેક્ષાએ આંખો ખોલી અને વીંટી જોઈ એ બે ઘડી જોતી જ રહી અને પછી પરિતોષ પણ નિર્વસ્ત્ર ઉભો છે એ ભૂલીને, શરમ અને સંકોચ મૂકીને પ્રેક્ષાએને વળગી પડી. બંને ક્યાંય સુધી એમ વળગીને રહ્યા. એ દિવસે એ બંનેએ ભરપૂર પ્રેમ કર્યો. પ્રેક્ષા બહુ ખુશ હતી.
એપ્રિલમાં એ બંને પરણ્યા અને દરેક મધ્યમવર્ગીય કપલની જેમ હનીમૂ કરવા હિમાલયમાં ગયા. મનાલીમાં એક રાત્રે પરિતોષે કહ્યું પ્રેક્ષા, મારે તને કંઈ કહેવું છે.
પ્રેક્ષાએ પુછ્યું વીંટી વિશે? પરિતોષને આશ્રર્ય થયું. એણે હા પાડી.
 પ્રેક્ષાએ કહ્યું મને ખબર છે એ વીંટી તે ખરીદી નથી. પરિતોષે એને પુછ્યું તને ક્યારે ખબર પડી? પ્રેક્ષાએ જવાબ આપ્યો તે જે દિવસે વીંટી આપી એ જ દિવસે. એ વીંટીમાં હાર્ટ શેપમાં એક જગ્યાએથી સહેજ તૂટેલી છે જે નરી આંખે સામાન્ય વ્યક્તિઓને ન દેખાય. એ વીંટીને મેં જ અમારી જ્વેલરી શોપના કાયમી ગ્રાહક અને માનસી ટાવરમાં રહેતા પ્રીતિ જૈનને વેચી હતી. એ જે દિવસે દુકાનમાં આવી હતી એ દિવસે જ મને ગમી ગઈ હતી એ જ દિવસે પ્રીતિ જૈને એ ખરીદી હતી અને એ જ દિવસે મેં તને હાર્ટ શેપની કેનેરી ડાયમંડની વીંટી ભેટ આપવા કહ્યું હતું. બાય ધ વે પ્રીતી જૈનને હવે કેમ છે.? પરિતોષે એની સામે જોયું અને પછી નીચું જોઈ ગયો. એ બોલ્યો મેં તો માત્ર હાથ જોયો હતો આખું શરીર કાટમાળમાં દબાઈ ગયું હતું બોડી બહાર ખેંચવાના બહાને હાથ ખેંચવાનું નાટક કરી મેં વીંટી સેરવી લીધી હતી.
પ્રેક્ષા એક ક્ષણ માટે ગમગીન થઈ ગઈ. પછી એણે વીંટી સામે જોયું એ પરિતોષને ગળે વળગી અને કીસ કરી. એ બોલી ઈટ્સ ઓકે. એવરીથીંગ ઈઝ ફેર ઈન વોર એન્ડ લવ. વેલ.... યુદ્ધની તો ખબર નથી પ્રેમમાં બધુ જ માફ હોય છે. પ્રેમીજન માટે કરેલું બધુ જ માફ હોય છે.

2 ટિપ્પણીઓ:

  1. nigaho me uske hai sawal kain,

    par labzo me thartharahat hai.

    pyar ka izhar chahati he karna,

    par dil me uske gabharahat hai.

    koun samzaye use ki mohabbat karna asan nahi,

    1 pal ki duri me 100 sadiyo ki tanhai hai, aur bas 1 zalak ki chahat hai.

    majdhar [krunal kamble]

    જવાબ આપોકાઢી નાખો