સમયનો
શ્રેષ્ઠ ઉપયોગ
સાત્વિકે અનન્યાની સામે જોયું... એની આંખોમાં આવી રહેલા પાણીને એણે માંડ
રોક્યા અને હૈયું વલોવી નાંખે એવા અવાજે પૂછ્યું, અનન્યા... કોઈ રસ્તો નથી?
અનન્યા આડું જોઈ
ગઈ. એની સુંદર કથ્થઈ આંખોમાં ભીનાશ તરી આવી... એણે ચહેરો ફેરવી લીધો પોતાની જાતને
સ્વસ્થ કરી... મહાપ્રયાસે હોઠ પર સ્મિત લાવી અને ફરી સાત્વિક સામે જોયું.
સાત્વિકના મોંબ્લાંના મોંઘાદાટ રીમલેસ ચશ્માના કાચને વીંધી એની નજર સાત્વિકની
આંખો સોંસરવી થઈ એના દિલમાં ઉતરી ગઈ. અનન્યાએ કહ્યું, રસ્તો હોત તો હું કાઢી ન લેત?....
અનન્યાની એ નજર
જોઈને સાત્વિકનું હૃદય ધબકારો ચૂકી ગયું. અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાં
ખુબસૂરત છોકરીઓની કમી નથી હોતી... ક્યારેય.. પણ અનન્યા કોલેજની સૌથી સુંદર છોકરી
હતી. સાડા પાંચ ફૂટની હાઈટ ઊભરેલો સીનો અને સપ્રમાણ શરીર ધરાવતી અનન્યાનો ચહેરો
અત્યંત મોહક હતો. એનું નાક તીણું અને હોઠ થોડાં પહોળા અને રસાળ હતા. એના ગાલ સહેજ
ઉપસેલા હતા. એની હડપચી પર એક કાળો તલ હતો જે એની સુંદરતામાં અનેકગણો વધારો કરતો
હતો. અનન્યાએ ભારે હૃદયે કહ્યું ઓકે. ચાલો બાય... અને હાથ લંબાવ્યો એણે નોંધ લીધી
કે સાત્વિકે આજે એનો હાથ જરૂર કરતાં વધુ સમય માટે પકડી રાખ્યો હતો. આખરે બંને છૂટા
પડ્યા. સાત્વિક ફરી એકવાર એને કહેવું હતું એ કહી શક્યો નહોતો... એણે નિરાશાથી
માથું ઘુણાવ્યું એણે પોતાની બાઈકને કીક
મારી અને ઘર તરફ ઉપડ્યો...
ડૉ.દેવવ્રત દેસાઈ સત્યાગ્રહ છાવણીમાં આવેલા પોતાના વિશાળ બંગલાની લાઈબ્રેરીમાં
પ્રિય ખુરશી પર બેસી કાર્ટૂન નેટવર્ક જોઈ રહ્યા હતા ત્યારે હરીશ... ઉર્ફે હરિલાલ
ઉર્ફે હરિન્દ્ર ઉર્ફે તેજો ઉર્ફે ધર્મેશ પટેલ ચામડાની મોટી તાળાબંધ બેગ લઈને દાખલ
થયો. એને સીધો જ લાઈબ્રેરીમાં લઈ જવાયો... એને જોઈને ડૉ.દેવવ્રત દેસાઈના મોઢાં પર
સ્મિત આવી ગયું. એમણે પૂછ્યું કામ થઈ ગયું.... હરિયાએ એકાક્ષરી જવાબ આપ્યો.. હા,
અને બેગ ધરી દીધી.
ડૉદેસાઈએ બેગ ખોલી અને ગાંધીની જય.. હરીશ હસી પડ્યો અને કહ્યું શું દેવુભા તમે
પણ...? જાડી
મૂછો, ફ્રેન્ચકટ
દાઢી અને સોલ્ટ અને પેપર લૂકવાળા કાબરચીતરા વાળ વાળા દેવુભાએ એની સામે આંખો કાઢી
પૂછ્યું... કેમ ડાહ્યો થાય છે... મારા બાપે કહેતું ગાંધીજીનો ફોટો જોઈને પગે
લાગવાનું એ બહુ મોટા માણસ હતા. હરિયો હસવા માંડ્યો.. ડૉ.દેવવ્રત દેસાઈ ઉર્ફે દેવું
દેહાઈ મૂળ તો મહેસાણા પાસેના એક નાના ગામનો રબારી હતો એ આમ તો ભણવા માટે અમદાવાદ
આવેલો પણ સાબરમતીનું પાણી એના કોઠાને માફક આવી ગયેલું એ પૂરા ભારાડી માણસે
કોલેજમાં હતો ત્યારથી જ પહેલાં જમીનની દલાલીમાં અને પછી જમીનની લે-વેચના ધંધામાં
જંપલાવેલું. જોતજોતામાં એ કરોડોમાં રમતો થઈ ગયેલો. એ જેમ તેમ કરી ગ્રેજ્યુએટ થયેલો
પણ પછી ડમી બેસાડીને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલો અને "ગુજરાતી ભાષામાં ઉત્તર
ગુજરાતના કવિઓનું પ્રદાન" એ વિષય પર ઉઠાંતરી કરેલો મહાનિબંધ રજૂ કરી પીએચડી
થઈ ગયેલો અને ત્યારથી નામ બદલીને પોતાની જાતને ડૉ.દેવવ્રત દેસાઈ કહેવડાવતો હતો.
એણે લવ-મેરેજ કરેલા એક પટેલની છોકરી સાથે મીના પટેલ રૂપાળી હતી અને એટલી જ બળવાખોર
મીના અને દેવવ્રતના લગ્ન પછી મીનાના કુટુંબે એમની સાથે બધાં સંબંધો તોડી નાંખેલા
સાત્વિક પાંચ વર્ષનો હતો ત્યારે કમળામાંથી કમળા થતાં મીનાનું મૃત્યુ થયેલું.
ત્યારથી દેવવ્રતે સાત્વિકને ઉછરેલો પણ સાત્વિક સાચા અર્થમાં સાત્વિક હતો.
સાત્વિક ઘરમાં આવ્યો ત્યારે ડૉ.દેવવ્રત દેસાઈ હરિયાને જ્ઞાન આપી રહ્યા હતા...
જો હરિયા આ પૈસો છે તો બધું છે, પૈસો નથી તો કાંઈ નથી. શું સમજયો.? પૈસાથી જે જોઈએ એ ખરીદી શકાય છે.
સાત્વિકે એ વાક્યા સાંભળ્યું આમ તો એ દેવવ્રત દેસાઈને જવાબ આપત નહીં પણ એ અકળાયેલો
હતો. એણે કહ્યું પપ્પા પૈસાથી સમય ખરીદી શકાતો નથી. સમયથી કશું ખરીદી શકાતું નથી.
પૈસાનો કોઈ અર્થ નથી. હરીશ સ્તબ્ધ બનીને સાંભળી રહ્યો હતો. ડો.દેવવ્રત દેસાઈની
આંખમાં આશ્ચર્ય આવ્યું એમની ભ્રમરો તણાઈ પછી એ સમજ્યાં એમના ચહેરા પર હાસ્ય
આવ્યું. એમણે સીધું જ કહ્યું, આમેય દેવું દેહાઈને સીધાં ઉકેલોમાં જ રસ રહેતો... એ છોકરીને
કહે જે કે તારા બાપ પાસે દસ કરોડની કેશ, પંદર કરોડના દાગીના અને સાડા ત્રણસો કરોડની જમીનો
છે.... માની જશે. હવે આંચકો ખાવાનો વારો સાત્વિકનો હતો.... એનો બાપ ખરેખર એનો બાપ
હતો. એક શબ્દ કહ્યા વિના એ ઘણું સમજી ચૂક્યો હતો... પણ સાત્વિકે માથું ધૂણાવ્યું.
તમે સમજતાં નથી પપ્પા એના ફાધર બિઝનેસ મેન છે. એના ગ્રાન્ડ ફાધર અને એમના ફાધર મિલ
માલિક હતા. એમનો પાસે પૈસા ઓછા નથી. એના મામા યુ.એસ.માં છે. હવે અમારું રીઝલ્ટ આવી
ગયું છે. એ કાલે સુરત જાય છે એની માસીને ત્યાં.... આવતા શનિવારે પાછી આવશે. એ
રેલવે સ્ટેશને ઉતરશે અને એરપોર્ટ પર જશે અને ત્યાંથી અમેરિકા.. બસ આ સ્ટેશનથી
એરપોર્ટ પર રિક્શામાં પહોંચશે એટલો જ સમય એ મને મળશે... છેલ્લીવાર મને મળશે. એના
માટે યુ.એસ.માં છોકરાઓ જોવાનું ચાલું છે. ગમે ત્યારે એના મેરેજ પણ થઈ જશે. હું
જાણું છું એને મારા પ્રત્યે ફિલિંગ્સ છે પણ હું જ એને કહી શકોય નહોતો, પૂછી શક્યો નહોતો. હવે
મારી પાસે આવતા શનિવારે રેલવે સ્ટેશનથી એરપોર્ટ જવાનો જ સમય છે અને એટલી વારમાં એ
હા ન પણ પાડે. મારી પાસે થોડો વધુ સમય હોત તો હું એને માનાવી લેત. પૈસો સમય ખરીદી
શકતો હોત તો કેટલું સારુ?,,, એ ચૂપ થઈ ગયો. દેવું દેહાઈ પોતાના વહાલસોયા પુત્ર સામે જોઈ
રહ્યા. સાત્વિકે ફરી હતાશામાં માથું ઘુણાવ્યું અને નિરાશ થઈને એ પોતાના રૂમમાં જતો
રહ્યો. થોડીવારમાં એના રૂમના દરવાજે ટકોરા પડ્યા એણે અકળાઈને પૂછ્યું... કોણ છે?
જવાબમાં ફરી ટકોરા
પડ્યા.. સાત્વિકે અકળાઈને બારણું ખોલ્યું બારણામાં ડૉ.દેવવ્રત ઊભા હતા. એ સ્તબ્ધ થઈ
ગયો એને બોલાવવા એના પપ્પા કદી આવતા નહીં... શું કહેવું એ સાત્વિકને સૂઝ્યું જ
નહીં. ડૉ.દેવવ્રતે- દેવું દેહાઈએ લાંબા હાઉસકોટના ગજવામાંથી ચાર બંગડીઓ કાઢી
સાત્વિકને આપી અને કહ્યું કે, આ તારી માની નિશાની છે. મરતી વખતે એણે કહેલું કે સાત્વિકની
વહુને આપજો. સાત્વિકને લાગ્યું કે એના પપ્પાની આંખ ભીની થઈ રહી હતી પણ ડૉ.દેવવ્રત
તરત ત્યાંથી પાછા ફરી ગયા. હાથમાં બંગડીઓ લઈને ઊભેલા સાત્વિકને શું બોલવું એ પણ
સમજાયું નહીં. એને પહેલીવાર અહેસાસ થયો કે એના બાપે એ છોકરીનું નામ પણ હજુ સુધી
પૂછ્યું નહોતું.
-----------
સામાન્ય રીતે વીસ મિનિટમાં તૈયાર થઈ જતાં સાત્વિકને એ શનિવારે તૈયાર થતાં બે
કલાક લાગ્યા. એણે છ જોડી કપડાં ટ્રાય કર્યા પછી લિવાઈસનું બ્લ્યૂ ડેનિમ અને વ્હાઈટ
ટીશર્ટ પહેર્યું અને ઉપર ચેક્સવાળો ખુલ્લો શર્ટ પહેર્યો એ બરાબર સાડા આઠે એરપોર્ટ
પર પહોંચ્યો નવ વાગે અનન્યા આવવાની હતી.
એની ટ્રેન સમયસર હતી.... એ બન્ને રીક્ષામાં ગોઠવાયા રીક્ષા કાળુપુર સ્ટેશનેથી
ઉપડીને પ્રેમદરવાજા સુધી પહોંચી ત્યારે સાત્વિકે બંગડીઓ કાઢીને અનન્યાને આપી અને
કહ્યું.... અનન્યા આ મારી માની છે એ મૃત્યુપામી ત્યારે એની વહુને આપવાનું કહીને ગઈ
હતી. અનન્યા સ્તબ્ધ થઈ ગઈ. બે પળતો એ કશું બોલી શકી નહી... રીક્ષા એરપોર્ટ પર ધસી
રહી હતી.... દરિયાપુર દરવાજો પસાર થઈ ચૂક્યો હતો અને હવે રીક્ષા દિલ્હી દરવાજા તરફ
જઈ રહી હતી. એણે સાત્વિકને કહ્યું આજે.... આજે... હું જઈ રહી છું. ત્યારે આ કહે
છે..... પહેલા કહેવાતું નહોતું? સાત્વિકે કહ્યું તને પહેલા દિવસે જોઈ ત્યારથી જ કહેવા
માંગતો હતો પણ કહી શક્યો ન હોતો તને જોઈને કહેવાનું બધું ભૂલી જતો હતો. રીક્ષા હવે
દિલ્હી દરવાજાથી સ્વામિનારાયણ મંદિર તરફ હતી..પ્રત્યેક ક્ષણે સાત્વિક પાસેનો સમય ઘટી રહ્યો હતો. અનન્યાએ કહ્યું હવે હું શું કહી શકું.....?
એના અવાજનાં
પારાવાર વ્યથા હતી.... એને પણતો સાત્વિક ગમતો હતો.... એણે ફરી પુછ્યું તે પહેલાં
કેમ ન કહ્યું.... અને એ જ સમયે રીક્ષાવાળાએ જોરથી બ્રેક મારી બંને વર્તમાનમાં પાછા
આવ્યા. આગળ એક ટેમ્પો અને રીક્ષા અથડાયા હતા. અને કોઈ કંઈ સમજે એ પહેલાં રીક્ષા ડ્રાઈવર
અને ટેમ્પો ડ્રાઈવરે ભયાનક રીતે ઝઘડવાનું શરૂ કર્યું હતું. પાંચ મિનિટમાં તો બંને
તરફ વાહનોની લંગાર લાગી ગઈ હતી. અને ઝઘડાએ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. રીક્ષા
ડ્રાઈવર મુસલમાન અને ટેમ્પોચાલક હિન્દુ હતો. બન્નેની તરફેણમાં ઉતરી આવેલા ટોળાએ
પથ્થરમારો શરૂ કર્યો હતો. સાત્વિક બેઠો હતો એ રીક્ષા પર પણ પથ્થર વાગ્યો કાચ
ફૂટ્યો અને કરચો ઉડીને ડ્રાઈવરને વાગી. ગભરાયેલો ડ્રાઈવર રીક્ષા છોડીને ભાગ્યો....
ગણતરીની મિનિટોમાં ભયાનક તોફાન શરૂ થયું હતું. સાત્વિક અને અનન્યા રીક્ષામાંથી
બહાર આવ્યા, આગળ કે પાછળ ક્યાંય જવાય એવું ન હોતું. એ લોકો પાસેથી બંધ થતી દુકાન પાસે ઉભા
રહ્યા ટોળાએ બે ટ્રકોને આગ ચાંપી દીધી હતી. એ અનન્યા ભયાનક રીતે ડરી ગઈ હતી.
સાત્વિકને પણ સમજ નહોતી પડતી કે શું કરવું. એકાએક એક કરડો દેખાતો માણસ એમની પાસે
આવ્યા અને બોલ્યો કે મરના હે ક્યા? સામને વાલી હોટલમેં ઘુસ જાવ. વધુ વિચાર્યા વિના બંને એ
હોટલમાં ઘુસ્યા. રીસેપ્શન પર બેઠેલા માણસે કહ્યું કમરા ચાહિએ તો લેલો વરના નીકલજાવ
પોલીસ આ જાયેગી.... ખાલીપીલી ભંકસ નહીં ચાહિએ..... સાત્વિકે રૂપિયા ચૂકવ્યા અને
બંને રૂમમાં જતા રહ્યા બહાર તોફાનો ભયજનક રીતે વધી રહ્યા હતા અને હવે તો પોલીસે
ટીયરગેસનો મારો ચલાવ્યો હતો. અડધો કલાકમાં તો કમિશ્નરે દરીયાપુર પાલીસસ્ટેશન
વિસ્તારમાં કર્ફયુ જાહેર કર્યો હતો. અનન્યાના એરપોર્ટ પર રાહ જોઈએ ઉભેલા સગાઓએ એને
લેવા જવાના પ્રયત્ન કર્યા પણ પોલીસ કર્ફયુમાં કોઈને જવા દેતી ન હોતી. અનન્યા એમને જણાવ્યું કે એ એક મહિલાએ ઘરમાં સુરિક્ષત છે.
એના સગાંઓએ ઉચાટ ભર્યા દિલે રાત કાઢી. સાત્વિકે પપ્પાનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન
કર્યો પણ એમનો ફોન મોડી રાત સુધી બીઝી આવતો હતો. આખરે એણે હરીશને ફોન કરીને કહી
દીધું કે એ સેફ છે અને પપ્પાને કહેજો કે મારી ચિંતા ન કરે.
સવારે અનન્યા એ એના કુટુંબ સમક્ષ મક્કમ ફેસલો સુણાવ્યો.... સાત્વિકે પણ ઘરે
કહી દીધું કે હું અને અનન્યા લગ્ન કરવાના છીએ. ડો. દેવવ્રત દેસાઈ ખુશ હતા. એ જાતે
અનન્યાના મા બાપને મળ્યા અને સલૂકાઈથી વાત કરી પ્રસંગ સાચવી લીધો. થોડી વાર પછી એ
અને અનન્યાના પપ્પા થોડે દૂર જઇને બેઠા અને પાછા આવેયા ત્યારે બંન્ને ખુશ હતા.
દેવવ્રત દેસાઇએ વર્ષોથી બંધ પડેલી એક મિલની હજારો એકર જમીનનો સોદો પાર પાડી દીધો
હતો.
બંને બાપ દીકરો ઘરે પાછા ફર્યા ત્યારે બંને ખુશ હતા... ઘટના એક જ હતી. પણ
બંનેના કારણ સહેજ જુદા હતા. બંને સીધા લાઈબ્રેરીમાં ગયા. સાત્વિક એમને આખું તોફાન
કેવી રીતે થયું એની રજેરજની માહિતી આપતો હતો. એટલામાં હરીશે આવીને કહ્યું. દેવુ
શેઠ, દશરથ
ઉર્ફે દિલાવર તમને મળવા આવ્યો છે. દેવુ શેઠ પહેલાંતો ખચકાયા પછી કહ્યું લઈ આવ....
એમણે કહ્યું સાત્વિક તું ફ્રેશ થઈ આવ.... પછી ઉભો થયો પછી એને કંઈક યાદ આવ્યું એટલે
એણે કહ્યું પપ્પા તમારુ કોમ્પ્યુટર યુઝ કરું છું. મારે મેઈલ ચેક કરવા છે.મારા
લેપટોપની બેટરી બગડી છે. એમ કહી એ દરવાજાની બીજી તરફ આવેલા કમ્પ્યૂટર તરફ ગોઠવાયો.
હરીશ એક વ્યક્તિને અંદર લાવ્યો ત્યારે સાત્વિક એના મેઈલ ચેક કરી રહ્યો હતો.
અંદર આવેલો વ્યક્તિ ડો. દેવવ્રત દેસાઈને કહી રહ્યો હતો.... સાબ કામ હો ગયા
ન....? ડો.
દેવવ્રતે હસીને કહ્યું હા.... એ વ્યક્તેએ કહ્યું થોડા જ્યાદા ખર્ચ હો ગયા.... ટ્રક
વાલોકે દો દો લાખ લગે ઈસ લિયે પૈસે ભી બઢ ગયે હૈ. ડો. દેવવ્રતે કહ્યું ઠીક હૈ,
અને હરિયાને ઈશારો
કર્યો હરિયો અંદર જઈ એક બેગ લાગ્યો. ડો. દેવવ્રતે બેગ ખોલીને જોઈ પછી કહ્યું.
મહાત્મા ગાંધી કી જય.... અને બેગ એ વ્યક્તિને આપી. પેલી વ્યક્તિ.... દશરથ ઉર્ફે
દિલાવરે એ બેગ લીધી એ ઉભો થયો અને એ બહાર જવા પાછો ફર્યો ત્યાં એણે કમ્પ્યૂટર ટેબલ
પર બેઠેલા સાત્વિકને જાયો... એણે કહ્યું પુછ્યું સબ ખૈરીયત સાબ? સાત્વિકે એની સામે જોયું
એને લાગ્યું કે એણે આ માણસને કયાંક જોયો છે ...એકદમ એને યાદ આવ્યું કે આ એ જ માણસ
છે જેણેતોફાન સમયે એને અને અનન્યાને હોટલમાં ઘુસી જવાનું કહ્યું હતું... એ બોલવા
ગયો.... આપ....? પણ એ માણસ રોકાયો નહીં ઝડપથી બહાર જતો રહ્યો. એ ફાટી આંખે એના પપ્પા સામે જોઇ
રહ્યો. ડો. દેવવ્રતે કોઈ સ્પષ્ટતાની તસદી લીધી નહીં એ બોલ્યા દીકરા તારી વાત સાચી
છે પૈસો સમયને ખરીદી શકતો નથી પણ પૈસો હોય તો સમયનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો