શુક્રવાર, 24 ઑગસ્ટ, 2018

ફાનસ ચોરવાથી બુદ્ધિ નહીં ચોરી શકાય


Divyabhaskar.com | Updated - Apr 04, 2017, 08:39 PM

વધુ સવાલો પેદા કરી રહ્યું છે.

  • Article of Bagavat by Pranav Golwelkar in Kalash Magazine
    ફાનસ ચોરવાથી બુદ્ધિ નહીં ચોરી શકાય
    ‘સોશિયલ મીિડયાની તાકાત અને પ્રભાવ ઘણો રસપ્રદ છે અને એટલે જ આપણે સોશિયલ મીિડયાનો સારા કામમાં ઉપયોગ કરવો જોઈએ.
    - મલાલા યુસૂફઝાઈ
    ચોરાયું છે

    આથી જાહેર જનતાને જણાવવાનું કે, સોશિયલ મીિડયા પર મૂકેલી એક રસપ્રદ પોસ્ટ ચોરાઈ છે. કોઈ જાણભેદુએ આ કૃત્યને અંજામ આપ્યો હોવાની શંકા છે. આ ગુનામાં રીઢા ગુનેગાર શ્રીમાન તફડંચીબાજ ઉર્ફે ઉઠાંતરીકારની સંડોવણી હોવાની આશંકા છે.

    તા.ક. :- જેમને આ ચોરાયેલ પોસ્ટ મળે એમણે મૂળ માિલકના નામ સાથે આગળ શેર કરવું.
    પથ્થરફોડિયાઓ અને શિલ્પીઓ વચ્ચે ફરક છે. શિલ્પી સર્જનકાર છે. એનું સર્જન આગ‌વું છે, પોતીકું છે. કમનસીબે સોશિયલ મીિડયા પર જાતજાતના પથ્થરફોડિયાઓ, ઘોરખોદિયાઓ, તફડંચીબાજો, ઉઠાંતરી નિષ્ણાતો ફૂટી નીકળ્યા છે અને કોઈની લખેલી પોસ્ટોને સિફતપૂર્વક ઉઠાવીને સર્જક હોવાના સ્વાંગમાં ફરતા રહે છે. કેટલાક શાતિર ખેલાડીઓ નવા જ પ્રકારે ઉઠાંતરી કરે છે. ‘ફોરવર્ડેડ એઝ રિસીવ્ડ’નું ડિસ્ક્લેઇમર મૂકે છે
    અને તમારું નામ ઉડાડી દે છે. આ તફડંચીનો જરા ‘ઉમદા’ પ્રકાર છે જ્યાં ફોરવર્ડ કરનાર પોતાની બદમાશી જરા જુદી રીતે પ્રગટ કરે છે. સર્જન, આવા તફડંચીબાજોને ઉઠાવવાની લાલચ થઈ આવે એવંુ સર્જન ચપટી વગાડતાંમાં થતું નથી. સર્જન ઘણી વાર માત્ર મગજમાં ઊઠતા તરંગોનું પરિણામ નથી હોતું એ પાંચેય ઇન્દ્રિયોના અનુભવમાંથી જન્મે છે. સર્જન કોઈ એક વ્યક્તિનો અધિકાર નથી. સોશિયલ મીિડયા પર સંખ્યાબંધ લોકો અદ્્ભુત વનલાઇનર અથવા થોડી લાંબી પોસ્ટ મૂકે છે. આ પોસ્ટ એમનો ‘ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ’ છે.

    એમના સર્જનની તફડંચી ન કરી શકાય. કેટલાક લોકો એવું માનતા હોય છે કે વનલાઇનરની ઝાઝી વેલ્યૂ હોતી નથી અને એને ઉઠાવી લેવામાં કશો વાંધો નથી. વાસ્તવમાં લાંબું લખવું એ સહેલું છે, પણ એક જ વાક્યમાં સો વાક્યની વાત મૂકી દેવી એ ઘણું અઘરું કામ છે. આવી ચોટદાર વનલાઇનર અમુક અપવાદોને બાદ કરતાં મોટાભાગના લોકો રોજેરોજ લખી શકાતા નથી. ફેસબુકની વોલ એ કોઈ નધણિયાતું ખેતર નથી કે કોઈ પણ હરાયું ઢોર આવીને ભેલાણ કરી જાય. કોઈએ લખેલી લાઇનો ઠેઠ એના દિલમાંથી આવે છે.

    એને ઉઠાવતાં પહેલાં (તફડંચી કરવાની વાત છે, શેર કરવાની નહીં) જરા આપણા પોતાના સંસ્કાર ચેક કરી લેવા. કોઈની પોસ્ટને એના નામ સાથે શેર કરવી એ સજ્જનતા છે, પણ ઘણી વાર પોતાની વોલ પર શેરની ફેંકાફેંકી કરનાર આવી સજ્જનતા બતાવતા હોતા નથી. એક લેખકે એક પ્રસંગ ટાંક્યો હતો, પ્રાચીન ગ્રીસના પ્રખ્યાત ફિલસૂફ ડાયોજિનિયસનું ફાનસ કોઈ ચોરી ગયું. એણે કાતિલ વ્યંગ કરતાં કહ્યું કે ચોર એવું માનતો હશે કે મારું ફાનસ ચોરીને એ મારી બુદ્ધિનો પ્રકાશ ચોરી જઈ શકશે!

    સોશિયલ મીિડયામાં ઘણા તસ્કરો એવું માનતા હોય છે કે કોઈની પોસ્ટ ચોરીને એ એમની સર્જનાત્મકતા પણ મેળવી શકશે! કમનસીબે આવું થતું નથી. પશ્ચિમી સભ્યતામાં કોઈની ચીજ લેતા પહેલાં
    પરવાનગી લેવાનો અને પાછી આપતી વખતે આભાર માનવાનો રિવાજ છે. આપણે ત્યાં ‘સબ ભૂમિ ગોપાલ કી’ માનીને ભેલાણ કરાવનારી કુપ્રથા છે. આભાર માનવો, પરવાનગીનો વિવેક દાખવવો એ પ્રાથમિક સંસ્કાર છે. સભ્યતાના મામલે આપણે હજુ પણ પશ્ચિમ પાસેથી કેટલીક બાબતો શીખવાની છે. પશ્ચિમમાંથી આવેલું સોશિયલ મીડિયા આપણે અપનાવી તો લીધું, પણ એનો પશ્ચિમી વિવેક આપણે ત્યજી દીધો.

    સોશિયલ મીડિયાના ઉઠાઉગીરો એકાઉન્ટ બનાવતી વખતે જ એકાઉન્ટેબિલિટીને ફગાવી દેતા હોય છે. સોશિયલ મીડિયાનું ‘અન્ડરવર્લ્ડ’ પણ એક ભયાનક સમસ્યા છે. તિકડમબાજો પોતાના ચહેરા પર જાતજાતનાં બનાવટી મહોરાં પહેરીને મેદાનમાં ઊતરી આવે છે અને લોકોને હેરાન કરી નાખે છે. કેટલાક પ્રસિદ્ધિખોર માફિયાઓની અન્ડરવર્લ્ડમાં આખી ગેંગ છે એમ સાંભળ્યું છે. આ ગેંગ લીડરની સામે પડનારાઓ પર સતત હુમલા કરતી રહે છે.

    ફેક આઈડી એ કાયદાની સમસ્યા છે, પણ પોસ્ટ્સની તફડંચી એ નીતિમત્તાની, સંસ્કારની સમસ્યા છે. સવાલ એ છે કે, આ કેવી પ્રજાતિ છે જેમના સંસ્કારની હદ સોશિયલ મીિડયાના ઝાંપે જ પૂરી થઈ જાય છે? સોશિયલ મીડિયા જેટલા જવાબો આપી રહ્યું છે એના કરતાં અનેક ઘણા વધુ સવાલો પેદા કરી રહ્યું છે.

    જનોઈવઢ : ‘Practice what you post’તમે જેવી પોસ્ટ મૂકો છો એવું જ આચરણ પણ કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો