- પ્રકાશન તારીખ26 Jun 2018

જીવન અને મૃત્યુ એક જ છે જેમ નદી અને સમુદ્ર એક છે } ખલીલ જીબ્રાંન
બે વર્ષ પહેલાં નર્મદા કિનારે એક મંદિરમાં જવાનું થયું ત્યારે મહંતે શિવલિંગ તરફ હાથ ધરીને પૂછેલું કે ઈસ શિવ કે લીયે નર્મદા કા દો બુંદ પાની મિલેગા? મહંતના આવા સવાલથી આશ્ચર્ય થયું હતું, કારણ કે નદીમાં પાણી દેખાતું હતું. મહંતને કહ્યું, નદીમાં પાણી તો છે. તો તેમને કહ્યું કે યે નર્મદા કા નહીં સમદંર કા પાની હેં. સમંદર નદીમાં અંદર ઘૂસ આતા હે, નર્મદાનો ખારો પાટ જોઈલો. મીઠું ચારે તરફ જામી ગયું છે. આ નર્મદાની જ દુર્દશા હતી અને શાસકો આના માટે જવાબદાર હતા. સૌની યોજના મોટાપાયે લાવનારા હવે શિવની યોજના ક્યારેય લાવે એ જોવાનું રહ્યું. નર્મદાના કાંઠે રહેલા લોકો અને નર્મદાના કાંઠે વસતા શિવ બંને આજે નર્મદાના પાણીથી વંચિત છે અને ગાંધીનગર કેનાલોમાં જુઠ્ઠાણા વહેવડાવી રહી છે.
નર્મદાના કાંઠે રહેલા લોકો અને નર્મદાના
કાંઠે વસતા શિવ બંને આજે નર્મદાના પાણીથી વંચિત છે |
સનત મહેતા જ્યારે જીવતા હતા ત્યારે હંમેશા કહેતા કે ડેમ એકવાર ભરાઈ જાય તો પણ ગુજરાતને બે વર્ષ ચાલે એટલું પાણી મળે. હવે સરકારે ટીપે ટીપાં પાણીનો હિસાબ આપવો પડશે. આ વખતે વરસાદમાં 130 મીટર જેટલો ડેમ ભરાયો હતો. તો પછી એ પાણી ગયું કયા? આપણે મધ્યપ્રદેશ પાસે પાણીની ભીખ માંગવી પડે એવી સ્થિતિ કેમ સર્જાઈ? ડેમ પાણીના પૂરને રોકી શકશે, પણ શાસકોના લોભના ઘોડાપૂરને રોકી નહીં શકે. પાણી કિમતી જણસ છે.
એને રાજકારણના ચોપાટ પર મત માટે દાવ પર મૂકી શકાય નહીં. સાબરમતીમાં સી-પ્લેનના છબછબીયા થઈ શકે છે. આ પાણી ક્યાંથી આવ્યું એનો સરકારે હિસાબ આપવો જોઈએ. સૌની યોજનામાં વહેવડાવવામાં આવેલા પાણીનો પણ હિસાબ આપવો જોઈએ. કોઈકવાર ભરૂચ જઈને જુઓ તો ખબર પડે કે મીઠા પાણીના સ્તર કેટલા નીચે ઉતરી ચૂક્યા છે. કોઈવાર કબીર વડ જઈને જુઓ તો ખબર પડે કે જે બેકાંઠે વહેતી હતી એ નર્મદા કાદવના ખાબોચિયામાં સમાઈ ગઈ છે. નર્મદા માત્ર પાણી નથી, એ ગુજરાતનો જળ વૈભવ છે. તેની સાથે આવી રમત ન કરી શકાય.
અત્યારે જાણકારો તો એવું કહે છે કે, ડેમમાં પૂરતું પાણી છે, તેમ છતાં સરકાર વહેવડાવતી નથી. જો આ આરોપ હોય તો સરકારે એ અંગે સ્પષ્ટતા કરવી પડે. નર્મદાનું રૂલ લેવલ કેટલું છે ક્યારે એ રૂલ લેવલનો અને કોના માટે ભંગ થયો એ જાહેર કરવું જોઈએ. ભાડભૂતની આસપાસ માછીમારો માટે પણ પાણી નથી. હિલ્સા માછલીનું પણ નિકંદન નીકળી ગયું છે અને નદીના કાંઠે થતી ખેતી ઉજ્જડ થઈ જાય તેવી સ્થિતિ ગઈ છે. પાણીની ભૂખ સર્વનાશ નોતરી શકે.
એકંદરે જોતાં પાણીના મેનેજમેન્ટના બદલે મિસ મેનેજમેન્ટ વધુ થયું છે. સિંચાઈ માટે અપાયેલ પાણીને યોગ્ય ઠેરવી શકાય, પીવા માટે છોડાયેલા પાણીને યોગ્ય ઠેરવી શકાય, પણ દેખાડો કરવા માટે છોડાયેલા પાણીને ક્યારેય યોગ્ય ઠેરવી શકાય નહીં. અત્યારના સંજોગો જોતા જો આવનારા બે વર્ષ નબળા જાય અને ઓછો વરસાદ થાય તો શું સ્થિતિ થાય એની કલ્પના પણ કંપાવનારી છે. નર્મદાના નીચેના વિસ્તારોમાં પાણી છોડવું જ પડે, માતા ઉપર પહેલો હક સંતાનોનો હોય છે એ છીનવી શકાય નહીં. નર્મદાથી એના સંતાનોને વિખોટા પાડી ન શકાય.
જો મધ્યપ્રદેશની દયા પર નિર્ભર રહેવાનું હોય, કેનાલોની આટલી બધી જાળ શા માટે બિછાવી? નર્મદા સવાલોનું ઘોડાપૂર લઈને આવી છે અને નપાણિયા તંત્ર પાસે કોઈ જવાબ નથી.
|
રેવા કાંઠે અસંતોષની આગ ફાટી છે, જો સરકાર સમયસર ધ્યાન નહીં આપે તો દાવાનળમાં ફેરવાઈ જશે. જો એક જ વખત ભરાયેલો ડેમ ગુજરાતની તરસ છીપાવી ન શકવાનો હોય તો આટલા હજારો કરોડ આપણે ખર્ચ્યા શા માટે? જો મધ્યપ્રદેશની દયા પર નિર્ભર રહેવાનું હોય, કેનાલોની આટલી બધી જાળ શા માટે બિછાવી? નર્મદા સવાલોનું ઘોડાપૂર લઈને આવી છે અને નપાણિયા તંત્ર પાસે કોઈ જવાબ નથી.
છેલ્લા સંખ્યાબંધ વર્ષોના ઈતિહાસમાં આખી ગંભીર સ્થિતિ સર્જાઈ હોય એવી પહેલી ઘટના બની ગઈ છે અને આશ્ચર્યની વાત એ છે કે, વરસાદ સાવ ઓછો થયો હોય તેવું તો હતું જ નહીં. ડેમના જળ વ્યવસ્થાપન પર આ ઘટનાને કારણે ગંભીર સવાલો પેદા થયા છે. રૂલ લેવલ અને ડેડ લેવલ અંગે નવેસરથી વિચારણા હાથ ધરવી પડે. આશ્ચર્યની વાત એ છે કે, નર્મદાના કહેવાતા નિષ્ણાતો મૌન ધારણ કરીને બેઠા છે. જે લોકો આ અંગે તલસ્પર્શી જાણકારી ધરાવે છે એમણે સામે આવીને લોકોના પ્રશ્નોના જવાબ આપવા જોઈએ. સરકાર આંકડાઓથી માત્ર ઉઠા ભણાવી રહી છે એવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે. સરકારે પણ નિષ્પક્ષીય અહેવાલ બહાર પાડવો જોઈએ. એકવાર આગ સાથે રમત શક્ય છે પણ પાણી સાથે રમત કરવી તે અત્યંત જોખમી બની શકે છે.
જનોઈ વઢ : જળ કપટ છોડી દેને રાજા, લોકો અમારા જાગશે, તને મારશે...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો