શુક્રવાર, 24 ઑગસ્ટ, 2018

પ્રપંચ વગરની સત્તા લાંબો સમય ટકતી નથી


  • પ્રકાશન તારીખ08 Jun 2018
‘રાજકારણ અને નીતિમત્તાને કોઈ સંબંધ નથી’
- મેકિયાવેલી
કયું ચૂર્ણ આંખમાં આંજીએ તો કાજળઘેરી રાત્રે પણ જોઈ શકાય? શરીર પર શેનો લેપ કરીએ તો વર્ણ (રંગ) બદલાઈ જાય? જેને કાળો જાદુ કહે છે એના કયા ટુચકાથી સામેના માણસને વશ કરી શકાય કે એને નુકસાન કરી શકાય? આ બધા વિષયોની ચર્ચા એક પુસ્તકમાં છે અને એ
રાજકારણ સમજવું હોય તો અર્થશાસ્ત્રને ‘કંઠસ્થ’ જ નહીં ‘મગજસ્થ’ પણ કરવું પડે
પુસ્તકમાં માત્ર આટલું જ નથી, એમાં જુદાં જુદાં યંત્રો વિશે વાત છે. એ પુસ્તક માનવ સ્વભાવની વાત નગ્ન, લોહિયાળ પ્રામાણિકતાથી કહે છે અને એ પુસ્તકમાં જ લોકોને ઊંધે રવાડે ચડાવવાની વાત પણ છે. એ પુસ્તક વિશે એના કર્તા વિશે ચર્ચા ઘણી થાય છે, પણ એ પુસ્તક વાંચવાની દરકાર ખરેખર ખૂબ ઓછા લોકો લે છે. એ પુસ્તકનું નામ છે, અર્થશાસ્ત્ર અને એના કર્તાનું નામ છે, કૌટિલ્ય.
રાજકારણ શું છે એ સમજવું હોય તો અર્થશાસ્ત્રને ‘કંઠસ્થ’ જ નહીં ‘મગજસ્થ’ કરવું પડે. કૌટિલ્ય (ચાણક્ય) માટે સાધન અગત્યનું નથી સાધ્ય અગત્યનું છે. જ્યારે વાત સત્તાની જ હોય તો રાજાએ કેવા કેવા પ્રપંચ કરવા જોઈએ એ વિશે અર્થશાસ્ત્ર વિસ્તારપૂર્વક કહે છે. રાજા એ પોતે ચમત્કારિક પુરુષ છે એવી આભા પ્રસરાવવી જોઈએ એમ કૌટિલ્ય સ્પષ્ટ માને છે. એક અર્થમાં રાજા અગમ્ય હોવો જોઈએ. જો તર્કની ફૂટપટ્ટી વડે રાજા ‘મપાઈ’ જાય તો એની સત્તાનો પનો ટૂંકો થઈ જાય! સત્તા ટકાવવા કે મેળવવા માટે રાજાએ ખોટા પ્રચાર ઉપરાંત ખોટી પ્રયુક્તિનો સહારો લેવામાં પણ પીછેહઠ કરવી જોઈએ નહીં.
કદાચ જે તર્કની પેલે પાર છે એની જ સત્તા ચાલતી હોય છે. જોકે, અહીં વાત પારતાર્કિકની છે. અતાર્કિકની નથી. રાજાનાં કાર્યોને બહુ જ મોટાં કરીને બતાવવાં કે જે કામો કર્યાં ન હોય તે એના નામે ચડાવવા કે રાજાને લગભગ અવતારી પુરુષ તરીકે જ સાબિત કરવો એમ કૌટિલ્ય કહે છે.
સૌથી આશ્ચર્યજનક અર્થશાસ્ત્રનું 14-15મું પ્રકરણ છે. જેમાં જાતજાતની યુક્તિઓ દર્શાવવામાં આવી છે. બ્લેક મેજિક છે અને રાક્ષસોની આરાધનાના મંત્રો પણ છે. સત્તા માટેના આ પ્રયત્નો સ્તબ્ધ કરી શકે છે.
ચાણક્ય અને મેકિયાવેલીમાં એક અદ્્ભુત સમાનતા જોવા મળે છે. બંને માટે રાષ્ટ્ર (રાજ્ય) સર્વોપરી છે, સર્વોચ્ચ અગ્રતાએ છે. યાદ રહે, રાષ્ટ્ર સરકાર નહીં. સરકારો આવતી અને જતી હોય છે, રાષ્ટ્ર અવિચળ રહે છે. રાષ્ટ્રવાદ એ સરકારવાદ કે કોઈ પક્ષવાદ નથી. મેકિયાવેલી તો કહે છે, રાષ્ટ્રના હિતમાં વ્યક્તિની ઇચ્છાનો ભોગ લઈ શકાય છે. આ બંને વ્યક્તિ સ્વાતંત્ર્યની બહુ તમા રાખતા હોય એમ જણાતું નથી. અત્યારે ડેટા લીકનું તરકટ બહુ વિવાદ જન્માવી રહ્યું છે અને સરકારો દરેક વ્યક્તિ પર વધુ પડતી નજર રાખી રહી છે-ની કાગારોળ પણ અવારનવાર થતી રહે છે. વાસ્તવમાં ચાણક્ય અને મેકિયાવેલી બહુ જ વ્યાપક અને અત્યંત કાર્યક્ષમ ગુપ્તચર વ્યવસ્થાના સમર્થક છે. આ બંને પોતાના રાજાઓને કોઈ વણજોઈતાં આશ્ચર્યો કે આઘાતોનો સામનો ન કરવો પડે તે માટે સતત સતર્ક રહેવા માટે કહે છે. અર્થશાસ્ત્ર તો નાગરિકો પર નજર રાખવા લગભગ તમામ ઉપાયોની હિમાયત કરે છે.
મેકિયાવેલી અને ચાણક્ય બંને માટે યુદ્ધ રાજનીતિનું અવિભાજ્ય અંગ છે. જોકે, આ બંને ‘યુદ્ધખોર’ માનસિકતાનું બહુ સમર્થન કરતા નથી, પણ સતત યુદ્ધ માટે તૈયાર રહેવાનું જણાવે છે. રાષ્ટ્રના વિસ્તાર માટે યુદ્ધ કરવામાં આ બંનેને કોઈ છોછ હોય એમ લાગતું નથી.
જોકે, કૌટિલ્ય સત્તાના અવિવેકપૂર્ણ ઉપયોગની તરફેણ કરતા નથી. અમાત્યોની પરીક્ષા કેવી રીતે કરવી એ વિશે જુદા જુદા ઉપાયોની ચર્ચા કર્યા બાદ પણ તે અમાત્યો પર ભરોસો મૂકવાની વાત જ કરે છે. તો રાજપુત્રો સાથે કેવો વર્તાવ કરવો તેની ચર્ચા કરતી વખતે તેમને સરહદી રાજ્યોમાં મોકલવા કે તેમને કોઈ ચીજમાં આસક્ત કરવા જેવા ભયંકર ઉપાયોની ચર્ચા કર્યા બાદ પણ એ અંતે તો એવું જ તારણ આપે છે કે રાજપુત્રોને શ્રેષ્ઠ શિક્ષણ આપવાની હિમાયત કરે છે, જેથી એમનામાં સદ્્ગુણો અને વિવેક જાગૃત રહે. {
જનોઈવઢ : જ્ઞાન એ છે જે તમને સાચા અને ખોટાનો ભેદ શીખવાડે, લોભ અને ઈર્ષા સામે જાગૃત રાખે. તમને જે શોષણ શીખવાડે, લોભ માટે પ્રેરે એ જ્ઞાન નથી.
- અજ્ઞાત

સ્વચ્છંદતાનો અધિકાર ફોર્વર્ડેડ નોટ રિસીવ્ડ


  • પ્રકાશન તારીખ09 Jun 2018
સ્વતંત્રતા એ જવાબદાર માણસોને માટે શ્વાસ જેટલી અગત્યની છે અને બિનજવાબદાર માણસો માટે સ્વચ્છંદતા સિવાય કશું જ નથી. જ્યારે જ્યારે સોશિયલ મીડિયા પર લગામની
મેસેજીસની સત્યતા ચકાસવાનું કામ આસાન નથી હોતું, ઘણી વાર તો કલાકો સુધી રિસર્ચ કર્યા પછી મેસેજીસની સત્યતાની ચકાસણી થઈ શકતી હોય છે
વાત આવે છે ત્યારે સ્વતંત્રતાના નામે દુહાઈ દેનારા ધસી આવે છે. વાસ્તવમાં આ જ ટોળકી એવી છે જે આખો દિવસ જાતભાતના મેસેજીસની સત્યતા ચકાસ્યા વિના ફોર્વર્ડ કરી દેતા હોય છે. જે લોકો એક પણ રીપીટ એક પણ મેસેજને પૂરતો ચકાસ્યા વિના આગળ ધકેલે છે એ જૂઠ અને માત્ર જૂઠ ફેલાવે છે.
મેસેજીસની સત્યતા ચકાસવાનું કામ આસાન નથી હોતું, ઘણી વાર તો કલાકો સુધી રિસર્ચ કર્યા પછી મેસેજીસની સત્યતાની ચકાસણી થઈ શકતી હોય છે. આશ્ચર્યની વાત તો એ છે કે વ્યવસ્થિત રીતે ભણેલા ગણેલા માણસો પણ આવી રીતે ‘ફોર્વર્ડેડ એઝ રિસીવ્ડ’ની છટકબારી રાખીને મેસેજ ફોર્વર્ડ કરી દે છે.
જરા વધુ અંદર ઊતરીને જોઈએ તો સોશિયલ મીડિયા જૂઠ ફેલાવાનું પ્લેટફોર્મ બનતું જઈ રહ્યું છે. આમ તો કહેવાય છે કે એક તસવીર હજાર શબ્દોની ગરજ સારે છે. સોશિયલ મીડિયા પરની ફરતી તસવીરો હજાર જૂઠની ગરજ સારે છે. મોટાભાગની તસવીરો માત્ર ફોટોશોપ્ડ હોય છે અથવા તો મોર્ફ કરાયેલી હોય છે. ઘણી વખત એક ઘટનાના વિડિયો તદ્દન જુદા જ વિસ્તારમાં બનેલી ઘટનાના વિડિયો તરીકે મોકલી દેવાય છે અને વાઇરલ થઈ જાય છે.
માનવ સ્વભાવ એવો છે કે એમને સાચું સાંભળવાનું નહીં, પોતાને જે ગમે એવું અને એટલું જ સાંભળવાનું ગમે છે. બાંગ્લાદેશમાં થયેલી હિંસાને યુ.પી.ની હિંસા તરીકે અને યુ.પી.માં થયેલાં રમખાણોના વિડિયોને ગુજરાતની ઘટનાના નામે ફરતા કરી દેવાય છે. સરકાર ફેક ન્યૂઝની સામેની ઝુંબેશના નામે એની પોલ ખોલનારા મીડિયા પર તવાઈ લાવવા માંગે છે, પણ હકીકત એ છે કે સોશિયલ મીડિયા પોતે જ ફેક ન્યૂઝનું સૌથી મોટું પ્લેટફોર્મ બની ગયું છે. અમુક માણસોના હાથમાં ટેક્નોલોજી એ વાંદરાના હાથમાં મશાલ બની ગઈ છે જ્યાંને ત્યાં આગ ચાંપતા ફરે છે.
આપણને રાષ્ટ્રીય ગર્વની જેટલી જરૂર છે એટલી જ જરૂર રાષ્ટ્રીય સ્વસ્થતાની અને રાષ્ટ્રીય સત્યતાની પણ છે. ક્યાંક બંધનું એલાન હોય કે ક્યાંક છમકલું થયું હોય સંપૂર્ણ સ્વસ્થતાથી અને સત્યતાથી જ મેસેજ ફેલાવવા જોઈએ. અમુક લોકો ભળતાસળતા મેસેજ ફેલાવીને ભયંકર ઉશ્કેરણી ફેલાવે છે.
ત્રીજો મુદ્દો રાષ્ટ્રપુરુષો અંગેનો છે. ઇતિહાસ વિશે લખવું એ દરેક મોબાઇલધારકના બસની બાબત નથી. ઐતિહાસિક તથ્યો બહુ અભ્યાસ પછી સાબિત થતા હોય છે. હવે લોકો એમના મહાનાયકોને જેવા હતા તેવા સ્વીકારવાના બદલે પોતે જેવા માને છે એવા સ્વીકારવા માટે ઝનૂની થઈ જતા હોય છે. પ્રથમ તો તમારી માન્યતાના આધારે રાષ્ટ્રપુરુષોના કદ નાના કે મોટા કરી શકાતા જ નથી. તમે ગમે એટલો પ્રકાશ નાંખશો, સૂર્યને વધુ કે ઓછો પ્રકાશિત કરી શકશો નહીં. કોઈ સૂર્ય સામે ધૂળ ઉડાડવાની કોશિશ કરે તો પણ બહુ ડરવા જેવું હોતું નથી. ઉડાડનારાની આંખમાં જ ધૂળ પડવાની શક્યતા સોએ સો ટકા હોય છે.
અને સૌથી મહત્ત્વની વાત એ છે કે રાષ્ટ્રપુરુષો માટે સોશિયલ મીડિયા પર બેફામ યુદ્ધો કરવા કરતાં એ મહાનુભાવોએ આપેલા ઉપદેશોના આધારે ચાલવું વધારે અગત્યનું છે. એક વાત યાદ રાખવી કે ક્યારેય કોઈ પોતાની પાસેનું સોનું લોકોમાં વહેંચતો ફરતો નથી. એટલે જે કીમતી હોય એનાથી પોતાની જાતને સમૃદ્ધ કરવું એ વધુ અગત્યનું છે.
હા, સોશિયલ મીડિયા અત્યંત મહત્ત્વનું હથિયાર છે. જ્યારે સરકારો જૂઠ ફેલાવતી હોય ત્યારે સોશિયલ મીડિયા જ લોકોનો એક મજબૂત સહારો બની શકે છે. સોશિયલ મીડિયાની ક્ષમતાઓ વિશાળ છે એમ એની મર્યાદાઓ પણ વિશાળ છે. {
જનોઇવઢ : સત્ય અને અર્ધ સત્ય વચ્ચેની દીવાલ સૌથી પાતળી દીવાલ હોય છે.
- અજ્ઞાત

ન્યાયની દેવીએ આંખો ખોલવી પડશે


  • પ્રકાશન તારીખ08 Jun 2018
‘હું સત્યની સાથે છું, એ સત્ય કોણ બોલે છે એથી મને ફરક પડતો નથી. હું ન્યાયની સાથે છું, કોણ એની વિરુદ્ધ છે કે કોણ એની તરફેણમાં છે એથી ફરક પડતો નથી.’
- માલ્કમ એક્સ 
કોઈ વાર કલ્પના કરો કે આપણે ત્યાં ચુકાદા આવવામાં જેટલો સમય જાય છે એટલો સમય મતદાન પછી પરિણામો આવવામાં જાય તો શું થાય?
એ ક વાર એક યુવાનને પરણવાની ઇચ્છા થઈ. એને એક છોકરી પસંદ આવી ગઈ. એણે એની માને કહ્યું, મારે આ છોકરી સાથે પરણવું છે. માએ કહ્યું, બેટા એમ કંઈ જોયા-જાણ્યા વિના હું તને પરણવાની મંજૂરી ના આપું. માએ સંખ્યાબંધ લોકોને પૂછ્યું, એ છોકરીનો બે-ત્રણ વાર ‘ઇન્ટરવ્યૂ’ લીધો. આ બધી તરખડમાં ઘણો સમય પસાર થયો. અંતે માએ ફેંસલો આપ્યો. આ છોકરી આપણા કુળને છાજે એવી નથી. કોઈ પણ સંજોગોમાં એને વહુ બનાવી શકાય નહીં. દીકરો કેટલાય દિવસ સુધી નાસીપાસ થઈ ગયો. એક દિવસ એણે તક જોઈને પિતાને આખી 
વાત કહી.
પિતાએ કહ્યું, તારી માને આ વાતમાં શું સમજ પડે? હું જાતે જ તપાસ કરીશ. પિતાએ એ છોકરીના સંબંધીઓને એક પછી એક બોલાવવાનું શરૂ કર્યું. એમની સાથે એ છોકરીના ચાલ-ચલગત વિશે લાંબી-લાંબી ચર્ચાઓ કરી માહિતીઓ મેળવી. પછી પોતાના સંબંધીઓને બોલાવીને એ છોકરી વિશે અભિપ્રાય લેવાનું શરૂ કર્યું. એટલું ઓછું હોય એમ ફરી ત્રણ-ચાર વાર છોકરીને બોલાવી એની સાથે વાત કરી. આ બધી પળોજણમાં સમય વ્યતિત થતો હોઈ છોકરો અકળાઈ રહ્યો હતો. એની ઉંમર વધતી જતી હતી અને પેલી છોકરીને પણ બીજાં માગાં આવી રહ્યાં હતાં. એણે વારંવાર પિતાને જલ્દી નિર્ણય લેવા કહ્યું, પણ પિતા કુળના સન્માન માટે કોઈ બાંધછોડ કરવા તૈયાર નહોતા. આખરે બહુ જ લાંબા સમય બાદ એમણે નિર્ણય આપ્યો કે આ છોકરી આપણા કુળની વહુ બનવાને લાયક છે એટલે લગ્નમાં કોઈ હરકત નથી.
પિતાના આ નિર્ણયથી માતા નારાજ થઈ ગઈ. એણે સસરાને આખી વાત જણાવી. સસરાજીએ માતા અને પિતાને સામસામે બેસાડ્યાં. બંને પોતાની વાત રજૂ કરવા માંડ્યાં. વારંવાર વાત આડે પાટે જતી રહેતી.રોજ બપોરે બે કલાક દલીલબાજીઓ ચાલતી, પણ કોઈ ટસનું મસ થતું નહીં. જેમ જેમ સમય પસાર થતો હતો એમ પેલો યુવક વધુને વધુ અકળાતો હતો. એની રજૂઆતો તો કોઈ કાને ધરતું જ નહોતું. માતા અને પિતા તો પોતાની દલીલોની ખરાઈમાં જ વ્યસ્ત હતાં. દાદા કોઈને નારાજ કરવા માંગતા નહોતા એટલે સાંભળ્યા કરતા હતા. અંતે વર્ષો પછી દાદાએ ચુકાદો આપ્યો કે એ યુવક લગ્ન કરી શકે છે. યુવક હોંશભેર પેલી યુવતીના ઘરે વધામણી આપવા પહોંચ્યો. એણે જોયું કે એ યુવતીના માથે ધોળાં આવી ગયા હતા, એના લગ્ન થઈ ગયા હતા અને બે છોકરાં થઈ ગયા હતા. આઘાતની વાત એ હતી કે એ યુવતી પેલા છોકરાને લગભગ ભૂલી ચૂકી હતી. પેલા છોકરાના હાથમાં અફસોસ સિવાય કંઈ બાકી 
રહ્યું નહોતું.
લગભગ આવી જ સ્થિતિ આપણી ન્યાયવ્યવસ્થાની છે. એક કહેવત છે કે, ‘જસ્ટિસ ડિલેઇડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ.’ આપણે ત્યાં ન્યાય વહેલો આવી જાય તો આઘાત લાગી જાય એવી સ્થિતિ હોય છે. વર્ષો સુધી ન્યાયની પ્રક્રિયા ચાલ્યા જ કરે છે અને પરિણામ કંઈ જ આવતું નથી. અલબત્ત, આપણે ત્યાં આરોપીઓને ન્યાય પછી જે મળે છે એ ‘સજા’ હોતી નથી! ન્યાય થાય ત્યાં સુધી એટલે કે વર્ષો સુધી કોર્ટના ચક્કર કાપવા પડે છે એ જ મોટી સજારૂપ હોય છે.
અલબત્ત, આમાં ન્યાયના સિદ્ધાંતોનો કે અદાલતોનો કોઈ વાંક ભાગ્યે જ હોય છે. જેટલી ઝડપે કેસોની સંખ્યા વધે છે એટલી ઝડપથી અદાલતોની સંખ્યા વધતી નથી, આથી દરેક અદાલતમાં હજારો કેસોનો ભરાવો થઈ જાય છે અને ન્યાયની પ્રક્રિયા ધીમી ને ધીમી પડતી જાય છે.
કોઈકવાર કલ્પના કરો કે આપણે ત્યાં કેસોનો નિકાલ કરવામાં જેટલો સમય થાય છે એટલો સમય જો મતદાન બાદ પરિણામો આવવામાં થાય તો શું થાય? આપણે કરોડો લોકો માટે મતદાનની વ્યવસ્થા ગોઠવી શકીએ તો ન્યાય ઝડપી મળે એવી વ્યવસ્થા કેમ ગોઠવી શકતા નથી? આખરે ન્યાય એ ‘દાન’ નથી એ અધિકાર છે.
તાજેતરમાં નરોડા પાટિયા કેસમાં આવો જ અસહ્ય વિલંબ જોવા મળ્યો. 2002માં બનેલી ઘટનાના કેસનો ચુકાદો 16 વર્ષે આવ્યો અને હજુ તો આ હાઇકોર્ટનો ચુકાદો છે. હજુ સુપ્રીમ કોર્ટમાં કાયદાકીય લડાઈ લડાવાની બાકી છે. આ કેસમાં અંતિમ ન્યાય ક્યારે થશે એ તો કોઈ કહી શકે એમ નથી. આવી જ સ્થિતિ ઘણા બીજા કેસોની હોય છે. સરકાર ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરે છે, પણ સરકારનો ખુદનો ટ્રેક ફાસ્ટ હોતો નથી.
આટલા વિલંબ પછી જે ન્યાય મળે છે એને પણ ઘણા લોકો શંકાની નજરે જુએ છે. જો કોર્ટમાં સમયસર કેસો ચાલે અને ચુકાદાઓ મળી જાય તો ન્યાયની પવિત્રતા પણ જળવાઈ રહી શકે. દર વખતે આંખ પર પટ્ટી મારીને ચાલવાનું નથી. હવે તો ન્યાયની દેવીએ આંખો ખોલવી પડશે અને માત્ર તરાજુને આધારે નહીં, પણ સમયને આધારે ન્યાય તોળવો પડશે. {
જનોઇવઢ : જો તમારો હેતુ ન્યાય કરવાનો હોય તો સત્ય તમને ક્યારેય નુકસાન કરતું નથી.- મહાત્મા ગાંધી

ગીરમાં ‘સિંહ’ કરતાં ‘કૂતરાં’ વધી ગયાં

લેખક ‘દિવ્ય ભાસ્કર’ અમદાવાદ આવૃત્તિના નિવાસી તંત્રી છે.

  • પ્રકાશન તારીખ13 Jun 2018
ના ના હતા ત્યારે શાળાઓમાં ભણાવાતું,
એ જંગલનો રાજા છે,
એ ક્યારેય કોઈનો કરેલો શિકાર ખાય નહીં,
એ ભૂખ્યો હોય તોય ઘાસ ખાય નહીં,
એ વિકરાળ હોય,
એના ડરથી જંગલ આખું થરથર ધ્રૂજે.

હવે આવા સિંહ ચોપડીમાં જ રહી ગયા છે! સિંહ જોવાના લાલચું લોકોએ મારણ ધરી ધરીને સિંહને સિંહ જેવા રહેવા દીધા નથી. હવે જે સિંહ છે એ નતો ચારણ કન્યાવાળા ડાલામથ્થા સિંહ છે ન તો દરબાર માત્રાવાળાની વાર્તાના ખૂંખાર સિંહ છે. તાજેતરમાં સિંહને લોકો મરઘી ખવડાવતાં હોવાનો વિડિયો વાઇરલ થયો હતો. એ વિડિયોને જોઈને લાગે જ નહીં કે એ સિંહ છે, કૂતરાંઓને શરમાવે એવું વર્તન સિંહનું હતું. આશ્ચર્યની વાત છે કે વાતવાતમાં સૌરાષ્ટ્રની અસ્મિતા વિશે, સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ હોવા અંગે સોશિયલ મીડિયા પર લડાઈઓ છેડી દેતી આખી ગેંગ સિંહોના ‘કૂતરાંકરણ’ વિશે ચૂપ છે. સિંહોના વ્યવહારમાં આવેલા આ પરિવર્તન માટે ખરેખર તો આપણે જ જવાબદાર છીએ.
છાશવારે સૌરાષ્ટ્રની બાબતે સોશિયલ મીડિયા પર 
હો-હલ્લો મચાવનારી ગેંગ સિંહોના ‘કૂતરાંકરણ’ બાબતે 
કાન ફાડી નાંખે એવું મૌન ધારણ કરીને કેમ બેઠી છે?
સિંહ મૂળથી જ શિકારી પ્રાણી છે. એ શિકાર કરે તો જ એનું વ્યક્તિત્વ, એનો રૂઆબ બરકરાર રહે. સિંહદર્શનના નામે એને તૈયાર મારણ ધરી દો તો સિંહ જોયાની તમારી ભૂખ તો સંતોષાય, પણ પછી એ સિંહ સિંહ જ ન રહે! કૂતરાં જેવો થઈ જાય જે ખોરાક માટે માલિકની મરજી પર જ આધારિત રહે છે. આઘાતની વાત એ છે કે અગાઉ સરકસમાં ખેલ કરતાં સિંહોને આપણે જંગલમાં છોડી મૂક્યા હતા અને હવે આપણે જંગલના સિંહોને જ સરકસના સિંહો બનાવી
દીધા છે!

સિંહની ઓળખ જાળવવા માટે હવે એક અંતિમ કક્ષાનું પગલું ભરવાની જરૂર છે. 10-15 વર્ષ માટે ગીરમાં સંપૂર્ણપણે પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકી દેવાની જરૂર છે. ચોક્કસપણે આ પગલાંથી હોબાળો મચી જશે. આપણે કેટલાંક પ્રવાસીઓની નારાજી ચોક્કસ વહોરવી પડશે, પણ આ પગલાંથી સિંહની ઓળખ તો જાળવી શકાશે. સિંહને હવે થોડાં વર્ષો સુધી સંપૂર્ણ કુદરતી વાતાવરણ મળવું જોઈએ, જ્યાં એ માત્ર શિકાર પર નભી શકે અને વનરાજ હોવાની ઓળખ જાળવી શકે.

આવું જ બીજું ક્રાંતિકારી પગલું એ લેવાની જરૂર છે કે ગીર બહાર પણ સિંહો માટે રક્ષિત જંગલ વિસ્તારો જાહેર કરી દેવા જોઈએ. 1,412 ચોરસ કિલોમીટરનો વિસ્તાર સિંહો માટે અપૂરતો છે. સિંહોની સંખ્યા છેલ્લાં કેટલાય વર્ષોથી સતત વધી રહી છે, પણ ગીર નેશનલ પાર્કનો વિસ્તાર તો એટલો ને એટલો જ રહ્યો છે. સિંહને લગભગ 10-12 ચોરસ કિલોમીટર વિસ્તાર જોઈએ. આ જ કારણોસર જેમ જેમ વસ્તી વધી એમ સિંહોએ ગીરમાંથી બહાર સ્થળાંતર શરૂ કર્યું અને નવા નવા વિસ્તારોમાં રહેવા માંડ્યા છે. આ જ સ્થિતિ ચાલુ રહી તો હવે ગીચ માનવ વિસ્તારોમાં પણ ધીરે-ધીરે સિંહો ઘૂસવા માંડશે.
મરઘીખાઉં સિંહો એક બોધપાઠ છે. આપણે સમજવું પડશે કે જંગલોને અને વન્ય પ્રાણીઓને આપણે એમના કુદરતી વાતાવરણમાં જ રાખવાં જોઈએ.
બીજી તરફ ‘સિંહદર્શન’માં તૈયાર મરઘાં ખાવાના રવાડે ચડેલા સિંહોના મનમાંથી માણસોથી દૂર રહેવાની વૃત્તિ પણ જતી રહેશે. આ સૌથી ભયંકર છે, કારણ કે પછી ભૂખ્યા સિંહો માણસો પર હુમલો કરતાં જરાય અચકાશે નહીં અને આપણે માણસખાઉ સિંહોની સમસ્યાનો સામનો કરવો પડશે.

મરઘીખાઉં સિંહો એક બોધપાઠ છે. આપણે સમજવું પડશે કે જંગલોને અને વન્ય પ્રાણીઓને આપણે એમના કુદરતી વાતાવરણમાં જ રાખવાં જોઈએ. કોઈ વૃક્ષને આપણે બોન્સાઈ કરી દઈએ છીએ, પણ જંગલના પ્રાણીઓને આવી રીતે ‘બોન્સાઈ’ કરી દેવા બિલકુલ યોગ્ય નથી.
સરકારે પણ આ બાબતમાં સખતાઈથી વર્તવાની જરૂર છે. સિંહ કોઈ માલધારીની ભેંસને મારી નાંખે તો સરકાર વળતર આપે જ છે. હવે કોઈ સિંહને મરઘી ખવડાવી આવે તો એની પર સિંહની ‘ઓળખ’ની હત્યા કરવાના આરોપસર 5 લાખનો દંડ ફટકારી દેવો જોઈએ અથવા જો કોઈને આટલી નજીકથી સિંહને જોવાનો શોખ હોય તો એને ઝૂમાં સિંહના પાંજરામાં છોડી મૂકવો જોઈએ. પછી સિંહોને પણ એને નજીકથી ‘જોઈ લેવાની’ તક આપવી જોઈએ.

જનોઇવઢ : 3 સિંહોની આકૃતિ આપણું રાષ્ટ્રીયચિહ્ન છે, 3 કૂતરાંવાળું રાષ્ટ્રચિહ્ન ભારતને શોભશે નહીં.

આ બુક બંધ કરો દિમાગ ખૂલવા માંડશે


  • પ્રકાશન તારીખ16 Jun 2018
જો આપણે આ જ રીતે પ્રગતિ(?) કરતા રહ્યા તો વિશ્વભરમાં તો એક જ ધર્મ હશે, એક જ ભગવાન હશે અને એક જ દુ:ખ હશે અને તે હશે ઇન્ટરનેટ! ફેસબુકના ડેટા લીકના વિવાદ પછી ઇન્ટરનેટ પર ફરી પ્રાઇવસીની ફાલતુ ચર્ચાઅો શરૂ થઈ ગઈ છે. ફાલતુ ચર્ચાઓ... કારણ કે
ઇન્ટરનેટ જેટલો મોટો જાસૂસ બીજો એક પણ નથી. તે તમારી તમામ ઓનલાઇન બાબતો પર નજર રાખે જ છે
ઇન્ટરનેટ એક મોટા હમામ જેવું છે, નહાવાની પહેલી શરત છે કે તમે નિર્વસ્ત્ર હોવા જોઈએ. તમારે જો કંઈ છુપાવવા જેવું હોય તો તેને ઇન્ટરનેટ પર ક્યાંય પણ મૂકવું એ ચોરોના બજારમાં હીરાને ખુલ્લો મૂકવા જેવું છે. ઇન્ટરનેટ જેટલો મોટો જાસૂસ બીજો એક પણ નથી. તે તમારી તમામ ઓનલાઇન બાબતો પર નજર રાખે જ છે.

સૌથી મોટી વિચિત્રતા એ છે કે ઇન્ટરનેટ એકલતા અનુભવતા માણસો માટેનો સૌથી મોટો સહારો છે, પણ ઇન્ટરનેટ અને ડેટા કંપનીઓ માટે માણસ એ માણસ જ નથી, એ ક્યાં તો ટાર્ગેટ છે અથવા માર્કેટ છે. આ શાયલોક જેવા શાહુકારોની દુનિયા છે જેમાં માણસની લાગણીઓ કે ફોર ધેટ મેટર પ્રાઇવસીની કોઈ કિંમત નથી. સોશિયલ મીડિયા સાઇટ્સ ક્યારેય પણ દૂધે ધોયેલી હોતી નથી, હોઈ શકે નહીં. એવું જ જુદાં જુદાં સર્ચ એન્જિનોનું છે.
ગૂગલનું નામ ‘રામરોટી’ કે ‘ભંડારો’ નથી અને ઇન્ટરનેટ કોઈ ‘ધરમશાળા’ નથી એ હંમેશાં યાદ રાખવું. કહેવાય છે કે ‘નો લંચ ઇઝ ફ્રી લંચ’, જગતમાં કશું મફત મળતું નથી! ફેસબુક પૈસા નહીં ચાર્જ કરતી હોય પણ એ તમારી માહિતીની રોકડી કરતી હોય એમ બની શકે છે. લોકો સાથે કનેક્ટ થવાનો એકમાત્ર રસ્તો ઇન્ટરનેટ નથી. મિત્રની સાથે ઉત્સાહથી હેન્ડશેક કરો કે જોશ સાથે એને ભેટી પડો, ત્યારે જે લાગણીઓ પેદા થાય છે એ કમ્પ્યૂટરના સ્ક્રીન પર ઉપસતું ‘Hi’ પેદા નથી કરી શકતું.

કહે છે કે એવરીથિંગ ઇઝ ફેર ઇન વોર એન્ડ લવ, હવે યુદ્ધોનું સ્થાન ચૂંટણીઓએ લીધું છે. સત્તા મેળવવા માટે રાજકારણીઓ, (ભલે એ આપણા દેશના હોય કે બીજા દેશના હોય) ગમે તે હદે જતા અચકાતા નથી. એમના માટે ઇન્ટરનેટ પર મળતી તમારી માહિતી એ સૌથી સહેલું હથિયાર છે. તમારી સામેના સ્ક્રીન પર વીડિયોઝ, આર્ટિકલ્સ અને તસવીરોને પુશ કરીને તમારો મત બદલી શકાય છે એવી આ લોકોને ખબર પડી ગઈ છે.
માઓ ઝેદોંગે કહ્યું હતું, સત્તા બંદૂકની નળીમાંથી આવે છે. અમેરિકામાં આજે બંદૂકો કેટલાક મનોવિકૃત લોકોની વિકૃતિ પૂરી કરવા માટે જ કામમાં આવી રહી છે અને સત્તા... સત્તા કમ્પ્યૂટરના સ્ક્રીનમાંથી આવી રહી છે.
ભારતમાં ઇ.વી.એમ. પરની શંકાઓ હજુ ટળી નથી. વાત ગુપ્તતાની હોય ત્યારે મશીન પર ભરોસો કરી શકાતો નથી. માણસને માત્ર એક મોઢું હોય છે. ઇલેક્ટ્રોનિક મશીનને ઘણાં મોંઢાં હોવાની સંભાવના છે. એમાં પણ કોઈપણ નેટવર્ક સાથે કનેક્ટ થઈ શકતાં મશીનો પર ક્યારેય ભરોસો કરી શકાય જ નહીં. ઇલેક્ટ્રોનિક મશીન ઘણીવાર આપણે ડિલીટ કરેલો ડેટા પણ સંઘરી રાખતાં હોય છે અને આપણને ખબર પણ પડતી નથી.

ફેસબુકની મથરાવટી મેલી છે એનો બીજો એક પુરાવો પણ છે. યુરોપિયન યુનિયને ગયા વર્ષે જ ડેટા સંબંધી ગેરરીતિઓ બદલ 120 મિલિયન ડોલરનો દંડ ફટકાર્યો હતો. યુ.એ. ફેડરલ કમિશને 2011માં ચુકાદામાં નોંધ્યું હતું કે, ‘ફેસબુક પરની ઇન્ફર્મેશન પ્રાઇવેટ રાખવામાં આવે છે એવું કહીને ફેસબુકે તેના યૂઝર્સને ભરમાવ્યા હતા અને પછી યૂઝર્સની માહિતીને બીજાઓને આપી હતી અને જાહેરમાં મૂકી દીધી હતી.’ આ અવલોકન ઘણું કહી આપે છે. તો શું કરવું?
ઇન્ટરનેટથી ડિસકનેક્ટ થવું કે ફેસબુક ડિલીટ મારી દેવું? દેશના વ્યાપારની વાત કરીએ તો કેટલાક આંકડા બહુ ચોંકાવનારા છે. ફેસબુકે 19 બિલિયન ડોલરમાં વોટ્સટએપને ખરીદ્યું હતું. એ અગાઉ લગભગ એટલી જ રકમમાં ઇન્સ્ટ્રાગ્રામ ખરીદ્યું હતું. સાવ ફ્રીમાં મળતી આ સાઇટ માત્ર ‘નિર્દોષ’ જાહેર ખબરોથી જ આટલું કેવી રીતે કમાઈ શકે ? વળી, એડવર્ટાઇઝરો કે જે ખૂબ મોટી રકમ ખર્ચે છે એ આડેધડ જાહેર ખબરો આપે નહીં એ લોકોને માટે પોતાનું ટાર્ગેટ ગ્રૂપ જ અગત્યનું હોય છે. આથી એમના માટે સૌથી મોટી જરૂરિયાત ડેટાની હોય છે અને સ્વાભાવિક જ આ ડેટા ફેસબુક જ આપી શકે. કેટલાક માટે આ બંને સૂચન હિસ્ટેરિકલ સાઇકોલોજિકલ એટેક લાવી શકે છે. આમ જુઓ તો રસ્તો સાદો છે, જે ગુપ્ત રાખવું છે એ કદી શેર જ ના કરો અને બીજું કે બધી ચોપડીઓ જ્ઞાનની જ હોય એવું જરૂરી નથી. કેટલીક ‘બુક્સ’ બંધ કરી દો તો પણ ઘણું જ્ઞાન મળી શકે છે.

જનોઈવઢ: દરેક નવી વ્યક્તિ ઇન્ટરનેટનું કનેક્શન લે છે તે સાથે જ એક નવી રોજગારીનું સર્જન થાય છે. એટલે સૈદ્ધાંતિક રીતે દેશની અને વિશ્વની દરેક વ્યક્તિ પાસે ઇન્ટરનેટ કનેક્શન હોય અે વૈશ્વિક અગ્રતા હોવી જોઈએ.
- માર્ક ઝુકરબર્ગ.

દરેકની જરૂરિયાત પૂરી થશે, કોઈનો લોભ નહીં પૂરો થાય

લેખક ‘દિવ્ય ભાસ્કર’ અમદાવાદ આવૃત્તિના નિવાસી તંત્રી છે.

  • પ્રકાશન તારીખ16 Jun 2018
નર્મદા ડેમ ઊંચો ને ઊંચો થતો હતો ત્યારે પ્રથમ શૂલપાણેશ્વરનું મંદિર ડૂબ્યું હતું અને પછી હાંફેશ્વર જેવાં મંદિરો ડૂબ્યાં હતાં. હવે ડેમમાં પાણી ઓસરી રહ્યાં છે ત્યારે પ્રથમ હાંફેશ્વર મંદિર બહાર આવી ગયું છે અને આવી જ સ્થિતિ થોડો વધુ વખત ચાલી તો શૂલપાણેશ્વર પણ બહાર આવશે. આ મંદિરોનું બહાર આવવું એ કારમા ભવિષ્યનો સંકેત છે. નર્મદાના સ્ત્રાવ વિસ્તારમાં
વર્ષો સુધી આપણે સમજતા રહ્યા કે નર્મદાને કારણે આપણે આખા રાજ્યમાં ફાવે તેટલું પાણી વાપરી શકીશું, પણ હવે વાસ્તવિકતા સમજાઈ રહી છે
પણ ધરતીમાં ચિરાડા પડી ગયા છે. જે ધરતી વર્ષો સુધી પાણીમાં ડૂબેલી હતી ત્યાં આજે સૂકો ભઠ્ઠ વિસ્તાર નજરે પડી રહ્યો છે. આવતું ચોમાસુ નબળું જશે તો ગુજરાતની સ્થિતિ ભયાનક 
થઈ જશે.

નર્મદાના રળિયામણા સ્વપ્નમાંથી હવે ગુજરાતે બહાર આવી જવું પડશે. વર્ષો સુધી આપણે સમજતા રહ્યા કે નર્મદાને કારણે આપણે આખા રાજ્યમાં ફાવે તેટલું પાણી વાપરી શકીશું, પણ હવે વાસ્તવિકતા સમજાઈ રહી છે. બેશક નર્મદાનું પાણી વિશાળ માત્રામાં ઉપલબ્ધ છે જ અને એ રાજ્યના ઘણા વિસ્તારોમાં પહોંચાડી શકાય એમ છે, પણ એ જરૂરિયાત પ્રમાણે મળવું જોઈએ લોભ પ્રમાણે નહીં. મોટાભાગનાં શહેરોને છેલ્લા કેટલાંક વર્ષોથી નર્મદાનું પાણી મળતું હતું એટલે જે ‘જળ શિસ્ત’ (વોટર ડિસિપ્લિન) હોવી જોઈતી હતી એ રાખી નથી. દેવાળિયું કરવાનું હોય એમ ભયાનક હદે પાણીનો બગાડ થતો રહ્યો છે.

પાણીના ઉપયોગની દૃષ્ટિએ દરેક શહેરે સ્વાવલંબી થવું જ પડશે, એથીય વધુ દરેક પરિવારે જળ સ્વાવલંબન પેદા કરવું પડશે.

આજે પણ અમદાવાદની પોળોનાં જૂનાં મકાનોમાં અને કચ્છ જેવા કેટલાક વિસ્તારોમાં જૂનાં મકાનોમાં ભૂગર્ભ ટાંકા મળે છે. જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકતો હતો. કેટલાક આવા ભૂગર્ભ ટાંકા એક લાખ લિટર કરતાં પણ વધુ પાણીને સમાવી શકતા હતા. આ મકાનોમાં એવી રચના હતી કે ચોમાસા દરમિયાન ધાબા પર પડતું પાણી સીધું ટાંકાઓમાં જતું હતું. આવા ટાંકાઓની ભીંતો પર ખાસ ચૂનાનું પ્લાસ્ટર કરવામાં આવતું હતું. ચૂનાના પ્લાસ્ટરને કારણે પાણી શુદ્ધ રહી શકતું હતું અને જરૂરિયાતના સમયે ઉપયોગમાં લઈ શકાતું હતું.
સાદી ત્રિરાશિ માંડો કે જો એક પરિવાર રોજનું 500 લિટર પાણી વાપરતો હોય અને આ પરિવાર પાસે એક લાખ લિટર પાણી સંગ્રહાયેલું હોય તો 200 દિવસ સુધી એને પાણીની કોઈ ચિંતા ન રહે! આપણે ત્યાં મોટા એપાર્ટમેન્ટોમાં વોટર હાર્વેસ્ટિંગની વાતો કાગળ પર છે. વાસ્તવમાં એનો કોઈ અમલ થતો નથી. દરેક નવી સ્કીમ માટે વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત કરાવી દેવું જોઈએ. આ નિયમનો ભંગ કરનારને મકાન બાંધવાની મંજૂરી જ ન મળવી જોઈએ.
સામાન્ય રીતે સરકારી મકાનોમાં પુષ્કળ જગ્યા ઉપલબ્ધ હોય છે જ્યાં મોટી અને મજબૂત અન્ડરગ્રાઉન્ડ ટાંકીઓ બનાવી શકાય છે.
સરકારી કચેરીઓને એક પછી એક જળ સ્વાવલંબી બનાવવાની જરૂર છે. આ જ રીતે કોર્પોરેટ હાઉસીસે પણ પોતાની ઇમારતોને જળ સ્વાવલંબી બનાવી દેવી જોઈએ. વરસાદ હજુ પણ પાણીનો સૌથી મોટો સ્ત્રોત છે. આપણા ઘર પર, આપણી ઇમારતો પર પડતું પાણી જ્યારે ગટરમાં વહી જાય એના કરતાં મોટો પાણીનો બીજો કોઈ ભયાનક વેડફાટ હોઈ ના શકે.

આવો જ બીજો મુદ્દો દૂષિત પાણીના શુદ્ધીકરણનો છે. મોટાભાગની કંપનીઓ આ મામલે સાફ દાનત ધરાવતી હોતી નથી! પાણી શુદ્ધીકરણ કરવું એમને ‘ખર્ચાળ’ લાગે છે એટલે દૂષિત પાણીનો આવી કંપનીઓ બેફામપણે નિકાલ કરે છે, જેથી પાણીના સ્ત્રોત ખરાબ થાય છે. કેટલીક કંપનીઓ તો દૂષિત પાણી સીધું જ ભૂગર્ભમાં ઉતારી દે છે જેને કારણે ભૂગર્ભ જળસ્તરો અત્યંત પ્રદૂષિત થઈ જાય છે. સંખ્યાબંધ વિસ્તારોમાં પાણીના બોરમાંથી રંગીન અને વાસવાળું પાણી આવતું હોવાની ફરિયાદ આ જ કારણે જોવા મળે છે.

આ વર્ષે નર્મદાનો સૂકો પડેલો પટ આપણને ચેતવણી આપી રહ્યો છે. જો આપણે સમયસર આ ચેતવણી ન સાંભળી તો પરિણામો ભયંકર આવશે. એવો સમય આવશે જ્યારે પાણી માટે ઠેર ઠેર લોહી રેડાશે.
જનોઈવઢ : તરસ્યા માણસ માટે એક તોલા સોના કરતાં પાણીનું એક ટીપું વધુ કીમતી છે.

સત્તાનો આતંક અને આતંકની સત્તા સત્યને સહન નહીં કરી શકે

Home » Rasdhar » પ્રણવ ગોળવેલકર
લેખક ‘દિવ્ય ભાસ્કર’ અમદાવાદ આવૃત્તિના નિવાસી તંત્રી છે.

  • પ્રકાશન તારીખ22 Jun 2018
 હત્યા પછી રાબેતા મુજબ જાહેર કરવામાં આવ્યું ત્રણ વણઓળખાયેલા લોકોએ હત્યા કરી છે. તમારા માટે એ વણઓળખાયેલા હશે. અમે સદીઓથી ઓળખીએ છીએ બુકાની પાછળની એ સત્તાને, આતંકના એ ચહેરાને. દર વખતે આ લોકો આવે છે લપાતા, છુપાતા, હાથમાં તલવારો, છરીઓ અને બંદૂકો લઈને. શરીરોને મારે છે અને આશા રાખે છે કે શાહી વહેતી અટકી જશે. શરીરોને મારીને શાહીને વહેતી અટકાવી શકાતી નથી, સત્યને રોકી શકાતું નથી.
અંધ હોવાનો ઇજારો એકલા ધૃતરાષ્ટ્રે લઈ રાખ્યો નથી. આપણે ત્યાં ઘણા છતી આંખે આંધળા થઈને બેસે છે. ધૃતરાષ્ટ્રો ક્યારેય સત્યને બચાવી શકતા નથી
કાશ્મીરમાં શુજાત બુખારીની હત્યા સાથે ફરી એક વાર ‘તલવારે’ પેનનું માથું વાઢવાની કોશિશ કરી છે. શુજાતનો વાંક એ હતો કે એણે આતંકવાદીઓનો વિરોધ કર્યો, શુજાતનો વાંક એ હતો કે એણે શાંતિની હિમાયત કરી અને શુજાતનો સૌથી મોટો વાંક એ હતો કે એ ડરતો નહોતો.
શુજાત ડરતો હોત તો એ જીવતો હોત! 18 વર્ષ પહેલાં એનું અપહરણ થયેલું. એની સામે એક આતંકવાદી પિસ્તોલ તાકીને ઊભો રહી ગયેલો. એણે ઘોડો દબાવી દીધો, પણ ગોળી છૂટી નહીં. પિસ્તોલ લોક થઈ ગઈ. સુજાત જીવ બચાવીને નાસી છૂટ્યો. એની જિંદગી પર મોત હંમેશાં તોળાયેલું રહ્યું હતું.

શુજાત બુખારીની જિંદગી ગૌરી લંકેશ કે કલબુર્ગીની જિંદગી કરતાં ઓછી કીમતી હતી? જો સત્યની કિંમત એક જ હોય અને સમાન હોય તો શુજાત બુખારીની હત્યા પર એટલો જ હંગામો થવો જોઈએ જેટલો ગૌરી લંકેશ અને કલબુર્ગીની હત્યા પર થયો હતો. જોકે, આવું થશે નહીં. સત્ય અને અસત્ય વચ્ચેની લડાઈ હોય ત્યારે અંધ ધૃતરાષ્ટ્રો જ ‘મામકા:’ અને ‘પાંડવા’ વચ્ચે ફરક કરી શકે છે. અંધ હોવાનો ઇજારો એકલા ધૃતરાષ્ટ્રે લઈ રાખ્યો નથી. આપણે ત્યાં ઘણા છતી આંખે આંધળા થઈને બેસે છે. ધૃતરાષ્ટ્રો ક્યારેય સત્યને બચાવી શકતા નથી.

જેને તમે સાચું જ માનતા હોવ એ જ બાબતને કોઈ પત્રકાર પણ સાચું માનતો હોય એ જરૂરી નથી. જો તમારું ‘સાચું’ જો ખરેખર સત્ય હશે તો તમારે ક્યાં કોઈનાથી ડરવાની જરૂર છે? આવું જ નેતાઓની કે પક્ષની બાબતમાં છે. જો નેતા કે પક્ષ ખરેખર જ સત્યવાન હશે તો એનો દિગ્વિજય કોઈ રોકી શકવાના નથી. ધમકીઓ અને હત્યાની સેન્સરશિપ સત્યને ક્યારેય રોકી શકી નથી, ક્યારેય રોકી શકવાની નથી.

જો આતંકની સત્તા કે સત્તાનો આતંક કોઈની કલમથી ખુશ હોય તો એવા કલમધારી અને મુજરો કરનારી ગણિકા વચ્ચે કોઈ અંતર નથી. સત્તાના દરબારમાં જો તમે બુદ્ધિશાળી હોવા છતાં પ્રિય રહેવાની કોશિશ કરો છો તો તમે ‘વિદૂષક’થી વિશેષ કશું નથી. દરેક સત્તા પોતાના સમયમાં શ્રેષ્ઠ વિદૂષકો પેદા કરે છે. આશ્ચર્યની વાત એ છે કે વિદૂષકો સેંકડોના પ્રમાણમાં હોય છે.

સત્તાને અને સત્યને હંમેશાં આડવેર હોય છે. 3 વર્ષ પહેલાં જનરલ વી.કે. સિંહે ‘પ્રેસ્ટિટ્યૂટ’ શબ્દ વાપર્યો હતો. આ શબ્દ વાપર્યો ત્યારે જનરલ સાહેબ સરકારમાં મિનિસ્ટર હતા, પણ હવે સવાલ એ છે કે જો શુજાત બુખારી જેવા પત્રકારને જો સત્તા કે સરકાર બચાવી ન શકતી હોય તો તમારા માથે કયું લેબલ ચિપકાવવું જોઈએ? ‘નપુંસક’ લેબલ કેવું રહેશે? સત્ય આકરું હોય છે અને એને સ્વીકારવું હંમેશાં તકલીફદેહ હોય છે. હમણાં કાશ્મીરમાં એક પોલીસ જવાનને આતંકવાદીઓએ ઠાર કરી દીધો.
એ પોલીસ જવાનનું નામ હતું, ઔરંગઝેબ. સરકારે આવા ઔરંગઝેબની જિંદગી બચાવવી પડશે! શુજાત એવો પહેલો પત્રકાર નથી જેની હત્યા થઈ હોય, એ એવો આખરી પત્રકાર પણ નથી કે જે સત્ય માટે શહીદ થશે. સત્તાની બંદૂકો અને પત્રકારોની કલમ વચ્ચેનો જંગ ચાલતો જ રહેવાનો છે. શાંતિ માટે, સત્ય માટે લડનારાઓએ પણ જિંદગી દાવ પર મૂકીને જ આગળ વધવું પડે છે. દરેક સત્તા પોતાની સાથે આતંક લઈને આવે છે, સત્તા જેટલી જૂની એટલો એનો આતંક વધુ હોય છે.

જનોઈવઢ : પત્રકારત્વ ક્યારેય ‘મૌન’ ન હોઈ શકે. આ એનો સૌથી મોટો અવગુણ છે અને સૌથી મોટો ગુણ પણ એ જ છે

પેટ્રોલના ભાવ ઊંચે જાય છે, મોદીની વિશ્વસનીયતા નીચે આવે છે


  • પ્રકાશન તારીખ06 Jun 2018
અત્યારે ક્રૂડ ‘ભડકે’ નથી બળી રહ્યું. મોદીની વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠા ભડકે બળી રહી છે. સમયનું ચક્ર ફરી ચૂક્યું છે જે મોદી એન્ડ કંપની પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ માટે કેન્દ્ર સરકારની ઉપર આરોપના ઢગલા કરી દેતા હતા, એ તમામ આજે મૌન છે. જો પેટ્રોલ-ડીઝલના 
જગતના દેશો પર તમારો પ્રભાવ ત્યારે જ ગણાય જ્યારે તમે પેટ્રોલિયમ સસ્તા ભાવે મેળવી શકો
ભાવને કાબૂમાં રાખવાનું ગણિત સમજાતું નહોતું તો ચૂંટણી પહેલાં મોટા ઉપાડે કોંગ્રેસી સરકારને દોષ શું કામ દેતા હતા? પેટ્રોલ અને ડીઝલના જે રૂપિયા આપણે ચૂકવવા પડે છે એમાંથી બહુ મોટો હિસ્સો નિર્લજ્જપણે સરકાર પડાવી લે છે. આપણે ત્યાં એક કહેવત છે કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી! આપણે પેટ્રોલ-ડીઝલની બાબતે આપણો દેશ ભિખારી 
જેવો થઈ રહ્યો છે, કારણ કે આપણો રાજા મખ્ખીચૂસ વેપારી જેવો થઈ ગયો છે.
જગતમાં ક્રૂડ ઓઇલનો વેપાર માત્ર માંગ અને પુરવઠા પર આધારિત નથી. જે ક્રૂડને કંટ્રોલ કરે છે એ સમગ્ર જગતની ઇકોનોમીને વધતા-ઓછા અંશે કંટ્રોલ કરી શકે છે. અખાતના દેશોમાં અમેરિકા વર્ષોથી પડ્યું પાથર્યું એટલા માટે રહે છે, કારણ કે તેના હાથમાં ક્રૂડના ભાવ નક્કી કરવાની તાકાત રહે. બીજી તરફ ઓપેક (ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સ્પોર્ટિંગ કન્ટ્રીઝ) જગતમાં પેદા થતા પેટ્રોલિયમનો મોટો હિસ્સો ધરાવે છે એટલે સ્વાભાવિક જ એ પોતાની દાદાગીરી સ્થાપવાનો પ્રયત્ન કરતા રહે છે. ક્રૂડની માંગ ઉત્તરોઉત્તર વધતી જ રહે છે, એના ભાવ પણ વધે છે, પણ ભાવ અને વધતી માંગના પ્રમાણમાં હોતા નથી એ સત્તાલાલસાના સીધા પ્રમાણમાં હોય છે. મેડિસિન સ્ક્વેર ગાર્ડનમાં ઊમટેલા હજારો લોકોને તમે શબ્દોથી મંત્રમુગ્ધ કરી શકો છો, એનાથી ઓપેકવાળા તમને સસ્તું ક્રૂડ આપે એ જરૂરી નથી! જગતના દેશો પર તમારો પ્રભાવ ત્યારે જ ગણાય જ્યારે તમે તમારા દેશની ઇકોનોમી જેની પર ઘણો આધાર રાખે છે એ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ સસ્તા ભાવે મેળવી શકો. ઓપેકના મેમ્બર કોણ કોણ છે? અલ્જીરિયા, અંગોલા, ઇક્વાડોર, ઇક્વિટોરિયલ ગિની, ગેબોન, ઈરાન, ઇરાક, કુવૈત, લીબિયા, નાઇજીરિયા, કતાર, સાઉદી અરેબિયા, યુ.એ.ઈ. અને વેનેઝુએલા છે.
રસપ્રદ વાત એ છે કે પાંચ દેશો ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને વેનેઝુએલાએ 1960માં ઓપેકની સ્થાપના કરી હતી. ત્યારબાદ કતાર 1961માં જોડાયું અને છેલ્લે 2017માં ઇક્વિટોરિયલ ગિની જોડાયું. ઓપેકના મેમ્બર બનાવી માંગતો દેશ ‘નોંધપાત્ર’ પ્રમાણમાં પેટ્રોલિયમની નિકાસ કરતો હોવો જોઈએ અને ઓપેકના 3/4 દેશો તેના સભ્યપદના સમર્થનમાં હોવા જોઈએ. આ દેશોનું લિસ્ટ જોશો તો સ્વાભાવિક જ જોશો કે એમાં સાઉદી અરેબિયા જ મેજર પ્લેયર છે. ઓપેકની યાદીમાં અમુક દેશોનાં નામ તો કેટલાય લોકોએ પહેલી વાર સાંભળ્યાં હશે. આપણે સાઉદીને યોગ આપીએ એથી આપણને ફાયદો નથી થવાનો. સાઉદી અરેબિયા આપણને સસ્તું ક્રૂડ આપે તો જ આપણને ફાયદો થશે. અહીં કસોટી છે, મોદીની રાજકીય કુનેહ અને વૈશ્વિક પ્રતિભાની. ભારતની સ્થિતિ ક્રૂડના મામલે કફોડી છે અને વધુ કફોડી થવાની છે. ગોલ્ડમેન સાશના રિપોર્ટ અનુસાર 2014 બાદ પહેલી વાર બેરલના 80 ડોલરની સપાટીએ પહોંચેલા ક્રૂડનો ભાવ હજુ વધવાની સંભાવના છે. ભારતની ક્રૂડ ડેફિસિટ 2.4 ટકા સુધી પહોંચવાની છે. અર્થશાસ્ત્રીઓ હિસાબોમાં જે ગરબડ કરે એ, પણ આનો સીધો મતલબ એ છે કે આપણે ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ વધવાની સંભાવના છે.
આપણી સરકારે પેટે પાટા બાંધવા તૈયાર રહેવું જોઈએ. બિનજરૂરી ખર્ચા બંધ કરી દેવા જોઈએ. હમણાં જ એવા સમાચાર હતા કે મોદી સરકારે પોતાની પબ્લિસિટી પાછળ 4 હજાર કરોડ ખર્ચ્યા છે, શું જરૂર છે આટલો બધો ખર્ચ કરવાની. અમારે તમારા ફોટા નથી જોવા, મનકી બાત નથી સાંભળવી, નથી ભાષણો સાંભ‌ળવાં. બસ, આ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડો, દરેક પેટ્રોલપંપે લોકો તમારા ફોટો જાતે જ ચોંટાડી દેશે, પછી એ લોકો જ મોદી કી બાત કરશે અને તમારાં વિશે ભાષણ કરશે. તમારે કંઈ નથી કરવાનું, માત્ર બોલેલું પાળી બતાવવાનું છે.
બીજી તરફ આપણા મ્યુનિસિપલ કોર્પોરેશનો(જેમાંની મોટાભાગનીનો વહીવટ કચરાટોપલીમાં ફેંકવાને જ લાયક છે)એ પબ્લિક ટ્રાન્સ્પોર્ટ સિસ્ટમ ઊભી કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. શહેરોમાં વાહનોની સંખ્યા વધતી જ જાય છે, રોડ નાના પડે છે, વાહનોની સ્પીડ ધીમી થતી જાય છે, સરવાળે પેટ્રોલ-ડીઝલની ખપત જ વધી રહી છે. આપણાં મોટાભાગનાં શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તદ્દન અપૂરતી છે અથવા જરાય નથી.
એક સમય એવો આવશે કે પેટ્રોલ આમ આદમીના રોષને ભડકે બાળશે અને ત્યારે સરકારો સળગી જશે. {
જનોઈવઢ : સફળતાની એક જ ફોર્મ્યુલા છે, વહેલા ઊઠો, સખત મહેનત કરો અને તેલનો કૂવો ખોદો!
- જે. પોલ ગેટ્ટી

તમારા વિરોધમાં દમ નહોતો એટલે ફરી ભોગવવું પડયું


  • પ્રકાશન તારીખ06 Jun 2018
કર્ણાટકની ઘટનાથી ગોકીરો ઘણો થયો. ભાજપ વિરોધીઓને થયું કે બસ હવે લોકશાહી રસાતાળ જવાની છે. કોંગેસના વડાએ તો સ્થિતિની સરખામણી કરતાં કહી દીધું કે આવું તો પાકિસ્તાનમાં બને. સુપ્રીમ કોર્ટને પણ અડધી રાત્રે જગાડવામાં આવી અને સવારોસવાર સુધી 
એસી કમરાઓમાં બેસીને ‘ડિસલાઇક’નું બટન દબાવવાથી રાજકારણીઓને ગલગલિયાં થઇ શકે, 
ઘા ન વાગે
સુનાવણી ચાલી. સવાલ એ છે કે શું આપણે લોકશાહીને ખરેખર બચાવી લીધી? જો આવી લોકશાહી જેમાં સત્તા માટે જાતજાતના ગઠબંધન જોકે યોગ્ય શબ્દ તો ઠગબંધન છે, થતાં હોય, ધારાસભ્યો... અરે રે! આપણા ચૂંટાયેલા માસૂમ ભોળુડાં ધારાસભ્યોને સામાવાળા ભોળવી ન જાય તે માટે રિસોર્ટમાં કેદ કરી દેવાતા હોય અને વિધાનસભાની સ્થિતિ મહાભારતની દ્યૂત સભા જેવી હોય તો આવી લોકશાહીને શું કરવાની? ભલે કોઇ સરમુખત્યાર આવી જતો! આમ પણ આપણા લોકશાહી ઢબે ચૂંટાયેલા નેતાઓ સરમુખત્યારો કરતાં કોઇપણ રીતે ઊતરતા તો નથી અને નથી જ.
જો કર્ણાટકમાં જે થઇ રહ્યું છે એ ખોટું છે તો સમજવું પડશે કે આ તો માત્ર ચિહ્્નો છે, ખરો રોગ તો બીજે કયાંક જ છે. ભાજપતરફીઓએ દલીલો કરી હતી જ કે આ બધું તો અમે કોંગ્રેસ પાસેથી જ શીખ્યા હતા. આ બાબતમાં થોડું તો થોડું સત્ય તો છે જ. કોંગેસના સમયમાં જે ઘટનાઓ બાબતે લોકોએ પ્રખર વિરોધ કર્યો એ ઘટનાઓ દોહરાવાઇ નહીં. ઇમરજન્સી આવી જ એક ઘટના હતી. જેમાં લોકશાહીને તડકે મૂકી દેવાઇ હતી. લોકોએ ઇમરજન્સીનો વિરોધ કર્યો, ભયંકર વિરોધ કર્યો. આ વિરોધની માત્રા એટલી પ્રચંડ હતી કે કોઇ રાજકીય પક્ષ ભવિષ્યમાં ફરી ક્યારેય પણ ઇમરજન્સી ડિકલેર કરવાની હિંમત જ ન કરે. ઇન્દિરા ગાંધીએ સત્તા ગુમાવવી પડી અને જનતા સરકાર તૂટી પડી ન હોત તો કદાચ ઇન્દિરાને બહુ લાંબો સમય સત્તાથી વંચિત રહેવું પડ્યું હોય. રાજકીય પક્ષો માટે આ એક કડવો અને શકિતશાળી બોધપાઠ હતો એટલે ફરી કોઇએ ઇમરજન્સીના વિકલ્પ તરફ વળીને જોયું પણ નહીં. 
લોકો માટે જરૂરી એ છે કે જો તમને કંઇ ખોટું લાગતું હોય તો વિરોધ કરો, ન્યાયી વિરોધ કરો પણ એવો જબરજસ્ત વિરોધ કરો કે સત્તા લાલચુઓ એ દિશામાં વિચારવાનું પણ બંધ કરી દે. એ.સી.માં બેસીને સોશિયલ મીડિયા પર પોસ્ટ્સની લડાઇ કરવાથી કશું ન થઇ શકે. તમે જે સિદ્ધાંતમાં માનતા હોવ એને માટે મરી ફીટવાની તૈયારી રાખવી પડે. લાગે છે કે વિરોધમાં પણ આપણે સુંવાળા અને સુગાળવા થઇ ગયા છીએ. વિરોધ કરવાનું પણ જાણે આપણે ભૂલી ગયા છીએ. એ સમજવું પડશે કે એરકન્ડીશન્ડ કમરાઓમાં બેસીને ‘ડિસલાઇક’નું બટન દબાવવાથી રાજકારણીઓને ગલગલિયાં થઇ શકે ઘા ન વાગે. કર્ણાટકના નાટકમાં હીરો કોણ અને વિલન કોણ એ માટે તમારા મત ગમે તે હોઇ શકે પણ જો તમે માનતા હોવ કે કોઇએ કંઇક ખોટું કર્યું છે તો મેદાનમાં ઊતરી પડવું પડે, રસ્તા પર ઊતરી આવવું પડે.
ભારતીય લોકશાહીને સાચી રીતે ટકાવવી હોય તો કર્ણાટકમાંથી એ બોધ તો ચોક્કસ લેવો પડે કે આવી ઘટનાનું કે આ ઘટનાના કોઇ ભાગનું પુનરાવર્તન કયારેય ન થાય! રાજ્યપાલોની ભૂમિકા પર ફરી એકવાર સંશયનાં વાદળો ઘેરાયાં છે. ફરી સવાલ ઊઠયો છે કે રાજ્યપાલોની જરૂર જ શું છે? આમ પણ રાજ્યપાલો ભાગ્યે જ સ્વતંત્ર બુદ્ધિથી નિર્ણય લે છે, એ લોકો મોટે ભાગે દિલ્હીથી આવેલા આદેશોને આધારે જ નિયમોને તોડતા મરોડતા હોય છે. વજુભાઇ આ મણકામાં પહેલાં નથી અને છેલ્લા પણ નહીં હોય. આ પણ એક કોંગેસી પરંપરા છે અને ભાજપ આ ‘પરંપરા’ને આગળ વધારી રહ્યું હોય એમ જ લાગે છે.
આપણા રાજકારણીઓએ ઘણી ખરી બંધારણીય વ્યવસ્થાને તોડી મરોડી છે અથવા રબર સ્ટેમ્પ બનાવી દીધી છે. બંધારણ એ કોઇ આખરી આદેશ નથી, બંધારણમાં ફેરફાર થઇ શકે છે અને થયા જ છે. રાજ્યપાલ જેવી વ્યવસ્થાઓ હવે ધોળા હાથી જેવી બની ગઇ છે. આજના સંજોગોમાં આવી વ્યવસ્થાઓ કોઇ ચીજનું સોલ્યુશન લાવે છે કે સમસ્યા વધારી મૂકે છે એનો અભ્યાસ થવો જોઇએ. રાજ્યપાલોની નિમણૂક પણ ઘણી જ વિવાદાસ્પદ રીતે થાય છે. રાજ્યપાલ ભવનો વૃદ્ધાશ્રમ જેવાં કે નિવૃત્તિ ભવન જેવાં વધુ લાગે છે. રાજ્યપાલો જો માત્ર સત્તાપાલ બની રહેવાના હોય તો આ આખી વ્યવસ્થા જ તાકીદે સમાપ્ત કરી 
દેવી જોઇએ. 
લોકશાહીના ચારેય સ્તંભો ગંદા રાજકારણથી દૂર હોવા જોઇએ. અત્યારે સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યું છે કે રાજકારણીઓ ચારેય સ્તંભ પર હાવી થઇ ગયા છે. અગાઉ કોંગ્રેસીઓ ઇન્દિરાની સરમુખત્યારી વિશે ભારે વિરોધ કરતા હતા. અરે! નહેરુની કહેવાતી સરમુખત્યારી વિશેય અવાજ ઊઠયા હતા. મોદીની છાપ તો અગાઉથી જ સખત અને એરોગન્ટ માણસની હતી એટલે એમની છબી કોઇપણ રીતે મવાળ તો ગણી શકાય એમ નથી જ. કદાચ હવે આપણને સરમુખત્યારોની આદત પડી ગઇ છે! ફરક માત્ર એટલો જ રહી ગયો છે કે આપણને લોકશાહી ઢબે ચૂંટાયેલા સરમુખત્યારો જોઇએ છે. આપણા દેશની હાલત એવી છે કે જો ખરેખર સાચી લોકશાહી આવી જાય તો કેટલાંક લોકો શ્વાસ જ નહીં લઇ શકે! {
જનોઈવઢ: લોકોએ સરકારોથી નહીં બલ્કે સરકારોએ લોકોથી ડરવાની જરૂર છે. - એલન મૂર

ત્રીજું વિશ્વયુદ્ધ તો ડેટા માટે જ લડાશે!


  • પ્રકાશન તારીખ01 Jun 2018
‘પ્રામાણિકતાથી કહું તો, મને લાગે છે કે મોબાઇલ ફોન એ કોઈ શેતાને શોધ્યા છે’ - અનામી
કેટલાક લોકો કહેતા હતા કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે લડાશે, એ લોકો સાચા નહીં પડે! વિશ્વમાં જે રીતે મોબાઇલ ફોન અને ડેટાનો ઉપયોગ વધી રહ્યો છે તે જોતાં ત્રીજું વિશ્વયુદ્ધ ડેટા માટે લડાઈ શકે છે. અગાઉ એવું કહેવાતું હતું કે રોટી, કપડાં અને મકાન એ માણસની જરૂરિયાત છે. આજના સંજોગોમાં એવું કહેવું પડે કે સ્માર્ટ ફોન, ડેટા અને સોશિયલ મીડિયા જ માણસની જરૂરિયાત છે. આપણામાંના સંખ્યાબંધ લોકો માટે સોશિયલ મીડિયા જ પ્રાત:સ્મરણીય હોય છે! જો એવું પૂછવામાં આવે કે કેટલા લોકો બ્રશ કરતાં પહેલાં વોટ્સએપ કે ફેસબુક પર એક નજર નાંખી લે છે તો એટલા હાથ ઊંચા થાય કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ.
આપણે કેટલો ડેટાનો વપરાશ કરીએ છીએ? આંકડા આઘાત આપી દે એટલા મોટા છે. એરિક્સન મોબિલિટી રિપોર્ટ અનુસાર 2017માં વિશ્વમાં 7.8 બિલિયન ફોન ક્નેક્શન હતાં જે વધીને 2023માં 9.1 બિલિયન ફોન ક્નેક્શન થઈ જશે, પણ ડેટાનો વપરાશ કેટલો વધશે? ડેટાનો વપરાશ 2017માં સરેરાશ 2.9 GB માસિક છે જે 2023 સુધીમાં વધીને 17 GB થઈ જવાનો છે. મતલબ કે 6 ગણો વધુ. ભારત પણ આ મામલે પાછળ નહીં રહે. વિશ્વમાં ડેટાનો વપરાશ 6 ગણો વધશે તો ભારતમાં આ જ સમયગાળામાં ડેટાનો વપરાશ 5 ગણો વધી જશે. એક અંદાજ મુજબ 2015માં ભારતીયો દર મહિને સરેરાશ 1.4 GB ડેટા વાપરતા હતા જે 2021માં વધીને 7 GB થવાનો અંદાજ છે. ઇન્ટરનેટ આવ્યું ત્યારે તેની અપાર શક્યતાઓ વિશે ઘણું લખાયું હતું. લોકો માટે માહિતીનો આવો અને આટલો બધો ખજાનો આશ્ચર્યકારક હતો પણ એ સમયે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા કોમ્પ્યુટર હોવું જરૂરી હતું. મોબાઇલ ક્રાંતિએ કોમ્પ્યુટરને સીમિત કરી દીધાં છે. આજે લોકો ડેટા શેમાં વાપરે છે? મોબાઇલ પર શું જુએ છે? લોકો ‘જ્ઞાન’ મેળવવા ઉપયોગ કરે છે? જી ના! મ્યુઝિક અને વિડિયો તમારો સૌથી વધુ ડેટા ખાઈ જાય છે અને સ્વાભાવિક જ સૌથી વધુ વપરાતી એપમાં વોટ્સએપનો નંબર પ્રથમ નંબરે આવે છે. જોકે સૌથી વધુ ડેટા વાપરતી એપ ઝેન્ડર છે.
સ્માર્ટ ફોનના બંધાણીઓને આ આંકડામાં રસ પડશે, 2017થી 2023ના સમયગાળામાં વિડિયોની એપ પર 48%ના દરથી ટ્રાફિક વધશે. સોશિયલ નેટવર્કિંગ પર 34%ના દરથી તો ફાઇલ શેરિંગની એપ પર સૌથી ઓછો એટલે કે માત્ર 20%ના દરથી વધારો થશે. 2023માં 95% જેટલો ડેટા ટ્રાફિક માત્ર સ્માર્ટ ફોન પરથી આવશે.
અને બાકીના 5%માં પર્સનલ કોમ્પ્યુટર, ટેબ્લેટ એ બધું આવી જશે.
વૈશ્ચિક આંકડાઓની સરખામણીમાં ભારતના આંકડા વધુ રસપ્રદ છે. ભારત આ ડેટા ક્રાંતિમાં ખાસ્સુ અગ્રેસર છે. આપણે ત્યાં કુલ ડેટા વપરાશ 2023 સુધીમાં 11 ગણો વધી જવાનો છે.
આ ગ્રોથની આપણા પર શું અસર પડશે? સ્વાભાવિક રીતે તમે જેટલો વધુ ડેટા વાપરો એટલો વધુ સમય ફોન પાછળ જશે! અને ડેટા તો જેટલો વધારાય એટલો વધારી શકાશે પણ તમારા માટે રોજ 24 જ કલાક હશે એમાં ક્યાંથી વધારો કરશો? એક સાદી ત્રિરાશિ માંડો તો સમજાય કે જો 2023 સુધીમાં ડેટાનો વપરાશ 11 ગણો વધવાનો હોય તો આપણો ઓછામાં ઓછો ત્રણથી ચાર ગણો વધુ સમય મોબાઇલ ફોન પાછળ જ જવાનો છે. એમાંય ટીનેજર તો ઘણો વધુ સમય ફોન પાછળ ગાળતા જશે. આ બધાનો સીધો મતલબ છે કે આંતરિક સંબંધોમાં વધુને વધુ તણાવ આવશે. આજે પણ સંખ્યાબંધ ઘરોમાં, ઘરના તમામ સભ્ય એકત્ર હોય પણ દરેક સભ્ય સતત મોબાઇલ પર જ હોય એવાં દૃશ્યો દેખાય છે. જો ડેટાનો વપરાશ હજુ વધુ ને વધુ થશે તો એકબીજા માટેનો, એકબીજા સાથેનો સમય ઘટી જશે.
કોઈ સમાજ વિજ્ઞાનીએ ચોક્કસ એવો અભ્યાસ કરવો જોઈએ કે ઘરના સભ્યો હાલમાં એકબીજા સાથે કેટલી મિનિટો વાત કરે છે અને 2023માં એ ઘટીને કેટલી સેકન્ડ્સ થઈ જશે. 2023માં ઘર એડ્રેસ પ્રૂફ હશે, માત્ર એડ્રેસ પ્રૂફ એ ધરતીનો છેડો નહીં હોય. કદાચ એવું કહેવાનું હશે કે હા એનું ને મારું ઘર એક જ છે પણ અમે અમારા મોબાઇલ સાથે રહીએ છીએ! {
જનોઇવઢ : મનુષ્યોની સ્માર્ટ બનવાની ઝડપ કરતાં ફોન વધુ ઝડપથી સ્માર્ટ થઈ રહ્યા છે. એવો સમય દૂર નથી જ્યારે સ્માર્ટ ફોન માલિક હશે અને આપણે ગુલામ હોઈશું.- અનામી

કાળી સ્ત્રીની પીઠ પર કોતરાયેલી સફેદ કવિતા


‘અમારી પીઠ પર એવી વારતાઓ કંડારેલી છે,
જેનો ભાર કોઈ પુસ્તકો ઊંચકી નહીં શકે.’
- રૂપી કૌર
એક વરિષ્ઠ સાહિત્યકારે લેખિકાનાં કામ પર એક નજર નાખી, તેના વક્ષ:સ્થળ તરફ જોતાં કહ્યું કે તમે ખૂબ સરસ લખો છો. ગુજરાતી સાહિત્ય જગતમાં કેટલાક વરિષ્ઠ સાહિત્યકારો પાસે છુપાવવા જેવું ઘણું છે અને ગુજરાતી લેખિકાઓ પાસે કહેવા જેવું ઘણું છે. બદમિજાજ, બળવાખોર અને થોડા બદમાશ હોય એવા યુવા સાહિત્યકારો ગુજરાતી સાહિત્યમાં હવે લુપ્ત થઈ ગયેલી પ્રજાતિ છે. સ્ત્રૈણ કવિઓની વાસનાની કલમ અને બુઢ્ઢા કવિઓની કલમની વાસના વચ્ચે કવિતાનું એક વર્તુળ પૂરું થઈ રહ્યું છે.
સ્ત્રૈણ કવિઓની વાસનાની કલમ અને બુઢ્ઢા કવિઓની કલમની વાસના વચ્ચે કવિતાનું એક વર્તુળ પૂરું થઈ રહ્યું છે
કવિતા, એ પ્રેમઘેલી શાયરીથી બહુ જુદી ચીજ છે, મૂળ સોમાલિયન અને હવે બ્રિટનમાં રહેતી કવયિત્રી વોર્સન શાયર લખે છે,
‘એ રાત્રે મેં વિશ્વનો નકશો ખોળામાં લીધો
અને આખા નકશા પર આંગળી ફેરવી પૂછયું,
(મારા જેવી) પીડા ક્યાં ક્યાં થાય છે?’
નકશામાંથી જવાબ આવ્યો,
બધે જ,
બધે જ,
બધે જ.
ગદ્ય પીડાને વસ્ત્રો પહેરાવે છે, કવિતાઓ પીડાને નિર્વસ્ત્ર કરી નાખે છે.

મૂળ પંજાબી અને હવે કેનેડામાં રહેતી રૂપી કૌર એની કવિતાઓથી જેટલી પ્રખ્યાત છે એ કરતાં વધુ ઇન્સ્ટાગ્રામ પર એના માસિકસ્ત્રાવના ડાઘાવાળાં કપડાં સાથેનો ફોટો મૂકવાના કારણે પ્રખ્યાત થઈ છે. એના ફોટોને વધાવી લેનારા આપણા લોકોએ એને બહુ વાંચી નથી, એ 25 વર્ષની છોકરીના પ્રથમ પુસ્તકની 25 લાખ કોપી વેચાઈ ચૂકી છે. આપણા ‘પેડમેનો’ને એ 5 દિવસ માટેના સ્ત્રીના સેનેટરી નેપ્કિનમાં જેટલો રસ પડ્યો છે એટલો રસ મહિનાના બાકીના પચીસ એ સ્ત્રીના કામમાં પડતો નથી!
રૂપી કૌર હંમેશાં ‘સ્મોલ લેટર્સ’માં લખે છે અને સાથે ઇલસ્ટ્રેશન મૂકે છે. એ લખે છે

‘આપણે પાછળ જે છોડી દીધું છે
એ મારા ટુકડા નથી કરતું
આપણે સાથે રહ્યા હોત તો જે બાંધી શક્યા હોત
(એનો વિચાર) એ મને તોડી નાખે છે.’

રૂપી કૌરે પોતાની વેબસાઇટ પર પોતાની નગ્ન પીઠ પર પુસ્તકનું કવર પેજ પેઇન્ટ કરીને મૂક્યું છે. સ્ત્રીઓ માટે પીઠ વેદનાના સોળો છુપાવવાની શ્રેષ્ઠ જગ્યા છે. દરેક સ્ત્રી પીઠ પર વેદનાની કિતાબોનો ભાર લઈને ફરે છે અને એ ઇચ્છતી હોય છે કે સહાનુભૂતિનો હાથ પહેલાં ફરે પછી બ્રાના હૂક ખૂલે, પણ દરેક સ્ત્રી એટલી નસીબદાર હોતી નથી. રૂપી કૌરના પહેલા પુસ્તકનું નામ છે, ‘મિલ્ક એન્ડ હની’. એ લખે છે,

‘એણે મને પૂછયું લોકો પર પ્રેમ રાખવાનંુ તારા માટે કેટલું સરળ છે!
‘જવાબ આપતી વખતે મારા હોઠ પરથી દૂધ અને મધ ઝર્યાં.
મેં કહ્યું, કારણ કે લોકો મારી સાથે પ્રેમાળ ક્યારેય નહોતા.’
સ્ત્રીએ દૂધ જેવા સફેદ કે મધ જેવા મીઠા રહેવું કાયમ માટે જરૂરી છે? મધ માત્ર મધમાખીઓ પાસે હોય છે અને મધ મેળવતા પહેલાં મધમાખીઓનો ડંખ સહન કરવાની તૈયારી રાખવી પડે છે. મધમાખી સાથેનો પ્રેમ કેવો હોય?

વોર્સન શાયર લખે છે,
‘તારી સાથે પ્રેમ કરવો એ
યુદ્ધમાં ઊતરવા જેવું હતું,
હું જેટલી વાર પાછી આવી
સાવ બદલાઈને આવી.’

બીજાને પ્રેમ કરવો એટલે જાતથી દૂર ભાગવું એવું નથી, જે લોકો પોતાની જાત સાથે એકલા રહી શકતા નથી એ હંમેશાં બીજાનો સંગાથ ઝંખતા રહે છે અને આ ડરને, આ ઝંખનાને પ્રેમ ગણાવતા રહે છે. એકલતા ડરામણી હોય છે? રૂપી કૌર લખે છે,

‘જો તમને એકલતા ડરાવતી હોય તો,
સમજવું કે તમને તમારી પોતાની સખત જરૂર છે.’
જે પોતાની એકલતાને માણી નથી શકતા એ લોકો સૌથી ઇન સિક્યોર, સૌથી નિષ્ફળ અને સૌથી સ્વાર્થી પ્રેમી હોય છે, જે સતત પોતાની જાતથી ભાગ્યા કરે છે. એ એક દિવસે તમારાથી પણ દૂર ભાગી જશે, જે પોતાની જાતને સંભાળી નહીં શકે એ તમને પણ સાચવી નહીં શકે. જે માણસને પોતાની કંપની નથી ગમતી એ જ્યારે એમ કહે કે એને તમારી કંપની ગમે છે તો એ માત્ર દંભ છે. જેને પોતાના એકાંતમાં પણ બીજાની જરૂર પડે છે એવા બેવફા થવાની શક્યતા વધુ હોય છે. મન પાસે ચિત્રગુપ્ત જેવો ચોપડો હોય છે.
જેવા તમે એકલા પડો કે મન એ ચોપડો ખોલીને બેસી જાય છે. જો તમે પીડા વહેંચી હશે તો મન તમને જંપવા નહીં દે અને એકાંત બહુ પીડાદાયક થઈ જશે. પોતાની જાત પાસેથી ભાગી જવું પડશે અને સતત ભાગતા રહેવું પડશે. જો ચોપડો ચોખ્ખો હશે તો એકાંત રળિયામણું હશે. જો માણસ એકાંતમાં પ્રામાણિક હશે તો જ સંબંધમાં પ્રામાણિક રહી શકશે. રૂપી કૌરનો જ જાણે પડઘો પાડતી હોય એમ વોર્સન શાયર લખે છે,

‘મારી એકલતા એટલી સરસ છે કે હું તને તો જ સ્વીકારીશ જો તું મારા એકાંત કરતાં પણ વધુ 
મધુર હોઈશ.’
જેના પાસે મધુર એકાંત હોય એવી સ્ત્રીઓ બહુ મજબૂત હોઈ શકે છે અને પુરુષોને આવી મજબૂત સ્ત્રીઓ ગમતી હોતી નથી.
જનોઈવઢ : કેટલીક વખત તમારો પ્રકાશ જંતુઓને અને તમારી ઉષ્મા પરોપજીવીઓને તમારા સુધી ખેંચી લાવે છે, આવા લોકોથી તમારા (આકાશ અને) અવકાશને અને તમારી શક્તિને સાચવો.
- વોર્સન શાયર