શુક્રવાર, 21 સપ્ટેમ્બર, 2018

ક્રિકેટનો લાલ રંગ ધોવાઈ રહ્યો છે


Divyabhaskar.com | Updated - Jun 15, 2017, 07:08 PM

નસમાં વહેતું ઝનૂન માપી શકાતું નથી.

  • Article of Bagavat by Pranav Golwelkar in Kalash Magazine
    ક્રિકેટનો લાલ રંગ ધોવાઈ રહ્યો છે
    મને લાગે છે કે અમે ક્રિકેટ ચાહકોનાં દિલ જીતીને ધરાઈ ગયા છીએ, આ વખતે અમે મેચ જીતી લીધી છે
    મોહમ્મદનબી (T-20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યા પછી)

    18 મી જૂને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રમાશે. જીતનાર ગમે તે દેશ હશે, પણ ક્રિકેટ હારશે. આમ તો ચેમ્પિયન્સ ટ્રોફીની લાઇનઅપ નક્કી થઈ ત્યારથી જ નક્કી હતું કે, વેસ્ટ ઇન્ડિઝ નહીં રમી શકે. કદાચ વેસ્ટ ઇન્ડિઝની હાલની ટીમનું સ્તર પણ એ કક્ષાનું નથી, પણ મારા જેવી એક આખી પેઢી જેણે ક્રિકેટમાં ચક્રવર્તી વેસ્ટ ઇન્ડિયનોને જોયા છે, એમના માટે વેસ્ટ ઇન્ડિઝનો અભાવ સાલશે. કાબા લૂંટી લે એથી અર્જુનનો પરાક્રમી ભૂતકાળ ભૂંસી શકાતો નથી. વેસ્ટ ઇન્ડિઝનો ભૂતકાળ એટલો ભવ્ય છે કે એનો વર્તમાન ઢંકાઈ જાય છે. ઓસ્ટ્રેલિયનોનો દબદબો ક્રિકેટ વિશ્વમાં રહ્યો. તાજેતરમાં ભારતનો પણ જબરજસ્ત પ્રભાવ રહ્યો, પણ કોણ જાણે કેમ જે પ્રભાવ, જે આભા, જે સન્માન વેસ્ટ ઇન્ડિઝની ટીમે મેળવ્યા એ કદાચ કોઈ ટીમ મેળવી શકી નથી.

    આંકડાઓમાં ક્રિકેટને સમજાવી શકાય નહીં. બ્લડ પ્રેશર માપી શકાય છે, નસનસમાં વહેતું ઝનૂન માપી શકાતું નથી. એમ જ વિવ રિચાર્ડ્સની બેટિંગ માપવાની નહીં મજા માણવાની ચીજ હતી. ક્રિકેટના ઇતિહાસમાં કોઈ બેટ્સમેન એના જેટલી નફીકરી ચાલથી ક્રિઝ પર આવ્યો નથી. એ મોઢાથી સતત ચ્યુંઇં ગમ અને બેટ વડે બોલરોને ચાવ્યા કરતો. બેશક સુનીલ ગાવસ્કર એના કરતાં ટેક્નિકમાં ઘણો આગળ હતો, પણ ફાસ્ટ બેટિંગને અને ગાવસ્કરને ઝાઝું લાગતું વળગતું નહીં. એક વખત પૂરી 60 ઓવર રમીને ગાવસ્કરે 36 રનનો ‘જંગી’ જુમલો નોંધાવ્યો હતો, જ્યારે બીજી તરફ વિવ રિચાર્ડ્સે ટેસ્ટ મેચમાં માત્ર 56 બોલમાં 100 રન ફટકારી દીધા હતા.

    આજે આઇ.પી.એલ.ના જમાનામાં એ રમતો હોત તો કેટલી ઝડપથી રન બનાવત એ માત્ર કલ્પનાનો વિષય છે. ક્રિકેટ એના માટે પેશન હતું. એ તનાવમાં હોય એમ લાગતું નહીં. એ રમતને એન્જોય કરતો દેખાતો. ફાસ્ટ બોલિંગ કે મેચનાં પરિણામો એને ઝાઝાં અસર કરતાં નહીં. અત્યારે આવું નફીકરાપણું ભાગ્યે જ ક્રિકેટરોમાં દેખાય છે. વિવ શરૂઆતનો ઘણો સમય ક્લાઇવ લોઇડની કેપ્ટનશિપ હેઠળ રમ્યો. મેદાન પર લોઇડની શાંતિ અને સ્વસ્થતા ગજબની હતી.

    એ એક્સ્પ્લોઝિવ બેટ્સમેન હતો, પણ એની સ્વસ્થતા જોઈને એવું લાગતું નહીં. એણે વર્લ્ડકપ ફાઇનલમાં લીલી અને થોમસન જેવા બોલરોની સામે 85 બોલમાં સદી ફટકારી દીધી હતી. વેલ! આપણે 1975ની વાત કરીએ છીએ, ક્રિસ ગેઇલનો જન્મ પણ આ ઘટનાનાં ચાર વર્ષ બાદ થયો હતો! જેટલી કૂલનેસથી વર્લ્ડકપ ફાઇનલમાં માત્ર એમ.એસ. ધોની નિર્ણાયક બેટિંગ કરી શક્યો હતો. જોકે, એ પણ સદી તો નહોતો જ કરી શક્યો.

    વેસ્ટ ઇન્ડિઝની વાત, એ ટીમની વાત એના ફાસ્ટ બોલર્સ વગર ક્યારેય પૂરી ન થાય! એ લોકો બેટ્સમેનને આઉટ કરવા નહીં નોક આઉટ કરવા દોડતા હોય એમ ધસમસતા આવતા. બાઉન્સરોનો જેટલો ભયાનક ઉપયોગ એ બોલરોએ કર્યો છે એટલો કોઈ બોલરોએ કર્યો નહોતો. ફાસ્ટ બોલિંગને રમવામાં મહારત ધરાવતા મોહિન્દર અમરનાથનો વેસ્ટ ઇન્ડિઝ સામેની પાંચ ટેસ્ટની શ્રેણીમાં સ્કોર હતો 0,0,1,0,0,0. આ એ જ અમરનાથ હતો જે 1983ના વર્લ્ડકપમાં સેમિફાઇનલ અને ફાઇનલમાં મેન ઓફ ધ મેચ હતો અને વર્લ્ડકપ ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝ પ્રથમવાર હાર્યું હતું.

    વેસ્ટ ઇન્ડિયન બોલરોએ મોહિન્દરની કારકિર્દી લગભગ પૂરી કરી નાખી હતી. બેટ્સમેનો માટે માર્શલ, હોલ્ડિંગ, રોબર્ટ્સ, ગાર્નર જેવાં નામો બોલરોનાં નહીં ડરનાં જુદાં-જુદાં નામો હોય એવું લાગતું હતું. ઇમરાનનો રનઅપ રોમાંચક હતો એની ક્રિઝ સુધીની દોડ અને બોલિંગ વખતેનો જમ્પ અવર્ણનીય હતા, પણ માઇકલ હોલ્ડિંગના રનઅપ માટે એક જ શબ્દ સૂઝે ‘એફર્ટલેસ’! આ બોલરોની પછીની પેઢીમાં કોર્ટની વોલ્શ અને કર્ટલી એમ્બ્રોસે પરંપરાને જાળવી રાખી, પણ ટીમ નબળી પડતી ગઈ હતી. બ્રાયન લારા બેમિસાલ હતો, પણ બીજા બેટ્સમેનો તદ્દન નબળા છે.

    ક્રિસ ગેઇલ કારકિર્દીના અંતિમ વર્ષોમાં છે અને એ વિખવાદોને કારણે વેસ્ટ ઇન્ડિઝ તરફથી રમતો નથી. છતાં પણ વાત જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની આવે ત્યારે એ ચેમ્પિયન્સની યાદ આવ્યા વગર રહેતી નથી. એ મર્દાના મિજાજ એ પૌરુષત્વ, એ પ્રભુત્વ, એ ગર્વ પછી ક્યારેય ક્રિકેટના મેદાનમાં એ કક્ષાએ પહોંચ્યું નથી એમ લાગ્યા કરે છે. 18મીએ કોઈપણ ટીમ જીતશે, પણ ક્રિકેટ હારશે, કારણ કે એ ચેમ્પિયન્સના વારસદારો હારી ચૂક્યા છે.

    જનોઈવઢ : વિવ રિચાર્ડ્સની રમૂજ પણ કાતિલ હતી. જુઓ આ બે નમૂના.
    1. કાઉન્ટી મેચમાં એ ગ્રેગ થોમસ નામના બોલર સામે રમી રહ્યો હતો. એ વારંવાર બીટ થતો હતો એટલે થોમસે ટોણો માર્યો (તારા બેટ પાસેથી પસાર થઈ) એ ચીજ ગોળ છે અને લાલ રંગની છે. વિવ રિચાર્ડ્સે પછીના બોલને ગ્રાઉન્ડની બહાર ફટકારી દીધો અને જવાબ આપ્યો, તને ખબર છેને એ ચીજ કેવી છે, જા જઈને શોધી લાવ!

    2. વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં મધ્યમ હરોળની બેટિંગ મજબૂત કરવા ગાવસ્કર ચોથા ક્રમે ઊતર્યો. કમનસીબે ભારતની બે વિકેટો ઝીરોમાં પડી ગઈ. ગાવસ્કર ક્રિઝ પર આવ્યો એટલે વિવે ક્લાસિક ‘શોટ’ ફટકાર્યો. ‘તું ગમે તે નંબર પર રમવા ઊતરે કોઈ ફરક પડતો નથી, સ્કોર ઝીરો જ હોય છે!’

કેટલા શહીદ થયા નહીં કેટલાને માર્યા એ પૂછો


Divyabhaskar.com | Updated - May 16, 2017, 08:37 PM

બીજા ભારતીય લશ્કરી વડા રાજેન્દ્રસિંહ જાડેજા ગુજરાતી હતા અને સામ માણેકશાને

  • Article of Bagavat by Pranav Golwelkar in Kalash Magazine
    કેટલા શહીદ થયા નહીં કેટલાને માર્યા એ પૂછો
    ઓલ્ડ સોલ્જર્સ નેવર ડાઈ, ધે જસ્ટ ફેડ અવે
    }જનરલ મેક આર્થર
    લશ્કર મરવા માટે નહીં મારવા માટે હોય છે. આપણા કેટલા શહીદ થયા એના કરતાં વધુ અગત્યનું હોય છે આપણે કેટલાને માર્યા? પીઠમાં ઘા મારવામાં કુશળતા ધરાવતા અખિલેશ જેવા રાજકારણીઓ માટે આ સમજવું જરા કઠિન થઈ પડે એમ છે. એણે ગુજરાતીઓના દેશપ્રેમ પર પ્રહાર કર્યો છે. તમે સરકારના િવરોધી બેશક હોઈ શકો છો પણ દેશના િવરોધીઓને દેશમાં સ્થાન હોઈ શકે નહીં. એ જ રીતે રાજ્યની સમગ્ર પ્રજાના વિરોધમાં ઊતરવું એ બાલિશતા છે.

    ગાંધીજીએ ગોડસે પાસેથી િરવોલ્વર ખૂંચવીને ગોડસેને જ ગોળી ધરબી દીધી હોત તો એ વધુ વીર હોત! વધુ દેશપ્રેમી હોત! સરદાર પટેલે કુનેહપૂર્વક રજવાડાંઓને નેસ્તનાબૂદ કરી નાખ્યાં તેના બદલે ભારે રક્તપાત કર્યો હોત તો વધુ વીર હોત! સરદાર પટેલ કુદરતી મોતે મર્યા તેનાથી તેમનો દેશપ્રેમ ઓછો થતો નથી. સરહદે મૃત્યુ પામેલા ગુજરાતીઓને જોવાની આ કેવી ઝંખના અખિલેશને છે? જો એણે કહ્યું હોત કે મારે પાકિસ્તાની સૈિનકોના કપાયેલાં માથાં જોવાં છે તો પણ હજુ સમજી શકાત, પણ એની આવી આશા રાખવી નકામી છે.

    વીરત્વ દરેક વખતે હત્યા કે આત્મહત્યામાં હોતું નથી. વીરત્વ જરા જુદી ચીજ છે. ધરાસણામાં અંગ્રેજો સામે બેખોફ આગળ વધનારા હજારો ગુજરાતીઓને શંુ કહીશું? ભારતીય લશ્કરના બીજા ભારતીય વડા રાજેન્દ્રસિંહજી જાડેજા ગુજરાતી હતા અને સામ માણેકશાને કયા રાજ્યના ગણી શકાશે? કેટલાં રાજ્યે કેટલા શહીદો આપ્યા એ જ માત્ર દેશપ્રેમનો માપદંડ હોય તો રોજ આપણે ત્યાં કોફીનોના ઢગલા થઈ જશે અને લશ્કર હારતું જશે!

    રાણા પ્રતાપની જવાંમર્દી રણમેદાનમાં દેખાય તે માટે ભામાશાએ પહેલાં ખુવાર થવું પડે છે. દૂર દેશાવરના સાવ અજાણ્યા મલકમાં, સાવ અજાણ્યા લોકો વચ્ચે ગુજરાતીઓએ મેળવેલી સફળતા વીરત્વથી ઓછી નથી. ખૂમચાઓ અને પેઢીઓ વચ્ચેનો ફરક આ નબીરાને સમજાવવો જરા કઠિન છે. એ કબૂલ કે શીખ, ગુરખા, મરાઠા અને રાજસ્થાની રાજપૂતો જેવું યુદ્ઘ ઝનૂન ગુજરાતીઓમાં નથી. લશ્કરમાં કોઈ ગુજરાત બિટેલયન નથી.

    એ પણ કબૂલ કે ગુજરાતીઓ લશ્કરમાં ઘણી ઓછી સંખ્યામાં જોડાય છે, પરંતુ માત્ર લશ્કરો એ દેશ નથી. લશ્કરોને સાચવવા યોગ્ય દેશ પણ હોવો જોઈએ અને આવો દેશ ઊભો કરવો એ પણ વીરત્વ છે.
    અખિલેશના જવાબમાં કેટલાક ચુસ્ત ભક્તો હમીરજી ગોિહલ સુધીના ભૂતકાળમાં પહોંચી ગયા છે! કેટલાક તો ભૂતકાળમાં વધુ ને વધુ પાછળ ધસમસતા જઈ રહ્યા છે. અખિલેશના સવાલનો જવાબ હમીરજી ગોહિલ નથી.

    અહિંસાનો કેફ થોડોક તો ઉતારવો પડશે અને નવા વીરોની શહીદીનાં ગુણગાન ગાવાં પડશે. ‘કાચી પાંત્રીસના માવા’ના સ્ટેપલ ફૂડ પર જીવતા લોકોને લશ્કરની લોખંડી શિસ્ત જરા માફક આવે એવી હોતી નથી! સોશિયલ મીડિયામાં બીજાની વોલ પર જઈને આડીઅવળી કોમેન્ટ કરવી એ ‘સર્જિકલ સ્ટ્રાઇક’ માનતા લોકોને ભ્રમમાંથી તાકીદે બહાર લાવવાની જરૂર છે.

    લશ્કરમાં ‘ગુજરાત રેિજમેન્ટ’ ઊભી કરવાની પણ વાતો થાય છે, પરંતુ આઝાદી બાદ એક સિંગલ ક્લાસમાંથી આખી રેજિમેન્ટ ઊભી કરવાની નીતિ ભારતીય લશ્કરે ફગાવી દીધી છે. હાલની જે રેજિમેન્ટનાં નામ ‘સિંગલ ક્લાસ’ પ્રકારનાં છે. જેવી કે ગુરખા, શીખ, મરાઠા વગેરે રેજિમેન્ટ આઝાદી પૂર્વે અંગ્રેજોએ ઊભી કરી હતી. હવેની નવી રેજિમેન્ટ ‘ઓલ ક્લાસ’ હોય છે અને જૂની રેજિમેન્ટ પણ હવે ‘િમક્સ ક્લાસ’ રેજિમેન્ટ છે. એટલે હવે ગુજરાત રેજિમેન્ટ ઊભી થવાની શક્યતા નથી. ઇતિહાસ ઘટનાઓ આપે છે. લોકો એમાંથી ‘હીરો’ને પસંદ કરે છે.

    મુગલોના ઇતિહાસની બે ઘટનાઓ રસપ્રદ છે. બાબરનો પુત્ર હુમાયુ માંદો પડ્યો અને એની બીમારી વધતી ગઈ. ડોક્ટરોએ હાથ ધોઈ નાખ્યા ત્યારે બાબરને સલાહ અપાઈ કે કોઈક બેશકીમતી ચીજ દાન કરો તો હુમાયુ બચી શકે. કોહિનૂર દાન કરવાનો પ્રસ્તાવ આવ્યો જેને બાબરે ફગાવી દીધો અને કહ્યું કે, િજંદગીથી વધુ કીમતી બીજું કશું ન હોઈ શકે. એણે હુમાયુની િજંદગીના બદલામાં પોતાની જિંદગી લેવાની પ્રાર્થના કરી.

    હુમાયુ સાજો થયો. બાબર માંદો પડ્યો અને મરી ગયો. બીજી ઘટના આૈરંગઝેબની છે. રાજગાદી માટે ત્રણે ભાઈઓને મારીને બાપને જેલમાં પૂરીને એ રાજ્ય કરતો રહ્યો! શહાદત શું છે એ જરા પેચીદો પ્રશ્ન છે. શહાદત આપવી અને લેવી એમાં ફરક છે. બાબર અને આૈરંગઝેબમાંથી અખિલેશ કોને હીરો ગણતો હશે એ સમજવા વધુ મગજ કસવું પડે એમ નથી.

    જનોઈવઢ :
    જોઈએ છે
    જે હું બોલાવું ત્યારે હાજર થઈ જાય,
    મારી સામે ટગર ટગર જોયા િવના કામ કરે,
    જે મારા ધોળા ધંધા વધારી આપે,
    કાળા ધંધા છુપાવી આપે,
    વેતનથી ખુશ રહે, પ્રસાદ ન માગે,
    કોઈ આવો મળે તો કહેજો,
    મારે ભગવાન બદલી નાખવો છે.

લાઉડ સ્પીકરો ઉતરાવવા કોઈ આજાનબાહુ જોઈશે!


Divyabhaskar.com | Updated - Apr 26, 2017, 03:48 AM

આટલા બધા ઘોંઘાટથી જો ભગવાન કે ખુદા ત્યાં હોત તો ચોક્કસ બહેરો થઈ ગયો હોત

  • Article of Bagavat by Pranav Golwelkar in Kalash Magazine
    લાઉડ સ્પીકરો ઉતરાવવા કોઈ આજાનબાહુ જોઈશે!

    ‘મારો ધર્મ બહુ સાદો છે, મારો ધર્મ દયા છે’ 
    - દલાઈ લામા

    ધર્મો મૌન બને પછી જ માનવતાનો અવાજ સાંભળી શકાય છે. ભૂખથી રડતાં બાળકનો અવાજ સંભળાય તે માટે અઝાન અને આરતીએ ઘોંઘાટ બંધ કરવો પડશે. નવરાિત્રને કારણે રાત્રે 12 વાગ્યા પછી ઊંઘી નહીં શકનારો અઝાનના કારણે સવારે ઝબકીને ચોક્કસ જાગી જ જાય. ધાર્મિક સ્પીકરોને આટલા ‘લાઉડ’ થવાની શું જરૂર પડે છે? આટલા બધા ઘોંઘાટથી જો ભગવાન કે ખુદા ત્યાં હોત તો ચોક્કસ બહેરો થઈ ગયો હોત અથવા ક્યારનો ત્યાંથી નાસી છૂટ્યો હોત.

    આ મુદ્દો નવો નથી, વારંવાર ઊછળતો રહે છે, પણ જેવો સોનુ નિગમે આ મુદ્દો ઊભો કર્યો તે સાથે જ જાતજાતના બૂમબરાડા શરૂ થઈ ગયા. અસહિષ્ણુતાવાળી ગેંગ હવે જુદો જ રાગ આલાપી રહી છે. અઝાન એ ચોક્કસ ધાર્મિક સ્વાતંત્ર્યનો મુદ્દો છે, પણ લાઉડ સ્પીકરો એ ધ્વનિ પ્રદૂષણનો મુદ્દો છે. ભારત અને પાકિસ્તાનની વાઘા-અટારી સરહદે કડક મૂછોવાળા, કરડાકી ભરેલા ચહેરાવાળા ભારત અને પાિકસ્તાનના સૈિનકો ‘બીટિંગ ધ રિટ્રીટ’ની જે સેરેમની કરે છે તે જોવા જેવી હોય છે.

    ભરાવદાર મૂછો અને કરડાકીભરેલા ચહેરાવાળા સૈિનકો બૂમો પાડતા, પગ ઠોકતાં જે પરેડ કરે છે એનો હેતુ સામેવાળાને ભયભીત કરવાનો હોય છે. ધાિર્મક ઠેકેદારો પણ જે રીતે લાઉડ ભક્તિ કરે છે ત્યારે તેમનો હેતુ સામેવાળાને ડરાવવાનો હોય છે એવી શંકા ગયા વગર રહેતી નથી.શાંતિ પર આક્રમણ કરે એ સ્વતંત્રતા ન હોઈ શકે. સ્વતંત્રતા ‘સ્વ’ માટે જ હોય. જ્યારે એ ‘પર’ ઉપર આક્રમણ કરે ત્યારે પરતંત્રતા બને અને ભારતમાં પરતંત્રતા ક્યારેય સ્વીકાર્ય ન હોઈ શકે. મસ્જિદની અંદર, લાઉડ સ્પીકરમાં થતી અઝાન પવિત્ર છે, પણ લાઉડ સ્પીકર દ્વારા શહેરભરમાં ત્રાટકતી અઝાન એ પરતંત્રતાનું િનમિત્ત બને છે.

    એક હજાર વર્ષ પહેલાં મુસ્લિમ આક્રમણકારીઓ આ દેશ પર ધસી આવ્યા ત્યારે ઇસ્લામને ફેલાવવાનો હેતુ પણ સાથે લઈને આવ્યા હતા, પણ લાઉડ સ્પીકરો લઈને આવ્યા નહોતા! કોઈ પણ ધર્મ લાઉડ સ્પીકર આધારિત ન હોઈ શકે. આપણા દેશમાં મુિસ્લમોએ જેટલું ડરવું જોઈએ એના કરતાં સેક્યુલરિસ્ટો એમને અનેકગણું વધુ ડરાવે છે. દરેક નાની અમથી બાબતોને જુદી જ રીતે ચીતરીને ડર પેદા કરવા માટે ઉપયોગમાં લેવાય છે. નવરાિત્ર પરના પ્રતિબંધ વખતે મૌન રહેતાં સ્પીકરો અઝાન વખતે લાઉડ કેમ બની જાય છે એ હવે ઉઘાડું સત્ય છે. આપણો દેશ સેક્યુલર છે એ માત્ર િહન્દુઓના તહેવાર વખતે જ કેમ યાદ આવે છે?

    અન્ય ધર્મોના તહેવારો વખતે શા માટે સેક્યુલરિઝમ ભૂલી જવાય છે? આપણે સંવૈધાનિક સેક્યુલર છીએ કે સગવડિયા સેક્યુલર છીએ એ હવે સ્પષ્ટ થઈ જવું જોઇએ.આ મુદ્દો હિન્દુત્વનો નથી. આ દેશમાં મુિસ્લમ આક્રમણકારીઓની તલવાર વિંઝાતી હતી ત્યારે પણ આ દેશની 90 ટકા વસ્તી િહન્દુ જ રહી હતી અને વર્ષોથી િવંઝાતા ધ્વનિ પ્રદૂષણ છતાં આ દેશની બહુમતી વસ્તી હિન્દુ જ રહી છે. સોનુ નિગમ એ ગાયક છે, કોઈ સંત-મહંત નથી કે આ મુદ્દાને ધાિર્મક કહી શકાય. શાહરુખ અને આમિરને અસહિષ્ણુતા નડતી હોય તો સોનુને અઝાન નડે છે એમ કહેવાનો હક્ક છે જ.

    સવાલ એ છે કે આ લાઉડ સ્પીકરો ઊતરશે ખરાં? સોનુ િનગમે કરેલી ટ્વિટ પછી પાિકસ્તાનમાં જન્મેલા અને કેનેડામાં રહેતા તારીક ફતેહે ટ્વિટ કર્યું કે ખુદાનો શુક્ર છે કે મુલ્લાઓની દાદાગીરી સામે અવાજ ઉઠાવે એવો એક માણસ તો ભારતમાં છે. સવારે ચાર વાગ્યાની અઝાન બંધ કરો.’ શું કહેશો તારીક ફતેહને? ધર્મ ઝનૂની?? તમારે જે લેબલ મારવું હોય એ મારી શકો, પણ તારીક ફતેહના સત્યને કેવી રીતે રૂંધી શકાશે?

    દેશનો માહોલ એવો છે કે, નાનામાં નાનો મુદ્દો પણ ધાર્મિક ગણી લેવાય છે. મસ્જિદોનાં લાઉડ સ્પીકરોને ઉતારવા હાથ મજબૂત હોવા જોઈશે. જેના હાથ ઘૂંટણ સુધી પહોંચતા હોય એને આજાનબાહુ કહેવાય છે. આપણે એવા કોઈ મજબૂત નેતાની જરૂર પડશે જેના હાથ લાઉડ સ્પીકરો સુધી પહોંચે એટલા લાંબા ‘આજાનબાહુ’ હોવા જોઈશે.

    જનોઈવઢ : રસ્તો ઓળંગતી વખતે ખુલ્લી આંખે આસપાસ જોઈ લેનાર અને સત્યને ઓળંગતી વખતે બંધ આંખે આગળ વધી જનાર પશ્ચાત્તાપમાંથી બચી જાય છે.-અનીતિ સૂત્ર

ફાનસ ચોરવાથી બુદ્ધિ નહીં ચોરી શકાય


Divyabhaskar.com | Updated - Apr 04, 2017, 08:39 PM

વધુ સવાલો પેદા કરી રહ્યું છે.

  • Article of Bagavat by Pranav Golwelkar in Kalash Magazine
    ફાનસ ચોરવાથી બુદ્ધિ નહીં ચોરી શકાય
    ‘સોશિયલ મીિડયાની તાકાત અને પ્રભાવ ઘણો રસપ્રદ છે અને એટલે જ આપણે સોશિયલ મીિડયાનો સારા કામમાં ઉપયોગ કરવો જોઈએ.
    - મલાલા યુસૂફઝાઈ
    ચોરાયું છે

    આથી જાહેર જનતાને જણાવવાનું કે, સોશિયલ મીિડયા પર મૂકેલી એક રસપ્રદ પોસ્ટ ચોરાઈ છે. કોઈ જાણભેદુએ આ કૃત્યને અંજામ આપ્યો હોવાની શંકા છે. આ ગુનામાં રીઢા ગુનેગાર શ્રીમાન તફડંચીબાજ ઉર્ફે ઉઠાંતરીકારની સંડોવણી હોવાની આશંકા છે.

    તા.ક. :- જેમને આ ચોરાયેલ પોસ્ટ મળે એમણે મૂળ માિલકના નામ સાથે આગળ શેર કરવું.
    પથ્થરફોડિયાઓ અને શિલ્પીઓ વચ્ચે ફરક છે. શિલ્પી સર્જનકાર છે. એનું સર્જન આગ‌વું છે, પોતીકું છે. કમનસીબે સોશિયલ મીિડયા પર જાતજાતના પથ્થરફોડિયાઓ, ઘોરખોદિયાઓ, તફડંચીબાજો, ઉઠાંતરી નિષ્ણાતો ફૂટી નીકળ્યા છે અને કોઈની લખેલી પોસ્ટોને સિફતપૂર્વક ઉઠાવીને સર્જક હોવાના સ્વાંગમાં ફરતા રહે છે. કેટલાક શાતિર ખેલાડીઓ નવા જ પ્રકારે ઉઠાંતરી કરે છે. ‘ફોરવર્ડેડ એઝ રિસીવ્ડ’નું ડિસ્ક્લેઇમર મૂકે છે
    અને તમારું નામ ઉડાડી દે છે. આ તફડંચીનો જરા ‘ઉમદા’ પ્રકાર છે જ્યાં ફોરવર્ડ કરનાર પોતાની બદમાશી જરા જુદી રીતે પ્રગટ કરે છે. સર્જન, આવા તફડંચીબાજોને ઉઠાવવાની લાલચ થઈ આવે એવંુ સર્જન ચપટી વગાડતાંમાં થતું નથી. સર્જન ઘણી વાર માત્ર મગજમાં ઊઠતા તરંગોનું પરિણામ નથી હોતું એ પાંચેય ઇન્દ્રિયોના અનુભવમાંથી જન્મે છે. સર્જન કોઈ એક વ્યક્તિનો અધિકાર નથી. સોશિયલ મીિડયા પર સંખ્યાબંધ લોકો અદ્્ભુત વનલાઇનર અથવા થોડી લાંબી પોસ્ટ મૂકે છે. આ પોસ્ટ એમનો ‘ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ’ છે.

    એમના સર્જનની તફડંચી ન કરી શકાય. કેટલાક લોકો એવું માનતા હોય છે કે વનલાઇનરની ઝાઝી વેલ્યૂ હોતી નથી અને એને ઉઠાવી લેવામાં કશો વાંધો નથી. વાસ્તવમાં લાંબું લખવું એ સહેલું છે, પણ એક જ વાક્યમાં સો વાક્યની વાત મૂકી દેવી એ ઘણું અઘરું કામ છે. આવી ચોટદાર વનલાઇનર અમુક અપવાદોને બાદ કરતાં મોટાભાગના લોકો રોજેરોજ લખી શકાતા નથી. ફેસબુકની વોલ એ કોઈ નધણિયાતું ખેતર નથી કે કોઈ પણ હરાયું ઢોર આવીને ભેલાણ કરી જાય. કોઈએ લખેલી લાઇનો ઠેઠ એના દિલમાંથી આવે છે.

    એને ઉઠાવતાં પહેલાં (તફડંચી કરવાની વાત છે, શેર કરવાની નહીં) જરા આપણા પોતાના સંસ્કાર ચેક કરી લેવા. કોઈની પોસ્ટને એના નામ સાથે શેર કરવી એ સજ્જનતા છે, પણ ઘણી વાર પોતાની વોલ પર શેરની ફેંકાફેંકી કરનાર આવી સજ્જનતા બતાવતા હોતા નથી. એક લેખકે એક પ્રસંગ ટાંક્યો હતો, પ્રાચીન ગ્રીસના પ્રખ્યાત ફિલસૂફ ડાયોજિનિયસનું ફાનસ કોઈ ચોરી ગયું. એણે કાતિલ વ્યંગ કરતાં કહ્યું કે ચોર એવું માનતો હશે કે મારું ફાનસ ચોરીને એ મારી બુદ્ધિનો પ્રકાશ ચોરી જઈ શકશે!

    સોશિયલ મીિડયામાં ઘણા તસ્કરો એવું માનતા હોય છે કે કોઈની પોસ્ટ ચોરીને એ એમની સર્જનાત્મકતા પણ મેળવી શકશે! કમનસીબે આવું થતું નથી. પશ્ચિમી સભ્યતામાં કોઈની ચીજ લેતા પહેલાં
    પરવાનગી લેવાનો અને પાછી આપતી વખતે આભાર માનવાનો રિવાજ છે. આપણે ત્યાં ‘સબ ભૂમિ ગોપાલ કી’ માનીને ભેલાણ કરાવનારી કુપ્રથા છે. આભાર માનવો, પરવાનગીનો વિવેક દાખવવો એ પ્રાથમિક સંસ્કાર છે. સભ્યતાના મામલે આપણે હજુ પણ પશ્ચિમ પાસેથી કેટલીક બાબતો શીખવાની છે. પશ્ચિમમાંથી આવેલું સોશિયલ મીડિયા આપણે અપનાવી તો લીધું, પણ એનો પશ્ચિમી વિવેક આપણે ત્યજી દીધો.

    સોશિયલ મીડિયાના ઉઠાઉગીરો એકાઉન્ટ બનાવતી વખતે જ એકાઉન્ટેબિલિટીને ફગાવી દેતા હોય છે. સોશિયલ મીડિયાનું ‘અન્ડરવર્લ્ડ’ પણ એક ભયાનક સમસ્યા છે. તિકડમબાજો પોતાના ચહેરા પર જાતજાતનાં બનાવટી મહોરાં પહેરીને મેદાનમાં ઊતરી આવે છે અને લોકોને હેરાન કરી નાખે છે. કેટલાક પ્રસિદ્ધિખોર માફિયાઓની અન્ડરવર્લ્ડમાં આખી ગેંગ છે એમ સાંભળ્યું છે. આ ગેંગ લીડરની સામે પડનારાઓ પર સતત હુમલા કરતી રહે છે.

    ફેક આઈડી એ કાયદાની સમસ્યા છે, પણ પોસ્ટ્સની તફડંચી એ નીતિમત્તાની, સંસ્કારની સમસ્યા છે. સવાલ એ છે કે, આ કેવી પ્રજાતિ છે જેમના સંસ્કારની હદ સોશિયલ મીિડયાના ઝાંપે જ પૂરી થઈ જાય છે? સોશિયલ મીડિયા જેટલા જવાબો આપી રહ્યું છે એના કરતાં અનેક ઘણા વધુ સવાલો પેદા કરી રહ્યું છે.

    જનોઈવઢ : ‘Practice what you post’તમે જેવી પોસ્ટ મૂકો છો એવું જ આચરણ પણ કરો.

ગીતા : એક યોદ્ધાએ બીજા યોદ્ધાને આપેલી સમજ


  • પ્રકાશન તારીખ22 Aug 2018
જે ધર્નુધર છે,
જે માછલીની આંખ વીંધી શકે એવો વીર છે,
જે મહાબાહો છે,
જે અનેક યુદ્ધોનો લડવૈયો છે,
જે પુરુષ હોવા છતાં એક આખું વર્ષ સ્ત્રી બનવાની અવહેલના ભોગવી ચૂક્યો છે.
જે સ્વજનો સામે મેદાને પડવાથી દૂર રહે એવો નીતિવાન છે.
ગીતા એને માટે છે! ગીતા એ કોઈ નવલકથા નથી! એ કોઈ ઉશ્કેરણી નથી. એ વીરયોદ્ધા માટેનો ડોક્ટ્રાઇન છે. એ રણનીતિ છે. ગીતાને નવલકથાની જેમ ‘વાંચી’ જવાનો આપણે ત્યાં શોખ છે. પૂર્ણ પુરુષોત્તમે યુદ્ધ ભૂમિની વચ્ચે કહેલી ગીતાને આપણે ત્યાં અર્ધ પુરુષો, કાપુરુષો અને આડેધડ જંગલની જેમ ઉગેલી દાઢી ધરાવતા પાજી પુરુષોત્તમો ચાર લીટી સંસ્કૃતમાં બોલી ગીતા પર ભંગાર ભાષણો કરતા રહે છે અને સાંભળવા બેઠેલા ‘અરજણો’ એટલું જ સમજે છે કે ગીતા એ કોઈ મહાન ગ્રંથ છે, જેને આપણા જેવાએ વાંચવાનો નથી.

તમારે ‘બુદ્ધ’ બનવું હોય તો એ જુદો માર્ગ છે. યુદ્ધ કરવું હોય તો ગીતા વાંચવી જોઈએ, જીવનમાં ઉતારવી જોઈએ. 16,108 રાણીઓ ધરાવતા અને સુદર્શન જેવા સંહારક શસ્ત્રની શોધ કરનાર કૃષ્ણ જે જીવનનો નિચોડ કહે છે એને પાખંડ બ્રહ્મચારી અને યુદ્ધને નામે મુઠ્ઠી પણ નહીં ઉછાળનાર સાધુ કેવી રીતે સમજાવી શકે એ સમજ બહારનું છે. જે યોદ્ધા છે, જે સંહારક છે, જે સંહારનાં શસ્ત્રોનો શોધક છે, એના માટે ગીતા અનિવાર્ય છે. એને એના તમામ પ્રશ્નોનો ઉત્તર ગીતામાં મળી રહે છે. અણુબોમ્બના જનક રોબર્ટ ઓપનહાઇમરે પણ ગીતાને ક્વોટ કરી હતી! ‘હું જ મૃત્યુ છું, હું જ સંહાર છું એવું ઓપનહાઇમર કહે તો એ લેખે લાગે, પચાવી પાડેલી સરકારી જમીન પર આશ્રમો તાણી બાંધનારા કહે ત્યારે એ હાસ્યાસ્પદ લાગે.
ગીતામાં કૃષ્ણ અર્જુનની ઉશ્કેરણી કરતા નથી, પાનો ચઢાવતા નથી, એ અર્જુનની અકર્મણ્યતા દૂર કરતા જાય છે
જ્યાં સુધી તમે ક્ષમા આપવા જેટલા વીર બન્યા નથી, જ્યાં સુધી તમને પ્રશ્નો નથી, જ્યાં સુધી તમે ‘સંહારક’ નથી ત્યાં સુધી ગીતા વાંચવાનો અર્થ નથી. લોકો કહે છે કે ગીતામાં દરેકને માટે કંઈક છે, હશે! પણ એકાદો ટુકડો એના કામમાં આવી જશે. દરેક શબ્દ, દરેક અધ્યાય એના કામનો નહીં હોય. કેટલાકને ગીતા વાંચ્યા બાદ પોતે જ અર્જુન છે એવું માનવાની ઘેલછા ઉપડી આવે એવી સંભાવના વધુ છે.

આપણાં શાસ્ત્રોમાં જ્ઞાન કે વિદ્યા સુપાત્રને જ આપવાની વાત કરાઈ છે. સુપાત્ર એટલે કોઈ ચોક્કસ વર્ણની વ્યક્તિ નહીં, પણ એવી વ્યક્તિ કે જેને એ જ્ઞાનની ખરેખર જરૂર છે અને એવી વ્યક્તિ કે જે એ વિદ્યાને ખરેખર સમજી શકે છે. ઉદાહરણ તરીકે તમારે પાડોશી સાથે ઝઘડો થયો છે અને તમે કોઈની પાસે મદદ માગવા જાવ છો અને એ વ્યક્તિ તમને અણુબોમ્બ બનાવવાની ટેક્નોલોજી ઓફર કરે તો તમે એ જ્ઞાનનું શું કરશો? તમે કંઈ અણુબોમ્બ બનાવીને પાડોશી ઉપર ફેંકી નહીં શકો. એમ કરવા જતાં તમે પોતે પણ બચો એવી કોઈ સંભાવના જ રહેતી નથી. અણુબોમ્બની ટેક્નોલોજીની તમને જરૂર જ નથી. તમને એ વિદ્યાનો કોઈ મતલબ નથી એટલે તમે એ વિદ્યા માટે સુપાત્ર નથી. ગીતામાં કૃષ્ણે પણ અર્જુનને આ જ રીતનું કહ્યું છે. એનો અર્થ એ નથી કે કૃષ્ણ ગીતાને ગુપ્ત રાખવા માગે છે. કૃષ્ણનાં વચનોનો અર્થ એ છે કે જેને ખરેખર જરૂર છે એને ગીતાનું જ્ઞાન મળે!

ગીતાનું પ્રથમ પાનું ઉઘાડતાં પહેલાં એક વાત સમજી લેવાની જરૂર છે કે આ યુદ્ધભૂમિ પર અપાયેલું જ્ઞાન છે અને એક યોદ્ધાએ બીજા યોદ્ધાને આપેલી સમજ છે! કૃષ્ણ અને અર્જુન ઘણાં વર્ષોથી એકબીજાને ઓળખતા હતા. કૃષ્ણ ગીતાજ્ઞાન અર્જુનને ગમે ત્યારે આપી શકતા હતા, પણ આપ્યું નહીં, કેમ? કારણ કે અર્જુનને એની જરૂર હતી નહીં. આમાં સેન્સ ઑફ ટાઇમિંગ’ છે. જ્યારે જરૂર પડે ત્યારે કામમાં આવે એ વિદ્યા બાકી બધાં થોથાં! જ્ઞાન આપનારે સમયનું ધ્યાન રાખવું સૌથી આવશ્યક છે.

ગીતામાં કૃષ્ણ ઉશ્કેરણી કરતા નથી, પાનો ચઢાવતા નથી, એ અર્જુનની અકર્મણ્યતા દૂર કરતા જાય છે. જો માત્ર પાનો ચઢાવીને, બિરદાવલીઓ ગાઈને જ અર્જુન યુદ્ધ કરવા તૈયાર થઈ જતો હોય તો ત્યાં કૃષ્ણનું કામ જ નહોતું. એ તો કોઈ પણ કરી શકત. અર્જુન યોદ્ધા છે, પણ જ્ઞાની છે. એનો સંશય જ્ઞાનમાંથી જન્મેલો છે, મોહમાંથી જન્મેલો છે.

ગીતામાં કૃષ્ણ એ યાદ નથી અપાવતાં કે દુ:શાસને કેવી રીતે દ્રૌપદીનું ભરી સભામાં ચીરહરણ કર્યું હતું અથવા કેવી રીતે પાંડવો માટે લાક્ષાગૃહ તૈયાર કરાયું હતું. આવી કોઈ જ બાબત કૃષ્ણ કહેતા નથી. કૃષ્ણ અર્જુનને અનાસક્ત કરે છે. અનાસક્ત અને વિરક્તમાં ફરક છે. ખૂંખાર યુદ્ધ કરવું અને એ પણ અનાસક્ત ભાવે કરવું એ કેવી રીતે કરી શકાય, એ સમજવું હોય તો ગીતા વાંચો બાકી ગીતા વાંચીને પણ ઝાઝું અમલમાં નહીં મૂકી શકાય!

જનોઈવઢ : તમે જેને ‘ધર્મ’ સમજો છો એ ધર્મ નહીં ફક્ત અંધવિશ્વાસ છે. અંધવિશ્વાસનો અર્થ એ છે કે જોયા, સમજ્યા વગર માની લેવું.
- ઓશો

સ્વાર્થનો સરવાળો હશે તો જ સંબંધ ટકશે


  • પ્રકાશન તારીખ29 Aug 2018
સંબંધોનું સત્ય : સ્વાર્થમ્ શિવમ્ સુંદરમ્
- અજ્ઞાત
નિ:સ્વાર્થ સંબંધ જેવું કશું જ હોતું નથી. સંબંધો એના જ ટકે છે જેને આ સત્ય સમજાઈ જાય છે. જો ભગવાન પાસેથી પણ મેળવવાનો સ્વાર્થ ન હોત તો આટઆટલાં મંદિરો ઊભાં ન થયાં હોત. માણસ એક સામાજિક પ્રાણી છે એમ કહેવા કરતાં માણસ એક સોદાબાજ પ્રાણી છે એમ કહેવું ઉચિત છે. ભગવાનની મૂર્તિ પર બે રૂપિયાનાં ફૂલો ચડાવીને બે લાખ માગવાનો ‘સોદો’ રોજ કરવો એને જ શાયદ ભક્તિ કહેતા હશે.
શિવ જો શક્તિની 
તમામે તમામ જરૂરિયાત અથવા કહો કે, ‘સ્વાર્થ’ સંતોષે છે ત્યાં સુધી જ શિવ પાસે શક્તિ છે
સંબંધ એટલે સરખું બંધન. જ્યાં બે પાત્રોને સરખું-સમાન બંધન નથી ત્યાં એક માલિક છે અને બીજો ગુલામ છે. સંબંધ એટલે 50-50 ટકાની હિસ્સેદારી. અધિકારોમાં પણ અને ફરજોમાં પણ. મોટાભાગના સંબંધો બે જ કારણોથી તૂટી જાય છે, સલામતીનો અભાવ અને સેક્સનો અભાવ. સલામતી એ શાંતિની પ્રથમ શરત છે. જ્યાં સાથે હોવાની, સાથે રહેવાની સલામતી સામે પ્રશ્નાર્થ ઊભો થાય છે ત્યાં ઝઘડા શરૂ થાય છે. પછી ભલેને ઝઘડાનું નિમિત્ત ગમે તે હોય, એના મૂળમાં તો સલામતીનો અભાવ જ હોય છે. સંબંધની સલામતી અને સંબંધમાં સલામતીની જવાબદારી બંને પાત્રોની 50-50 ટકા છે. એક પ્રખ્યાત વાક્ય છે, માત્ર ન્યાય થયો એ પૂરતું નથી, લોકોને લાગવું જોઈએ કે ન્યાય થયો છે. એ જ રીતે સંબંધ સલામત છે એ માટે એક પાત્રની માન્યતા પૂરતી નથી, સામેના પાત્રને લાગવું પણ જોઈએ કે સંબંધ સલામત છે, સંબંધમાં સલામતી છે.
સંબંધમાં સમય, પ્રેમ, સંભાળ ઇન્વેસ્ટ કરવાં પડે છે અને એને ‘ટોપઅપ’ પણ કરતા રહેવું પડે છે, પણ આ ઇન્વેસ્ટમેન્ટ પણ એક જ જણ કરતો રહે અને બીજો ઉડાઉપણે ખર્ચ કરતો રહે તો એક જણનું ‘દેવાળું’ ફૂંકાઈ જાય અને સંબંધ ખાલી થઈ જાય. ખાલી થયેલો સંબંધ એક ભયાનક બોજ બની જાય છે.

આર્થિક સલામતી હોય કે સંભાળની સલામતી, તમામ પ્રકારની સલામતીની ઇચ્છા એ સ્વાર્થ જ છે. જ્યારે તમે કંઈ આપવાની ઇચ્છા રાખો છો એ સ્વાર્થ છે અને કંઈ મેળવવાની ઇચ્છા રાખો છો એ સ્વાર્થ જ છે.

આટલું વાંચ્યા પછી એમ લાગે કે શું સ્વાર્થી હોવું એ ખરાબ છે? જી ના. એક સનાતન સત્ય સમજવાની જરૂર છે. સંબંધમાં જેટલા વધુ સ્વાર્થ હશે એટલો સંબંધ વધુ ચાલશે, એટલો વધુ મજબૂત બનશે. માત્ર શરત એટલી કે આ સ્વાર્થ સંતોષવામાં બંનેએ સાથે જ રહેવું પડે. એકની સલામતીનો સ્વાર્થ બીજો સંતોષે અને બીજાની સંભાળનો સ્વાર્થ પહેલો સંતોષે તો સંબંધ ટકશે જ. આવું જ બીજા સ્વાર્થનું છે. તકલીફ ત્યારે ઊભી થાય છે જ્યારે બે પાત્રો એમના સ્વાર્થ સંબંધની અંદર સંતોષવાના બદલે બહાર સંતોષતા થઈ જાય છે ત્યારે ‘ઇન્વેસ્ટમેન્ટ’નું ઓડિટ થવા માંડે અને સંબંધો તૂટી જાય.

સ્ત્રી-પુરુષોના સંબંધમાં શિવશક્તિનું ઉદાહરણ સમજવા જેવું છે. શિવ અર્ધનારીશ્વર છે. આ અદ્્ભુત બાબત છે. એમનું અડધું શરીર શક્તિનું છે અને શક્તિનું અડધું શરીર શિવનું છે. હવે શિવ જો શક્તિની તમામે તમામ જરૂરિયાત અથવા કહો કે, ‘સ્વાર્થ’ સંતોષે છે ત્યાં સુધી જ શિવ પાસે શક્તિ છે અને જ્યાં સુધી શક્તિ શિવના તમામ ‘સ્વાર્થ’, તમામ જરૂરિયાત સંતોષે છે ત્યાં સુધી જ શક્તિ પાસે શિવ છે, પણ સૌથી મહત્ત્વની બાબત એ છે કે અહીં શિવનો સ્વાર્થ કે શક્તિનો સ્વાર્થ એવું અલગ કંઈ જ નથી. અહીં જે છે એ સંયુક્ત સ્વાર્થ છે. એક સાદું ઉદાહરણ આ અર્ધનારીશ્વરનું સમજીએ. જો એમની એક આંખ છેક જમણી અને બીજી આંખ છેક ડાબી બાજુ જોવાનો પ્રયત્ન કરશે તો શું થશે? પ્રથમ તો આંખોનો દેખાવ સુંદરતા ખોઈ દેશે અને બંને આંખ જુદું જુદું જોશે, એટલે દૃશ્ય ત્રિપરિમાણીય નહીં દેખાય. આંખો દૃશ્યોના ઊંડાણની સમજ સાવ ખોઈ દેશે.

અર્ધનારીશ્વર કહો કે અર્ધપુરુષેશ્વરમાં સ્વમાં જ શિવ અને શક્તિ સમાયેલાં છે એટલે સ્વાર્થ એટલે જ શિવ અને શક્તિનો અર્થ છે. અહીં જુદો કોઈ જ ‘અર્થ’ નથી.

સંબંધોની સુંદરતા એ છે કે અહીં સ્વાર્થનો કોઈ લેખિત કરાર નથી. એકબીજાના સ્વાર્થની સમજણ જ સંબંધનો આધાર છે. નદી અને સમુદ્ર વચ્ચે એક સંબંધ છે! પાણીનું વહેવું કહો કે પ્રેમનું વહેવું એ સંબંધને ટકાવે છે, પણ નદીને પ્રેમ (પાણી) આપવા સમુદ્ર પોતે જ પર્વતો ભણી ચાલી નીકળે તો શું થાય? ચારે બાજુ માત્ર તારાજી થાય. સમુદ્રે પાણી ભરેલાં વાદળો નિયમિત પર્વતો પર મોકલી આપવાં પડે અને નદી પર્વતોના શિખરે જ બેસી રહે તો શું થાય? પાણીના ભારથી પર્વત તૂટી જાય. નદીનું વહેવું અને સમુદ્રનું સ્થિર રહેવું વાદળો દ્વારા પ્રેમના ઠાલવવા પર જ નિર્ભર છે. પાણી અહીં બંનેનો સ્વાર્થ છે, પણ એની તૃપ્તિ કરવાના બંનેના પ્રકાર જુદા જુદા છે. નદીઓ જો એકપક્ષી જ વાદળોનું પાણી લીધા કરે અને સમુદ્રોને પાણી મળે જ નહીં અને એક દિવસ સમુદ્ર સુકાઈ જાય અને પછી નદીએ પણ સુકાવું જ પડે. પાણી આ બંનેનો કોમન મિનિમમ સ્વાર્થ છે.

તમારો પાર્ટનર ભગવાન નથી કે જે બે રૂપિયાના ફૂલમાં બે લાખ આપી શકે એ સમજી લેવું. એનો સ્વાર્થ પૂરો કરો અને એ તમારો સ્વાર્થ પૂરો કરે એવી ગોઠવણ રાખો. પછી સંબંધને કોઈ સમસ્યા નહીં નડે.

જનોઈવઢ : નિ:સ્વાર્થ હોવું એ પણ તો એક સ્વાર્થ જ છે ને.

નટસમ્રાટ : વિદૂષક વિક્રમાદિત્ય બની શકે નહીં


  • પ્રકાશન તારીખ05 Sep 2018
ભૂલો કરવાનો સૌને હક છે, દરેકને સમ્રાટ બનવાનાં સ્વપ્નો જોવાનો અધિકાર છે, પણ માત્ર સિંહાસન પર બેસીને માથે મુગટ પહેરી લેવાથી વિદૂષક વિક્રમાદિત્ય બની જતો નથી. ગુજરાતી નટસમ્રાટની તુલના મરાઠી નટસમ્રાટ સાથે થશે જ, થવી જ જોઈએ, કારણ કે આ નટસમ્રાટ એ મરાઠી નટસમ્રાટ પરથી જ બનાવેલું છે. આક્રોશ એ વાતનો નથી કે આ નટસમ્રાટમાં કોણે શું કર્યું, આક્રોશ એ વાતનો છે કે આપણે શ્રેષ્ઠતા દર્શાવવાની એક ઉત્તમ તક ખોઈ દીધી છે.
આ નટસમ્રાટ છે, નટની 
જિંદગીનું અંતિમ શિખર
આ ફિલ્મ જોઈને અધકચરા રિવ્યૂઝ લખનારા ચંગુ-મંગુ કે છગન-મગનોને એ વાતનો ખ્યાલ નથી કે ‘નટસમ્રાટ’ની ભૂમિકા ભજવવાની નથી હોતી, જીવી જવાની હોય છે અને નટસમ્રાટ ‘જીવ્યા’ પછી જિંદગીમાં જીવવા માટે કશું બચતું નથી. કશું બચવું ન જોઈએ.

મરાઠી ભાષામાં બનેલા નટસમ્રાટમાં અદ્્ભુત કામ કરનારા નાના પાટેકરે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું હતું, આ ભૂમિકા અભિનેતાના શરીરમાંથી જીવને શોષી લે છે. આ ભૂમિકા એટલી ‘ઇન્ટેન્સ’ છે કે તખ્તા પર તેને ભજવનારા ડૉ. શ્રીરામ લાગુને હૃદયનો દુખાવો શરૂ થઈ ગયો હતો. એમના પછી દત્તા ભટ્ટે આ ભૂમિકા ભજવવાની શરૂ કરી અને એમાં જ મૃત્યુ પામ્યા. ત્યારબાદ આ ભૂમિકા કરનારા સતીશ દુબાશીને પણ એ જ રોગ લાગુ પડી ગયો! આ નાટકમાંથી અભિનેતા દૂર થવાનો પ્રયત્ન કરે તો પણ ‘નટસમ્રાટ’ એની જિંદગીમાંથી દૂર થઈ શકતો નથી. આ નટસમ્રાટ છે, નટની જિંદગીનું અંતિમ શિખર, નટ તરીકેના હોવાપણાનું અંતિમ સત્ય!

આ ફિલ્મ વિશે વાત કરતાં મહેશ માંજરેકરે કહ્યું હતું, ‘આ ફિલ્મના બે પ્રમુખ એક્ટરો અન્ય એક સિનિયર એક્ટરને મળવા જાય છે એવો સિન લખાયેલો હતો. આ સિનિયર એક્ટર માટે અમિતાભ બચ્ચનનું નામ નક્કી હતું, પરંતુ ફિલ્મના રશીઝ જોયા પછી લાગ્યું કે આ ફિલ્મમાં આ સીનની જરૂર જ નથી!’

નટસમ્રાટ એટલો પાવરફુલ હતો અને હોવો જોઈએ કે જેને મહાનાયકની જરૂર જ ન પડે. સિદ્ધાર્થ રાંદેરિયાએ આ ‘ભૂલ’ કરવા જેવી નહોતી. ગુજરાતી ફિલ્મમાં પાત્રવરણી પણ જરા વિચિત્ર છે. મનોજ જોશીનું સાઇડ રોલમાં હોવું સમજાય એવું નથી. તેમની એક્ટિંગની રેન્જ વધુ વિશાળ છે. એમને સાઇડ રોલમાં જોઈને અર્જુન કૌરવોની સેનામાં જોડાઈ ગયો હોય એવી હોરિબલ ફીલિંગ થયા કરે છે.
આપણી ભાષામાં એક સચોટ કહેવત છે, પારકી આશ સદા નિરાશ. નટસમ્રાટ એ બીજી ભાષાનું છે. એની નબળી નકલે એક ગુજરાતી તરીકેનું માથું ઝુકાવી દીધું છે.
એક વાત યાદ રહે, આ ફિલ્મ રિવ્યૂ નથી. જુલિયસ સિઝરના રિવ્યૂ હોતા નથી, થઈ શકે પણ નહીં. મરાઠી અભિનેતાઓ નટસમ્રાટના ‘રિવ્યૂ’ કરતા નથી, એ સ્વપ્ના જુએ છે, એક દિવસ નટસમ્રાટ બનવાનાં. નાના પાટેકરે કહ્યું હતું કે એ જ્યારે તખ્તા પર નવોસવો આવ્યો હતો ત્યારે એનું અને એની સાથેના એક્ટરોનું સ્વપ્ન હતું. એક દિવસ ‘નટસમ્રાટ’ ભજવવાનું. ગુજરાતી એક્ટરો માટે આ ફિલ્મે એક માઇલ સ્ટોન બનવાની તક ગુમાવી છે. આવી તક વારંવાર આવતી નથી એટલે જ આ રિવ્યૂ નથી, આ આરોપનામું છે, એક્ટર જેને જિંદગીભર સાથે લઈને ફરે એ સ્વપ્નને ખંડિત કરવાનું તહોમતનામું છે.

ગુજરાતી ફિલ્મોનો પ્રેક્ષક પણ ઇન્ટેલિજન્ટ છે. એને મૂર્ખ માનવાની ભૂલ ન કરવી. આ ફિલ્મે પ્રેક્ષકોની યાચના કરવી પડશે અને યાચકના રોલમાં ‘નટસમ્રાટ’ સારો નહીં લાગે, નટસમ્રાટનો જ એક અદ્્ભુત ડાયલોગ છે, ‘કોઈ ક્ષમા આપે એ માટે જુલિયસ સિઝર ક્યારેય પ્રાર્થના કરતો નથી અને કોઈ પ્રાર્થના કરે એટલે જુલિયસ સિઝર એને ક્ષમા આપતો નથી.’ આવી ફિલ્મો માટે જે સામે બેઠો છે એ પ્રેક્ષક જુલિયસ સિઝર છે, એ કશું નબળું, કશું પણ નહીં ગમતું ચલાવવા તૈયાર હોતો નથી. ભાષાના નામે, એક્ટિંગના નામે કે પછી પ્રયત્નોના નામે ગમે તેવો રદ્દી માલ પધરાવી દેશો તો એ ચલાવી લેશે નહીં.

યાદ રાખવું પડશે કે સામે હોલમાં દરેક ખુરશી એક સિંહાસન છે અને દરેક સિંહાસન પર જુલિયસ સિઝર બેઠેલો છે અને એ ‘સિઝર’ ભલે ગુજરાતી હોય ક્ષમા આપવાની ટેવ એને પણ નથી જ. ગુજરાતી પ્રેક્ષકોને આજ સુધી વિદૂષકવેડાં પીરસનારાઓને હવે પ્રેક્ષકોનો ટેસ્ટ ઊંચો નથી એ ફરિયાદ કરવાનો પણ હક્ક નથી.

આ ફિલ્મ બનાવવાનો હેતુ એક અજરાઅમર કૃતિ સર્જવા કરતાં ગાડરિયો પ્રવાહ શરૂ કરવાનો કે લોકપ્રિયતાની વહેતી ગંગામાં હાથ ધોવાનો વધુ લાગે છે. જ્યારે તખ્તાના નાટક, નટસમ્રાટને ફિલ્મમાં ઉતારવાનું નક્કી થયું ત્યારે લેખક મહેશ માંજરેકર ગૂંચવાઈ ગયા હતા, કારણ કે એમને ફિલ્મ બનાવવી હતી. નાટક જ બનાવવું હોત તો ચાર કેમેરા ઊભા કરી નાટકને જ શૂટ કરી શક્યા હોત. કંઈક જુદું, કંઈક અનોખું કરવાના વિચારમાંથી એ સળગેલા થિયેટર અને નટસમ્રાટના મિત્રનો વિચાર આવ્યો. આ મિત્ર નટસમ્રાટનો ઓલ્ટર ઇગો છે. સળગેલા થિયેટર અને એ મિત્ર વિના નટસમ્રાટ ફિલ્મ સાવ અધૂરી લાગત. આપણા ગુજ્જુભાઈએ કંઈક જુદું કરવાની એવી કોઈ તસદી લીધી નથી. નકલમાં અક્કલ શું કામ વાપરવીના ન્યાયે બધું એમનું એમ લઈ લીધું છે. હા, મૂળ મરાઠીમાં જે યાદગાર છે એ ‘કુણી ઘર દેતકા ઘર’નો ડાયલોગ અહીં નથી. કેમ?

આપણી ભાષામાં એક સચોટ કહેવત છે, પારકી આશ સદા નિરાશ. નટસમ્રાટ એ બીજી ભાષાનું છે. એની નબળી નકલે એક ગુજરાતી તરીકેનું માથું ઝુકાવી દીધું છે. ગુજરાત પાસે ઓરિજિનલ કન્ટેન્ટની કમી નથી. ગુજરાતી કલાકારો માટે એક ચેલેન્જ હજુ ઊભી છે. એક એવો સમ્રાટ બનાવો જેની બીજી ભાષાના લોકોએ નકલ કરવી પડે અને લાખ પ્રયત્નો પછી પણ એ લોકો નકલ કરી ન શકે, તો તમે નટ સાચા, બાકી તો આજકાલ વિદૂષકો ઢગલાના ભાવે મળી રહે છે.

જનોઈવઢ : નાયકનું દુ:ખ એટલું તીવ્ર હોવું જોઈએ કે પ્રેક્ષકોને એ પોતાનું લાગવા માંડે, પ્રેક્ષકો સમરસ થઈ જાય અને એમની સહાનુભૂતિના દરવાજેથી એમનું પોતાનું દુ:ખ પણ વહી જાય.
- નટસમ્રાટ

શુક્રવાર, 24 ઑગસ્ટ, 2018

પ્રપંચ વગરની સત્તા લાંબો સમય ટકતી નથી


  • પ્રકાશન તારીખ08 Jun 2018
‘રાજકારણ અને નીતિમત્તાને કોઈ સંબંધ નથી’
- મેકિયાવેલી
કયું ચૂર્ણ આંખમાં આંજીએ તો કાજળઘેરી રાત્રે પણ જોઈ શકાય? શરીર પર શેનો લેપ કરીએ તો વર્ણ (રંગ) બદલાઈ જાય? જેને કાળો જાદુ કહે છે એના કયા ટુચકાથી સામેના માણસને વશ કરી શકાય કે એને નુકસાન કરી શકાય? આ બધા વિષયોની ચર્ચા એક પુસ્તકમાં છે અને એ
રાજકારણ સમજવું હોય તો અર્થશાસ્ત્રને ‘કંઠસ્થ’ જ નહીં ‘મગજસ્થ’ પણ કરવું પડે
પુસ્તકમાં માત્ર આટલું જ નથી, એમાં જુદાં જુદાં યંત્રો વિશે વાત છે. એ પુસ્તક માનવ સ્વભાવની વાત નગ્ન, લોહિયાળ પ્રામાણિકતાથી કહે છે અને એ પુસ્તકમાં જ લોકોને ઊંધે રવાડે ચડાવવાની વાત પણ છે. એ પુસ્તક વિશે એના કર્તા વિશે ચર્ચા ઘણી થાય છે, પણ એ પુસ્તક વાંચવાની દરકાર ખરેખર ખૂબ ઓછા લોકો લે છે. એ પુસ્તકનું નામ છે, અર્થશાસ્ત્ર અને એના કર્તાનું નામ છે, કૌટિલ્ય.
રાજકારણ શું છે એ સમજવું હોય તો અર્થશાસ્ત્રને ‘કંઠસ્થ’ જ નહીં ‘મગજસ્થ’ કરવું પડે. કૌટિલ્ય (ચાણક્ય) માટે સાધન અગત્યનું નથી સાધ્ય અગત્યનું છે. જ્યારે વાત સત્તાની જ હોય તો રાજાએ કેવા કેવા પ્રપંચ કરવા જોઈએ એ વિશે અર્થશાસ્ત્ર વિસ્તારપૂર્વક કહે છે. રાજા એ પોતે ચમત્કારિક પુરુષ છે એવી આભા પ્રસરાવવી જોઈએ એમ કૌટિલ્ય સ્પષ્ટ માને છે. એક અર્થમાં રાજા અગમ્ય હોવો જોઈએ. જો તર્કની ફૂટપટ્ટી વડે રાજા ‘મપાઈ’ જાય તો એની સત્તાનો પનો ટૂંકો થઈ જાય! સત્તા ટકાવવા કે મેળવવા માટે રાજાએ ખોટા પ્રચાર ઉપરાંત ખોટી પ્રયુક્તિનો સહારો લેવામાં પણ પીછેહઠ કરવી જોઈએ નહીં.
કદાચ જે તર્કની પેલે પાર છે એની જ સત્તા ચાલતી હોય છે. જોકે, અહીં વાત પારતાર્કિકની છે. અતાર્કિકની નથી. રાજાનાં કાર્યોને બહુ જ મોટાં કરીને બતાવવાં કે જે કામો કર્યાં ન હોય તે એના નામે ચડાવવા કે રાજાને લગભગ અવતારી પુરુષ તરીકે જ સાબિત કરવો એમ કૌટિલ્ય કહે છે.
સૌથી આશ્ચર્યજનક અર્થશાસ્ત્રનું 14-15મું પ્રકરણ છે. જેમાં જાતજાતની યુક્તિઓ દર્શાવવામાં આવી છે. બ્લેક મેજિક છે અને રાક્ષસોની આરાધનાના મંત્રો પણ છે. સત્તા માટેના આ પ્રયત્નો સ્તબ્ધ કરી શકે છે.
ચાણક્ય અને મેકિયાવેલીમાં એક અદ્્ભુત સમાનતા જોવા મળે છે. બંને માટે રાષ્ટ્ર (રાજ્ય) સર્વોપરી છે, સર્વોચ્ચ અગ્રતાએ છે. યાદ રહે, રાષ્ટ્ર સરકાર નહીં. સરકારો આવતી અને જતી હોય છે, રાષ્ટ્ર અવિચળ રહે છે. રાષ્ટ્રવાદ એ સરકારવાદ કે કોઈ પક્ષવાદ નથી. મેકિયાવેલી તો કહે છે, રાષ્ટ્રના હિતમાં વ્યક્તિની ઇચ્છાનો ભોગ લઈ શકાય છે. આ બંને વ્યક્તિ સ્વાતંત્ર્યની બહુ તમા રાખતા હોય એમ જણાતું નથી. અત્યારે ડેટા લીકનું તરકટ બહુ વિવાદ જન્માવી રહ્યું છે અને સરકારો દરેક વ્યક્તિ પર વધુ પડતી નજર રાખી રહી છે-ની કાગારોળ પણ અવારનવાર થતી રહે છે. વાસ્તવમાં ચાણક્ય અને મેકિયાવેલી બહુ જ વ્યાપક અને અત્યંત કાર્યક્ષમ ગુપ્તચર વ્યવસ્થાના સમર્થક છે. આ બંને પોતાના રાજાઓને કોઈ વણજોઈતાં આશ્ચર્યો કે આઘાતોનો સામનો ન કરવો પડે તે માટે સતત સતર્ક રહેવા માટે કહે છે. અર્થશાસ્ત્ર તો નાગરિકો પર નજર રાખવા લગભગ તમામ ઉપાયોની હિમાયત કરે છે.
મેકિયાવેલી અને ચાણક્ય બંને માટે યુદ્ધ રાજનીતિનું અવિભાજ્ય અંગ છે. જોકે, આ બંને ‘યુદ્ધખોર’ માનસિકતાનું બહુ સમર્થન કરતા નથી, પણ સતત યુદ્ધ માટે તૈયાર રહેવાનું જણાવે છે. રાષ્ટ્રના વિસ્તાર માટે યુદ્ધ કરવામાં આ બંનેને કોઈ છોછ હોય એમ લાગતું નથી.
જોકે, કૌટિલ્ય સત્તાના અવિવેકપૂર્ણ ઉપયોગની તરફેણ કરતા નથી. અમાત્યોની પરીક્ષા કેવી રીતે કરવી એ વિશે જુદા જુદા ઉપાયોની ચર્ચા કર્યા બાદ પણ તે અમાત્યો પર ભરોસો મૂકવાની વાત જ કરે છે. તો રાજપુત્રો સાથે કેવો વર્તાવ કરવો તેની ચર્ચા કરતી વખતે તેમને સરહદી રાજ્યોમાં મોકલવા કે તેમને કોઈ ચીજમાં આસક્ત કરવા જેવા ભયંકર ઉપાયોની ચર્ચા કર્યા બાદ પણ એ અંતે તો એવું જ તારણ આપે છે કે રાજપુત્રોને શ્રેષ્ઠ શિક્ષણ આપવાની હિમાયત કરે છે, જેથી એમનામાં સદ્્ગુણો અને વિવેક જાગૃત રહે. {
જનોઈવઢ : જ્ઞાન એ છે જે તમને સાચા અને ખોટાનો ભેદ શીખવાડે, લોભ અને ઈર્ષા સામે જાગૃત રાખે. તમને જે શોષણ શીખવાડે, લોભ માટે પ્રેરે એ જ્ઞાન નથી.
- અજ્ઞાત

સ્વચ્છંદતાનો અધિકાર ફોર્વર્ડેડ નોટ રિસીવ્ડ


  • પ્રકાશન તારીખ09 Jun 2018
સ્વતંત્રતા એ જવાબદાર માણસોને માટે શ્વાસ જેટલી અગત્યની છે અને બિનજવાબદાર માણસો માટે સ્વચ્છંદતા સિવાય કશું જ નથી. જ્યારે જ્યારે સોશિયલ મીડિયા પર લગામની
મેસેજીસની સત્યતા ચકાસવાનું કામ આસાન નથી હોતું, ઘણી વાર તો કલાકો સુધી રિસર્ચ કર્યા પછી મેસેજીસની સત્યતાની ચકાસણી થઈ શકતી હોય છે
વાત આવે છે ત્યારે સ્વતંત્રતાના નામે દુહાઈ દેનારા ધસી આવે છે. વાસ્તવમાં આ જ ટોળકી એવી છે જે આખો દિવસ જાતભાતના મેસેજીસની સત્યતા ચકાસ્યા વિના ફોર્વર્ડ કરી દેતા હોય છે. જે લોકો એક પણ રીપીટ એક પણ મેસેજને પૂરતો ચકાસ્યા વિના આગળ ધકેલે છે એ જૂઠ અને માત્ર જૂઠ ફેલાવે છે.
મેસેજીસની સત્યતા ચકાસવાનું કામ આસાન નથી હોતું, ઘણી વાર તો કલાકો સુધી રિસર્ચ કર્યા પછી મેસેજીસની સત્યતાની ચકાસણી થઈ શકતી હોય છે. આશ્ચર્યની વાત તો એ છે કે વ્યવસ્થિત રીતે ભણેલા ગણેલા માણસો પણ આવી રીતે ‘ફોર્વર્ડેડ એઝ રિસીવ્ડ’ની છટકબારી રાખીને મેસેજ ફોર્વર્ડ કરી દે છે.
જરા વધુ અંદર ઊતરીને જોઈએ તો સોશિયલ મીડિયા જૂઠ ફેલાવાનું પ્લેટફોર્મ બનતું જઈ રહ્યું છે. આમ તો કહેવાય છે કે એક તસવીર હજાર શબ્દોની ગરજ સારે છે. સોશિયલ મીડિયા પરની ફરતી તસવીરો હજાર જૂઠની ગરજ સારે છે. મોટાભાગની તસવીરો માત્ર ફોટોશોપ્ડ હોય છે અથવા તો મોર્ફ કરાયેલી હોય છે. ઘણી વખત એક ઘટનાના વિડિયો તદ્દન જુદા જ વિસ્તારમાં બનેલી ઘટનાના વિડિયો તરીકે મોકલી દેવાય છે અને વાઇરલ થઈ જાય છે.
માનવ સ્વભાવ એવો છે કે એમને સાચું સાંભળવાનું નહીં, પોતાને જે ગમે એવું અને એટલું જ સાંભળવાનું ગમે છે. બાંગ્લાદેશમાં થયેલી હિંસાને યુ.પી.ની હિંસા તરીકે અને યુ.પી.માં થયેલાં રમખાણોના વિડિયોને ગુજરાતની ઘટનાના નામે ફરતા કરી દેવાય છે. સરકાર ફેક ન્યૂઝની સામેની ઝુંબેશના નામે એની પોલ ખોલનારા મીડિયા પર તવાઈ લાવવા માંગે છે, પણ હકીકત એ છે કે સોશિયલ મીડિયા પોતે જ ફેક ન્યૂઝનું સૌથી મોટું પ્લેટફોર્મ બની ગયું છે. અમુક માણસોના હાથમાં ટેક્નોલોજી એ વાંદરાના હાથમાં મશાલ બની ગઈ છે જ્યાંને ત્યાં આગ ચાંપતા ફરે છે.
આપણને રાષ્ટ્રીય ગર્વની જેટલી જરૂર છે એટલી જ જરૂર રાષ્ટ્રીય સ્વસ્થતાની અને રાષ્ટ્રીય સત્યતાની પણ છે. ક્યાંક બંધનું એલાન હોય કે ક્યાંક છમકલું થયું હોય સંપૂર્ણ સ્વસ્થતાથી અને સત્યતાથી જ મેસેજ ફેલાવવા જોઈએ. અમુક લોકો ભળતાસળતા મેસેજ ફેલાવીને ભયંકર ઉશ્કેરણી ફેલાવે છે.
ત્રીજો મુદ્દો રાષ્ટ્રપુરુષો અંગેનો છે. ઇતિહાસ વિશે લખવું એ દરેક મોબાઇલધારકના બસની બાબત નથી. ઐતિહાસિક તથ્યો બહુ અભ્યાસ પછી સાબિત થતા હોય છે. હવે લોકો એમના મહાનાયકોને જેવા હતા તેવા સ્વીકારવાના બદલે પોતે જેવા માને છે એવા સ્વીકારવા માટે ઝનૂની થઈ જતા હોય છે. પ્રથમ તો તમારી માન્યતાના આધારે રાષ્ટ્રપુરુષોના કદ નાના કે મોટા કરી શકાતા જ નથી. તમે ગમે એટલો પ્રકાશ નાંખશો, સૂર્યને વધુ કે ઓછો પ્રકાશિત કરી શકશો નહીં. કોઈ સૂર્ય સામે ધૂળ ઉડાડવાની કોશિશ કરે તો પણ બહુ ડરવા જેવું હોતું નથી. ઉડાડનારાની આંખમાં જ ધૂળ પડવાની શક્યતા સોએ સો ટકા હોય છે.
અને સૌથી મહત્ત્વની વાત એ છે કે રાષ્ટ્રપુરુષો માટે સોશિયલ મીડિયા પર બેફામ યુદ્ધો કરવા કરતાં એ મહાનુભાવોએ આપેલા ઉપદેશોના આધારે ચાલવું વધારે અગત્યનું છે. એક વાત યાદ રાખવી કે ક્યારેય કોઈ પોતાની પાસેનું સોનું લોકોમાં વહેંચતો ફરતો નથી. એટલે જે કીમતી હોય એનાથી પોતાની જાતને સમૃદ્ધ કરવું એ વધુ અગત્યનું છે.
હા, સોશિયલ મીડિયા અત્યંત મહત્ત્વનું હથિયાર છે. જ્યારે સરકારો જૂઠ ફેલાવતી હોય ત્યારે સોશિયલ મીડિયા જ લોકોનો એક મજબૂત સહારો બની શકે છે. સોશિયલ મીડિયાની ક્ષમતાઓ વિશાળ છે એમ એની મર્યાદાઓ પણ વિશાળ છે. {
જનોઇવઢ : સત્ય અને અર્ધ સત્ય વચ્ચેની દીવાલ સૌથી પાતળી દીવાલ હોય છે.
- અજ્ઞાત

ન્યાયની દેવીએ આંખો ખોલવી પડશે


  • પ્રકાશન તારીખ08 Jun 2018
‘હું સત્યની સાથે છું, એ સત્ય કોણ બોલે છે એથી મને ફરક પડતો નથી. હું ન્યાયની સાથે છું, કોણ એની વિરુદ્ધ છે કે કોણ એની તરફેણમાં છે એથી ફરક પડતો નથી.’
- માલ્કમ એક્સ 
કોઈ વાર કલ્પના કરો કે આપણે ત્યાં ચુકાદા આવવામાં જેટલો સમય જાય છે એટલો સમય મતદાન પછી પરિણામો આવવામાં જાય તો શું થાય?
એ ક વાર એક યુવાનને પરણવાની ઇચ્છા થઈ. એને એક છોકરી પસંદ આવી ગઈ. એણે એની માને કહ્યું, મારે આ છોકરી સાથે પરણવું છે. માએ કહ્યું, બેટા એમ કંઈ જોયા-જાણ્યા વિના હું તને પરણવાની મંજૂરી ના આપું. માએ સંખ્યાબંધ લોકોને પૂછ્યું, એ છોકરીનો બે-ત્રણ વાર ‘ઇન્ટરવ્યૂ’ લીધો. આ બધી તરખડમાં ઘણો સમય પસાર થયો. અંતે માએ ફેંસલો આપ્યો. આ છોકરી આપણા કુળને છાજે એવી નથી. કોઈ પણ સંજોગોમાં એને વહુ બનાવી શકાય નહીં. દીકરો કેટલાય દિવસ સુધી નાસીપાસ થઈ ગયો. એક દિવસ એણે તક જોઈને પિતાને આખી 
વાત કહી.
પિતાએ કહ્યું, તારી માને આ વાતમાં શું સમજ પડે? હું જાતે જ તપાસ કરીશ. પિતાએ એ છોકરીના સંબંધીઓને એક પછી એક બોલાવવાનું શરૂ કર્યું. એમની સાથે એ છોકરીના ચાલ-ચલગત વિશે લાંબી-લાંબી ચર્ચાઓ કરી માહિતીઓ મેળવી. પછી પોતાના સંબંધીઓને બોલાવીને એ છોકરી વિશે અભિપ્રાય લેવાનું શરૂ કર્યું. એટલું ઓછું હોય એમ ફરી ત્રણ-ચાર વાર છોકરીને બોલાવી એની સાથે વાત કરી. આ બધી પળોજણમાં સમય વ્યતિત થતો હોઈ છોકરો અકળાઈ રહ્યો હતો. એની ઉંમર વધતી જતી હતી અને પેલી છોકરીને પણ બીજાં માગાં આવી રહ્યાં હતાં. એણે વારંવાર પિતાને જલ્દી નિર્ણય લેવા કહ્યું, પણ પિતા કુળના સન્માન માટે કોઈ બાંધછોડ કરવા તૈયાર નહોતા. આખરે બહુ જ લાંબા સમય બાદ એમણે નિર્ણય આપ્યો કે આ છોકરી આપણા કુળની વહુ બનવાને લાયક છે એટલે લગ્નમાં કોઈ હરકત નથી.
પિતાના આ નિર્ણયથી માતા નારાજ થઈ ગઈ. એણે સસરાને આખી વાત જણાવી. સસરાજીએ માતા અને પિતાને સામસામે બેસાડ્યાં. બંને પોતાની વાત રજૂ કરવા માંડ્યાં. વારંવાર વાત આડે પાટે જતી રહેતી.રોજ બપોરે બે કલાક દલીલબાજીઓ ચાલતી, પણ કોઈ ટસનું મસ થતું નહીં. જેમ જેમ સમય પસાર થતો હતો એમ પેલો યુવક વધુને વધુ અકળાતો હતો. એની રજૂઆતો તો કોઈ કાને ધરતું જ નહોતું. માતા અને પિતા તો પોતાની દલીલોની ખરાઈમાં જ વ્યસ્ત હતાં. દાદા કોઈને નારાજ કરવા માંગતા નહોતા એટલે સાંભળ્યા કરતા હતા. અંતે વર્ષો પછી દાદાએ ચુકાદો આપ્યો કે એ યુવક લગ્ન કરી શકે છે. યુવક હોંશભેર પેલી યુવતીના ઘરે વધામણી આપવા પહોંચ્યો. એણે જોયું કે એ યુવતીના માથે ધોળાં આવી ગયા હતા, એના લગ્ન થઈ ગયા હતા અને બે છોકરાં થઈ ગયા હતા. આઘાતની વાત એ હતી કે એ યુવતી પેલા છોકરાને લગભગ ભૂલી ચૂકી હતી. પેલા છોકરાના હાથમાં અફસોસ સિવાય કંઈ બાકી 
રહ્યું નહોતું.
લગભગ આવી જ સ્થિતિ આપણી ન્યાયવ્યવસ્થાની છે. એક કહેવત છે કે, ‘જસ્ટિસ ડિલેઇડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ.’ આપણે ત્યાં ન્યાય વહેલો આવી જાય તો આઘાત લાગી જાય એવી સ્થિતિ હોય છે. વર્ષો સુધી ન્યાયની પ્રક્રિયા ચાલ્યા જ કરે છે અને પરિણામ કંઈ જ આવતું નથી. અલબત્ત, આપણે ત્યાં આરોપીઓને ન્યાય પછી જે મળે છે એ ‘સજા’ હોતી નથી! ન્યાય થાય ત્યાં સુધી એટલે કે વર્ષો સુધી કોર્ટના ચક્કર કાપવા પડે છે એ જ મોટી સજારૂપ હોય છે.
અલબત્ત, આમાં ન્યાયના સિદ્ધાંતોનો કે અદાલતોનો કોઈ વાંક ભાગ્યે જ હોય છે. જેટલી ઝડપે કેસોની સંખ્યા વધે છે એટલી ઝડપથી અદાલતોની સંખ્યા વધતી નથી, આથી દરેક અદાલતમાં હજારો કેસોનો ભરાવો થઈ જાય છે અને ન્યાયની પ્રક્રિયા ધીમી ને ધીમી પડતી જાય છે.
કોઈકવાર કલ્પના કરો કે આપણે ત્યાં કેસોનો નિકાલ કરવામાં જેટલો સમય થાય છે એટલો સમય જો મતદાન બાદ પરિણામો આવવામાં થાય તો શું થાય? આપણે કરોડો લોકો માટે મતદાનની વ્યવસ્થા ગોઠવી શકીએ તો ન્યાય ઝડપી મળે એવી વ્યવસ્થા કેમ ગોઠવી શકતા નથી? આખરે ન્યાય એ ‘દાન’ નથી એ અધિકાર છે.
તાજેતરમાં નરોડા પાટિયા કેસમાં આવો જ અસહ્ય વિલંબ જોવા મળ્યો. 2002માં બનેલી ઘટનાના કેસનો ચુકાદો 16 વર્ષે આવ્યો અને હજુ તો આ હાઇકોર્ટનો ચુકાદો છે. હજુ સુપ્રીમ કોર્ટમાં કાયદાકીય લડાઈ લડાવાની બાકી છે. આ કેસમાં અંતિમ ન્યાય ક્યારે થશે એ તો કોઈ કહી શકે એમ નથી. આવી જ સ્થિતિ ઘણા બીજા કેસોની હોય છે. સરકાર ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરે છે, પણ સરકારનો ખુદનો ટ્રેક ફાસ્ટ હોતો નથી.
આટલા વિલંબ પછી જે ન્યાય મળે છે એને પણ ઘણા લોકો શંકાની નજરે જુએ છે. જો કોર્ટમાં સમયસર કેસો ચાલે અને ચુકાદાઓ મળી જાય તો ન્યાયની પવિત્રતા પણ જળવાઈ રહી શકે. દર વખતે આંખ પર પટ્ટી મારીને ચાલવાનું નથી. હવે તો ન્યાયની દેવીએ આંખો ખોલવી પડશે અને માત્ર તરાજુને આધારે નહીં, પણ સમયને આધારે ન્યાય તોળવો પડશે. {
જનોઇવઢ : જો તમારો હેતુ ન્યાય કરવાનો હોય તો સત્ય તમને ક્યારેય નુકસાન કરતું નથી.- મહાત્મા ગાંધી

ગીરમાં ‘સિંહ’ કરતાં ‘કૂતરાં’ વધી ગયાં

લેખક ‘દિવ્ય ભાસ્કર’ અમદાવાદ આવૃત્તિના નિવાસી તંત્રી છે.

  • પ્રકાશન તારીખ13 Jun 2018
ના ના હતા ત્યારે શાળાઓમાં ભણાવાતું,
એ જંગલનો રાજા છે,
એ ક્યારેય કોઈનો કરેલો શિકાર ખાય નહીં,
એ ભૂખ્યો હોય તોય ઘાસ ખાય નહીં,
એ વિકરાળ હોય,
એના ડરથી જંગલ આખું થરથર ધ્રૂજે.

હવે આવા સિંહ ચોપડીમાં જ રહી ગયા છે! સિંહ જોવાના લાલચું લોકોએ મારણ ધરી ધરીને સિંહને સિંહ જેવા રહેવા દીધા નથી. હવે જે સિંહ છે એ નતો ચારણ કન્યાવાળા ડાલામથ્થા સિંહ છે ન તો દરબાર માત્રાવાળાની વાર્તાના ખૂંખાર સિંહ છે. તાજેતરમાં સિંહને લોકો મરઘી ખવડાવતાં હોવાનો વિડિયો વાઇરલ થયો હતો. એ વિડિયોને જોઈને લાગે જ નહીં કે એ સિંહ છે, કૂતરાંઓને શરમાવે એવું વર્તન સિંહનું હતું. આશ્ચર્યની વાત છે કે વાતવાતમાં સૌરાષ્ટ્રની અસ્મિતા વિશે, સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ હોવા અંગે સોશિયલ મીડિયા પર લડાઈઓ છેડી દેતી આખી ગેંગ સિંહોના ‘કૂતરાંકરણ’ વિશે ચૂપ છે. સિંહોના વ્યવહારમાં આવેલા આ પરિવર્તન માટે ખરેખર તો આપણે જ જવાબદાર છીએ.
છાશવારે સૌરાષ્ટ્રની બાબતે સોશિયલ મીડિયા પર 
હો-હલ્લો મચાવનારી ગેંગ સિંહોના ‘કૂતરાંકરણ’ બાબતે 
કાન ફાડી નાંખે એવું મૌન ધારણ કરીને કેમ બેઠી છે?
સિંહ મૂળથી જ શિકારી પ્રાણી છે. એ શિકાર કરે તો જ એનું વ્યક્તિત્વ, એનો રૂઆબ બરકરાર રહે. સિંહદર્શનના નામે એને તૈયાર મારણ ધરી દો તો સિંહ જોયાની તમારી ભૂખ તો સંતોષાય, પણ પછી એ સિંહ સિંહ જ ન રહે! કૂતરાં જેવો થઈ જાય જે ખોરાક માટે માલિકની મરજી પર જ આધારિત રહે છે. આઘાતની વાત એ છે કે અગાઉ સરકસમાં ખેલ કરતાં સિંહોને આપણે જંગલમાં છોડી મૂક્યા હતા અને હવે આપણે જંગલના સિંહોને જ સરકસના સિંહો બનાવી
દીધા છે!

સિંહની ઓળખ જાળવવા માટે હવે એક અંતિમ કક્ષાનું પગલું ભરવાની જરૂર છે. 10-15 વર્ષ માટે ગીરમાં સંપૂર્ણપણે પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકી દેવાની જરૂર છે. ચોક્કસપણે આ પગલાંથી હોબાળો મચી જશે. આપણે કેટલાંક પ્રવાસીઓની નારાજી ચોક્કસ વહોરવી પડશે, પણ આ પગલાંથી સિંહની ઓળખ તો જાળવી શકાશે. સિંહને હવે થોડાં વર્ષો સુધી સંપૂર્ણ કુદરતી વાતાવરણ મળવું જોઈએ, જ્યાં એ માત્ર શિકાર પર નભી શકે અને વનરાજ હોવાની ઓળખ જાળવી શકે.

આવું જ બીજું ક્રાંતિકારી પગલું એ લેવાની જરૂર છે કે ગીર બહાર પણ સિંહો માટે રક્ષિત જંગલ વિસ્તારો જાહેર કરી દેવા જોઈએ. 1,412 ચોરસ કિલોમીટરનો વિસ્તાર સિંહો માટે અપૂરતો છે. સિંહોની સંખ્યા છેલ્લાં કેટલાય વર્ષોથી સતત વધી રહી છે, પણ ગીર નેશનલ પાર્કનો વિસ્તાર તો એટલો ને એટલો જ રહ્યો છે. સિંહને લગભગ 10-12 ચોરસ કિલોમીટર વિસ્તાર જોઈએ. આ જ કારણોસર જેમ જેમ વસ્તી વધી એમ સિંહોએ ગીરમાંથી બહાર સ્થળાંતર શરૂ કર્યું અને નવા નવા વિસ્તારોમાં રહેવા માંડ્યા છે. આ જ સ્થિતિ ચાલુ રહી તો હવે ગીચ માનવ વિસ્તારોમાં પણ ધીરે-ધીરે સિંહો ઘૂસવા માંડશે.
મરઘીખાઉં સિંહો એક બોધપાઠ છે. આપણે સમજવું પડશે કે જંગલોને અને વન્ય પ્રાણીઓને આપણે એમના કુદરતી વાતાવરણમાં જ રાખવાં જોઈએ.
બીજી તરફ ‘સિંહદર્શન’માં તૈયાર મરઘાં ખાવાના રવાડે ચડેલા સિંહોના મનમાંથી માણસોથી દૂર રહેવાની વૃત્તિ પણ જતી રહેશે. આ સૌથી ભયંકર છે, કારણ કે પછી ભૂખ્યા સિંહો માણસો પર હુમલો કરતાં જરાય અચકાશે નહીં અને આપણે માણસખાઉ સિંહોની સમસ્યાનો સામનો કરવો પડશે.

મરઘીખાઉં સિંહો એક બોધપાઠ છે. આપણે સમજવું પડશે કે જંગલોને અને વન્ય પ્રાણીઓને આપણે એમના કુદરતી વાતાવરણમાં જ રાખવાં જોઈએ. કોઈ વૃક્ષને આપણે બોન્સાઈ કરી દઈએ છીએ, પણ જંગલના પ્રાણીઓને આવી રીતે ‘બોન્સાઈ’ કરી દેવા બિલકુલ યોગ્ય નથી.
સરકારે પણ આ બાબતમાં સખતાઈથી વર્તવાની જરૂર છે. સિંહ કોઈ માલધારીની ભેંસને મારી નાંખે તો સરકાર વળતર આપે જ છે. હવે કોઈ સિંહને મરઘી ખવડાવી આવે તો એની પર સિંહની ‘ઓળખ’ની હત્યા કરવાના આરોપસર 5 લાખનો દંડ ફટકારી દેવો જોઈએ અથવા જો કોઈને આટલી નજીકથી સિંહને જોવાનો શોખ હોય તો એને ઝૂમાં સિંહના પાંજરામાં છોડી મૂકવો જોઈએ. પછી સિંહોને પણ એને નજીકથી ‘જોઈ લેવાની’ તક આપવી જોઈએ.

જનોઇવઢ : 3 સિંહોની આકૃતિ આપણું રાષ્ટ્રીયચિહ્ન છે, 3 કૂતરાંવાળું રાષ્ટ્રચિહ્ન ભારતને શોભશે નહીં.