શુક્રવાર, 21 સપ્ટેમ્બર, 2018

ક્રિકેટનો લાલ રંગ ધોવાઈ રહ્યો છે


Divyabhaskar.com | Updated - Jun 15, 2017, 07:08 PM

નસમાં વહેતું ઝનૂન માપી શકાતું નથી.

  • Article of Bagavat by Pranav Golwelkar in Kalash Magazine
    ક્રિકેટનો લાલ રંગ ધોવાઈ રહ્યો છે
    મને લાગે છે કે અમે ક્રિકેટ ચાહકોનાં દિલ જીતીને ધરાઈ ગયા છીએ, આ વખતે અમે મેચ જીતી લીધી છે
    મોહમ્મદનબી (T-20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યા પછી)

    18 મી જૂને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રમાશે. જીતનાર ગમે તે દેશ હશે, પણ ક્રિકેટ હારશે. આમ તો ચેમ્પિયન્સ ટ્રોફીની લાઇનઅપ નક્કી થઈ ત્યારથી જ નક્કી હતું કે, વેસ્ટ ઇન્ડિઝ નહીં રમી શકે. કદાચ વેસ્ટ ઇન્ડિઝની હાલની ટીમનું સ્તર પણ એ કક્ષાનું નથી, પણ મારા જેવી એક આખી પેઢી જેણે ક્રિકેટમાં ચક્રવર્તી વેસ્ટ ઇન્ડિયનોને જોયા છે, એમના માટે વેસ્ટ ઇન્ડિઝનો અભાવ સાલશે. કાબા લૂંટી લે એથી અર્જુનનો પરાક્રમી ભૂતકાળ ભૂંસી શકાતો નથી. વેસ્ટ ઇન્ડિઝનો ભૂતકાળ એટલો ભવ્ય છે કે એનો વર્તમાન ઢંકાઈ જાય છે. ઓસ્ટ્રેલિયનોનો દબદબો ક્રિકેટ વિશ્વમાં રહ્યો. તાજેતરમાં ભારતનો પણ જબરજસ્ત પ્રભાવ રહ્યો, પણ કોણ જાણે કેમ જે પ્રભાવ, જે આભા, જે સન્માન વેસ્ટ ઇન્ડિઝની ટીમે મેળવ્યા એ કદાચ કોઈ ટીમ મેળવી શકી નથી.

    આંકડાઓમાં ક્રિકેટને સમજાવી શકાય નહીં. બ્લડ પ્રેશર માપી શકાય છે, નસનસમાં વહેતું ઝનૂન માપી શકાતું નથી. એમ જ વિવ રિચાર્ડ્સની બેટિંગ માપવાની નહીં મજા માણવાની ચીજ હતી. ક્રિકેટના ઇતિહાસમાં કોઈ બેટ્સમેન એના જેટલી નફીકરી ચાલથી ક્રિઝ પર આવ્યો નથી. એ મોઢાથી સતત ચ્યુંઇં ગમ અને બેટ વડે બોલરોને ચાવ્યા કરતો. બેશક સુનીલ ગાવસ્કર એના કરતાં ટેક્નિકમાં ઘણો આગળ હતો, પણ ફાસ્ટ બેટિંગને અને ગાવસ્કરને ઝાઝું લાગતું વળગતું નહીં. એક વખત પૂરી 60 ઓવર રમીને ગાવસ્કરે 36 રનનો ‘જંગી’ જુમલો નોંધાવ્યો હતો, જ્યારે બીજી તરફ વિવ રિચાર્ડ્સે ટેસ્ટ મેચમાં માત્ર 56 બોલમાં 100 રન ફટકારી દીધા હતા.

    આજે આઇ.પી.એલ.ના જમાનામાં એ રમતો હોત તો કેટલી ઝડપથી રન બનાવત એ માત્ર કલ્પનાનો વિષય છે. ક્રિકેટ એના માટે પેશન હતું. એ તનાવમાં હોય એમ લાગતું નહીં. એ રમતને એન્જોય કરતો દેખાતો. ફાસ્ટ બોલિંગ કે મેચનાં પરિણામો એને ઝાઝાં અસર કરતાં નહીં. અત્યારે આવું નફીકરાપણું ભાગ્યે જ ક્રિકેટરોમાં દેખાય છે. વિવ શરૂઆતનો ઘણો સમય ક્લાઇવ લોઇડની કેપ્ટનશિપ હેઠળ રમ્યો. મેદાન પર લોઇડની શાંતિ અને સ્વસ્થતા ગજબની હતી.

    એ એક્સ્પ્લોઝિવ બેટ્સમેન હતો, પણ એની સ્વસ્થતા જોઈને એવું લાગતું નહીં. એણે વર્લ્ડકપ ફાઇનલમાં લીલી અને થોમસન જેવા બોલરોની સામે 85 બોલમાં સદી ફટકારી દીધી હતી. વેલ! આપણે 1975ની વાત કરીએ છીએ, ક્રિસ ગેઇલનો જન્મ પણ આ ઘટનાનાં ચાર વર્ષ બાદ થયો હતો! જેટલી કૂલનેસથી વર્લ્ડકપ ફાઇનલમાં માત્ર એમ.એસ. ધોની નિર્ણાયક બેટિંગ કરી શક્યો હતો. જોકે, એ પણ સદી તો નહોતો જ કરી શક્યો.

    વેસ્ટ ઇન્ડિઝની વાત, એ ટીમની વાત એના ફાસ્ટ બોલર્સ વગર ક્યારેય પૂરી ન થાય! એ લોકો બેટ્સમેનને આઉટ કરવા નહીં નોક આઉટ કરવા દોડતા હોય એમ ધસમસતા આવતા. બાઉન્સરોનો જેટલો ભયાનક ઉપયોગ એ બોલરોએ કર્યો છે એટલો કોઈ બોલરોએ કર્યો નહોતો. ફાસ્ટ બોલિંગને રમવામાં મહારત ધરાવતા મોહિન્દર અમરનાથનો વેસ્ટ ઇન્ડિઝ સામેની પાંચ ટેસ્ટની શ્રેણીમાં સ્કોર હતો 0,0,1,0,0,0. આ એ જ અમરનાથ હતો જે 1983ના વર્લ્ડકપમાં સેમિફાઇનલ અને ફાઇનલમાં મેન ઓફ ધ મેચ હતો અને વર્લ્ડકપ ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝ પ્રથમવાર હાર્યું હતું.

    વેસ્ટ ઇન્ડિયન બોલરોએ મોહિન્દરની કારકિર્દી લગભગ પૂરી કરી નાખી હતી. બેટ્સમેનો માટે માર્શલ, હોલ્ડિંગ, રોબર્ટ્સ, ગાર્નર જેવાં નામો બોલરોનાં નહીં ડરનાં જુદાં-જુદાં નામો હોય એવું લાગતું હતું. ઇમરાનનો રનઅપ રોમાંચક હતો એની ક્રિઝ સુધીની દોડ અને બોલિંગ વખતેનો જમ્પ અવર્ણનીય હતા, પણ માઇકલ હોલ્ડિંગના રનઅપ માટે એક જ શબ્દ સૂઝે ‘એફર્ટલેસ’! આ બોલરોની પછીની પેઢીમાં કોર્ટની વોલ્શ અને કર્ટલી એમ્બ્રોસે પરંપરાને જાળવી રાખી, પણ ટીમ નબળી પડતી ગઈ હતી. બ્રાયન લારા બેમિસાલ હતો, પણ બીજા બેટ્સમેનો તદ્દન નબળા છે.

    ક્રિસ ગેઇલ કારકિર્દીના અંતિમ વર્ષોમાં છે અને એ વિખવાદોને કારણે વેસ્ટ ઇન્ડિઝ તરફથી રમતો નથી. છતાં પણ વાત જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની આવે ત્યારે એ ચેમ્પિયન્સની યાદ આવ્યા વગર રહેતી નથી. એ મર્દાના મિજાજ એ પૌરુષત્વ, એ પ્રભુત્વ, એ ગર્વ પછી ક્યારેય ક્રિકેટના મેદાનમાં એ કક્ષાએ પહોંચ્યું નથી એમ લાગ્યા કરે છે. 18મીએ કોઈપણ ટીમ જીતશે, પણ ક્રિકેટ હારશે, કારણ કે એ ચેમ્પિયન્સના વારસદારો હારી ચૂક્યા છે.

    જનોઈવઢ : વિવ રિચાર્ડ્સની રમૂજ પણ કાતિલ હતી. જુઓ આ બે નમૂના.
    1. કાઉન્ટી મેચમાં એ ગ્રેગ થોમસ નામના બોલર સામે રમી રહ્યો હતો. એ વારંવાર બીટ થતો હતો એટલે થોમસે ટોણો માર્યો (તારા બેટ પાસેથી પસાર થઈ) એ ચીજ ગોળ છે અને લાલ રંગની છે. વિવ રિચાર્ડ્સે પછીના બોલને ગ્રાઉન્ડની બહાર ફટકારી દીધો અને જવાબ આપ્યો, તને ખબર છેને એ ચીજ કેવી છે, જા જઈને શોધી લાવ!

    2. વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં મધ્યમ હરોળની બેટિંગ મજબૂત કરવા ગાવસ્કર ચોથા ક્રમે ઊતર્યો. કમનસીબે ભારતની બે વિકેટો ઝીરોમાં પડી ગઈ. ગાવસ્કર ક્રિઝ પર આવ્યો એટલે વિવે ક્લાસિક ‘શોટ’ ફટકાર્યો. ‘તું ગમે તે નંબર પર રમવા ઊતરે કોઈ ફરક પડતો નથી, સ્કોર ઝીરો જ હોય છે!’

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો