Divyabhaskar.com | Updated - Apr 26, 2017, 03:48 AM
આટલા બધા ઘોંઘાટથી જો ભગવાન કે ખુદા ત્યાં હોત તો ચોક્કસ બહેરો થઈ ગયો હોત
- લાઉડ સ્પીકરો ઉતરાવવા કોઈ આજાનબાહુ જોઈશે!
‘મારો ધર્મ બહુ સાદો છે, મારો ધર્મ દયા છે’
- દલાઈ લામા
ધર્મો મૌન બને પછી જ માનવતાનો અવાજ સાંભળી શકાય છે. ભૂખથી રડતાં બાળકનો અવાજ સંભળાય તે માટે અઝાન અને આરતીએ ઘોંઘાટ બંધ કરવો પડશે. નવરાિત્રને કારણે રાત્રે 12 વાગ્યા પછી ઊંઘી નહીં શકનારો અઝાનના કારણે સવારે ઝબકીને ચોક્કસ જાગી જ જાય. ધાર્મિક સ્પીકરોને આટલા ‘લાઉડ’ થવાની શું જરૂર પડે છે? આટલા બધા ઘોંઘાટથી જો ભગવાન કે ખુદા ત્યાં હોત તો ચોક્કસ બહેરો થઈ ગયો હોત અથવા ક્યારનો ત્યાંથી નાસી છૂટ્યો હોત.
આ મુદ્દો નવો નથી, વારંવાર ઊછળતો રહે છે, પણ જેવો સોનુ નિગમે આ મુદ્દો ઊભો કર્યો તે સાથે જ જાતજાતના બૂમબરાડા શરૂ થઈ ગયા. અસહિષ્ણુતાવાળી ગેંગ હવે જુદો જ રાગ આલાપી રહી છે. અઝાન એ ચોક્કસ ધાર્મિક સ્વાતંત્ર્યનો મુદ્દો છે, પણ લાઉડ સ્પીકરો એ ધ્વનિ પ્રદૂષણનો મુદ્દો છે. ભારત અને પાકિસ્તાનની વાઘા-અટારી સરહદે કડક મૂછોવાળા, કરડાકી ભરેલા ચહેરાવાળા ભારત અને પાિકસ્તાનના સૈિનકો ‘બીટિંગ ધ રિટ્રીટ’ની જે સેરેમની કરે છે તે જોવા જેવી હોય છે.
ભરાવદાર મૂછો અને કરડાકીભરેલા ચહેરાવાળા સૈિનકો બૂમો પાડતા, પગ ઠોકતાં જે પરેડ કરે છે એનો હેતુ સામેવાળાને ભયભીત કરવાનો હોય છે. ધાિર્મક ઠેકેદારો પણ જે રીતે લાઉડ ભક્તિ કરે છે ત્યારે તેમનો હેતુ સામેવાળાને ડરાવવાનો હોય છે એવી શંકા ગયા વગર રહેતી નથી.શાંતિ પર આક્રમણ કરે એ સ્વતંત્રતા ન હોઈ શકે. સ્વતંત્રતા ‘સ્વ’ માટે જ હોય. જ્યારે એ ‘પર’ ઉપર આક્રમણ કરે ત્યારે પરતંત્રતા બને અને ભારતમાં પરતંત્રતા ક્યારેય સ્વીકાર્ય ન હોઈ શકે. મસ્જિદની અંદર, લાઉડ સ્પીકરમાં થતી અઝાન પવિત્ર છે, પણ લાઉડ સ્પીકર દ્વારા શહેરભરમાં ત્રાટકતી અઝાન એ પરતંત્રતાનું િનમિત્ત બને છે.
એક હજાર વર્ષ પહેલાં મુસ્લિમ આક્રમણકારીઓ આ દેશ પર ધસી આવ્યા ત્યારે ઇસ્લામને ફેલાવવાનો હેતુ પણ સાથે લઈને આવ્યા હતા, પણ લાઉડ સ્પીકરો લઈને આવ્યા નહોતા! કોઈ પણ ધર્મ લાઉડ સ્પીકર આધારિત ન હોઈ શકે. આપણા દેશમાં મુિસ્લમોએ જેટલું ડરવું જોઈએ એના કરતાં સેક્યુલરિસ્ટો એમને અનેકગણું વધુ ડરાવે છે. દરેક નાની અમથી બાબતોને જુદી જ રીતે ચીતરીને ડર પેદા કરવા માટે ઉપયોગમાં લેવાય છે. નવરાિત્ર પરના પ્રતિબંધ વખતે મૌન રહેતાં સ્પીકરો અઝાન વખતે લાઉડ કેમ બની જાય છે એ હવે ઉઘાડું સત્ય છે. આપણો દેશ સેક્યુલર છે એ માત્ર િહન્દુઓના તહેવાર વખતે જ કેમ યાદ આવે છે?
અન્ય ધર્મોના તહેવારો વખતે શા માટે સેક્યુલરિઝમ ભૂલી જવાય છે? આપણે સંવૈધાનિક સેક્યુલર છીએ કે સગવડિયા સેક્યુલર છીએ એ હવે સ્પષ્ટ થઈ જવું જોઇએ.આ મુદ્દો હિન્દુત્વનો નથી. આ દેશમાં મુિસ્લમ આક્રમણકારીઓની તલવાર વિંઝાતી હતી ત્યારે પણ આ દેશની 90 ટકા વસ્તી િહન્દુ જ રહી હતી અને વર્ષોથી િવંઝાતા ધ્વનિ પ્રદૂષણ છતાં આ દેશની બહુમતી વસ્તી હિન્દુ જ રહી છે. સોનુ નિગમ એ ગાયક છે, કોઈ સંત-મહંત નથી કે આ મુદ્દાને ધાિર્મક કહી શકાય. શાહરુખ અને આમિરને અસહિષ્ણુતા નડતી હોય તો સોનુને અઝાન નડે છે એમ કહેવાનો હક્ક છે જ.
સવાલ એ છે કે આ લાઉડ સ્પીકરો ઊતરશે ખરાં? સોનુ િનગમે કરેલી ટ્વિટ પછી પાિકસ્તાનમાં જન્મેલા અને કેનેડામાં રહેતા તારીક ફતેહે ટ્વિટ કર્યું કે ખુદાનો શુક્ર છે કે મુલ્લાઓની દાદાગીરી સામે અવાજ ઉઠાવે એવો એક માણસ તો ભારતમાં છે. સવારે ચાર વાગ્યાની અઝાન બંધ કરો.’ શું કહેશો તારીક ફતેહને? ધર્મ ઝનૂની?? તમારે જે લેબલ મારવું હોય એ મારી શકો, પણ તારીક ફતેહના સત્યને કેવી રીતે રૂંધી શકાશે?
દેશનો માહોલ એવો છે કે, નાનામાં નાનો મુદ્દો પણ ધાર્મિક ગણી લેવાય છે. મસ્જિદોનાં લાઉડ સ્પીકરોને ઉતારવા હાથ મજબૂત હોવા જોઈશે. જેના હાથ ઘૂંટણ સુધી પહોંચતા હોય એને આજાનબાહુ કહેવાય છે. આપણે એવા કોઈ મજબૂત નેતાની જરૂર પડશે જેના હાથ લાઉડ સ્પીકરો સુધી પહોંચે એટલા લાંબા ‘આજાનબાહુ’ હોવા જોઈશે.
જનોઈવઢ : રસ્તો ઓળંગતી વખતે ખુલ્લી આંખે આસપાસ જોઈ લેનાર અને સત્યને ઓળંગતી વખતે બંધ આંખે આગળ વધી જનાર પશ્ચાત્તાપમાંથી બચી જાય છે.-અનીતિ સૂત્ર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો