બુધવાર, 5 જૂન, 2013

ચહેરો


ચહેરો

સાહેબ આવી માંગણી...? આવી માંગણી તો હોતી હશે...? આપણે આવી માગણી એ માટે પણ સહાય કરવાની છે? ઉપરથી હુકમ છે કે આને સાચવી લેવાનો પણ આવી માગણી માટે તે કાંઈ સહાય હોતી હશે...? મારો આસિસ્ટન્ટ પંડ્યા ભારે ઉકળાટ ઠાલવી રહ્યો હતો. એ વખતે હું રાહત અને પુનઃવસન શાખામાં અધિકારી હતો. આમતો 2002 બાદ રાહત અને પુનઃવસનનું કામ પતી ગયું હતું. પણ કેટલાય રમખાણ પીડીતો માગણીએ લઈને આવતા. પંડ્યા હજુ અકળાયેલો હતો, સાહેબ, આને આપણે આઠ સિલાઈના મશીન લઈ આપ્યા છે. એનો ધંધો  બરાબર જામી ગયો છે અને એ આ આવી માંગણી લઈને આવ્યો છે. એમ કહી એણે મારા ટેબલ પર ફાઈલ મૂકી.
મેં ચશ્મા સરખા કયાર્ અને ફાઈલ જોઈ સાચે જ એની માંગણી વિચત્ર હતી. પણ મને એ માગણીમાં રસ પડ્યો મેં પંડ્યાને કહ્યું બોલાવી લો એને સોમવારે. પંડ્યા કંઈક આશ્ચયર્થી મારે સામે જોઈ રહ્યો. મેં એને કહ્યું 'પંડ્યા' તમને તો ખબર છે ને માણસને મામલે છેક ઉપર સુધી જવાબ દેવો પડે છે. હું એની સાથે વાત કરી લઈશ. મને માથેથી જાણે જવાબદારીનો બોજ ઉતર્યો હોય એવી હાશની લાગણી એના મોં પર આવી. એ બહાર ગયો.
સામવારે એ વિચિત્ર અરજી કરનાર મળવા આવ્યો ત્યારે મારી એક મિટીંગ ચાલુ હતી. પટાવાળો એના નામની ચિઠ્ઠી લઈને આવ્યો એટલે મેં એને કહ્યું એને બહાર બેસાડ. મિટીંગ પૂરી થાય એટલે હું એને મળી લઉં છું. કોઈ કારણોસર એ મિટીંગ લાંબી ચાલી. વચ્ચે જ હું ઉઠ્યો અને બહાર ગયો. મારે કામ તો કોઈ બીજું જ હતું. પણ ત્યાં મે એને જોયો એ બહાર બાંકડા પર બેઠેલો હતો. પટાવાળો, મારે પી.એ. અને બીજા બે ચાર મુલાકાતીઓ એની તરફ જ જોઈ રહ્યા હતા. જાણે કોઈ અજાયબ પ્રાણી જોતા હોય તેમ. હું બહાર નીકળ્યો એટલે બધા જ કર્મચારીઓ જાણે બહુ જ કામમાં હોય તેવો દેખાવ કરવા માડ્યા સરકારી એફિસરોની આવી જ તાસીર હોય છે. સાહેબની પીઠ ફરી કે ગામગપાટાં ચાલુ થઈ જાય.
મિટીંગ બાદ મેં એને મળવા બોલાવ્યો. એનો ચહેરો એ જ હતો. ઓળેલા વાળ, કથ્થઈ આંખો અને ડાર્ક ચામડી. એને ચહેરા પર ઉંમર થઈ ગઈ હોય એમ લાગતું હતું. મેં એ ચહેરો અનેકવાર જોયો હતો. એટલે એના ચહેરામાં આવેલા ફેરફાર હું આસાનીથી નોંધી શકતો હતો. એ આવીને અદબથી ઉભો હતો. મેં એને બેસવાનું કહ્યું અને આવી માંગણી પાછળનું કારણ પુછ્યું. એ જાણે આવું કોઈ પૂછે એની જ રાહ જોતો હતો એણે બોલવાની શરૂઆત કરી.
''સાહેબ મારી આ માગણી સ્વીકારીલો તો જિંદગીભર અહેસાનમંદ રહી૤... સાહેબ એ દિવસે શું મારા નસીબ ખરાબ હતા તે આવું મારી સાથે થયું... એ અટક્યો અને ફરી કહેવાનું શરૂ કર્યુ. એ 28મી માર્ચે તેફાનો ફાટી નીકળ્યા હતા. ચારે બાજુ અમારા લોકો જીવ બચાવીને નાસતા હતા. હું  રહેતો હતો ત્યાં પણ મોટું ટોળું હુમલો કરવા આવે છે એવી અફવા આવી હતી, સાહેબ અમે ખૂબ ડરી ગયા હતા મારી પત્ની અને સંતાનો તો પિયરમાં ભીવંડી ગયા હતા. ઘરમાં હું એકલો હતો મને પણ બીક લાગતી હતી. ત્યાં બાજુના ઘરવાળાએ કહ્યું કે એ લોકો ઘર છોડીને નાસી જાય છે. એટલે મેં પણ ઘર બંધ કર્યું અને નાસી જવાનું નક્કી કર્યું. મેં ઉતાવળમાં થોડા પૈસા સાથે લીધા અને થોડા એક ટ્રન્કમાં મુક્યા અને મે સ્ટૂલ ઉપર ચઢી માળીયા પર મૂકી હું ભયંકર ઉતાવળમાં હતો એટલે ઉતરતાં સ્ટૂપ પરથી પગ ખસ્યો અને હું પડ્યો. દિવાલ પર ખીંટીની જેમ ઉપગોયમાં લેવાતો ખીલો પણ ગાલમાં ઘુસી ગયો અને લોહી નીકલ્યું પહેલાં તો મને ખ્યાલ જ ન આવ્યો કે શું થયું પણ પછી શટર્ પર લોહીના ડાઘા જોઈને ખ્યાલ આવ્યો કે મને લોહી નીકળી રહ્યું છે. મેં જેમ તેમ કરી ઘરમાંથી રૂ અને મલમપટ્ટી શોધી મારા ઘા પર લગાડી. શર્ટ બદલવાનો સમય ન હોતો. મારા બ્લેક લાઈનીંગવાળા સફેદ શર્ટની કોલરની અંદરની બાજુએ લોહીના ટીપાં ફેલાઈ ગયા હતા. હું ઘરને તાળું મારીને ઝડપ ભેર બહાર આવ્યો. મારી બાજુબાળા તો આગળ નીકળી ચૂક્યા હતા. સાહેબ જાન બચાવવાનો હોય ત્યારે બધા સંબંધો ભૂલાઈ જતા હોય છે.
એ સમયે વાતાવરણ ભારે ભયાનક હતું. થોડે દૂર આકાશમાં કાળા ઘુમાડા હતા કોઈ ઘર સળગાવાયું હતું. ચીસો અને મારો કાપોના પોકારો સંભળાતા હતા. રસ્તાઓ સૂમસામ હતા. પોલીસનું તો નામિનશાન નહતું. હું મુખ્ય રસ્તા પર પહોંચ્યો હતો પણ કોઈ ચકલું પણ ફરકતું નહોતું એ સમયે મેં ટ્રકોની હાર આવતી જોઈ એ લશ્કરની ટ્રકો હતી. લશ્કર ફ્લેગ માર્ચ માટે નીકળ્યું હતું. મને કંઈક આશા આવી હું એ ટ્રકો તરફ ગયો. મેં હાથ કર્યો પણ સૌ પહેલી જીપ નીકળી ગઈ, બીજી ટ્રક પણ નીકળી ગઈ જાણે એ લોકો મને જોતા હોવા છતાં જોતા નહોતા. એમ ત્રીજી ટ્રક પણ નીકળી હવે મને ખરેખર બીક લાગવા માંડી હતી જો આ લોકો મને ન બચાવે તો ટોળું ગમે ત્યારે અહીં આવી ચડે એમ હતું મારી આંખમાં આંસુ આવી ગયા. મેં હાથ જોડીને ચોથી ટ્રકને રોકવા વિનંતી કરી મને ખબર હોત કે એ ટ્રકમાં કોણ છે તો કદાચ ક્યારેય મેં આવું ન કર્યું હોત પણ જ્યારે જીવ પર આવી ચડે ત્યારે માણસ બચાવનો કોઈ પણ રસ્તો લઈ લેતો હોય છે.
એ ટ્રકમાં કેટલાંક પ્રેસવાળા હતા અને એમાના એકે મારો ફોટો લઈ લીધો હતો. સાહેબ મને તો એની ખબર પાંચ દિવસ પછી પડી. મને રાહત છાવણીમાં કોઈકે કહ્યું તારો ફોટો છપાયો છે. ત્યારે મને થયું કે સારુ થયું મને મદદ મળશે.
એ અટક્યો, નીચું જોયું અને પાછું બોલવાનું શરૂ કર્યું. સાહેબ મને મદદ તો મળી પણ કેવી? કેટલાક કાર્યકરો મને મળ્યા એમાં પેલી પ્રાખ્યાત મહિલા પણ હતી. એ લોકો મોટા મોટા વચન આપીને બંગાળમાં લઈ ગયા. સાહેબ ત્યાં હું નુમાઈશની ચીજ બની ગયો. જાણે ઝૂમાંથી આવ્યો હોઉં એમ મને શાળાએમાં લઈ જવાયો, રાજકીય રેલીએમાં લઈ જવાયો, મતોની રોકડી કરવા મારા ચહેરાનો 2002ના રમખાણોના ચહેરો ગણાવાઈ રહ્યો હતો. બિહારની ચૂંટણીમાં પણ મારા ચહેરાનો ઉપયોગ થયો. કોમી તોફાનોમાં મેં સર્વસ્વ ગુમાવ્યું છે. એવો પ્રચાર થયો. હું ક્યાંય બહાર જવાને લાયક ન રહ્યો. આ તમાશાબાજીથી આખરે હું કંટાળ્યો. બાજી તરફ આપણી સરકારના માણસો મારા સંપર્કમાં હતા. મારું ઘર અહીં સલામત હતું. એમણે મને સહાય આપવાની ખાતરી આપી એટલે પાછો આવી ગયો હવે હું જોબવર્ક કરું છું. બેત્રણ માણસો પણ રાખી લીધા છે. પણ આ ચહેરો... સાહેબ હજુ પણ આ ચહેરો છપાયા કરે છે. ટીવીમાં દેખાયા કરે છે. મેં તંગ આવીને વકીલ દ્વારા નોટિસો મોકલી છે કે મારી પરવાનગી વિના મારા ચહેરાના ફોટોને વાપરવો નહીં પણ સાહેબ આ મીડીયાવાળા કશું ગણકારતા નથી. હું નાનો માણસ ક્યાં ક્યાં કેસ લડવા જાઉં? જેટલીવાર લોકો મારો ચહેરો ટીવી પર કે છાપામાં જૂએ છે એટલીવાર 2002 વિશે પુછ્યા કરે છે... હું શું જવાબ આપુ? સાહેબ મને આ ચહેરો નથી જોઈતો મને નફરત થઈ ગઈ છે આ ચહેરા પર. મને જ મારા આ ચહેરાનો ડર લાગે છે. સાહેબ આ ચહેરાથી મને એટલો ત્રાસ થાય છે કે હું ઘરમાં અરીસો પણ રાખી શકતો નથી.
મેં આખરે એક પ્લાિસ્ટક સજર્નને વાત કરી છે. એ બે લાખમાં મારો ચહેરો બદલી આપવા તૈયાર છે. સાહેબ સરકારી સહાય આપો તો હું ચહેરો બદલાવી શકું અને ચેનતી જીવી શકું સાહેબ તમે સહાય આપશો તો હું જિંદગીભર તમારો ઋણી રહીશ." એણે બોલવાનું પુરું કર્યું. થોડીવારે મને કળ વળી. મેં એને મારાથી બનતું બધું કરવાની ખાતરી આપી. મેં ફાઈલ બંધ કરી ઉપર નામ હતું મનસૂરી અને ફોટોમાં એ ચહેરો હતો જે રમખાણોનું પ્રતીક બની ગયો હતો. પણ મનસૂરીને ક્યારેય ખબર ન હતો કે એ માત્ર મહોરું જ હતો. જ્યારથી એની એ તસવીર લેવાઈ ત્યારથી એ માત્ર મહોરું હતો. એના ચહેરાનો ઉપયોગ કરી કેટલાય રાજકારણીઓ તરી ગયા હતા અને કેટલાય તરી જવાના હતા. 2014ની ચૂંટણી આડે હવે ગણતરીના મહિના હતા. મનસૂરીની માગણી મંજૂર કરી મારી નોકરી જોખમમાં મૂકું એવો મુરખ હું  નહોતો. મેં એની ફાઈલ પર " માગણી ના મંજૂર "નો શેરો લગાવ્યો અને ફાઈલ બંધ કરી. મહોરાઓને ચહેરા બદલવાની સ્વતંત્રતા કયારેય હોતી નથી.                                                      http://pranavgolwelkar.blogspot.in

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો