મંગળવાર, 18 જૂન, 2013

સિઝન


                                                સિઝન
રાધાએ મંદિરનો ઘંટ વગાડ્યો હાથ જોડ્યા અને અંબામાને કહ્યું મા આ વખતે કરસનની સિઝન સારી થાય તે જોજે એણે વીટી અલાવવાનું વચન આલ્યું સે.. ક્યારનીય સોનાની વીટી માગું સું સિઝન સારી આવે એટલે અલાવીશ એમ કરસનિયો કીધા કરે સે મા. કરસનિયા મને વીંટી અલાવ સે તો હું તને શ્રીફળ વધેરીશ રાધાને અંબામાં પર પુરો વિશ્વાસ હતો અને એટલે જ એ જ્યા રહેતી હતી એ જશોદા નગરથી ઘણે દૂર અહીં આ મંદિરમાં આવતી હતી એનું અને કરસનિયાનું દેશી ભાષામાં કહીએ તો લફરું અને મલ્ટિપ્લેકસની ભાષામાં કહીએ તો અફેર હતું.
કરસનમાં આમથી કે તેમથી કશુ જોવા લાયક નહોતું એ પાતળો એકવડિયા બાંધાનો અને શામળો હતો નાનપણથી જ મજૂરી કરેલી એટલે શરીર કસાયેલું હતું હશે એ માંડ પચીસનો પણ વીસ બાવીસનો હોય તેવું લાગતું જો કરસનમાં કંઇ જોવા પણું ન હતો તો રાધામાં ઘણું જોવા જેવું હતું એવુ લોકો કહેતા વસાહતમાં એના જેવી ગોરી છોકરી મળવી મુશ્કેલ હતી. વળી વીસીએ પહોંચેલી અને શરીર ભરાવદાર હતું એટલે લોકોની નજર એની પર રહેતી પણ કરસનિયા સાથે એનું કંઇક છે એવી વાતો થતી અને કરસનિયા સાડીનો સેલ્સમેન હોવા છતા ઉગ્ર સ્વભાવનો અને લડવાડિયો હતો એટલે રાધા હજુ તો કોઇ સીધા આકમણથી બચી હતી. રાધા અંબામાં પાસે ગઇ ત્યા પડેલું સિંદુર કોઇ જુએ નહી તેમ આંગળીએ લગાડ્યું અને પાછલા પગે મંદિરનીબહાર નીકળી પણ એ તરત પાછી વળી મા સામે જોયું અને વાળ સરખા કરતી હોય એમ સેંથામાં સિદૂર પુર્યું. કરસનિયો એને એકવાર આ મંદિરમાં લાવ્યો હતો એટલે માની સાક્ષીએ એ કરસનના નામનો સેંથો પુરતી. એણે ફરી મનોમન પ્રાર્થના કરી મા કરસનિયાનો સિઝન સારી કરાવજે તો મને વીંટી મળે.
                                ----------------------------
કંકુ ડોશીએ ફરી કેરોસીનનો પંપ માર્યો જવાબમાં સ્ટવે અવાજ વધુ કર્યો અને ઓછી જવાળા ફેંકી. સ્ટવમાં ક્યાંક લીકેજ હતું, કંકુ ડોશી માંડ માંડ પંપ મારી રસોઇ પુરી કરતા દેખાવ પરથી એમ જ લાગે કે એમની અવસ્થા થઇ છે. પણ એમને માંડ પચાસ થયા હતા લોકોના ઘરના કામો કરીને એમની કાયા એટલી હદે કંતાઇ ગઇ હતી કે એમને હવે પોતાના ઘરનું કામ કરવું પણ ભારે થઇ પડતું ડોકટરે નિદાન કરી દીધેલું કે એમને ટીબી હતો એ દવાઓ પણ લેતા હતા પણ છોકરાથી છાની છાની. એમનો છોકરો કરસન આમ તો બહું માયાળુ હતો કંકુ ડોશીનું બધુ ધ્યાન રાખતો. એનો બાપ.... એના બાપનું તો કંકુડોશી જ્યારે કંકુ હતા અને પચીસેક ના હતા ત્યારે જ મર્ડર થઇ ગયેલું કંકુએ ત્યાર પછી એકલે હાથે કરસનિયાને એકલે હાથે ઉછેરેલો . કરસનિયો આમ બધી રીતે સારો પણ ગુસ્સે થતો ત્યારે કોઇનો નહી રહેતો એટલે કંકુડોશીને થોડી બીક રહેતી કરસનિયો ઝાઝું ભણ્યો નહી. માંડ સાતમી પાસ કરી પછી રખડયા કરતો આથી કંકુ ડોશી બહુ હેરાન રહેતા અને કરસનને વઢ્યા કરતા પછી એ કોઈની ઓળખાણથી સાડીની દુકાને લાગયો અને કંકુડોશીને ધરખર્ચ માટે રૃિપયા આપતો થયો એટલે એમને હાશ થઇ હતી હમણાં સ્ટવ બગડ્યો હતો એટલે એમણે ત્રણસો રૂપિયા માંગ્યા હતા કરસન પાસે. કરસને વાયદો કરેલો આવતીકાલનો.. એને પણ સાત દિવસ વીતી ગયા હતા કરસને કહેલું હમણા સીઝન સારી નથી સારી સીઝન આવશે એટલે ધરાકી વધશે એટલે આપીશ કંકુમાએ આંખમાં પાણી સાથે પ્રાર્થના કરી હે ભગવાન આ વખતે સામું જો અને સારી સિઝન લાવી દે તો મારા કરસનને બે પૈસા મળે.
******
યાર... બે વર્ષ થઇ ગયા સારી સિઝન આવે, આવું ક્યા સુધી ચાલશે અત્યારે તો હાથ ખર્ચીના પણ રૂપિયા રહેતા નથી. કાળુપુર રેલવે સ્ટેશનનની બહાર ઉભેલા કરસને સુલેમાનને કહ્યું સુલેમાને વળતા જવાબમાં કહ્યું હા યાર કંગાલ થઇ ગયા છીએ. રૂકસાના હવે સાફ કહે છેકે બસ્સો રૂપિયા હોય તો જ આવજે. યાર એની પાસે ગયા વગર ચાલતુ જ નથી અને આ બસ્સો રૂપિયાનો દર વખતે મેળ કેમ પાડવો એ સમજાતું નથી. સુલેમાનને કોઇ કંકુમાં હતા નહી એ અનાથ જ હતો એ કાળુપુરની પોળોમાં જેમ તેમ કરીને ઉછર્યો હતો. હવે સ્ટેશને આવતા જતા મુસાફરોનું પાકિટમારીને ગુજરાન ચલાવતો કરસન પણ એનો જ સાથીદાર હતો સાડીઓની સેલ્સમેન હોવાની એની વાત કંકુ અને રાધા માટે ઘડી કાઢેલી વાર્તા જ હતી. એનાથી એ બંન્ને એના ધંધા વિશે ઝાઝી લપ્પન છપ્પન કરતાં અટકી ગયા હતા. સ્ટેશને પાકિટ મારવા જતા એક વખત એનો ભેટો સુલેમાન સાથે થયો હતો અને બંનેએ જોડી જમાવી હતી. એક શિકારનું ધ્યાન બીજે દોરતો અને બીજો પાકિટમારી લેતો. રોજ તો કંઇ પાકિટમારવાનો ચાન્સ મળતો નહી એટલે આસપાસ બેસીને બંને ગામગપાટા માર્યા કરતા ગરીબ માટે દરેક વાત  પૈસા પર અટકતી હોય છે અને પૈસા એમની પાસે હતા નહી. સુલેમાનને રૂકસાના ગમતી હતી એ ધંધાવાળી હતી. જ્યાં સુધી પૈસા ન હોય ત્યાં સુધી એ સુલેમાનને પોતાની આસાપાસ પણ ફરકવા દેતી નહી અને છેલ્લા ત્રણ મહિનાથી સુલેમાન રૂકસાનાને આપવાના પૈસા ભેગા કરી શક્યો ન હતો એ કંટાળ્યો હતો લગભગ જીવ પર આવી ગયો હતો. આજે પણ સવારથી સુલેમાન અને કરસનનો મેળ પડ્યો ન હોતો. લોકોને એમ લાગે છેકે પાકિટમારવું એ આસાન કામ છે પણ એમાં પ્લાનિંગ અને એકઝીક્યુશન પરફેક્ટ જોઇતું હોય છે લોકો એમ કંઇ ગાફેલ રહેતા નથી. પાકીટમારો એ પણ જાતભાતના નુસખા અપનાવી શિકારનું ધ્યાન બીજે ખેંચવું પડે છે. વળી કોઇપણ બે નંબરના ગુનામાં પાકિટમારીમાં ઝડપાઇ જવાનું જોખમ સૌથી વધુ રહે છે વળી પોલીસથી તો સાચવવું જ પડે.
જેમ તેમ સુલેમાન એક શિકાર પાસે જઇને પાકિટમારી લાવ્યો હતો પણ એમાં માત્ર પચાસ રૂપિયા મળઅયા હતા બંનેના ભાગે માત્ર પચીસ પચીસ આવે એમાં શુ ગાડું ગબડે એટલામાં એમણે બૂમ સાભળી દરિયાપુરમાં પથ્થરમારો દરિયાપુરમાં પથ્થરમારો... એ બપોરનાછાપાં વેચતો ટેણી હતો. સુલેમાન લગભગ દોડતો ગયો અને એણે એના હાથમાંથી છાપું ઝુંટવ્યું અને વાંચ્યું પતંગની તકરારમાં દરિયાપુરમાં કોમી તોફાન- પથ્થરમારો એણે ઝાઝુ વાચવાની તસદી લીધી નહી એણે ટેણીના હાથમાં છાપું પાછુ આપ્યું એણે કરસનનો શોધવા નજર દોડાવી પણ કરસન એની પાછળ જ હતો બંનેએ એક રિક્શાને રોકી અને કાળુપુરના એક મહોલ્લાનું નામ આપ્યું અને જલદી દોડાવવાનું કહ્યું રિક્શાવાળાને થયું તોફાનના સમાચાર સાંભળી બંને ઘરે પહોચવા માંગે છે. એટલે એણે રિક્શા દોડાવીએ રીક્ષાવાળો બંનેના ચહેરા પરની ચમક જોઇ શક્યો નહી.. રિક્શાવાળો પુરઝડપે રિકશા ચલાવી રહ્યો હતો હજુ તોફાનના સમાચાર ફેલાઇ રહ્યા હતા. એટલે ભારે નાસભાગ ન હતી થોડીવારે કરસને પુછ્યું સાધન તો છેને.. સુલેમાને હકારમાં માથુ હલાવ્યું અને વળતુ પુછ્યું તારી પાસે.. કરસને સહેજ હસીને હા પાડી. રિક્શા મહોલ્લા પાસે ઉભી રહી બંનેએ એને પૈસા ચુકવ્યા અને ઝડપથી એક મકાન તરફ ગયા રસ્તામાં એમને એમના જેવા ત્રણ છોકરાઓ બહાર નીકળતા સામે મળ્યા. બંનેને અંદર ગયા એક વેપારી જેવો દેખાતો માણસ બેઠો હતો સુલેમાને પુછ્યું ભાઇ કિતના.. એણે પુછ્યું રેડી હો.. સુલેમાન અને કરસન બંનેએ હા પાડી એક કા દેઢ સો. જૂનો બે વર્ષ પહેલાનો ભાવ એકના સો જ હતા બંને ખુશ થઇ ગયા કરસને પુછ્યું ભાઇ ગાડી... બદલામાં એ માણસે બહાર ઉભેલા એક વ્યકિત તરફ આંગળી ચીંધી બંને ઝડપથી બહાર નીકળી ગયા પેલી વ્યકિતએ એમને પાસે પડેલી યામાહા આરએક્સ 100ની ચાવી આપી હવે મોટર સાયકલ રતન પોળ તરફના રસ્તા પર હતી તોફાનના સમાચાર સાંભળીને લોકો રીક્શા અને બસ પકડવા દોડી રહ્યા હતા. બંનેએ બાઇક રતનપોળ પાસે મૂકી અને ચાવી બાઇકમાંજ રાખી બંને ભીડમાં મળી ગયા બંનેના હાથમાં ધારદાર અસ્ત્રા હતા બંનેએ ભીડમાં માડ 500 મીટરનું અંતર કાપ્યું હશે લોકોમાં હવે સ્ટેબિંગ સ્ટેબિંગની બૂમો પડતી હતી બંને પાછા બાઇક તરફ આવ્યા અને રીલીફ ટોકિઝ તરફ એમણે વધુ કેટલાકના શરીર પર અસ્ત્રા ફેરવી દીધા. એમને માટે આંકડો અગત્યનો હતો ધર્મ નહીં. બંનેએ ત્યાથી બાઇક આગળ લીધી એડવાન્સ સિનેમાં પાસેના નળ પર બિન્દાસ બાઇક ઉભી રાખી નળ પાસે જઇ લોહીવાળા અસ્ત્રા ધોઇને પેન્ટમાં સાચવીને મુકી દીધા. બાઇક લઇને બીજા રસ્તે ફરીએ કાળુપુર પહોંચ્યા એ વેપારી જેવા માણસે પુછ્યું કિતના સુલેમાને કહ્યું ઉન્નીસ. પેલાએ કહ્યું બીસ કા પૈસા દેતા હું જાઓ એશ કરો કહી એણે ત્રણ હજાર એમના હાથમાં થમાવી દીધા.
                                              *********************
રાધાએ બહુચરમાંના લાખ લાખ આભાર માન્યા અને મંદિરમાં જ સેથામાં કરસનના નામનું સિદુંર લગાવ્યું એની ટચલી આંગળીમાં વીટી ચમકતી હતી. બીજી તરફ કરસનના કંકુમાં ઘરની બહાર બેઠા બેઠા વાતોના તડાકા મારતા હતા ઝગારા મારતા નવા પ્રાઇમસ પર એમની રસોઇ થઇ ગઇ હતી.      રૂકસાનાએ આળસ મરડી, બાજુમાં ઉઘાડા સૂતેલા સુલેમાન તરફ જોયું અને પછી એણે બારીની બહાર જોયું આકાશમાં લાલ રંગ ફેલાઇ રહ્યો હતો એણે સુલેમાનને પસવાર્યો અને કહ્યું ઉઠના નહીં હૈ કયા... દેખ બહાર સિઝન અચ્છી હો ગઇ હૈ... 
http://pranavgolwelkar.blogspot.in

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો