બુધવાર, 12 જૂન, 2013

કાલિન્દી


કાલિન્દી
ચંબલના ધસમસતા પ્રવાહમાંથી એ નાહીને બહાર આવી ત્યારે સૂર્ય હજુ ઉગ્યો નહોતો પણ આકાશ લાલ થઇ રહ્યું હતું. એના કાળા ભમ્મર વાળ પીઠ સુધી આવતા હતા અને ભીના ચોંટી ગયેલા વાળમાંથી પાણી ટપકતું હતું. એનું બદન તદ્દન ઘાટીલું હતું અને કમર એકદમ પાતળી. આમતો હવે એને 19 પુરા થયા હતા પણ એ 16ની લાગતી હતી. એ નીચી હતી પણ એનો બાંધો ભરાયેલો હતો.ગામના યુવાનો તો ઠીક બુઢ્ઢાઓ અને કેમ્પના અંગ્રેજો પણ એને ભુખાળવી નજરે જોઇ રહેતા. પણ એ કોઇ આમ છોકરી નહોતી એની એક ખાસ ઓળખ હતી. એ એક બાગીની છોકરી હતી. અને એ ઓળખને કારણે એનાથી લોકો સામાન્ય રીતે દૂર રહેતા. આ એ જ કારણ હતું કે જયારે એની ઉંમરની છોકરીઓ બે છોકરાની મા બની ગઇ હતી પણ કાલિન્દી હજુ કુંવારી હતી.
કાલિન્દીનો બાપ શામસિંહ... મુઠભેડમાં વર્ષો પહેલાં માર્યો ગયેલો શામસિંહ... પણ અજબ માનવી હતો. યુવાન વયે એણે બગાવત કરી હતી અને ભયાનક ધાક જમાવી હતી. શિવપુરી અને ચંબલને બાગીઓની કોઈ નવાઈ નથી. પણ શામસિંહની વાતો આજેય લોકો કરતા. એ કેટલી સાચી કેટલી ખોટી એ કોઈ જાણતું નહીં. અંગ્રેજ લોર્ડ કોર્નવોલિસે જ્યારે બેવડી મહેસૂલ પદ્ધતી દાખલ કરી ત્યારે શિવપુરાના રાજાએ એકા એક બમણું લગાન વસૂલી દીધું હતું. આ સમયે શામસિંહનું મગજ ફાટયું હતુ અને રાજાના એક સૈનિકને તલવારથી કાપી નાંખી એની બંદૂક લઈ શામસિંહ ચંબલના બિહડોમાં ઉતરી ગયો હતો. પણ શામસિંહ પ્રખ્યાત હતો એ જુદા જ કારણે. અન્ય બાગીઓ જ્યારે શેઠીયાઓને લૂંટતા રહેતા ત્યારે શામસિંહે એક જુદો જ ચીલો પકડ્યો હતો. એણે નક્કી કર્યું હતું કે રાજાને અને અંગ્રેજ કપ્તાનને જ ખતમ કરી નાંખવા. અા માટે એ રાહ જોઈને બેસી રહ્યો હતો. અને એક સમયે શિકાર પર નીકળેલા કપ્તાન અને રાજા પર એણે પોતાના દસ સાથીઓ સાથે હુમલો કરી દીધો હતો. એ પછી થયેલી ખૂનખાર લડાઈની ઘણી વાતો ચાલે છે પણ એ લડાઈમાં છ અંગ્રેજ અને 15 દેશી સૈનિકો મર્યા હતા. તો ચાર શિકારીઓ પણ કપાઈ ગયા હતા. શામસિંહના આઠ સાથીઓ બૂરી રીતે જખમી થઈને મરાયા હતા.
શામસિંહ ખુલ્લી તલવારે અંગ્રેજ કપ્તાનથી માત્ર વીસ ફૂટ દૂર હતો ત્યારે જ એને પીઠમાં લી એન્ફીલ્ડ રાઈફલની બુલેટ વાગી હતી. શામસિંહ મરાયો હતો પણ એણે વીસ ફૂટનું અંતર કાપ્યું હતું અને અંગ્રેજ કપ્તાન પર ઘા પણ કરી દીધો હતો.લથડતા પગે આવેલા શામસિંહનો એ છેલ્લો વાર નિશાન પર લાગ્યો નહોતો તો ખાલી પણ ગયો ન હતો. એ વખતે બિહડોમાં શામસિંહની લાશની બાજુમાં અંગ્રેજ કપ્તાનનો કપાયેલો જમણો હાથ પણ પડ્યો હતો.
બસ આ ઘટનાએ શામસિંહને હીરો બનાવી દીધો હતો. ચંબલના છોરૂઓ એક જ ચીજને નમે છે અને એ છે વીરતા. શામસિંહની આ બેફામ વીરતા પર ચંબલના છોરૂઓ કુરબાન હતા. આ ઘટના બની ત્યારે કાલિન્દી માંડ એક વર્ષની હતી. એની મા એને લઈને ક્યાંક ગાયબ થઈ ગઈ હતી અને પંદર વર્ષે પાછી ફરી હતી. હવે એ એના ભાઈને ત્યાં રહેતી હતી. પણ શામસિંહની વાતો હજુ ચાલતી અને યુવાન થતી અને બાપ જેટલી જ બળવાખોર કાલિન્દી માટે એ કવચની ગરજ સારતી.
કાલિન્દી નાહીને નદીએથી બહાર આવી, એણે ભીના કપડા એક આડશે બદલ્યા અને એણે દૂર ધૂળ ઉડતી જોઈ. આ જરા અજીબ જેવું હતું. એ દિશામાં અંગ્રેજ છાવણી હતી. .1859ના એ એપ્રિલમાં પણ બળવાની વાતો હજુ તાજી હતી પણ હવે નાનાસાહેબનો પત્તો નહોતો અને તાત્યા એકલો થઈ ગયો હતો. અંગ્રેજો હવે મુસ્તાક હતા. હકૂમતે બરતાનિયાનો સમય પાછો આવી ગયો હતો અને હજુ સો વર્ષ રહેવાનો હતો.
કાલિન્દીને કુતુહલ થયું. એ છાવણી તરફ ગઈ. એ અડધો કલાકે છાવણી પાસે પહોંચી ત્યારે અંગ્રેજો એકદમ તૈયાર હતા. એકાદ નાની તોપ પણ ફોડવા માટે તૈયાર કરી દેવાઈ હતી. 100 જેટલા અંગ્રેજ અને બસ્સો જેટલા દેશી સૈનિકો ભરી બંદૂકે ઉભા હતા. કાલિન્દીને આ તૈયારી અજાયબ લાગી. થોડીકવારમાં દૂરથી કેટલાક સવારો આવ્યા અંગ્રેજ સવારે રાત્રે લાંબી સફર કરે એ અજાયબ હતું. કાલિન્દી હવે પાસેની ટેકરી પર ચઢી ગઈ. હવે એને બધું સાફ દેખાતુ હતું. 100 નવા આવેલા સવારો તમામ અંગ્રેજ હતા માત્ર એકને બાદ કરતાં. એ એક દેશી સિપાહી લાગતો હતો. એના માથા પરની પાઘડી અસ્તવ્યસ્ત હતી. એણે પહેરેલા કપડા ફાટી ગયા હતા. એની તાંબાવરણી થયેલી છાતી પર જાડી જનોઈ દૂરથી પણ દેખાતી હતી. એના હાથમાં બેડીઓ હતી. એ બધું જ જોતો હતો પણ કશું જ જોતો ન હોય એમ એ બેઠો હતો. છાવણીમાં એને ઉતારાયો. એ કેદી માટેની તૈયારીઓ જોઈને લાગતું હતુ કે એ કોઈ મહત્વનો કેદી છે.
સાંજ પડતાં તો શિવપુરીમાં કાનોકાન વાત થવા માંડી કે એ કેદી તાત્યા ટોપે છે. તાત્યા.... બબ્બે વર્ષ અંગ્રેજોને તોબા પોકારાવનાર તાત્યા ટોપે. અંગ્રેજો જેના નામથી ધ્રૂજતા એ તાત્યા ટોપે. કાલિન્દીને કાને પણ વાત આવી. બાગીની છોકરીએ નક્કી કર્યું કે પોતાના બાપ કરતાં પણ જેની વધુ વાત થાય છે એ માણસને જોવા જોઈએ. અંગ્રેજોની શિવપુરીની છાવણી કંઈ ખાસ વ્યવસ્થિત તો હતી નહીં અને આ લઈને આવેલા નવા સવારોને કારણે વ્યવસ્થા ખોરવાઈ હતી. સામાન્ય કરતાં વધુ દેશી પુરુષો અને સ્ત્રીઓની તેમને વ્યવસ્થા જાળવવા જરૂર પડી હતી. કાલિન્દીએ કુતૂહલ સંતોષવા તેનો ફાયદો ઉઠાવ્યો હતો. ત્રીજા દિવસે બપોરે એ પાણીનો ઘડો લઈને છાવણીમાં ઘુસી. પહેરાદારે એને રોકી પણ પછી થયું એ પીવાનું પાણી આપવા જતી હોવાનું માની જવા દીધી. કાલિન્દીએ જરા જુદો જ રૂટ પકડ્યો એને અત્યાર સુધી માહિતી મળી હતી કે છાવણીની મધ્યમાં ચોવીસો કલાક ભરી બંદૂકે રહેતા પચીસ અંગ્રેજ સૈનિકો વચ્ચે તાત્યાને રખાય છે એ આડું ફરીને એ જગ્યા તરફ ગઈ. એણે તંબુઓની એક હાર વટાવી અને એ હવે એ  જગ્યા સામે હતી. તાત્યા ત્યાં જ હતો જમીન પર હાથમાં હાથકડીઓ હતી. એની સામે થાળી પડી હતી અને એ રોટલી ખાઈ રહ્યો હતો. પાંત્રીસેક વર્ષનો એ માણસ... જાણે સિત્તેરનો હોય એટલી ધીમી હિલચાલ કરતો હતો એનું શરીર કસાયેલું હતું અને તાંબાવરણી છાતી પર સફેદ જનોઈ ધ્યાન ખેંચતી હતી. એની દાઢી વધેલી હતી અને આંખો ખાલીખમ પગમાં પણ દંડા બેડાની જેમ સાંકળો હતી.
કાલિન્દીને આ માણસ અજીબ લાગ્યો એને થયું અંગ્રેજી સૈનિકોની નજર પડે એ પહેલાં ત્યાંથી ખસી જવું. જોઈએ એ એક તંબુ તરફ આગળ વધી ત્યાં જ એક સૈનિકને ખ્યાલ આવ્યો કે, તાત્યાને પાણી અપાયું નથી. એને ઉઠવાની આળસ થઈ એટલે એણે કાલિન્દીને બૂમ મારી તાત્યાને પાણી આપવાનું કહ્યું બૂમ સાંભળીને કાલિન્દી થીજી ગઈ એને થયું પકડાઈ ગયા. એના ચહેરા પર ગભરાટ તરી આવ્યો એણે પકડેલો ઘડો છૂટી જતાં માંડ બચ્યો. પણ પછી એને સમજાયું, અંગ્રેજી સૈનિક ભાંગી તૂટી હિન્દીમાં તાત્યાને પાણી આપવાનું કહી રહ્યો હતો.
કાલિન્દી તાત્યા તરફ ગઈ. એની આંખો હજુય ખાલીખમ હતી. એનું ધ્યાન પણ કાલિન્દી તરફ નહોતું. એ હજી જમીન તરફ જોતો હતો. કાલિન્દી પાસે આવી એણે અસમંજસમાં હતી. તાત્યાએ બેહાથ લંબાવ્યા કાલિન્દીએ ઘડાને વાંકો કર્યો તાત્યા પાણી પી રહ્યો હતો. અજીબ દ્ષ્ય હતું એ.... ચંબલના કિનારે, અંગ્રેજી સૈનિકોના ઘેરામાં બળવાખોરોનો સેનાપતિ બાગીની છોકરીના હાથે પાણી પી રહ્યો હતો એકાએક કાલિન્દીએ ધીમો અવાજ સાંબળ્યો એ તાત્યાની સામે જોઈ રહી હતી. તાત્યાની આંખોમાં એક અજબ ચમક આવી એના હાથે િચત્તાની જેમ તરાપ મારી અને ઝૂકેલી કાલિન્દીના ચહેરા પાસેથી એણે મુઠ્ઠીમાં કંઈ ઝડપી લીધું. એક જ ક્ષણમાં જે ઝડપે એણે એ ચીજ ઝડપી હતી એ અજાયબ હતું. કોઈ સામાન્ય માણસ હાથમાં હાથકડી સાથે આવી ઝડપ દાખવે એ અસંભવિત હતું. તાત્યાએ મુઠ્ઠીમાં પકડેલી ચીજ મસળીને જમીન પર ફેંકી એ એક મધમાખી હતી. જો તાત્યાએ સમય સૂચકતા ન દાખવી હોત તો એ ચોક્કસ કાલિન્દીને કરડી હોત. પણ.. પણ... એ સમયે તો તાત્યાની નજર જમીન પર હતી. કાલિન્દીને થયું. માત્ર અવાજ અને એ પણ માંડ સાંભળી શકાય એવા અવાજ પરથી અચૂક ઉડતી મધમાખીને પકડનાર આ માણસ ચોક્કસ અત્યંત ચપળ હોવો જોઈએ. તાત્યાએ હવે કાલિન્દી સામે જોયું એ છેલ્લાં વીસ િદવસમાં તાત્યાના ચહેરા પર આવેલું એ પહેલું હાસ્ય હતું. હવે એણે પાણી પીધું નહીં. માત્ર હાથ ધોયા એ પણ નીચું જોઈને આંખોમાંની ચમક ઓલવાઈ ગઈ હતી. કાલિન્દી ત્યાંથી ખસી ગઈ.
આ ઘટના પછી કાલિન્દીનું વર્તન બદલાઈ ગયું હતું. એ રોજ પાણી લઈને છાવણીમાં આવતી પણ હવે અંગ્રેજો એને તાત્યાને પાણી આપવાનું કહેતા નથી. એની ચૂડીઓના ખનકાર પ્રત્યે પણ  તાત્યાની નજર જતી નહીં. જાણે એ કશું જોતો નહોતો કશું સાંભળતો નહોતો. કાલિન્દી એનું ધ્યાન ખેંચવા વધુને વધુ અવાજ કરતી પણ તાત્યા ક્યારેય એની સામે જોતો નહીં.
એ દિવસ 18 એપ્રિલનો હતો. તાત્યાને શિવપુરા લાવે સાત દિવસ થઈ ગયા હતા. કાલિન્દી સવારે ગઈ ત્યારે તાત્યાને એક તંબુ ભણી લઈ જવાતો હતો. કદાચ એનું ખાવાનું વહેલા પતાવી દેવાયું હતું. એને સાંકળે બાંધી લઈ જવાતો હતો અંગ્રેજો કંઈક ઉતાવળમાં હતા એની સાંકળ પકડેલા અંગ્રેજો જોરથી સાંકળી ખેંચી એ સાથે જ તાત્યાની હાથકડી ખેંચાઈ અને કાંડાની ચામડીમાં કડી ખૂંચી ગઈ. લોહીની ધાર થઈ અને ટીપું જમીન પર પડ્યું. કાલિન્દી આ જોઈ રહી હતી. એ થોડો સમય પછી એ પાસેના તંબુના ઘડામાં પાણી ઠાલવી ખાલી ઘડો લઈ તાત્યાને લઈ જવાયો એ તંબુ તરફ ગઈ. રસ્તામાં એકાએક એના હાથમાંથી ઘડો છટક્યો અને પડ્યો. કાલિન્દીએ ઘડો ઉઠાવી લીધો અને છાવણીમાંથી નીકળી ગઈ. એ સાંજે તાત્યાને ફાંસી અપાઈ ગઈ. એની લાશ બે કલાક સુધી ઝૂલતી રહી.
એ રાત્રે શ્યામસિંહની પત્નીએ અજાયબ દૃષ્ય જોયું. કાલિન્દીએ હાથની બંગડીઓ ફોડી નાંખી એણે એક ડબ્બી ઉઘાડી ડબ્બીમાં કાળી પડી ગયેલી રેતી હતી. એણે અરીસામાં જોઈને ચપટીમાં એ રેતી ઉપાડી અને સેંથામાં પૂરી. એની મા, એક બાગીની પત્ની બધું સમજી ગઈ. બાગીની છોકરી હવે એ બાગીની પત્ની બની ગઈ હતી. કાલિન્દીની એ પહેલી અને આખરી બગાવત હતી. એ રાત્રે તાત્યાની લાશને આગ ચાંપી દેવાઈ. એ રાત્રે કાલિન્દી ઘર છોડીને જતી રહી. એ ક્યાં ગઈ કોઈ જાણતું નથી. લોકો કહે છે માત્ર ચંબલ એનો ભેદ જાણે છે.

(ઐતિહાસિક ઘટના આધારીત કાલ્પનિક કથા)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો