સૂર્યજા
પી.આઈ. રામાણીની કેફિયત.........
સાલું, આગોધરાનું શરૂ થયું છે ત્યારથી અમારે એક મિનિટની પણ ફૂરસદ નથી. માંડમાંડ
તોફાનો પત્યા ત્યાં તો ઈન્વેસ્ટીગેશનની કામગીરી શરૂ થઈ ગઈ છે. અને સાલા કેસ પણ એવા
વિચિત્ર છે કે આઈ.ઓ.નો તો દમ નીકળી જાય. હવે જુઓને મારે આ રહીમપુરા કેસ સંભાળવાનો આવ્યો
છે. 30
માણસોને રહેંસી નંખાયા હતા અને એક યુવતી પર બળાત્કાર કરાયો હતો. મારી આખી
જિંદગીમાં આટલું દબાણ કોઈ કેસમાં આવ્યું નથી. સરકાર, મીલીટ્રીવાળાઓ, છાપાવાળાઓ, ટીવીવાળાઓ, એન.જી.ઓ.વાળા બધાં તૂટી
પડ્યા છે. સાલા લોહી પી ગયા છે. હું તો કન્વીન્સ છું કે આરોપીઓ કોણ છે પણ... જજોને
તો પુરાવા જ જોઈએ. મારૂ તો મગજ ફાટી ગયું છે કેસની ગૂંચો ઉકેલતા.
આમ, જુઓતો
રાયટના મોટાભાગના કેસોની પેટર્ન એક સરખી જ હોય છે. મોબ આવે અને લોકોને પતાવી દે.
ઈન્વેસ્ટીગેશન પણ સીધુંજ હોય, સ્થળ પરથી જે મળે તેને ઝડપી લેવાના, જે મોટેભાગે કુતૂહલથી આવેલા હોય.
અને આરોપી ઠરાવી દેવાના, કેસ ખતમ. પણ આ કેસ જુદો જ હતો. મેં વારંવાર લાશોનું
નિરીક્ષણ કર્યું હતું અને મને એ લાશો જોઈને એક પ્રશ્ન વારંવાર થતો હતો. એ
પ્રશ્નનું સમાધાન મેળવવા મેં ઊંડી તપાસ કરી હતી. એક પોલીસ અધિકારી તરીકે મેં
અસંખ્ય લાશો જોઈ છે. પણ અહીં જે બાબતે મારૂં ધ્યાન ખેંચ્યું હતું એ હતી ઓછામાં ઓછા
ફોર્સનો ઉપયોગ અને અચૂક નિશાન. હત્યાઓ તીક્ષ્ણ હથિયારથી થઈ હતી અને 30માંથી 25 લાશો પર માત્ર એક ઘા
હતો. એ પચીસેય લાશો પર ઘા શરીરના એવી જગ્યાએ હતો કે જીવલેણ સાબિત થાય અને એમ જ
થયું હતું. હત્યારાઓ જાણતા હતા કે, બીજા ઘાની જરૂર જ નથી. બાકીની પાંચ લાસો પર સંખ્યાબંધ ઘાના
નિશાન હતા. અા બાબત વિચિત્ર હતી. તમે મારા સ્થાને હોવ તો તમનેય આ બાબત શંકાસ્પદ
લાગે જ. જુઓ, જ્યારે કોમીનલ વખતે ટોળું હુમલો કરે ત્યારે શિકાર પર કોઈ પ્રિસીઝન થી હુમલો
નથી થતો. સંખ્યાબંધ વ્યક્તિઓ શિકારના શરીર પર ફાવે ત્યાં ઘા કરે. અહીં માત્ર પાંચ
લાશો પર આ પ્રકારના ઘા હતા જ્યારે બાકીની 25 લાશો પર માત્ર એક ઘા હતો.
કોઈનું ગળું કાપી નંખાયું હતું. તો કોઈની હૃદયની આરપાર હથિયાર ઊતારી નંખાયું હતું.
તો કોઈનું આખું પેટ જ ચીરી નંખાયું હતું. પાછું જે છોકરી પર બળાત્કાર કરાયો હતો
તેના શરીર પર પણ એક જ ઘા હતો. તેનું ડોકું ઉડાવી દેવાયું હતું.
પોલીસે ઝડપેલા આરોપીઓની મેં વારંવાર પૂછપરછ કરી હતી પણ મારે જે વ્યક્તિની લાશ
હતી તે તેમાં ન હતી. એની મને પ્રથમ નજરે જ ખબર પડી ગઈ હતી. મેં કળથી કામ લેવાનું
નક્કી કર્યું. મેં રહીમપુરા હત્યાકાંડની સાથે સંકળાયેલા તમામની ફરીથી લંબાણપૂવર્ક
પૂછપરછ કરી. આરોપીઓ પાસેથી તો કંઈ ન મળ્યું. વળી હત્યાકાંડમાંથી બચી ગયેલા માત્ર
બે વ્યક્તિઓ હતી. એમાનાં વૃદ્ધ હસન ચાચાએ હત્યાકાંડ અગાઉ બે અજાણી વ્યક્તિઓને જોઈ
હતી. આરોપીઓની એમની સામે ઓળખ પરેડ કરાવી અને પરિણામ હું જાણતો હતો એ જ આવ્યું. એ
બે વ્યક્તિઓ આરોપીઓના ટોળામાં નહોતી. અલબત્ત, આરોપીઓમાંના ઘણા એ સમયે હથિયાર
લઈને આવ્યા હોવાનું તેમણે જોયું હતું. પણ મને એ વિગતોનો ખપ નહોતો. હસન ચાચાનું
નિવેદન મારા માટે પહેલી કડી હતી. બીજી કડી રહીમપુરાની ભૂગોળમાં હતી. રહીમપુરા
હિન્દુ વિસ્તારથી ઘેરાયેલો નાનકડો વિસ્તાર છે. અને હું થોડા કાચાં પાકાં મકાનો અને
થોડા ઝૂંપડાં છે. અહીંથી અંદર જવાનો એક માગર્ છે. જે ગલી કૂંચીમાં થઈ બીજે છેડે
બહાર નીકળે છે. રહીમપુરામાંથી બહાર નીકળવાના બીજા માર્ગ્રો નથી. એમ નથી પણ એ
માર્ગો જતાં તમારે ઊંડા ગંદા ખાબોચિયામાંથી પસાર થવું પડે. જે લાશો પર સંખ્યાબંધ
ઘા હતા તે પ્રથમ પાંચ મકાનો પાસે હતી. જ્યારે જે લાશો પર માત્ર એક ઘા હતા તે
અંદરના વિસ્તારમાં હતી. જ્યારે રહીમપુરાની બરાબર મધ્યમાં આવેલા મકાનની બહાર
બળાત્કાર કરાયેલી યુવતીની લાશ હતી. રહીમપુરાની સરહદે આવેલા મકાનોને આગ ચાંપી દેવાઈ
હતી. હુસેન ચાચાને હત્યાકાંડ વખતે એમના પુત્રે માળિયામાં ચઢાવી દીધા હતા એટલે
હત્યારાઓની નજરમાંથી બચી ગયા હતા. એ ઉંધુ ઘાલીને માળિયામાં પડી રહ્યા હતા. પણ
જ્યારે એમના પુત્રે મરણચીસ પાડી ત્યારે એમણે સહેજ ઊંચા થઈને જોવાનો પ્રયત્ન કર્યો
અને એમને આછા અંધારામાં પુત્રના મૃતદેહ પાસે બે જણ દેખાયા હતા. એમની આંખે ઝાંખપ
વળતી હતી એટલે એ બંનેના મોંઢા જોઈ શક્યા નહોતા. પછી ઈન્વેસ્ટીગેશનમાં મેં આરોપીઓની
પૂછપરછમાં બહારથી કેટલી વ્યક્તિઓ આવી હતી તેની પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને
રહીમપુરાની આસપાસના ગંદા ખાબોચિયાનું નિરીક્ષણ શરૂ કર્યું. મારા સાથી અફસરો અને
હાથ નીચેના કોન્સ્ટેબલો પાગલ ગણતા હતા. એમને થતું હતું કે, હું અર્થ વગરની બાબતોમાં માથાફોડ
કરતો હતો. ત્યાંજ મને ખાબોચિયાના કિનારે પુરાવો મળ્યો. ત્યાં બૂટની છાપ હતી. એ
ક્યા બૂટની છાપ હતી એ જાણવામાં મને અડધી સેકન્ડ પણ નહોતી લાગી. એ બૂટ મેં પણ વર્ષો
સુધી પહેર્યા હતા. એ હંટર બૂટની છાપ હતી. આવા બૂટ સામાન્ય માણસો નથી પહેરતા હતા.
એન.સી.સી. પોલીસ અથવા લશ્કરના કેડેટો આવા બૂટ પહેરે છે. મારૂં કામ થોડું આસાન થયું
હતું. અને મેં પૂછપરછના પ્રશ્નો વધુ ચોક્કસ કર્યા. એ બૂટ પહેરનારા વ્યક્તિ જાણીતો
હતો, એ હતો
વિશાલ બક્ષી, વિશાલ એ વિસ્તારમાં રહેતો નહોતો પણ રહીમપુરાની બહારના ભાગે આવેલા હિન્દુ
વિસ્તારમાં રહેતા શંકરના ત્યાં અવારનવાર આવતો હતો. એની રહેણીકરણી લશ્કરી અધિકારી
જેવી હતી. એ પોતે તો કંઈ લશ્કરમાં નહોતો. હાં, એના કેટલાંક મિત્રો લશ્કરમાં
જરૂર હતા. એ આર્મી સ્ટોરમાંથી મિત્રોના નામે બૂટ અને અન્ય ચીજવસ્તુઓ ખરીદતો.
પોતાને એ કેપ્ટન બક્ષીના નામે જ ઓળખાવતો.
વિશાલ બક્ષી સાલો લશ્કરમાં તો શું ક્રિકેટ ટીમના કેપ્ટન બનવાને પણ લાયક નહોતો.
મારી પ્રથમ મુલાકાત જ એને માટે કાફી નીવડી હતી. અમથું જ લોકો રામાણીનો હાથ ભારે છે
એમ નથી કહેતા. એની કબૂલાત ભયંકર સ્ફોટક હતી.
વિશાલ બક્ષીની કેફિયત..................................
મને હતું જ રામાણીનો બચ્ચો મને વહેલો કે મોડો ઝડપી લેશે. એની જિંદગીમાં ભાગ્યે
જ એવો કોઈ કેસ હતો જે એણે ઉકેલ્યો ન હોય. જોકે મને એ ખ્યાલ નહોતો કે એ આટલી જલ્દી
મારી સુધી પહોંચી શકશે. ખેર!
કેપ્ટન બક્ષીએ પણ ઘાટઘાટના પાણી પીધાં હતાં. મને ખબર હતી કે એ મને ઝડપી લેશે
પણ મને સોએસો ટકા ખાતરી હતી કે મને કોર્ટમાં ગુનેગાર ઠરાવી નહીં શકે. પેલો સાચું જ
કહેતો હતો કે અદાલત ન્યાયની નહીં પણ પુરાવાની હોય છે. અને રામાણીના બચ્ચાને ક્યારેય
મારી સામે પુરાવાઓ મળવાના નહોતા. આમેય એ 25 હત્યાઓ મેં કરી જ નહોતી. પણ એ મેં કરી હોત તો પણ
મને એનો રંજ થવાનો નહોતો. જેણે એ હત્યાઓ કરી હતી તેને માટે તો હું ગમે તે કરવા
તૈયાર હતો. એ મારો નાનપણનો મિત્ર હતો અને કેપ્ટન બક્ષી મિત્રો માટે કશું પણ
કરવામાં પાછી પાની કરતો નથી.
હું તો હિટલરના 'એક કોમ, એક રાષ્ટ્ર'ના સિદ્ધાતમાં નાનપણથી જ માનતો હતો. હું તો આજેય માનું છું કે, જ્યારે બાળકનો જન્મ
વેદના અને લોહી વહેવડાવ્યા વગર થઈ ન શકતો હોય તો આખા રાષ્ટ્રનું પુનઃનિમાર્ણ લોહી
વહેવડાવ્યા વગર કેવી રીતે થઈ શકે? ખેર ! એ દિવસે રહીમપુરામાં જે રીતે લોહી વહ્યું હતું તે
જોઈને તો હું પણ ખળભળી ઉઠ્યો હતો.
28મી માર્ચની રાત રહીમપુરાના રહીશો માટે કાળરાત્રી હતી. હિન્દુ વસ્તીથી ચારે
તરફથી ઘેરાયેલા રહીમપુરા વાસીઓ સાબરમતી ટ્રેનના સમાચાર સાંભળીને ફફડી ઉઠ્યા હતા પણ
એમને કોઈ મોટા ખતરાની કલ્પના નહોતી. રહીમપુરામાં માટેભાગે જે લોકો રહેતા હતા તે
અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા અને આસપાસના હિન્દુઓ પર ધાક જમાવવાની તક
ક્યારેય છોડતા નહોતા. 28મીએ સાંજે પણ એમણે ધાક જમાવવાના પ્રયત્ન કર્યો. ટોળાં તો
સવારથી જ ચારે તરફ હતા પણ વાતાવરણમાં ભારે દહેશત હતી. પોલીસ પણ ચારે તરફ હતી પણ
હજુ સુધી કશું થયું નહોતું. સાંજે ચાર વાગ્યે ગણેશ નામનો હિન્દુ યુવાન રહીમપુરાની
પાસે આવેલા ગલ્લે પડીકી ખાવા ગયો. એણે પડીકી લઈને પરત ફરતો હતો ત્યાં જ
રહીમપુરામાં રહેતો અનવર 'ટોપી' ત્યાં અાવ્યો હતો. આસપાસના વિસ્તારમાં એની ધાક સારી એવી હતી.
એ અને એના ત્રણ સાથીદારો ખુશ જણાતા હતા અને હસીમજાક કરતા હતા. ગણેશ આમ તો ક્યારેય
અનવરનું નામ લે એવો નહોતો પણ કોણ જાણે કેમ એણે એ દિવસે અનવરને કહ્યું 'ભાઈ જો હુઆ વો ઠીક નહીં
હુઆ' અનવરને
તેની હિંમત જોઈ ગુસ્સો ચઢ્યો એણે કહ્યું 'દેખ બે જો હુઆ વો ઠીક હી હુઆ હૈ' ગણેશે અવાજ ઊંચો ચઢાવ્યો
'ક્યા મતલબ?'
અને અનવરના ફોલ્ડરિયાઓએ
એને પકડ્યો અને મતલબ કી... કહી ગાળો ભાંડી એની ધોલધપાટ શરૂ કરી. બે ચાર લાફા અને
મુક્કા પડ્યા એટલે ગણેશે બૂમરાણ મચાવી અને એ પાછો દોડ્યો. આ બૂમરાણ સાંભળી
ટોળેટોળાં રહીમપુરાના નાકે પહોંચ્યા અને હિન્દુ યુવાન પર મુસ્લિમોએ હુમલો કર્યાના
સમાચાર આગની જેમ પ્રસર્યા હતા. લોકોનો રોષ આસમાને પહોંચ્યો હતો. હાથે ચડ્યું
હથિયાર લઈને લોકોએ હુમલો કર્યો હતો. પ્રથમ તો ભારે પત્થરમારો શરૂ થયો
રહીમપુરામાંથી વળતો જવાબ આવ્યો પણ હિન્દુઓને ઘણાં મોટી સંખ્યામાં હતા અને મરણિયા હતા.
થોડાક સમયમાં જ રહીમપુરામાં નાસભાગ મચી હતી.
હું પણ પથ્થરમારો કરી રહ્યો હતો. મેં નીચે વળીને વધુ એક પથ્થર મારવા માટે ઉઠાવ્યો ત્યાં કોઈએ મારો હાથ પકડ્યો. મેં
ચોંકીને પાછા વળીને જોયું એ પંડિત હતો. કેપ્ટન સંગ્રામ પંડિત. મારો નામપણનો મિત્ર
અને હવે ભારતિય લશ્કરની ગોરખા રેજિમેન્ટનો કેપ્ટન. રજા પર આવ્યો હોવાથી એ મને મળવા
આવ્યો હતો અને ગણેશે બૂમરાણ કરી ત્યારે શું થયું એ જોવા હું બહાર નીકળ્યો ત્યારે એ
મારા ઘરમાં બેસી ચા પી રહ્યો હતો. પાંચ મિનિટમાં હું આવું છું કહીને હું નીકળ્યો
હતો. મારા નીકળ્યાની મિનિટોમાં જ એ મારી પાછળ આવ્યો હતો,
સંગ્રામ મારો જીગરી દોસ્ત હતો. બે વર્ષ પહેલાં જ લશ્કરમાં ગુરખા રેજિમેન્ટમાં
જોડાયો હતો. અને સંખ્યાબંધ એન્ટીટેરેરીસ્ટ ઓપરેશનોમાં ભાગ લઈ કેપ્ટનની પદવી અને
નામના મેળવી હતી. વીરતા માટેનો કોઈ ચંદ્રક એને મળવાનો છે એમ કહેવાતું હતું.
ત્રાસવાદીઓ માટે એ કાળ બનીને ત્રાટકતો હતો અને નિશાનબાજી અને હાથોહાથની લડાઈમાં એ
અજોડ હતો. 'ક્લોઝ કોમ્બેટ'માં સમગ્ર વિશ્વમાં નામના કાઢી ચૂકેલા ગોરખાઓ પણ એને માનથી જોતાં. પણ
ત્રાસવાદીઓ સામેના ખૂન્નસનું કારણ હું
એકલો જ જાણતો હતો. સંગ્રામ એ દિવસે પણ કાળ બનીને આવ્યો હતો. એણે પથ્થર ઉપાડતાં મને
રોક્યો અને હસ્યો, ચાલ... અંદર જવું છે? એના કહેવાનો અર્થ હું સમજી શકતો હતો. મેં કહ્યું ચાલ... મને
ખબર હતી કે, હું યમને આમંત્રણ આપી રહ્યો હતો. સંગ્રામે ટોળાથી અવળો રસ્તો લીધો, હું એનું પગલું દબાવતો
એની પાછળ ઘૂસ્તોય. એના હાથમાં મેં કૂકરી જોઈ. ગૂરખાઓનું પ્રિય હિથયાર એ એક મકાન
પાછળ લપાયો અને ડોકિયું કરીને આગળની ગલીમાં જોયું કોઈ માણસ બૂમો પાડતો ગલીમાંથી
દોડતો આવતો હતો એ જેવો નજીક આવ્યો કે, સંગ્રામ ત્રાટક્યો. એ માણસે સંગ્રામને જોયો એ પહેલા
તો એની કૂકરીએના ગળાની આરપાર નીકળી ગઈ હતી. એ ચીસ પણ પાડી શક્યો નહીં. સંગ્રામે
બીજો ઘા ન કર્યો. એ દિવસે સંગ્રામને કોઈ નીવ ઉપર બી જો ઘા કરવાની જરૂર નહોતી પડી.
એ દીપડાની જેમ આડશો પાછળ લપાતો હતો અને સિંહની જેમ ત્રાટકી એક જ ઘાએ કામ પુરું
કરતો હતો. ગણતરીની મિનિટો વીતી ત્યાં તો એણે સંખ્યાબંધ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારી
દીધી હતી. બીજીતરફ બહારથી પથ્થરમારો વધતો જતો હતો. રહીમપુરા વાસીઓ જ્યાં રસ્તો
દેખાય ત્યાં દોડતા હતા. ભયાનક નાસભાગ ચાલી રહી હતી. આખી વસ્તી લગભગ ખાલી તઈ ગઈ
હતી. સંગ્રામ અને મારી વચ્ચેનું અંતર વધી ગયું હતું. એ હવે ઘરોના બારણાં ખોલીને
અંદર છૂપાયેલાઓને નિશાન બનાવતો હતો. મેં પણ ઘરોમાં જોવાનું શરૂ કર્યું. ત્રીજા
ઘરનું બારણું મેં ખોલ્યું અંદર એક છોકરી હતી. માંડ સત્તર-અઢાર વર્ષની એના ચહેરા પર
પારાવાર ભય હતો. એના અંગે સપ્રમાણ અને ઘાટીલા હતા. મને જોઈને એ રડવા માંડી અને
કહેવા માંડી મુઝે જીનો દો, મુઝે મત મારો મને આજેય નવાઈ લાગે છે, એ વખતે મારામાં પ્રચંડ કામેચ્છા
જાગી હતી. મેં અને પકડી અને ખૂણામાં આવેલા પલંગ પર નાંખી. એણે બચવા ચીસ પાડી પણ
પછી મેં એને જોરથી મુક્કો ફટકાર્યો એને હોઠમાંથી લોહી વહેવા માંડ્યું હું એની પર
સવાર થયો ત્યાં સંગ્રામનો અવાજ આવ્યો એ... શું કરે છે? મેં કહ્યું પૂણ્ય મળે છે યાર.
મને પતાવી લેવા દે પછી તારે જે કરવું હોય તે કરજે. એ છોકરીની જિદંગીનો હું પ્રથમ
અને છેલ્લો પુરુષ હતો. પાંચ મિનિટમાં મેં કામ પતાવ્યું હું કપડાં ઠીક કરતો બહાર
આવ્યો. સંગ્રામને કહ્યું હવે તારો વારો, લાવ કૂકરી હું બહાર ધ્યાન રાખું છું. એણે મને કૂકરી
ન આપી અને અંદર ઘૂસ્યો. હું બહાર ઊભો હતો. મેં આજુબાજુ જોયું. મારું કુતૂહલ સમાતું
નહોતું. પણ મેં પાછા વળીને જોવાનું ટાળ્યું.
અડધી મિનિટમાં જ એ પાછો આવ્યો. મેં આશ્ચર્યથી મેં અંદર ડોકિયું કર્યું. એ
છોકરી હજુ પણ પલંગ પર પડી હતી. એનું મોં એટલું જ સુંદર હતું અને આંખોમાં એવો જ ખૌફ
હતો પણ માથું અને ઘડ અલગ હતું.
ગણતરીની મિનિટોમાં અમે ત્યાંથી જ બહાર નીકળ્યાં. સંગ્રામ રહીમપુરાનાં રસ્તાઓ
જાણતો નહોતો પણ આજે એની છઠ્ઠી ઈન્ડ્રિય કામ કરતી હતી. એ ગણતરીની સેંકડોમાં એક
ગલીમાં થઈને બહાર નીકળ્યો. ગલીના છેડે ખાબોચિયું હતું. એણે એમાં ઝંપલાવ્યું અને
સામે છેડે નીકળ્યો. હું પણ એની પાછળ હતો. મારા પગ દોડતાં હતા પણ મગજ બહેર મારી
ગયું હતું. સંગ્રામે મિનિટો પહેલાં ચલાવેલા પાશવી હત્યાકાંડને કારણે હું કશું પણ
વિચારી શકતો નહોતો. મને એના ખુન્નસ અને આક્રોશ પાછળનું કારણ ખબર નહતી. કદાચ
સંગ્રામના તમામ મિત્રોમાં હું એકલો જ એવો હતો જેને એ દુઃખતી નસ ખબર હતી. એણે
રહીમપુરામાં કરેલી હત્યાઓ સૂર્યજા માટેનો બદલો હતો.
ભાસ્કર પંડિતની કેફિયતઃ-----
મેં જ્યારે જાણ્યું કે, રહીમપુરામાં હિન્દુઓએ ત્રીસ મુસ્લિમોને પતાવી દીધા છે
ત્યારે મારા હૃદયના એક ખૂણામાં શાંતિ થઈ હતી. આ કામમાં હું પોતે પણ જોડાયો હોત પણ
હવે મારી અવસ્થા થઈ હતી. 85 વર્ષે માણસ શું કરી શકે? પણ હું જ્યારે જુવાન હતો ત્યારે
મારા નામની ફેં ફાટતી હતી. મુસ્લિમો માટે
ભાસ્કર પંડિતનું નામ ચમથી ઓછું નહોતું. પણ મારો એ કોમ પ્રત્યેનો રોષ સૂર્યજાના
કારણે ઝનૂનમાં ફેરવાઈ ગયો હતો. મૂળ તો એનું નામ સૂર્યજા નહોતું એનું નામ હતું
શૈલજા, અત્યંત
સુંદર અને મેઘાવી દરેક પિતાને એની પુત્રી વહાલી હોય છે. પણ શૈલજા તરફનો મારો
પક્ષપાત આખું કુટુંબ જાણતું હતું. એનો પડ્યો બોલ ઝીલાતો. એટલે જ એનું લાકડું નામ
પડ્યું હતું. સૂર્યજા. એને સૌથી વધુ લાગણી મારા પૌત્ર સંગ્રામ પ્રત્યે હતી. એ
જેટલો સમય ઘરમાં હોય તેટલો વધુ સમય સંગ્રામ સાથે ગાળતી. સંગ્રામ પણ એનો હેવાયો
હતો. મને હજી યાદ છે. સંગ્રામને બચાવવા એણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. એ
દિવસે સંગ્રામ અને એ અમારા મકાનના ધાબા ઉપર રમતાં હતા ત્યાં સંગ્રામને તરસ લાગી
અને શૈલજા પાણી લેવા નીચે ઉતરી હતી. ત્યાં એક વિકરાળ વાંદરો ક્યાંકથી આવી ચડ્યો
હતો. એ એના ટોળાંથી છૂટો પડેલો હતો અને ભારે ક્રોધિત હતો. કોણ જાણે કેમ એણે એકલા
સંગ્રામ પર હુમલો કર્યો. એણે સંગ્રામને માથામાં થપાટ મારી અને કૂલ જેવા સંગ્રામ
રડવા માંડ્યો. એના રડવાનો અવાજ સાંભળી શૈલજા દોડતી ઉપર ચડી. સંગ્રામ પાસે વાંદરાને
જોઈને એ હેબતાઈ ગઈ. પણ ક્ષણાર્ધમાં તો એ બૂમ પાડીને વાંદરા તરફ દોડી વાંદરાએ
સંગ્રામ પડતો મૂક્યો અને એ પણ ઘુઘવાટા કરતો શૈલજા તરફ દોડ્યો. શૈલજાને એમે ઠેરઠેર
નખોરિયા ભર્યાં. શૈલજાએ પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો પણ એનું કેટલું ગજું?
વાંદરાએ એને ધક્કો
માર્યો અને એ ધાબાની પાળીના ખૂણા સાથે અથડાઈ અને એના કપાળમાં અંગ્રેજી 'વી'ના આકારનો ઘા પડ્યો.
દરમિયાન ઘરના બધા સભ્યો દોડી આવ્યા અને વાંદરો નાસી ગયો. એ દિવસે શૈલજાએ હિંમત ન
દાખલી હોત તો કદાચ સંગ્રાના સોએ વરસ પૂરા થઈ ગયા હોત. એ દિવસ પછી સંગ્રામ એક
અઠવાડિયું શૈલજાને ચીપકી રહ્યો હતો. એણે બીજા કોઈના હાથનું આપેલું ખાવાનું પણ બંધ
કરી દુધું હતું. એની આ ટેવ એને ભારે પડી હતી. શૈલજા એક દિવસ એક મુસ્લિમ યુવક સાથે
નાસી ગઈ હતી. મારે મોં કાળું કરવાનો વખત અાવ્યો હતો. ભાસ્કર પંડિતની અાબરૂ સરેઆમ
લિલામ થઈ ગઈ હતી. કોઈ કહેતું હતું એને પેલા યુવકે છેતરી હતી. કોઈ કહેતું હતું.
બંને વચ્ચે લાંબા સમયથી કંઈક હતું. જોકે એણે ઘર થોડ્યું ત્યારથી જ એ મારા માટે મરી
ગઈ હતી. આખા ઘરમાં જાણે કોઈ મરી ગયું હોય એવો શોક હતો. સંગ્રામે ખાવાનું છોડી
દીધું હતું. એને મનાવતા નાકેદમ આવ્યો હતો. પહેલો િદવસ તો એણે જેમ તેમ કાઢ્યો. બીજા
દિવસે એણે તોફાન માંડ્યું હતું. કોઈનાથી એ માન્યો ન હોતો. કલાકો વીતતા હતા અંતે
મેં પકડ્યો અને કહ્યું શૈલજાને રાક્ષસ
ઉપાડી ગયો છે એ હવે એને ખાઈ જસે. સંગ્રામ માનવા તૈયાર નહોતો. અંતે અકળાઈને મેં
તમાચો ઠોક્યો અને કહ્યું એકવાર કહ્યું ખબર પડતી નથી? શૈલજાને રાક્ષસ ઉપાડી ગયો છે. એ
સ્તબ્ધ થઈ ગયો. ઘરના સૌ હેબતાઈ ગયા. એ પછી મારા ઘરમાં ક્યારેય સૂર્યજાનું નામ
લેવાયું નહોતું. મારા હૃદયના ખૂણામાં પડેલો ઘા ક્યારેય રુઝાયો નહોતો પણ
રહીમપુરામાં જે બન્યું એ સાંભળીને મને ઠંડક પહોંચી હતી.
જજ શ્રીદારૂવાલાની કેફિયત :
વિશાલ બક્ષી એન્ડ અધર્સ વર્સિસ સ્ટેટ. આ કેસ મારી લાંબી કારકિર્દીમાં સૌથી
નિર્ણાયક હતો. ત્રીસ માણસોનો ભોગ લેનારો હત્યાકાંડ ભાગ્યે જ થાય છે અને ભાગ્યેજ
અાટલા બધા સાક્ષીઓ અને પુરાવા ચકાસવાના હોય છે. અડધી ટ્રક ભરાય એટલા કાગળો આ
કેસમાં ભેગા થયા હતા. પોલીસે વિશાલ વક્ષી સહિત 95 આરોપીઓને પકડ્યા હતા અને એમની
સામે ચાર્જશીટ મૂકાયું હતું. દેશ અને દુનિયાની નજર આ કેસ પર હતી. ગોધરાકાંડનો આ
બીજા નંબરનો સૌથી મોટો પણ પ્રથમ નંબરનો સૌથી પાશવી હત્યાકાંડ હતો. દરેક મુદતે
અદાલતનો ખંડ ભરાઈ જતો. દેશના શ્રેષ્ઠ વકીલો કેસની રોજેરોજની કાર્યવાહીથી માહિતગાર
રહેતા હતા અને રાજ્યના શ્રેષ્ઠ વકીલો આરોપીઓ તરફે મેદાનમાં ઉતર્યા હતા.
તપાસ અધિકારી રામાણીએ આરોપીઓ સામે જડબેસલાક કેસ ઊભો કર્યો હતો એનો પ્રથમનંબરનો
આરોપી હતો વિશાલ બક્ષી. એની ઉપર ત્રીસમાંથી મોટાભાગની હત્યાઓમાં મદદગારી કરવાનો
ઓરોપ હતો. બાકીનાઓનો રોલ સપોર્ટીવ હતો. રામાણીએ વિશાલે વાપરેલું હથિયાર પણ કબજે
કર્યું હતું. વિશાલનો અંત સ્પષ્ટ હતો પણ એને જાણે એની કોઈ ફિકર જ નહોતી. અદાલતમાં
મોટે ભાગે એ સ્વસ્થ જ રહેતો. ક્યારેય એના ચહેરા પર ચિંતા દેખાતી નહોતી. સુનાવણી
વખતે અદાલતમાં બેઠેલા એના પરિચિતો સામે જોઈને એ મલકાતો રહેતો.
સુનાવણી શરૂ થઈ એના મહિના પછી અદાલતમાં નિયમિત બની ગયેલો કે યુવાને મારું
ધ્યાન ખેંચ્યું હતું. એ યુવાન હંમેશા પ્રથમ હરોળમાં જ બેસતો. એ અદાલતના ઘણાં સમય
પહેલાં જ આવી જતો હતો. ક્રુ કટ કાપેલા વાળ, ગોરે વર્ણ ભરાવદાર કભાવાળો એ
યુવાન હંમેશા લાંબી બાયના શર્ટ ઈસ્ટ્રીબંધ પેન્ટ અને કાળા ચક્ચકિત બૂટ. એને કોઈ
પ્રથમ નજરે જ કોઈ માર્કેટિંગ કંપનીનો એક્ઝિક્યુટિવ માનીલે, પણ એની અાંકો અજબ હતી. અતરનાક
રીતે સ્થિર. આરપાર વીંધી નાંખે તેવી. વિશાલ સામે જોઈને એ હસતો. બન્નેની પ્રથમ નજર
મળે એટલે બન્ને થમ્સઅપની સાઈન કરતા. કેસની કાર્યવાહી એ ધ્યાન પૂર્વક સાંભળતો. લગભગ
એક મહિના સુધી એ આવ્યો અને પછી એ કદમ અદ્રષ્ય થઈ ગયો. ફરી ક્યારેય અદાલતમાં નજરે
ચડ્યો નહીં.
કેસ આગળ વધતો ગયો. સાક્ષીઓની તપાસ અને સરતપાસ દિવસો અને ક્યારેક તો મહિનાઓ
સુધી લંબાતી ગઈ વિશાલ બક્ષીની ગરદન ફરતે ગાળિયો ચુસ્ત બની રહ્યો હતો.
કેસના છઠ્ઠા મહિને અદાલતના ખંડમાં વિચિત્ર ઘટના બની. હત્યાકાંડનો ભોગ બનેલા
લોકો મૃતદેહોનું પી.એમ. કરનારા ડો. જે. જોસેફની જુબાની ચાલુ હતી ત્યારે એક
છૂટ્ટાવાળવાળી લધરવધર મહિલા ધસી આવી. એના હાથમાં એક પોટલી હતી. જેમાં ત્રણ ચાર
પથ્થરો અને ઈંટના ટાકડા હતા. એણે આરોપીઓ તરફ પથ્થરો અને ઈંટોના ટૂકડા મારી બેફામ
ગાળો આપવાનું શરૂ કર્યું. ગણતરીની મિનિટોમાં તો પોલીસોએ એને પકડીલીધી બાદમાં ખબર
પડી કે, રહીમપુરામાં
જે યુવતી પર બળાત્કાર ગુજારાયો હતો તેની એ મા હતી. હત્યાકાંડના બીજા દિવસથી જ એ
પાગલ થઈ ગઈ હતી. અને એટલે જ કદાચ સાક્ષી તરીકે રજૂ કરાઈ નહોતી. આ ઘટના પછી અદાલતની
કાર્યવાહી અત્યંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ચલાવાઈ અંદર આવતા તમામનું પગથી માથા
સુધી મેટર ડિટેક્ટરો વડે ચેકિંગ કરાતું હતું.
દોઢ વર્ષે આ કેસનો ચુકાદો આવ્યો હતો. ચુકાદો જાહેર થતાં પહેલાં કેટલાંક સિનિયર
જજોને એ વાંચવો હતો તે કેટલાંક સિનિયર જજોને મારે વંચાવવો હતો. આના કારણે મારે
ચુકાદાની તારીખ અઠવાડિયું પાછી ઠેલવી પડી હતી. ચુકાદાને અંતિમરૂપ આપતા પહેલાં
તેમાં તેમાં મેં કેટલાંક ફેરફાર પણ કર્યા હતા.
મને પહેલેથી જ ખાતરી હતી કે, વિશાલ બક્ષી હત્યારો નહોતો. એને જોયો ત્યારથી મને ખબર હતી આ
માણસ કોઈને મારી શકે તેમ નથી. મેં જિંદગીમાં સેંકડો હત્યારાઓ જોયા હતા. કદાચ
હત્યારાઓ ઓળખવાનો હું એટલો અભ્યસ્ત હતો કે, સો માણસના ટોળા પર પાંચ મિનિટ
નજર ઠેરવીને હું કહી શકું કે આ ટોળામાં ક્યારેય કરી હોય એવો માણસ કોણ છે.
કેસ શરૂ થયાના દોઢ વર્ષે મેં ચુકાદો જાહેર કર્યો હતો. અદાલતમાં વજ્રઘાત થયો
હતો. સિત્તેર આરોપીઓ નિર્દોષ છૂટયા હતા. 14ને ફાંસી થઈ હતી 11ને જનમટીપ. વિશાલ બક્ષી હસતો હતો
24 જણ રડતા
હતા.
અદાલતખંડમાં લોકોના ટોળેટોળાં જામ હતા. ચુકાદો જાહેર કરીને હું મારી ચેમ્બરમાં
જતો રહ્યો હતો પણ અડધો કલાક સુધી સજા પામેલા આરોપીઓને લઈને પોલીસ કોર્ટ રૂમમાંથી
બહાર નીકળી શકી નહોતી. અંતે આખું સરઘસ કમ્પાઉન્ડમાં ગયું હતું. લોકોને દૂર હટાવતાં
પોલીસો બૂમરાણ મચાવતા હતા. એ જ સમયે મને તાત્કાલિક ઘરે પહોંચવાનો ફોન આવ્યો. મારી
પૌત્રીને પડી જવાથી વાગ્યું હતું. બીજા કોઈ સમયે મેં કમ્પાઉન્ડ ખાલી થવાની રાહ જોઈ
હોત પણ મારી પૌત્રીમને બહુ જ વહાલી હતી. હું રાહ જોવા તૌયાર નહોતો. મેં મારા
ચપરાસીને કહ્યું મારે ઘરે જવું પડશે. એ દોડતો જઈને કેટલાક પોલીસોને બોલાવી લાવ્યો.
એમણે ટોળામાંથી રસ્તો કર્યો. હું એમની પાછળ જઈ રહ્યો હતો. મારી કાર પોલીસની વાનની
પાછળ હતી. વાનમાં આરોપીઓને એક પછી એક બેસાડતા હતા. મેં જોયું ત્યારે લગભગ બધા
આરોપીઓને વાનમાં બેસાડી દેવાયા હતા. વિશાલ બક્ષી હજુ નીચે હતો. પોલીસો એને અંદર
બેસાડવા માટે ખેંચતા હતા પણ એનો હાથ એક મજબૂત યુવાને પકડ્યો હતો અને એ વિશાલને
છોડતો નહોતો. થોડીક ક્ષણો ખેંચતાણ થઈ અંતે યુવાને વિશાલનો હાથ છોડ્યો અને થમ્સ
અપની સાઈન કરી. વિશાલે પણ થમ્સ અપની સાઈન કરી પોલીસો એનો ડાબો હાથ પકડી ખેંચી
રહ્યા હતા. એણે જમણા હાથે સેલ્યૂટ કરી અને મોટેથી બૂમ મારી કેપ્ટન બક્ષી લિવિંગ
યુ.... સંગ્રામ પંડિત એ હસતો હતો. એટલામાં જ એક વૃદ્ધા ટોળામાંથી આગળ આવી એને
અટકાવવાની કોશિષ કરતા પોલીસોને હડસેલીને એણે વિશાલના વાળ પકડ્યા. પોલીસો આ નવા
તોફાનથી એક ક્ષણ ડધાઈ ગયા. વીખરાયેલા વાળ અને લધરવધર વસ્ત્રોવાળી વૃદ્ધાને હું
ઓળખી ગયો એણે અદાલતમાં પણ અગાઉ તોફા ન મચાવ્યું હતું. એ પોલી બળાત્કાર હત્યાનો ભોગ
બનેલી યુવતીની પાગલ મા હતી. સ્થિતિ અત્યંત સ્ફોટક હતી. બબ્બે પોલીસો પણ એ અશક્ત
વૃદ્ધાના હાથમાંથી વિશાલનું માથું છોડાવી શકતા નહોતા. આ સમયે વિશાલનો પેલો મિત્ર
આગળ આવ્યો અને એણે સહેલાઈથી એ વૃદ્ધાના બંને હાથ પકડીને વિશાલને મુક્ત કરાવ્યો
વૃદ્ધા હજુ જોર કરી રહી હતી પણ પેલો યુવાન એના કરતાં અનેક ગણો તાકતવર હતો. હવે
જાપ્તાનો એક પોલીસવાળો પણ વૃદ્ધાને દુર કરવાનો પ્રયત્ન કરવા માંડ્યો પણ એ કદાચ
વૃદ્ધાના ભૂતકાળથી વાકેફ હતો, એણે પેલા યુવાને કહ્યું. જવાદો સાહેબ, ગાંડી છે. રહીમપુરામાં
જે છોકરી પર બળાત્કાર કરી મર્ડર કરાયું હતું એ આ ગાંડીની છોકરી હતી. પેલો યુવાન
હસ્યો જાણે પોલીસવાળાની કોઈ પણ વાત ન સાંભળી હોય તેમ પણ એણે વૃદ્ધાના હાથ છોડ્યા
નહીં. એને જાણે મજા આવતી હતી. આખરે વૃદ્ધાએ પોતાના હાથ છોડાવવા અંતિમ જોર અજમાવવા
માથું ઉચક્યું એના ચહેરા પરથી વાળ ખુલ્લા થયા. પેલા યુવાને એ ચહેરો જોયો. વેદના,
લાચારી અને
ક્રોધથી ત્રસ્ત પાગલ ચહેરો. પેલા યુવાને મોટેથી બૂમ પાડી અને પલક ઝપકતાં જ જમણો પગ
ઉંચો કરી મોજા પાસે બાંધેલી છરી ખેંચી કાઢી અને કોઈને કાંઈ ખબર પડે એ પહેલા એ છરી
મૂઠ સુધી વિશાલની છાતીમાં ઉતરી ચૂકી હતી....
મારો ચપરાસી એ સાંજે મને કહેતો હતો એ યુવાને હટજા કહીને પેલી વૃદ્ધાને ધકો
માર્યો અને પછી એને મારવાના પ્રયાસમાં એનાથી વિશાલને છરી વાગી ગઈ. મને લાગ્યું કે
એણે છરી વિશાલને જ મારવા કાઢેલી અને હા એ પેલી વૃદ્ધાને ધક્કો મારતી વખતે હટજા
નહોતો બોલ્યો મેં સાંભળ્યું હતું એ બોલ્યો હતો. 'સૂર્યજા...' આ કદાય મારો ભ્રમ પણ
હોય. વિશાલ બક્ષી સામેના સ્ટેટના કેસનો એ અંત હતો. ફાંસીના માંચડા સુધી પહોંચવા
વિશાલ જીવી શક્યો નહોતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો