ગુરુવાર, 20 જૂન, 2013

લેન્ડ સ્લાઈડ


                                      લેન્ડ સ્લાઈડ
ચકાચૌંધ રોશની અને ફ્લેશ લાઈટના ઝબકારા વચ્ચે રશ્મિ રાહુલને કહી રહી હતી, 'રાહુલ જીવનના દરેક પ્રસંગે એ તારો સાથ નિભાવીશ, કોઈ પણ મુશ્કેલીમાં એ તારી સાથે રહીશ અને એણે રાહુલની આંગળીમાં વીંટી પહેરાવી. અમદાવાદની કામા હોટલમાં યોજોયેલા એ નાનકડા પણ ભવ્ય સમારંભમાં હાજર સૌએ રશ્મિને તાળીના ગડગડાટથી વધાવી લીધી. હવે રાહુલનો વારો આવ્યો. એણે કહ્યું 'રશ્મિ, જીવનના દરેક પ્રસંગે એ તારો સાથ નિભાવીશ... એ ખચકાયો એણે સામે ઉભેલા સુરજીત સામે  જોયું એની આંખોમાં વિચિત્ર ચમક હતી.
                                       ----------------------------
યૂથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઈન્ડિયાના અમદાવાદ મેઈન યુનિટે 1995ના ઓગસ્ટ મહીનામાં વેલી ઓફ ફ્લાવર્સના ટ્રેકીંગ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. . સુરજીતના ભણવાના વર્ષો પૂરા થયા હતા અને નોકરીના વર્ષો શરૂ થવાને હજુ વાર હતી. સુરજીત અને એનો એક મિત્ર એ ટ્રેકમાં જોડાયા હતા. એ બંન્ને જ્યારે બદરીનાથ ખાતે આવેલા બેઝ કેમ્પ પર પહોંચ્યા ત્યારે અમને ચારથી પાંચ ડોક્ટરો મળ્યા એ તમામ એડવેન્ચર માટે ટ્રેક પર નીકળ્યા હતા.એ લોકો પણ એમના જ  ગ્રુપમાં હતા. એમની સાથે રાહુલ, રશ્મિ અને એની નાનીબહેન સુરભિ પણ હતા. સુરભિ પોતાના પરિચયની ત્રીજી જ મિનિટે એની બહેન રશ્મિ અને રાહુલ એક બીજા સાથે એંગેજમેટ કરવાના છે એમ કહ્યા કરતી હતી. એટલે ગ્રૂપમાંના દરેકને અડધો કલાકમાં જ રાહુલ અને રશ્મિ ટૂંક સમયમાં પરણવાના છે એ અંગે જાણ થઈ ગઈ હતી.
વેલી ઓફ ફલાવર્સ જેવા હાઈ એલ્ટીટ્યૂડવાળા ટ્રેકમાં પ્રથમ દિવસ એક્લાઈમેટાઈઝેશનનો હોય છે. જેમાં કેમ્પલીડર હવામાન અને ઉંચાઈથી વાકેફ થવાનો અભ્યાસ અભ્યાસ કરાવે છે. સુરજીતને અને એમના આખા ગ્રુપને એકસરસાઇઝ માટે લઇ જવાયા. પ્રથમ કલાક તો આસાનીથી પસાર થયો પણ બીજા કલાકમા વિચિત્ર ઘટના બની. રસ્તા પર ગ્લેશિયરમાંથી આવતું ઠંડુ પાણી વહી રહ્યું હતું. આગલે દિવસે વરસાદ સારો થયો હતો. એટલે ઠેરઠેર લેન્ડ સ્લાઈડ થઈ હતી. આ પાણી લગભગ એકાદ ફૂટ ઉંડુ હતું અને એમાંથી પસાર થવા માટે થોડા થોડા અંતરે પથ્થરો મૂક્યા હતા. ગ્રૂપના લોકો એક પછી એક પસાર થઈ રહ્યા હતા. રશ્મિનો વારો આવ્યો એટલે એ અટકીને બાજુમાં ઉભી રહી ગઈ. એની પાછળ આવનારા તમામને આશ્ચર્ય થયું પછી એણે રાહુલને પાસે બોલાવ્યો અને બન્ને એકબીજાના હાથ પકડીને કંઈક વધુ પડતી જ એક બીજાની સંભાળ લેતા પથ્થરો પર સાચવી સાચવીને પગ મૂકતાં મૂકતાં આગળ વધવા માંડ્યા. ગ્રૂપના દરેક માટે આ આશ્ચર્યકારક ઘટના હતી. સામાન્ય રીતે ટ્રેકમાં આવા ટાયલાંને કોઈ સ્થાન હોતું નથી. કોઈ પણ મુશ્કેલી આવે એટલે પહેલાં બાળકો, પછી મહિલાઓ અને પછી પુરુષોને સલામત સ્થળે ખસેડવાના હોય છે એ નિયમ દરેક ટ્રેકની શરૂઆતમાં જ કહી દેવાતો હોય છે. આ ગ્રુપમાં બાળકો હતા નહીં એટલે સલામત નીકળવા માટે મહિલાઓનો અગ્રતાક્રમ હતો. રશ્મિ અને રાહુલના આ 'પબ્લિક શો'થી આ ક્રમ તૂટ્યો હતો જોકે સુરભિની આપેલી માહિતી દરેક પાસે હતી એટલે કોઈએ કોઈ વાંધો લીધો નહીં.
એ લોકો જેમ જેમ ટ્રેકમાં આગળ વધતા હતા તેમ તેમ વરસાદ વધતો જતો હતો. પહાડો પરનો વરસાદ અને જમીન પરના વરસાદની અસરમાં આસમાન જમીનનો ફેર હોય છે. પહાડો પર વધુ વરસાદ થાય એટલે પવર્તો પરથી મોટા પ્રમાણમાં માટી વહી નીકળે છે. અને એ પાણી માટીના મિશ્રણથી વધુ ઘટ્ટ બને છે. વળી પર્વતોની ટોચ પરથી આવતું હોવાથી એ જોશભેર વહે છે. આવા ઘટ્ટ બનેલા પાણીની તબાહી મચાવવાની ક્ષમતા અનેક ગણી વછે છે. જેમ જેમ વરસાદ વધતો જતો હતો તેમ તેમ લેન્ડ સ્લાઈડની સંખ્યા અને ભયાનકતા વધતી જતી હતી. આ ગ્રુપ જેમ તેમ કરીને ટ્રેક પૂરો કરી રહ્યું હતું. હેમકુંડ સાહેબથી પાછા ફરતા પણ એમને એક લેન્ડ સ્લાઈડ નડી પણ શિસ્તમાં રહી એમણે આબાદ રીતે એ લેન્ડ સ્લાઈડ પાર કરી દીધી હતી. જો કે એ પછીની લેન્ડસ્લાઇડમાં એમની શિસ્ત તૂટી હતી અને ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. એ લોકો ગૌરીકુંડથી પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક ભયાનક લેન્ડ સ્લાઈડ થઇ હતી.. એક તરફના ઉંચા પવર્ત પરથી ગબડેલી શિલાઓએ રસ્તાને સાવ તોડી નાંખ્યો હતો. રસ્તાની બીજી તરફ ઉંડી ખીણ અને ખીણમાંથી વહેતી ભયાનક ઝડપે અલકનંદા હતી એટલે જોખમ લેવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. જો એક પગલું પણ ખોટું મંડાય તો મોત નિશ્ચિત હતું. ઢીંચણ સમાણા વહેતા કીચડમાં મોટી મોટી શિલાઓ ગોઠવીને લેન્ડ સ્લાઇડમાંથી પસાર થવાનો રસ્તો સ્થાનિક લોકોએ કર્યો હતો. પણ આ માટે એક પછી એક પસાર થવાનું હતું અને આ લેન્ડ સ્લાઇડ કોઇ અનુભવીની મદદ વિના પસાર કરવી અઘરી હતી. અંધારુ ઘોર બની રહ્યું હતું. જો એક ડગલું પણ ગારામાં પડે તો એ વહેતો કિચડ સીધો જ તમને અલકનંદા ભેગો કરે એ નિશ્ચિત હતું. આટલું ઓછું હોય તેમ ઉપરથી સતત પથ્થરો પડતાં હતાં. એનાથી પણ બચવાનું હતું. ઉંચાઈએથી પડેલો નાનો પથ્થર પણ વાગે તો જીવલેણ ઈજા થાય એવા સંજોગો હતા. આવા ભયાનક સ્થિતિમાં ગ્રૂપની શિસ્ત તૂટી હતી અને સુરજીતને એની સૌથી પહેલી ખબર પડી હતી. થયું હતું એવું કે, લાઇનમાં સુરજીતનો  નંબર છેલ્લે હતો. એ પોતાનું રકસેક ત્યાં મૂકીને લેન્ડ સ્લાઈડ જોવા આવ્યો હતો. એની પાસે ત્રણ સેલની મોટી પાવરફૂલ ટોર્ચ હતી. એ ટોર્ચની લાઈટમાં પથ્થરો ક્યાં ક્યાં છે અને સૌથી સલામત કેવી રીતે જવાય એ માટેનો રસ્તો ચકાસી રહ્યો હતો. ત્યાં કોઈ ભયંકર ગેરસમજ કારણે  ગ્રૂપના લોકો એ લેન્ડસ્લાઈડમાં ઉતરી પડ્યા હતા. અને કીચડમાં ખેંચાવા માંડયા હતા. આથી કેમ્પ લીડર અને સુરજીતને માથે  એક એકને ખેંચીને સામે પાર લઈ જવાનું કપરું આવી પડ્યું હતું. સુરજીતે ટોર્ચની લાઈટમાં પથ્થરોનો રૂટ જોયો હતો. એટલે એ આસાનીથી એક પછી એક લોકોને રસ્તો પાર કરાવી રહ્યો હતો. રાહુલ અને રશ્મિ હંમેશના જેમ સાથે હતા રાહુલે કહ્યું તું આગળ વધ હું આવું છું. રશ્મિ એ વહેતા કાદવમાં ઉતરી અને ખેંચાઇ એણે રાહુલને બુમ પાડી. એ બંન્ને વચ્ચે હવે અંતર વધતું હતું. એ જ સમયે સુરજીત  એક વ્યક્તિને સામે પાર મૂકીને પાછો આવ્યો ત્યારે રાહુલને એણે જોયો રાહુલે સુરજીતને કહ્યું જલ્દી કર મારે સામે જવું છે.  સુરજીતે એને  સરળતાથી સામે પહોંચાડી દીધો. વીસેક જણને આવી રીતે સામે પહોંચાડ્યા પછી એ થાક્યો હતો. એટલે એ સામે પાર પહોંચીને થોડીવાર ઊભો રહ્યો. પહાડો પર ઓક્સિજન ઓછો હોવાને કારણે થાક ઝડપથી લાગે છે.સુરજીત હાંફતો ઊભો હતો ત્યાં રાહુલ એની પાસે આવ્યો અને કહ્યું રશ્મિ હજુ પેલી બાજું છે. સુરજીત ખરેખર થાક્યો હતો એટલે એણે રાહુલને કહ્યું હું થાક્યો છું તું રસ્તો જાણે છે મારા ટોર્ચ લઈને જા અને રશ્મિને લઈ આવ. રાહુલ ચમક્યો એની આંખમાં ભયની અને સ્વાર્થની વિચિત્ર લાગણી આવી. એણે કહ્યું હું નથી જતો તું જઈને લઈ આવ. આટલું કહીને એ પાછો ફરી ગયો ત્યાં ઊભો પણ ન રહ્યો. રશ્મિની સાથે જ સતત રહેતા રાહુલનું વર્તન સુરજીત માટે અજીબ કોયડો હતું. પણ એની  પાસે હવે કોઈ રસ્તો બચ્યો નહોતો એ પાછો ફર્યો અને જોયું તો રશ્મિ કાદવમાં ફસાયેલી હતી. એ તૂટેલા રસ્તાની ધારથી માત્ર પાંચ ફૂટ દૂર હતી અને ખીણ તરફ ખેંચાઇ રહી હતી. હવે એક પળનું મોડું કરવું પણ પાલવે એમ નહોતું. સુરજીત પણ હવે કેડ સમાણા કીચડમાં ઉતર્યો અને એણે માંડ માંડ રશ્મિને બહાર ખેંચી અને એને લેન્ડસ્લાઇડની બહાર  લઈ આવ્યો રશ્મિ આવતાની સાથે રાહુલ એને ભેટી પડ્યો અને એણે એને કહ્યું હું તને લેવા આવવાનો જ હતો. રશ્મિ એને પુછી રહી હતી.. મને આગળ વધવાનું કહી તું કયાં જતો રહ્યો હતો. સુરજીતે રાહુલની સામે જોયું.  એ સમયે પણ હજુ પણ રાહુલની  આંખમાં એ  ભયની વિચિત્ર ચમક હતી.
               -------------------------------------------------------------------
મોંઘીદાટ શેરવાનીમાં સજજ રાહુલે સુરજીત સામે જોયું એ ખચકાયો અને એક પળ માટે એ જ ચમક એની આંખમાં આવી. એણે બોલવાનું શરૂ કર્યું. રશ્મિ જીવનની દરેક મુશ્કેલીમાં તારી સાથે રહીશ અને વિંટી પહેરાવી. હવે બંને એંગેજ્ડ હતા. લેન્ડસ્લાઈડનું સત્ય.... રાહુલનું સત્ય...  સુરજીત રશ્મિને ક્યારેય કહી શક્યો ન હતો, કહી શકવાનો નહોતો. દરેક સત્ય દરેકને કહેવા જેવા હોતા નથી.
http://pranavgolwelkar.blogspot.in/

1 ટિપ્પણી:

  1. બહુ સરસ નવલિકા છે..અને શિર્ષક પણ એકદમ બન્ધબેસે છે..land slide જેવા જ પ્રેમ હોય છે અત્યારે...
    જો તમે લખી હોય નવલિકા તો ખુબ સરસ..બીજા કોઈ author હોય તો આવી માર્મિક નવલિકાને post કરવા બદલ Thank you...

    જવાબ આપોકાઢી નાખો