કહેવાતા ખ્યાતનામ લેખકોની મોટા ભાગની કમાણી ભાષણોમાંથી આવે છે.
‘‘જે દિવસે કલમ ઉપાડી હતી એ
દિવસે જ બગાવત શરૂ થઈ ગઈ હતી.
એ દિવસોમાં પત્રકાર કે પત્રકારત્વ શબ્દના શબ્દાર્થની ખબર ન
હતી.’’ - ચંદ્રકાંત બક્ષી
કોઇક કંકોત્રી લખીને ‘‘બે પૈસા’’
રળવાની ફિરાકમાં છે, કોઈક ભાષણો આપવાના આમંત્રણોને ‘‘કવર’’
કરવાની વેતરણમાં છે, કોઈક વળી ભૂતિયા નામે પૈસાદારોની જીવન કથા લખી રહ્યા છે,
કેટલાંક બીજાના માટે પ્રેમપત્રો લખી રહ્યા છે,
એકાદ બે તો શ્રદ્ધાંજલિ માટેનું મેટર લખી આપી
‘‘કાગવાસ’’ પામવાની પ્રતિક્ષામાં છે. આપણે ભલે સમૃદ્ધ પ્રજા હોઈએ પણ ગુજરાતી લેખકોને કમાણી કરવા જાતભાતના તિકડમ કરી રહ્યા છે.
ગુજરાતી પુસ્તકો લખવા એ લાખના બાર હજાર કરવાનો ધંધો છે.
પ્રકાશકો કમાય છે ઝાઝું પણ લેખકોને આપે છે ઓછું.
લેખક મહેનત કરીને સો, બસો કે ત્રણસો પાનાની ચોપડી લખે પણ એ
કેટલો ‘‘સેલેબલ’’ છે એ
જોઇ ચકાસીને પ્રકાશકો રોયલ્ટી નક્કી કરે છે.
દિગ્ગજ લેખકોને ચાલીસ ટકા સુધી રોયલ્ટી મળે છે પણ ઉગતા લેખકોને નગણ્ય રોયલ્ટી મળે છે.
ગુજરાતી પુસ્તકોની આવૃત્તિમાં હજારથી તેરસો કોપી હોય છે એટલે બિચારા લેખકના ભાગે આવે માંડ દસથી પંદર હજાર રૂપિયા.
આ દર્દનાક સ્થિતિ છે. ફોર્બ્સ મેગેઝિનના અંદાજ પ્રમાણે લેખક જેમ્સ પેટર્સનની
2015માં
આવક 8 કરોડ 90 લાખ ડોલરની હતી.
એણે 18 પુસ્તકો લખ્યા હતા અને ત્રિરાશી માંડો તો એને પ્રત્યેક પેજ લખવાના
13 હજાર
ડોલર એટલે કે 8.68 લાખ રૂપિયા મળ્યા હતા.
ગુજરાતી લેખકને હાર્ટએટેક આવી જાય એવા આંકડા છે.
ઘણા ખ્યાતનામ ગણાતા ગુજરાતી લેખકો આખી જિંદગી કલમ ઘસીને પણ આટલી કમાણી કરી શકતા નથી.
ગુજરાતી લેખકોની ચોપડીઓ ‘કોમિક’
હોય છે પણ એમની એકાઉન્ટ બુક્સ ટ્રેજિક હોવાની તમામ સંભાવના છે.
કેટલાંક લેખકો હવે એવો દાવો ચોક્કસ કરતા થયા છે કે માત્ર લખવાની કમાણીમાંથી એમનું ઘર ચાલે છે.
વાસ્તવિકતા કંઈ જુદી જ
છે.લેખકોની મોટા ભાગની કમાણી ભાષણોમાંથી આવે છે.
પોતાને ખ્યાતનામ લેખક ગણાવતા કોલમિસ્ટ પ્રત્યેક ભાષણનો પંદર હજારથી પાત્રીસ હજાર સુધીનું કવર લે છે.
આ લોકો સારી પેઠે જાણે છે કે છ
મહિના સુધી મહેનત કર્યા બાદ એક સારું પુસ્તક લખીને જેટલી કમાણી થાય છે એટલી કમાણી ચાર ભાષણોમાંથી થાય છે.
આપણી પ્રજા વાંચવા કરતાં સાંભળવાની વધુ શોખિન છે.
એટલે લેખકોને બોલવાના આમંત્રણો મળતા રહે છે.
એકાદ બે અપવાદ સિવાય,
છાપાંઓમાં કોલમ ન લખતાં હોય અને માત્ર લેખન પર જીવતા હોય એવા કેટલાંક લેખકોની તો દશા ખરાબ છે.
એમના પુસ્તકો ઝટ વેચાતા નથી અને ભાષણો આપવા પણ એમને કોઈ બોલાવતું નથી.
આમ પણ સંખ્યાબંધ ગુજરાતી લેખકો છાપાંઓને જીવાદોરી માને છે.
વાંક પ્રજાનો છે કે લેખકોનો?
સાહિત્ય પરીષદો અને સાહિત્ય અકાદમીઓ તદ્દન અસાહિત્યિક બાબતો પર લાંબુ યુદ્ધ ખેલી શકે છે પણ ગુજરાતી લેખકોની રોયલ્ટી વિશે કેમ કંઇ કરતી નથી?
પ્રશ્નો ઘણા છે ઉત્તર એક પણ નથી.
જેન ઓસ્ટીને કહ્યું હતું કે આનંદી રહેવાની શ્રેષ્ઠ રેસીપી તગડી ઇન્કમ છે.
આ સાચું છે અને એટલે જ
મોટા ભાગના ગુજરાતી લેખકો ચહેરા પરથી દરિદ્રનારાયણ જેવા લાગતા હોય છે.
શા માટે છે આવી સ્થિતિ?
લેખકોમાં ફેશન છે આપણી પ્રજાનો વાંક કાઢવાની.
વાસ્તવમાં વાંચવું ગમે, વારંવાર વાંચવું ગમે એવું ગુજરાતીમાં બહુ ઓછું લખાય છે.
અધકચરા વિચારોના વમન જેવી ગંદી ચોપડીઓ અત્ર,
તત્ર, સર્વત્ર અથડાતી રહે છે.
જે લોકોએ એકાદ-બે સારા પુસ્તકો લખ્યા છે એ
પણ પછી બેઇમાની પર ઉતરી આવે છે અને એકનો એક માલ રીસાઇકલ કરીને ચોપડીઓ છપાવતા રહે છે.
વાચક એકવાર મુર્ખ બને છે,
બીજી વાર મુર્ખ બને છે અને પછી વાંચવાનું જ
મૂકી દે છે.
વર્ષોથી આ ક્રમ ચાલતો આવ્યો છે અને એથી જ
ગુજરાતીઓ પુસ્તકોથી દૂર થઈ ગયા છે.
એમની પાસે મબલખ પૈસો છે અને એટલે જ
હવે એ તમાશો જોનાર થઈ ગયા છે.
એ પંદર-પાત્રીસ હજાર ખર્ચી નાંખે છે.
લેખકને બોલાવે છે, ‘‘પર્ફોર્મ’’
(ભાષણ) કરાવે છે અને છૂટા પડી જાય છે.
લેખક તમાશબીન બની જાય છે.
સ્વમાની લેખક એ ગુજરાતી સાહિત્યમાં દુર્લભ પ્રજાતિ છે.
વર્ષો અગાઉ સુરતના નર્મદે કહ્યું હતું કે ‘હવે કલમના ખોળે માથું મુક્યું છે.’’
આજકાલના ગુજરાતી લેખકો વધુ સમજદાર છે.
કલમના ખોળે માથું મુકવાથી મુશાયરામાં પહેરાતા પોલિયેસ્ટર સિલ્કના ઝભ્ભાં પણ ખરીદી શકાય એટલી ઇન્કમ થતી નથી એવું આ
લોકો સારી પેઠે સમજી ચૂક્યા છે. આ
‘આધુનિક નર્મદો’એ
હવે માઇકના ખોળે માથું મુક્યું છે.
જનોઈ વઢ: ગુજરાતી ભાષા અસ્તિત્વનો જંગ ખેલી રહી છે અને લેખકો ભાષણોમાં વ્યસ્ત છે.
પ્રજા સાંભળી રહી છે લેખકો બોલી રહ્યા છે.
અડધો કલાક પૂરો થાય છે અને લેખકો ભૂલાઈ જાય છે.
bilkul saachi vaat chhe Pranavbhai.......pan tame kem bhashan no prayatna nathi karta????
જવાબ આપોકાઢી નાખો