બગાવત
માય લોર્ડ,
અનામતનાં ચુકાદાનાં હાલ
શાહબાનો કેસ જેવા થશે તો શું કરશો?
-પ્રણવ ગોળવેલકર
પેટા
: બિહાર
અને યુ.પી.ની ચૂંટણીઓમાં જ્યારે દલીત હિતનો મુદ્દો સર્વોપરિ છે, લડાઇ મંડલ વિરુધ્ધ કમંડલની છે ત્યારે વોટબેંકના સમીકરણો જ
નક્કી કરશે કે કાયદો જીતશે કે ન્યાય?
ઘાસચારાની જેમ દલિતો-પછાતોની અનામતની ચોરી નહીં થવા દઉં. બાબા સાહેબ આંબેડકરે આપેલી અનામતમાં કાપકૂપ કોઇપણ કિંમતે નહીં થવા દઉં.
-નરેન્દ્ર મોદી (28મી ઓક્ટોબર’15)
છેલ્લાં 68 વર્ષથી એક દર્દી બિમાર છે,
68 વર્ષથી
એને એકની એક દવા આપવામાં આવે છે,
68 વર્ષ
પછી પણ એની હાલત એવી ને એવી છે અને છતાં
68 વર્ષથી
એની દવા બદલવાનો કોઇપણ પ્રયત્ન થાય તો દર્દી મરી જ
જશે એવી ઓર્કેસ્ટ્રેટેડ કાગારોળ શરૂ થઇ જાય છે.
આ છે આપણાં દેશમાં અનામત વ્યવસ્થાની સ્થિતિ.
સુપર સ્પેશિયાલિટી કોર્સમાં અનામત નાબૂદ કરવાનાં સુપ્રિમ કોર્ટના ચુકાદાને કારણે હવે પેન્ડોરાનું બોક્સ ખૂલી ગયું છે.
ગુજરાતમાં જે સુપ્રિમ કોર્ટની દુહાઇ દઇને ભાજપ સરકાર પાટીદાર અનામતની માંગ ફગાવી રહી છે એ
જ સુપ્રિમ કોર્ટે હવે અનામત નાબૂદીનો આ
ચુકાદો આપીને દિલ્હીની ભાજપ સરકારને ફિક્સમાં મૂકી દીધી છે. પ્રતિષ્ઠાનો જંગ બનેલી બિહારની ચૂંટણીમાં અનામતનો મુદ્દો પ્રમુખ બની ગયો છે ત્યારે ભાજપ માટે આ
ચુકાદાનું અમલીકરણ સાપે છછૂંદર ગળ્યા જેવી સ્થિતિ સર્જી શકે છે.
જે મુદ્દો સુપ્રિમ કોર્ટ માટે
‘ન્યાય’નો છે તે જ
મુદ્દો રાજકારણીઓ માટે વોટબેંકનો છે. વર્ષો અગાઉ મધ્યપ્રદેશની મુસ્લિમ ત્યક્તા શાહબાનો કેસમાં સુપ્રિમના ચુકાદાને રાજીવ ગાંધી અને એમની કોંગ્રેસે સંસદમાં કાયદો ઘડીને આબાદ ગુંલાટ ખવડાવી હતી.
ભારતીય સંવિધાનના ઇતિહાસમાં આ એક કાળું પ્રકરણ હતું.
મોદી સરકાર આ ચુકાદાને અને એનાથી ભવિષ્યમાં ઊભી થનારી સ્થિતિને ચૂપચાપ સ્વીકારી લેશે એમ લાગતું નથી.
ડો.બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું, ‘શું ઇતિહાસનું પુનરાવર્તન થશે?
આ વિચાર મને ચિંતાથી ભરી દે છે.
હવે જ્ઞાતિ અને જાતિ પ્રથા જેવા આપણાં જૂનાં દુશ્મનોની સાથે જુદા-જુદા ઉદ્દેશ ધરાવતા રાજકીય પક્ષો પણ હશે એવી વાસ્તવિકતાથી મારી ચિંતા વધુ ગહેરી બને છે.શું ભારતીયો દેશને જ્ઞાતિથી ઉપરનું સ્થાન આપી શકશે?
મને ખબર નથી.’
આઝાદી સમયનાં ડો.આંબેડકરનાં આ
શબ્દો આજે ફરી સાચાં પડતાં દેખાઇ રહ્યાં છે.
દલિતોના મસીહા કહેવાતાં માયાવતી-મુલાયમ-નિતિશ-લાલુ જેવા નેતાઓ માટે અનામત દુઝણી ગાય છે અને ગાયનું રૂપાંતર ‘બીફ’માં થાય એ
કોઇને પસંદ નથી. લાલુ યાદવે તો સોઇ ઝાટકીને કહી દીધું છે કે,
‘પછાતો, દલિતો, ગરીબોની લડાઇ (અનામત)
માટે મને ભલે ફાંસી અપાય તો પણ હું ચૂપ નહીં બેસું.’
અનામત મુદ્દે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડાએ જે ભાગવત કથા કરી તેને આવનારા િદવસોનો સંકેત ગણાવાઇ રહ્યો છે.
પરંતુ બિહારમાં આ મુદ્દે જે રીતે વિરોધનો વાવંટોળ ફૂંકાયો તેથી ભાજપે પોતાની જાતને ભાગવતના વિધાનોથી અલગ કરવી પડી.
આ દલિત-પછાત વોટબેંકની તાકાત દર્શાવે છે.
ભાજપ શું કોઇપણ સરકાર આ
વોટબેંકને નારાજ કરવાનું જોખમ લઇ શકે એમ નથી.
બીજી તરફ જોઇએ તો વાસ્તવમાં અનામત પ્રથા ખરેખર હિંદુ જ્ઞાતિવાદની આડઅસરોનું સોલ્યુશન છે ખરું?
અનામત તરફીઓ હજુપણ ગામડાઓમાં પછાતોની સ્થિતિ દયનીય હોવાની રાવ પોકારતા રહ્યાં છે.
તો પછી 68 વર્ષ જૂની અનામત પ્રથાએ શું હાંસલ કર્યું એ
અંગે ફેરવિચારણા થવી જ
જોઇએ. વળી, અનામતનો લાભ લેવામાં પછાત જ્ઞાતિઓમાંની અમુક જ્ઞાતિઓને વધુ લાભ મળી ગયો છે તેવા આક્ષેપો પણ અવારનવાર થતાં રહ્યાં છે.
સુપર સ્પેશિયાલિટી કોર્સ માટે લાગુ પાડવામાં આવેલો તર્ક સામાન્ય તબીબી કે એન્જીનિયરીંગ કોર્સ માટે શા માટે લાગુ ન
પડે? ન્યૂરોલોજીસ્ટ કરતાં એમ.બી.બી.એસ. થયેલાે ડોક્ટર કદાચ વધુ કેસ જોતો હશે અને એની જવાબદારી પણ વધુ હોઇ શકે છે.
સુપ્રિમ કોર્ટનો આ ચુકાદો ભવિષ્યમાં અનામત પ્રથા અંગે અનેક અણગમતા ચુકાદાઓનો માર્ગ ખોલી આપશે એવી સંભાવના છે.
ઉચ્ચ શિક્ષણવાળી સંસ્થાઓમાં અનામત હોય એ
ભયજનક સ્થિતિ છે. ઉદારવાદી ગણાતાં જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે,
‘બિન-કાર્યક્ષમતા અને સેકંડ ક્લાસ સ્ટાન્ડર્ડ તરફ દોરી જતી કોઇપણ બાબતનો હું વિરોધી છું.
હું ઇચ્છું છું કે મારો દેશ દરેક બાબતમાં ફર્સ્ટ ક્લાસ હોય.
આપણે જે ક્ષણે સેકંડ ક્લાસને આગળ કરીએ છીએ એ
જ ક્ષણે આપણે હારી જઇએ છીએ.
પછાત વર્ગોને મદદ કરવાનો એકમાત્ર રસ્તો એમને સારા શિક્ષણ માટે યોગ્ય તક આપવાનો છે.’
ભારતીય રાજકારણની સૌથી મોટી કમનસીબી છે કે,
જો સુપ્રિમ કોર્ટ એ ‘ન્યાય’
છે, તો સંસદ એ
‘કાયદો’ છે ! સરકાર કાયદો ઘડીને ન્યાયને ઉલટાવી શકે છે અને સુપ્રિમ કોર્ટ હંમેશા કાયદાની મર્યાદામાં રહે છે.
બિહાર અને યુ.પી.ની ચૂંટણીઓમાં જ્યારે દલીત હિતનો મુદ્દો સર્વોપરિ છે,
લડાઇ મંડલ વિરુધ્ધ કમંડલની છે ત્યારે વોટબેંકના સમીકરણો જ
નક્કી કરશે કે કાયદો જીતશે કે ન્યાય?
જનોઇ વઢ
:
પ્રમુખો તો આવશે અને જશે,
સુપ્રિમ કોર્ટ હંમેશા રહેશે.
-વિલિયમ.એચ.ટાફટ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો