બગાવત
-
પ્રણવ ગોળવેલકર
‘સેક્શન 124-એ (રાજદ્રોહ) અત્યંત વાંધાજનક છે. વ્યવહારિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ જોતાં એનું કોઈ સ્થાન ન હોઈ શકે. આપણે જલ્દીમાં જલ્દી તેને દૂર કરીએ એ જ બહેતર છે.’
-
જવાહરલાલ નહેરૂ
(1951)
ગુજરાતમાં થોડા વર્ષો પૂર્વે બનાવટી એન્કાઉન્ટરોનો આખો સિલસિલો ચાલ્યો ત્યારે ‘સફેદ દાઢી’ અને ‘કાળી દાઢી’ની નજીક હોવાનો દાવો કરતા લાલ દાઢીવાળા એક પોલીસ અફસર એન્કાઉન્ટર કરતી વખતે ઠંડે કલેજે કહેતા, ‘આ તો દેશહિતનું કામ છે.’ નિર્દોષોને કોઈ વાંક ગુના વગર ગોળીઓ ધરબી દેવી એ એમના માટે ‘દેશહિત’ હતું. બનાવટી એન્કાઉન્ટર-કાંડમાંથી પાઠ નહીં ભણેલી સરકાર અને તેના ‘જાંબાઝ’ પોલીસ અફસરો હવે ‘રાજદ્રોહ’ના અગન ખેલ પર ઉતરી આવ્યા છે. રસ્તા પર ટ્રાફિકના ગુના માટે 50 રૂપિયાની લાંચ પડાવતો પોલીસ એ ‘રાજ્ય’ છે? બુટલેગર પાસેથી દર મહિને હપ્તા ઉઘરાવતો પોલીસ એ ‘રાજ્ય’ છે? કે પછી મજબૂરીના કારણે દેહ વેચતી સેક્સવર્કર પાસેથી નાણા પડાવતો પોલીસ એ ‘રાજ્ય’ છે?? શું છે રાજ્ય? લોકશાહીમાં અને મુક્ત અભિવ્યક્તિમાં માનનાર દરેક વ્યક્તિનું માથું ફરી જાય એવી રીતે રાજદ્રોહની કલમ લગાવાઈ રહી છે. પોલીસ સરકારનું એક અંગ છે જ્યારે અહીં તો સરકાર જ પોલીસની ચાકર હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે.
રાજદ્રોહનો કાયદો મૂળ તો આપણે બ્રિટિશરો પાસેથી મેળવેલા વારસામાં આવ્યો છે. આઝાદી અગાઉ ગાંધીજી, ટીળક અને સાવરકર જેવા નેતાઓ સામે રાજદ્રોહ લગાવવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં અરૂંધતી રોય, કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદી સામે રાજદ્રોહ લગાડાયો હતો. ગુજરાત પણ રાજદ્રોહના દુરુપયોગથી બાકાત રહ્યું નથી. આશ્ચર્યની વાત એ છે કે, જે બ્રિટનનું આંધળું અનુકરણ કરીને રાજદ્રોહનો કાયદો આપણે ત્યાં અપનાવી લેવાયો એ બ્રિટનમાં તો 6 વર્ષ અગાઉ જ આ કાયદાને તિલાંજલિ આપી દેવાઈ છે. જો કે, આપણે ત્યાંના સવાયા અંગ્રેજોને રાજદ્રોહના કાયદામાં વિરોધીઓને ઠેકાણે પાડી દેવાનું મજબૂત હથિયાર દેખાય છે, એટલે આ કાયદો ચાલુ રખાયો છે અને એટલું જ નહીં તેનો આડેધડ ઉપયોગ પણ કરાય છે.
હાર્દિક પટેલ અને તેના સાથીદારો જે બોલ્યા છે તે ચોક્કસ નિંદાને પાત્ર છે. તેમની સામે ગુનો નોંધાવો જ જોઈએ. પણ કયો ગુનો નોંધાવો જોઈએ તે નક્કી કરવામાં રાજકીય હેતુઓને આધારે નિર્ણય ન થવા જોઈએ. પોલીસ અંગેના હાર્દિકે આપેલા નિવેદનને કારણે પાટીદારોને અનામત મળવી જોઈએ કે નહીં તે મુદ્દાની ગંભીરતા ઓછી થઈ જતી નથી. પાટીદારો મહાજાતિ છે. અન્ડર કરંટનો લાવા ખળભળી રહ્યો છે. વીસ-પચ્ચીસ વર્ષનાં છોકરડાઓની ઉપર રાજદ્રોહ લગાડી દેવાથી અનામતનો મુદ્દો દબાઇ જશે એમ માનતી હોય તો સરકાર ભૂલ કરે છે. અનામત અંગેની વરવી રાજનીતિનો ‘બેકલેશ’ શું પરિણામ લાવી શકે એનું સત્તાના કેફમાં મદાંધ બનેલા નેતાઓને ભાન નથી. ચીનના નેતા માઓ ઝેદોંગે કહ્યું હતું, ‘‘જનતા સમુદ્ર છે અને નેતા સમુદ્રમાંથી ઉઠેલું મોજું છે. મોજાંએ એક વાત ભૂલવાની નથી એ સમુદ્રમાંથી જન્મ્યું છે અને એણે કિનારાની રેતીમાં પટકાવાનું છે. એની જે પણ ઉંચાઇ છે એ સમુદ્રએ આપી છે. સમુદ્ર સનાતન છે અને મોજું માત્ર એક ક્ષણ માટે છે.’’ ગુજરાતના નેતાઓએ સમજી લેવું પડશે કે કંઇક વટભર્યા સુકાનીઓના વહાણો ભંગાર બનીને સમુદ્રના તળિયે સડી રહ્યાં છે, એક વહાણ વધુ ડૂબશે તો નુકશાન વહાણને જશે સમુદ્રને નહીં !
1922માં ગાંધીજીએ શરૂ કરેલા અસહકાર આંદોલન સમયે ચૌરી-ચૌરામાં 22 પોલીસોને સળગાવી દેવાયા હતા અને ત્યારબાદ ગાંધીજી સામે રાષ્ટ્રદ્રોહનો કેસ થઈ ગયો હતો. ગાંધીજીએ એ સમયે લખ્યું હતું, ‘નબળી જાતિઓનું શોષણ કરતી અને સતત પાશવી તાકાતનું પ્રદર્શન કરતી સરકાર ટકી શકે નહીં, અમે આવી સરકારને ઉથલાવી દેવા માગીએ છીએ’. જ્યારે કેસ ચાલ્યો ત્યારે તેમણે કહ્યું હતું, ‘હું દયાની યાચના કરતો નથી, કાયદાની નજરે મેં કરેલા ગુના માટે અને મારી દ્રષ્ટિએ એક નાગરિક તરીકેના સર્વોચ્ચ કર્તવ્ય માટે હું સૌથી વધુ આકરા દંડની માંગણી કરું છું અને આનંદપૂર્વક તે ભોગવવા તૈયાર છું.’ પોલીસની પાશવી તાકાતનો ઉપયોગ કરતી આજની સરકારો સામે ગાંધીજીએ કદાચ કહ્યું હોત, ‘આવા એક હજાર રાજદ્રોહ મને મંજૂર છે.
જનોઈવઢ:
‘રાજકીય આંદોલનકારીઓ ક્યારે ‘માથાફરેલ’ બની જતા હોય છે? જ્યારે તેમની તાકાત, તેમનું બલિદાન એળે જાય અને દેશના કલ્યાણ માટે ઉપયોગમાં ન આવે ત્યારે ઘેરી હતાશા અનુભવતા યુવા રાજકીય આંદોલનકારીઓ ‘માથાફરેલ’ બની જાય છે.
-
લોકમાન્ય ટિળક
(રાજદ્રોહના કેસમાં કરેલી દલીલ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો