શનિવાર, 4 ઑક્ટોબર, 2014

બન્ને પલ્લાં એક સમાન છે, કાંટા પર છે એ અર્ધસત્ય છે

ક્રવ્યૂહ મેં ઘૂસને સે પહેલે,
કૌન થા મૈં‌ ઔર કૈસા થા,
યહ મુઝે યાદ હી નહીં રહેગા,
ચક્રવ્યૂહ મેં ઘૂસને કે બાદ,
મેરે ઔર ચક્રવ્યૂહ કે બીચ,
સિર્ફ એક જાનલેવા નિકટતા થી,...
ઈસકા મુઝે પતા હી નહીં ચલેગા
ચક્રવ્યૂહ સે નીકલને કે બાદ,
મૈં‌ મુક્ત હો જાઉં ભલે હી,
ફિર ભી ચક્રવ્યૂહ કી રચના મેં,
ફર્ક હી ના પડેગા,
મરું યા મારું,
મારા જાઉં યા જાન સે માર દું,
ઈસકા ફૈસલા કભી ના હો પાયેગા,
સોયા હુઆ આદમી જબ,
નીંદ સે ઉઠકર ચલના શુરુ કરતા હૈ,
તબ સપનોં કા સંસાર ઉસે,
દોબારા દીખ હી ના પાયેગા,
ઉસ રોશની મેં, જો નિર્ણય કી રોશની હૈ
સબકુછ સમાન હોગા ક્યા?
એક પલડે મેં નપુંસકતા,
એક પલડે મેં પુરુષ,
ઔર ઠીક તરાઝુ કે કાંટે પર
અર્ધસત્ય.
                                                                                                    - દિલીપ ચિત્રે


અર્ધસત્ય...? હા અર્ધસત્ય...
વાસ્તવિકતા અને ઈચ્છાઓ, ગર્વિલું પૌરુષ અને લાલચી નપુંસકતા, ભભૂકતો આક્રોશ અને અસહાય લાચારી... સત્ય અને અસત્યનું કેફી કોકટેલ એટલે અર્ધસત્ય...
નોટ સો બિગ બનેલો બચ્ચન જ્યારે પોલીસ સ્ટેશનમાં ખુરશીને લાત મારીને શેર ખાનને કહે છે, ‘‘યે પુલીસ સ્ટેશન હૈ તુમ્હારે બાપ કા ઘર નહીં.’’ ત્યારે એના અવાજમાં રહેલો ભભૂકતો અગ્નિ પ્રેક્ષકોને ઠંડક પહોંચાડે છે. 1973નો એ ‘સુપરકોપ’ છે. વિજયથી સિંઘમ સુધીના ખાખી વર્દીધારી હીરોની એ શરૂઆત છે.
આમ આદમીને અપેક્ષા છે કે, પોલીસ એની રક્ષા કરે, પોલીસ છે એ જ કામ માટે, પણ સિસ્ટમમાં કામ કરતો પોલીસ નપુંસક બની ગયો છે. લોકોને આ સમજાય છે ત્યારે એમની હતાશા સહનશક્તિની સીમાઓ ઓળંગી દે છે. ગુંડાઓ અને રાજકારણીઓના અતિ શક્તિશાળી ગઠબંધન સામે એ પોતાને અસલામત મહેસૂસ કરે છે અને એટલે જ જ્યારે કોઈ હીરો પડદા ઉપર સિસ્ટમને સફળતાપૂર્વક તોડે છે ત્યારે તેને વધાવી લેવાય છે, પણ ઓમ પુરીની ‘‘કલ્ટ’’ ગણાતી અર્ધસત્યમાં કહેવાયેલી અને આ લેખની શરૂઆતમાં ટાંકેલી કવિતાનું અર્ધસત્ય સત્ય બની જાય છે. સિંઘમનો બાજીરાવ પણ સિસ્ટમને તોડવા માંડે છે. એ વર્દી ઉતારીને ફેંકી દે છે અને પછી જ ગુરુજીને ખતમ કરી શકે છે. સિસ્ટમ ગુરુજીને મારી શકતી નથી. ન્યાય અપાવવા માટે રચાયેલી કોર્ટ અને પોલીસની સિસ્ટમ તૂટે છે ત્યારે જ ગુરુજી મરી શકે છે. બાજીરાવ સિંઘમ ગુરુજીને મારી શકે છે પણ સિસ્ટમને બચાવી શકતો નથી.
1973ના વિજય અને 2014ના સિંઘમ વચ્ચે 41 વર્ષનો અંતરાલ વહી ગયો છે પણ વાસ્તવિકતા એ જ છે. સિસ્ટમની અંદર ન્યાય મળતો નથી. પોલીસ - કોર્ટની સિસ્ટમ સારા લોકો માટે છે. એ સારા લોકો જેમના ‘‘કોન્ટેક્ટ’’ નથી, જેમની પાસે ‘‘લે - દે કે’’ પતાવટ કરવાના નાણાં નથી. ગુરુજી કે જયકાંત શિકરે, તેની કે રામા શેટ્ટી...ને મારવા માટે એમના જેવા જ થવું પડે છે, એમની જેમ જ સિસ્ટમ તોડવી પડે છે. આપણી સિસ્ટમમાં ન્યાય મેળવવો એ ચક્રવ્યૂહમાં ઘૂસવા બરાબર છે અને ચક્રવ્યૂહમાંથી કોઈ અભિમન્યુ ક્યારેય જીવતો બહાર નીકળ્યો નથી. મહાભારતમાં પણ કૃષ્ણ બખૂબીથી સિસ્ટમ તોડે છે. અર્જુનને અભિમન્યુના હત્યારા જયદ્રથને હણવો છે, પુત્રના મૃત્યુનો બદલો લેવો છે પણ એ ત્યારે જ શક્ય બને છે જ્યારે કૃષ્ણ સત્યની સિસ્ટમ તોડે છે. કૃષ્ણનો સંદેશ સ્પષ્ટ છે, જયદ્રથને હણવો હશે તો સત્યના સૂર્યને ગ્રહણથી ઢાંકી દેવો પડશે.
કાનૂનની મર્યાદામાં રહીને કામ કરતો, ગુનેગારોને પકડીને અદાલતમાં રજૂ કરતો પોલીસ અધિકારી આપણો હીરો બની શકતો નથી.
દબંગ હીરો પણ કાયદો હાથમાં લે તો જ આપણને ગમે છે. ન્યાય માટે રાહ જોવાની આપણી ધીરજ રહી નથી. વિવેકબુદ્ધિના માઇક્રોસ્કોપ નીચે આપણી અપેક્ષાઓને મુકીને જુઓ તો ખબર પડે છે કે આપણને પોલીસ અધિકારી નહીં ‘જલ્લાદ’ની જરૂર છે.
ફિલ્મ ‘અર્ધસત્ય’માં રાજકારણીઓના પીઠબળ વડે માતેલો બનેલો રામા શેટ્ટી (સદાશિવ અમરાપુરકર) પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનંત વેલનકર (ઓમ પુરી)ને નપુંસક હોવાનું મહેસૂસ કરાવે છે. બીજી તરફ ‘સિંઘમ’નો રચનાકાર રોહિત શેટ્ટી દર્શાવે છે કે, સી.એમ. સાથે હોવા છતાં બાજીરાવ ન્યાય મેળવી નહીં શકે. સત્તા દુર્જનોના સાથમાં હોય ત્યારે વધુ શક્તિશાળી હોય છે અને જ્યારે સારા માણસોની સાથે હોય ત્યારે નિસહાય હોય છે. આપણી સિસ્ટમનું, આપણી જિંદગીનું આ કડવું સત્ય છે.
ન્યાય... ન્યાય મેળવવો એ આપણી ફેન્ટસી છે. ઘરની વહુથી માંડીને સી.એમ.ની ખુરશીના ભાડુઆતો સુધીના બધ્ધાની એક કોમન ફરિયાદ રહે છે. મારા કામનો ન્યાય મળતો નથી. કદરની, વખાણની ભૂખ પણ આપણે સંતોષી શકતા નથી, સંતોષી શકાતી નથી, તો અન્યાય સામે ન્યાય મેળવવાની ભૂખ કેવી રીતે સંતોષી શકાશે? કોર્ટ આરોપીને સજા કરી શકે છે. ફરિયાદીને સંતોષ આપી શકતી નથી. દુ:શાસનના વધ પછી એની છાતી તોડીને ભીમ એનું લોહી પીવે છે ત્યારે એને ન્યાય મેળવવવાનો સંતોષ થાય છે. એ લોહી ભીના હાથે દ્રોપદીના વાળ ઓળે છે ત્યારે દ્રોપદીને ન્યાય મળ્યો હોય તેમ લાગે છે. અન્યાય દરેક પુરુષમાં એક ભીમ અને દરેક સ્ત્રીમાં એક દ્રોપદીને જન્મ આપે છે. જેમની રક્તપિપાસા કોઈ સિસ્ટમને ઓળખતી નથી, કોઈ સંસ્કારોને સમજતી નથી. ક્રૂરતા સામે દસ ગણી ક્રૂરતાથી જ એ રક્તપિપાસા સંતોષાય છે. બોંબ ધડાકામાં જેના પુત્રના ફૂરચે ફૂરચા ઉડી ગયા છે એ પુત્રનો પિતાને ન્યાય શું હોઈ શકે? આરોપીને વીસ વર્ષની કેદ એ પિતાને મળેલો ‘‘ન્યાય’’ છે?
આપણી અદાલતો આરોપીને સજા કરી શકે છે. ફરિયાદીને સંતોષ આપી શકતી નથી.
કહે છે કે, પાંચેય પતિઓમાં અર્જુન દ્રોપદીને સૌથી વધુ વહાલો હતો પણ દુ:શાસનનું લોહી પીતો ભીમ એને શ્રેષ્ઠ પતિ લાગ્યો હશે. ન્યાય મળવો અને ન્યાયનો સંતોષ મળવો એ તદ્દન જુદી બાબત છે.
સિસ્ટમ આપણે ઊભી કરેલી ભ્રમણા છે અને અદાલતોનો ન્યાય એક મૃગજળ... હરણ જેવા માણસો એની પાછળ દોડ્યા કરે છે, દોડ્યા જ કરે છે... મોત મળી જાય છે પણ ન્યાયનો સંતોષ મળતો નથી.
આ અસહાયતા જ્યાં સુધી રહેશે, જ્યાં સુધી ન્યાયની ભૂખ રહેશે ત્યાં સુધી સિસ્ટમનું અર્ધસત્ય બહાર પાડતા સિંઘમો આપણા હીરો રહેશે.
‘‘એક પલડે મેં નપુંસકતા
એક પલડે મેં પુરુષ
ઔર ઠીક તરાઝુ કે કાંટે પર
અર્ધસત્ય...
તરાજુ લઈને ઊભેલી દેવી બન્ને પલ્લા સમાન રાખવા મથી રહી છે. કાંટો વચ્ચે છે એ અર્ધસત્ય છે, ન્યાય તોળાઈ રહ્યો છે એ ભ્રમણા છે.
--------------

આલ્બમ

                                         
સંજય પટેલ ધીમા પગલે પોતાના રૂમનાં આવ્યા. અમસ્તું જ એમણે ચારે તરફ જોયું એમને થયું એ એકલા પડી ગયા છે. બેડ એ જ હતો, બધો સરસામાન એ જ હતો, કપડાં એ જ હતા વાધું એમને એમ જ હતું એમણે કવાટ ખોલ્યું. એમને કશું જોઇતું નહતું પણ એ કશું ક શોધવા માંગતા હતા.
દરેક ખાના ખોલ્યા પણ કંઈ લીધું નહીં અંતે એમણે છેલ્લું ખાનું ખોલ્યું ત્રીસ વર્ષ જૂનો એક દસ્તાવેજ એમની સામે તાકી રહ્યો. એક સમયે જે ચમકદાર ગુલાબી રંગનો હતો હવે એ કાગળ ઝાંખો પડી ગયો હતો એના ચમક કયારનીય જતી રહી હતી.
એમણે પ્રથમ પાનું પલટાવ્યું કાળી જાડી ફ્રેમના ચશ્મા પહેરેલા, લગભગ બધા સફેદ વાળ વાળા અને સફેદ લેંઘો ઝભ્ભો પહેરેલા સંજય સામે રિમલેસ ચશ્મા પહેરેલા, બ્લુ રંગના થ્રી પિસ ડબલ બ્રેસ્ટેડ શૂટવાળો અને કાળા ભમ્મરવાળા વાળો સંજય હસી રહ્યો હતો. સંજય પટેલમાં મનમાં હાસ્ય આવ્યું. પણ ચહેરા સુધી પહોંચ્યું નહીં. બે સંજય એકબીજા સામે જોઇ રહ્યા હતા. 40 વર્ષનો અંતરાલ ઓગળી ગયો હતો.
એમણે બીજુ પાનું પલટાયું. બુલેટ 350 મોટર સાયકલ પર ગોગલ્સ અને બોલબેટમ અને ભુરુ શર્ટ પહેરેલો સંજય જાણે 70ના દાયકના હીરો જોવા લાગતો હતો. સંજય પટલને એ દિવસ બરાબર યાદ હતો. નમક હરામએ દિવસ રીલીઝ થયું હતું. અને સંજય પટેલ એની કાયમની આદતની જેમ ફર્સ્ટ કે ફર્સ્ટ શોના ટિકીટ લઇને આવેલો એ દિવસ ખાસ હતો.
એ થિયેટરની અંદર જઈ રહયો હતો ત્યારે એણે પહેલી વાર એને જોઈ હતી. એનો ડ્રેસ બિલકુલ ફિલ્મી હતો. લાંબુ ગાઉન અને હાઈ હિલના સેન્ડલ નામ તો એ વખતે ખબરન હોતી, પાછળથી ખબર પડી કે એનું નામ શર્વરી હતું. શર્વરીનો નંબર સંજયની બેરો પાછળ હતો. ફિલ્મ ત્રણ કલાક ચાલી સંજયે બે કલાક સર્વરીને જોયા કરી. એ ફિલ્મ પછી સંજયની જંદગીમાં ત્રણ બદલાવ આવ્યા. પહેલો એ કે સંજયની ગરદનમાં ભારે દુખાવો ઉપડયો જે એક અઠવાડિયામાં મટી ગયો બીજો એ કે રાજેશ ખન્નાની ફેન ક્લબમાંથી એણો રાજીનામું આપી દીધું અને એ બચ્ચનનો ફેન થઈ ગયો.
બચ્ચન બોફોર્સ કાંડમાં સંડોવાયો ત્યાં સુધી એમની બચ્ચન ફેન કલ્બની મેમ્બરશિપ ચાલુ રહી ત્રીજો ફેરફાર છ મહિના પછી  દેખાયો જ્યારે ટર્ફ ક્લબની લોનમાં પ્રથમવાર શર્વરીએ સંજયને કહ્યું આઈ લવ યુઆટલું બોલતાં તો એના ચહેરા પર શરમ મેકઅપ કરતાં પણ વધુ ચમકવા માંડી હતી. એ જોઇને સંજયના મિત્ર પરિતોષે કહ્યું પણ ખરૂં ભાભી હવે તો લગ્ન થઇ ગયા હવે શાનું આટલું શરમાવો છો?’’ સંજયને શર્વરી પર પ્રેમવાળો ગર્વ થઇ આવ્યો શર્વરીની એ શરમ અને સંજયનો એ પ્રેમવાળો ગર્વ આખી જિંદગી કાયમ રહ્યો. આમેય કેટલાક  રોગ અસાધ્ય થાય છે અને આવા અસાધ્ય રોગોની મજા પણ અસાધારણ હોય છે. એ ‘‘ દસ્તાવેજ’’ નું પાનું ફેરવતાં પહેલાંજ સંજય પટેલને  ખબર હતી કે હવે શું આવશે? એ એનો મિલિટરી ડ્રેસમાંનો ફોટો હતો.
1971ના ભારત પાકિસ્તાન યુધ્ધ સમયે સંજય પટેલને ભારતીય સેનામાં જોડાવું હતું પણ માતાપિતા વિરુદ્ધમાં હતા. અંતે એણે આર્મી કેન્ટિનમાંથી ખરીદેલા લશ્કરી કપડાં પહેરીને સંતોષ માનવો પડ્યો. સંજયને એ કપડાં એટલા ગમી ગયેલા કે એ કાયમ એ જ કપડોમાં ફર્યા કરતો. શર્વરીને ડિલીવરી પેઇન ઉપડ્યું ત્યારે પણ એ જ ડ્રેસમાં જ ફરતો હતો. શર્વરીએ એને જોયો ત્યારે એને આટલા દુખાવા છતાં હસવું આવી ગયેલું એણે કહેલું, આપણો કંઈ યુધ્ધમાં થોડા જઇએ છીએ....? કપડાં નથી બદલવા...?
               ----------------------------------------------------------
‘‘પપ્પા કપડાં નથી બદલવા...? અનન્યાએ બીજી વાર પુછયું ત્યારે સંજય પટેલ ચાલીસ વર્ષના અંતરાલમાંથી પાછા ફર્યા. જાણો કશું સાંભળ્યું જ ના હોય એમની અનન્યા સામે તાકી રહ્યા, પછી કહ્યું ‘‘ ના, બેટા આ કપડાં ચાલી જશે.’’ અનન્યા કુંઇ બોલી નહીં: અનન્યા સંજય પટેલની પુત્રવધૂ હતી.
એમને એક માત્ર દીકરો જ હતો એટલે એ અનન્યાને સગી દીકરીની જેમ રાખતા. અનન્યા પણ એમની પર હેત વરસાવતી.
અનન્યાનું ધ્યાન એમના હાથમાંના આલ્બમ પર પડ્યું એ પાસે આવી. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ હવે પીળા પડી રહ્યા હતા પણ કશુંક એમાં હુતં જે આંખોને ખેચી રાખતું હતું. ફોટોગ્રાફમાં એક યુવાન એના નાના બાળકને હવામાં ઊંચકાને ઊભો હતો. પાસે એક યુવાન સ્ત્રી સાડી પહેરીને ઉભી હતી. અનન્યાના ચહેરા પર ચમક આવી. એના પતિનો આ ફોટો એણે ક્યારેય જોયો ન હોતો. સંજય પટેલે અનન્યા સામે જોયું એ સમન્યા અને કહ્યું સાથેક આ ફોટોમાં સરસ લાગે છે નહીં? એ બે વર્ષનો હતો ત્યારે આ ફોટો પડાવેલો.
સંજય પટેલે પાનું ફેરવ્યું શર્વરી પગ પર પત્ર ચડાવીને આડી ફરીને બેઠી હતી અને સંજય એના ઘુંટણીએ બેસીને જાણો પ્રપોઝ કરતો હોય એમ બેટેલો હતો. એમણે અનન્યાને કહ્યું અમે જગદીશ સ્ટુડિયોમાં ગયા ત્યારે ફોટો પડાવ્યા લાંબો સમય બેસી રહેવું પડેલુ અને શર્વરી ચિડાઈ ગઈ હતી. હું એને મનાવવા એની પાસે ફિલ્મી અદામાં બેટો અને  ફોટોગ્રાફરે ફોટો કલીક કરી લીધેલો. ખબર નહી પણ કેમ શર્વરીનો મુડ સુધર્યો ન હતો તે દિવસે અમે આરાધના જોયેલું અને એ રાત્રે મેં સપના જોવાનું શરૂ કર્યું ત્યાં સુધી મેરે સપનો કી રાની કબ આયેગી તુ’’ ગાતો રહેલો. અનન્યા એ સાંભળી રહી હતી. એના સસરા રોમેન્ટીક હશે એવું એને કયારેય લાગ્યું ન હોતું એકાએક એને ખ્યાલ આવ્યો છે એ આલ્બમ માંના ફોટો તારીખ પ્રમાણે ન હોતા. એણો પૂછયું આ ફોટોગ્રાફ્સ તારીખ પ્રમાણે નથી? સંજયે જવાબ આપ્યો બેટા ઘટનાઓ તીવ્રતા મુજબ યાદ આવે છે તારીખ મુજબ નહીં.
એ પછીના ફોટોમાં સર્વરી કાંજીવરમ સાડી પહેરીને ઉભી હતી. સંજયે કહ્યું, પહેલીવાર મદ્રાસ ગયો હતો ત્યારે કાંજીવરમ સાડી લાવ્યો હતો. શર્વરીના વોર્ડ રાખમાં હજુ આ સાડી છે. તને ખબર છે એણે આ સાડી ક્યારેય પહેરીન હોતી. મેં એને ઘણીવાર પૂછેલું એ કહેતી એ પ્રેમનું પ્રતીક છે અને પ્રેમ સાચવવા માટે હોય છે પહેરવા માટે નથી હો તો.. અનન્યાને ખબર હતી કે શર્વરીએ પ્રેમને આખી જિંદગી કબંધ સાચવ્યો હતો. સંજય પટેલ ક્યાંય સુધી એ ફોટોને ટેરવાથી વાંચવાની કોશિશ કરતા રહ્યા. અનન્યા સ્તબ્ધ હતી.
એ પછીનો ફોટો લગ્નનો હતો ગળામાં વરમાળા પહેરેલા સંજયના હાથમાં વરમાળા હતી અને શર્વરીનીએ જોઇ રહી હતી. ખારાપારના તમામના ચહેરા પર આનંદ હતો અને શર્વરીના ચહેરા પર શરમ હતી. એ શરમને જોવામાં સંજય ભાન ભૂલ્યો હતો. અને એ શર્વરીને જ જોઇ રહ્યો હતો. એના મિત્રોએ ટોણો માર્યો સંજય હાર પહેરાવવાનો છે...
                        -------------------------------------------
પપ્પા તમારે પહેલો હાર પહેરાવવાનો છે, રૂમમાં આવેલા સાર્થકે કહ્યું સંજય પટેલ ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં આવી ગયા એમણે ભારે હેયે આળ્બમ બંધ કર્યું અને બહાર આવ્યા શર્વરી લાલ સાડી પહેરીને સુતી હતી. એના કપાળ પર હંમેશાની જેમ લાલ અટક આંલ્લો હતો અને ચહેરા પર હંમેશાની જેમ અદ્ભુત શાંતિ... સંજય પટેલ ખળભળી ઉઠ્યા એમણે સાર્થકના ખભાનો આધાર લીધો. કોઈએ એમને હાર આપ્યો એમણે જિંદગીમાં બીજાવાર અંતિમ વાર શર્વરીને હાર પહેરાવ્યો. આ વખતે તસવીર લેનારું કોઈ ન હોતું એની જરૂર પણ ન હોતી. એમના આલ્બમની આ તસવીર હંમેશા એમની આંખોમાં રહેવાની હતી.
---

બુધવાર, 4 જૂન, 2014

ધ કિંગ કેન નેવર ડાઇ

ઇનસાઇડર
પ્રણવ ગોળવેલકર
જુની ટેપ અને સીડીમાંથી ટીવીના પડદે ઉભરતો અને પાતળો યુવાન હજુ એવો જ છે,  એના લાલ કોટ અને અંદર દેખાતા સફેદ શર્ટની પહેલી ઝલક જોઈને યુવાનો ચિચિયારી પાડી ઉઠે છે, એના સંગીતના બીટ્સ શરૂ થાય છે અને ‘ટ્રાન્સ’ની અનોખી દુનિયાની ક્ષિતિજ ઉઘડી જાય છે, એના ‘મૂન વોક’ને નિહાળવા પૃથ્વી પણ જાણે પળવારમાં અટકી જાય છે, એની બોડી મૂવમેન્ટ્સ અને સ્ટેપ્સની બેસુમાર ઝડપથી સમય સ્થિર થઈ જાય છે અને શરૂ થાય છે યૌવનનો ઉત્સવ... આ સંગીતની દુનિયા છે,યુવાનોની દુનિયા છે, કિંગ ઓફ પોપ
માઇકલ જેકસનની શહેનશાહત છે. પર્ફોર્મન્સ શરૂ થવાની ત્રીજી સેકન્ડે ચાઇલ્ડ મોલેસ્ટેશન, મલ્ટીપલ મેરેજ, સ્કીન ટ્રીટમેન્ટ, નાકની સર્જરી, બધુ ય ભુલાઈ જાય છે રહે છે માત્ર બીટ્સ, સ્ટેપ્સ અને અવાજની સંમોહક દુનિયા... ધ કિંગ કેન નેવર ડાઇ માઇકલ અમર છે.  વેસ્ટર્ન અમેરિકન મ્યુઝિક માટે માઇકલ એક ક્રાંતિ હતો. એલ્વીસ પ્રેસ્લીનો સાચો વારસદાર હતો. વિશ્વભરના મ્યુઝિકને, યુવાનોને અમેરિકનાઇઝ્ડ કરવામાં માઇકલનો ફાળો સૌથી મોટો હતો. વિશ્વમાં અમેરિકન પ્રમુખની સત્તા પહોંચતી હતી એનાથી વધુ આગળ માઇકલના વિશ્વવિક્રમી આલ્બમ થ્રિલરના ગીતો પહોંચતા હતા. સંગીત આંકડાઓનું ક્યારેકય મોહતાજ હોતું નથી પણ માઇકલ અદ્વિતિય હતો એમ કહેવા માટે કેટલાક આંકડાઓ આપવા પડે એમ છે. એના આલ્બમોની ૭૫ કરોડથી વધુ નકલો વેચાઈ હતી, ૧૩ વખત ગ્રેમી એવોર્ડ, વિશ્વમાં આજ દિન સુધી સૌથી વધુ વેચાયેલું આલ્બમ થ્રિલર અને ઢગલાબંધ સન્માનો માઇકલસાચા અર્થમાં ‘કિંગ’ હતો. માઇકલ આભાસી દુનિયાનો અવાજ હતો એની વાસ્તવિક દુનિયા કકંઇક જુદી જ હતી. એના ભયાનક બાળપણ અને જડસુ બાપ વિશે એ
ઝાઝું બોલતો નહોતો પરંતુ ૧૯૯૩માં એક ઇન્ટરવ્યૂમાં કિંગનું મહોરું ઉતરી ગયું હતું અને બાળપણમાં એના બાપે આપેલા ત્રાસ વિશે વાત કરતા એ મોઢું ઢાંકીને રડી પડ્યો હતો. એના બાપે એની ઉપર ત્રાસ ગુજારવામાં કંઇ બાકી રાખ્યું નહોતું. એ માઇકલને ડરાવતો, ધમકાવતો અને બેરહેમપણે ફટકારતો પણ પરંતુ દુનિયાને માઇકલનું રૂદન ક્યારેક સાંભળવા મળ્યું નહીં, સાંભળવા મળ્યો એક સંમોહક જાદુઈ અવાજ. નાનપણથી જ સ્ટેજ પર પર્ફોર્મન્સ આપવા માંડેલા માઇકલ અને એના ભાઇબહેનોએ જેકસન ફાઇવ ગ્રૂપ રચ્યું. બાદમાં માઇકલ અલગ થયો અને ટોચે પહોંચ્યો. આ સમયગાળામાં માઇકલની દુનિયા વિરોધાભાસોની દુનિયા બની ગઈ. એના પ્રશંસકો લાખોના ગુણાકારમાં વધતાજતા હતા પરંતુ અંગત જિંદગીમાં એ વધુને વધુ એકાકી બનતો જતો હતો. એ વાસ્તવિકતાથી દૂર ભાગતો ગયો. એણે નાણાંની મદદથી પોતાની આસપાસ આભાસી દુનિયા રચી નાંખી. જેને એણે નેવરલેન્ડ નામ આપ્યું. ૧૯૮૦થી એની ચામડીનો રંગ બદલાવા માંડયોઅને દુનિયાભરમાં એણે સ્કીન ટ્રીટમેન્ટ કરાવી હોવાની વાતથી હોબાળો મચી ગયો. માઇકલ મિડાસ બની ચૂકયોહતો.સંગીતની દુનિયામાં એ જેને સ્પર્શતો એ ‘ગોલ્ડન હિટ’ બની જતું હતું અને વાસ્તવિકત દુનિયામાં એ જે કાંઇ પણ કરતો એ વિવાદમાંસપડાઇ જતુંહતું. ‘કિંગ ઓફ પોપ’ બનવાની કિંમત માઇકલ ડગલેને પગલે ચૂકવતો હતો. વયમાં ઘણો મોટો થયેલો માઇકલ બાળપણ માટે તરસતો રહ્યો. એના રાન્ચ ‘નેવરલેન્ડ’માં એણે વિશાળ ઝૂ સહિતની બાળકોને ગમે એવી અનોખી દુનિયા ઉભી કરી. એણે બાળકો સાથે રહેવાનું શરૂ કર્યું અને શરૂ થયો ચાઇલ્ડ મોલસ્ટેશનના સાચા ખોટા આરોપોનો સિલસિલો. માઇકલ સ્ટેજ પર ઓછું અને કોર્ટમાં વધુ દેખાવા માંડ્યો. માઇકલની આભાસી દુનિયા વાસ્તવિકતાના ભાર નીચે તૂટી રહી હતી. ચાઇલ્ડ મોલસ્ટેશનનાઆરોપોમાંથી  ઘેરાયેલા માઇકલ એલ્વિસની પુત્રી લિઝા સાથે લગ્ન કર્યા પણ બે વર્ષમાં લગ્ન તૂટી ગયા. વાંક દેખાઓની નજરમાં આ લગ્ન પણ ચાઇલ્ડ મોલસ્ટેશનમાંથી છટકવાનું બહાનું હતું. પછી તો માઇકલ ક્યારેય વિવાદોની માયાજાળમાંથી બહાર આવી શક્યો જ નહીં.‘થ્રિલર’ના રિલિઝ થયાના ૨૫  વર્ષ બાદ ૨૦૦૮માં માઇકલે થ્રિલર - ૨૮ નામનું આલ્બમ બહાર પાડ્યું. જેમાં રિમિકસ ગીતો ઉપરાંત અગાઉ પ્રસિદ્ધ ન થયેલું સંગીત હતું. બાર અઠવાડિયામાં આ આલ્મબની ત્રીસ લાખથી વધુ કોપી વેચાઈ ગઈ. બીટ્સની દુનિયામાં માઇકલનો જાદુ બરકરાર હોવાનો આ પુરાવો હતો. માઇકલે આ જ સાલમાં ૫૦ વર્ષ પૂરા કર્યા વર્ષ પૂરા કર્યા. આ પ્રસંગે કિંગ ઓફ પોપ આલ્બમ રિલઝિ કર્યું. જેની લાખો નકલો વેચાઇ. માઇકલે ૫૦થી વધુ કોન્સર્ટ પ્લાન કર્યા અને નવી ટૂરની જાહેરાત થઈ. પરંતુ માઇકલ ‘વન’માં પ્રવેશે એ કદાચ કુદરતને ક્યારેય મંજુર નહોતું. અવાજના આ જાદુગરના હૃદયના અવાજ એ પહેલા જ બંધ થઈ  ગયો.એના મૃત્યુના ચંદ કલાકો બાદ ફરી પ્રશ્ન થાય છે માઇકલ શું હતો? લાગે છે કે દુ:ખ, દર્દ અને પીડાને ભૂલવા દેનારું સંગીત માઇકલ હતો, કાનમાંથી શરીરમાં ઘુસી અંગેઅંગને નાચવા મજબૂર કરનારો અવાજ માઇકલ હતો. લાલ કોટ અને ટૂંકું લાઇટ બ્લેક પેન્ટ પહેરવા મજબૂર કરનારી બળવાખોર ઇચ્છા માઇકલ હતો. વાસ્તવકિતાની પૃથ્વી પર ચકાચોંધ આભાસી ચદ્ર રચી તેની પર મૂન વોક કરનાર માઇકલ હતો. ભાષાની સરહદોને તોડનાર માઇકલ હતો અને ક્યારેય ઘરડો નહીં થનાર બાળકો માઇકલ હતો. કડવું સત્ય એ છે કે આપણા સૌની અંદર કોઈક ખૂણે માઇકલ જીવતો હોય છે પણ રડવાનું જાત માટે રાખીને દુનિયાનું મનોરંજન કરનાર એ કિંગ ઓફ પોપ હતો.

સોમવાર, 2 જૂન, 2014

પ્રશાંત અને શેખ: ક્રાઇમ રિપોર્ટીંગના 'કેન એન્ડ એબલ'



(જેમણે જેફ્રી આર્ચરની ‘કેન  એન્ડ એબલ’ વાંચી નથી એમને આ હેડિઁગ સમજાશે નહીં. એમણે બાજુમાં પુછી લેવું)


એક સુરતથી અહીં આવ્યો, બીજાની સૂરતમાં જોવા જેવું કશું નથી. એક કાયમી ઇન સિકયોર છે, બીજાને સિકયુરિટી શબ્દથી જ નફરત છે. એક હંમેશા સ્ટાઇલિશ રહે છે, બીજાને છેલ્લે ક્યારે ‘ઇન શર્ટ’ કર્યું હતું એ પણ યાદ નથી. એક કોન્સ્ટેબલોની વચ્ચે પોતીકાપણું મહેસૂસ કરે છે બીજાને આઇપીએસ અફસરોને આંજી દેવાની મઝા આવે છે. બંને એકબીજાની શક્તિઓને માન આપે છે અને બંને એકબીજાના કટ્ટર પ્રતસ્પિધીઁઓ છે. સરફરાઝ શેખ અને પ્રશાંત દયાળ વચ્ચેની ઝનૂની સાઠમારી છાપાંઓમાં ક્રાઇમ સ્ટોરીઝને ધબકતી
રાખે છે.

પ્રશાંત મેવેરીક છે, મિસ્ટિરીયસ છે, મેગ્નેટીક છે. એ પોતાના મૂળીયાને જડમૂળથી વળગી રહે છે. તમામ અ-સામાન્ય બાબતો એના માટે સ્ટોરી બને છે. એ આજીવન ‘વ્હીસલ બ્લોઅર’ છે. કોઇને પણ અન્યાય થતો હોય... ઘણીવાર તો અન્યાય થતો હોય કે ના થતો હોય પણ પ્રશાંતને લાગે કે અન્યાય થઈ રહ્યો છે તો માથે કફન બાંધી લડતમાં ઝંપલાવી દે છે. સામે લડવાની એની કાયમી પ્રકૃતિ છે. એની બાબતો એની સ્ટોરીમાં ઉતર્યા કરે છે. સરફરાઝ ઝનૂની છે, સક્ષમ છે, એરોગન્ટ છે. ‘‘વન અપમેન શિપ’’ એનામાં ભારોભાર છે. એ
સતત સ્ટોરીઝની શોધમાં હોય છે. એના ઘણીવાર વિચિત્ર લાગે એવા સ્વભાવને કારણે બીજા છાપાના રિપોર્ટરો એની સાથે ખાસ હરતા ફરતા નથી. સરફરાઝને પણ હવે એ ફાવી ગયું છે. એ આવી સ્થિતિને પોતાની તરફેણમાં ગણાવે છે અને કહે છે ‘‘સિંહ તો એકલો જ ફરે ને...’’ ટેરેરીસ્ટ ઓર્ગેનાઇઝેશન અંગે એની માસ્ટરી છે. એકે-૪૭માંથી ગોળી છુટે એના કરતાં વધુ ઝડપથી એ ત્રાસવાદીઓના અને એમના કનેકશન્સના નામો બોલતો રહે છે અને એની અપેક્ષા હોય છે કે એના એડિટરને એ બધા જ નામો અને એના કનેકશન્સ યાદ હોય... આ જેટલું લાગે છે એટલું સહેલું નથી. એકાદ સાંજે એ સીધો ચેમ્બરમાં આવે અને કહે સાહેબ સલીમ યુસુફ (નામ કાલ્પનિક છે) દિલ્હી પોલીસના હાથમાં પકડાઇ ગયો. આપણે પુછીએ કોણ સલીમ યુસુફ? એટલે કહે... ‘‘બાટલામાં હતો એ પહેલાં વાઘામોનમાં હતો... લશ્કરનો માણસ છે,રિયાઝના કનેકશનમાં છે, જયપુર અને અમદાવાદમાં હતો... ’’ હવે એના એડિટરે સમજી જવાનું કે આ ભાઇશ્રી
સલીમ યુસુફ દિલ્હીના બાટલા હાઉસમાં થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રાસવાદીઓ સાથે સંકળાયેલા હતા અને તે અગાઉ દ. ભારતના વાઘામોનના જંગલોમાં તેમણે ત્રાસવાદી તાલિમ લીધેલી અને જયપુરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં અને અમદાવાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં એ શકમંદ ગણાય છે. પણ જો એડિટરને કે ચીફ રિપોર્ટરને સરફરાઝના ‘કોડવર્ડ’માં ન ખબર પડે તો એનું માન એ લોકો પ્રત્યે ઉતરી જાય! એ એમની સામે કંઇ રિએક્ટ તો ના કરે પણ મનમાં ચોક્કસ માને કે આ લોકોને કાંઇ ખબર પડતી નથી.ઉપરીઓને કંઇ ખબર પડતી નથી એવું પ્રશાંત પણ ચોક્કસ માને, ખાસ કરીને જ્યારે એની કોઈ એક્સકલુઝિવ સ્ટોરી માટે એની પાસે કવોટ્સ કે વર્ઝન માંગવામાં આવે ત્યારે.... એને અધિકારીઓ (છાપાના પણ) કરતાં એના પોતાના સોર્સ પર વધારે વિશ્વાસ હોય છે એ પોતાના સોર્સને સાચવવા કોઈપણ હદે જઈ શકે છે.
પ્રશાંત અને સરફરાઝ બંનેએ અમદાવાદમાં દિવ્ય ભાસ્કર શરૂ થયું ત્યારે સાથે કામ કર્યું હતું. આજેય જ્યારે રૂબરૂમાં મળે ત્યારે સરફરાઝ પ્રશાંત સાથે માનપૂર્વક વાત કરે અને એની સિનિયોરિટી સ્વીકારે પણ ખરો. ‘સિનિયર’ હોવું એ સરફરાઝ માટે જરા જુદો અર્થ ધરાવે છે. ‘સિનિયર કભી સાધારણ નહીં હોતા’ એવું એના જુનિયર રિપોર્ટરોને કહેતાં મેં એને ઘણીવાર સાંભળ્યો છે. પણ જ્યારે આ બંને પોતાના અનુયાયીઓ સાથે હોય ત્યારે એકબીજા પ્રત્યેના અભિપ્રાય જુદા હોય છે... દરબાર અને દરબારીઓની એ અસર હોઈ શકે. સરફરાઝની કાયમ ફરિયાદ હોય છે કે ‘પ્રશાંત ભાઈ તો સારા છે પણ એમની આસપાસના લોકો ખરાબ છે. એમણે આવા લોકોથી દૂર રહેવું જોઈએ’ અને સામે પક્ષે પ્રશાંતની ફરિયાદ હોય છે કે ‘‘શેખ છોકરમત બહુ કરે છે અને ગમે તેમ બોલે છે એણે ધ્યાન રાખવું જોઈએ.’’સને ૨૦૧૦માં જ્યારે અમિત શાહ અને ૧૬ સરકારી સોહરાબુદ્દીનો સામે સીબીઆઇની કાર્યવાહી શરૂ થઈ ત્યારે ન્યૂઝની ‘ડિટેઇલ્સ’ મેળવવા માટે અને એક્સકલુઝિવ સ્ટોરઝિ મેળવવા માટે કાંટે કી ટક્કર થઈ હતી. પ્રશાંત એ સમયે ટાઇમ્સમાં હતો અને સરફરાઝ દિવ્ય ભાસ્કરમાં હતો., આ બંને ન્યૂઝ પેપરોની લાઇન એ સમયે જુદી હતી પણ બંનેની રોજ એકબીજા પર સ્કોર કરવાની લડાઇનો હું સાક્ષી છું.પ્રશાંતને બંધનો ગમતા નથી... બીટના પણ... એટલે એ સ્ટોરી મેળવવા માટે બીજાની બીટમાં ઘુસી જતાં અચકાય નહીં. સરફરાઝ સામાન્ય રીતે ક્રાઇમ બીટ પુરતો મર્યાદિત રહે. પોલીટીકલ બીટમાંના કનેકશનોને કારણે રાજકીય એંગલ ધરાવતી સ્ટોરીઓમાં પ્રશાંતને
અડવાન્ટેજ મળે જ્યારે સરફરાઝ ઇનપુટ માટે એા છાપાના પોલિટિકલ રિપોર્ટરો પર આધારીત રહે અને જે દિવસે એને જરૂરી ઇનપુટ ના મળે એ દિવસે એ ફ્રસ્ટ્રેટ થઈ જાય. આખો દિવસ એ સ્ટોરી પાછળ દોડ્યો હોય, જમવાનું પણ રહી ગયું અને બીજા દિવસે એની સ્ટોરી નબળીપડે એટલે સવારથી એની અકળામણ શરૂ થઈ જાય. પછી એને સંભાળવાનું અઘરું બની જાય.ઈપણ એડિટર માટે આ બંનેને હેન્ડલ કરવા એ માથાના દુ:ખાવો છે આ એક મુખ્ય કારણ છે કે આ બંને નોકરી બદલતા રહે છે.

પ્રશાંત સ્વભાવે જ બળવાખોર છે એટલે જ્યાં સુધી એ કોઈ વાત સાથે સંમત ન થાય તો એ વાત ત્યાં જ અટકે  રિપોર્ટરો સુધી જઈ જ ના શકે. સરફરાઝ હંમેશા સાથી રિપોર્ટરો પાસેથી કામ માટે ૧૦૦ ટકા પ્રતબિદ્ધતાની અપેક્ષા રાખે અને એ માટે એરોગન્ટ પણ બની જાય.સાબરમતી જેલના સુરંગકાંડ વખતે આ બંને વચ્ચે સમાચારો મેળવવાની ઉગ્ર લડાઈ થઈ હતી. બેશક! સુરંગનો ફોટો લાવીને પ્રશાંતે બાજી મારી હતી અને એનો સોર્સ જેલમાં છે એવું માનવામાં સરફરાઝ સાચો હતો. એ સમયે સરફરાઝની મહેતન ઓછી નહોતી પણ હું માનું છું કે પ્રશાંત એની સમગ્ર કારકિર્દીમાં કયારેય નહોતો એવા  ટોપ ફોર્મમાં હતો. એનો સોર્સ મજબૂત હતો અને એ સોર્સ એણે વર્ષોથી સાચવેલો હતો. પ્રશાંતને વાંધો એ હતો કે સરફરાઝે એના વિશે એલફેલ બોલીને એને ચેલેન્જ આપી હતી. સરફરાઝ આજે પણ માને છે કે કેટલાક વચેટિયાઓએ એની વાતને ટ્વીસ્ટ કરીને પ્રશાંત સુધી પહોંચાડી હતી.આ બંને વચ્ચેની સ્પર્ધા રસપ્રદ રીતે બીજા ક્ષેત્રમાં પણ ચાલતી રહે છે. સરફરાઝ પલ્સર ૨૨૦ ખરીદી લાવ્યો. એ સ્પોર્ટ્સ બાઇક છે લાંબા અંતર સુધી જતા રિપોર્ટર્સ માટે એ બાઇક નકામી છે એમ મેં એને એ વખતે જ કહેલું. પછી પ્રશાંત પણ એ જ બાઇક લાવ્યો. મેં એને પણ વારેલો. બંને મારા મિત્રો છે અને ‘‘વાર્યા ન વળવું પણ હાર્યા વળવું’’ એ બંનેનો જાણે મુદ્રાલેખ છે. અંતે બંનેએ એ બાઇક બદલી નાંખી. હવે પાછો આ બંનેની બાઇક રેસમાં રસપ્રદ વળાંક આવ્યો છે. પ્રશાંતે થોડા સમય પહેલાં બુલેટ ખરીધ્યું છે અને હવે સરફરાઝે પણ બુલેટ લીધું છે. પ્રશાંતનું બુલેટ ૩૫૦ સીસીનું હતું. સરફરાઝે ૫૦૦ સીસીનું બુલેટ લીધું છે..... વન અપ મેન શિપ... યૂ નો...?
સ્પર્ધા બાઇકસની હોય, ન્યૂઝની હોય કે સર્વોપરીતાની હોય એક વાત ચોક્કસ છે કે સરફરાઝ સાથેની કટ્ટર સ્પર્ધાને કારણે પિસ્તાલીસની ઉંમર પસાર કરી ચૂકયો હોવા છતાં પ્રશાંત વીસ વર્ષના રિપોર્ટરો કરતાં વધુ સ્ફૂર્તિથી કામ કરે છે અને પ્રશાંત સાથેની સ્પર્ધા સરફરાઝને સતત દોડતો રાખે છે. હું માનું છું કે પ્રશાંતને કારણે સરફરાઝને એની અંદરની શ્રેષ્ઠ તાકાત બહાર લાવવામાં મદદ મળે છે અને સરફરાઝને કારણે પ્રશાંતને શ્રેષ્ઠતા સાબિત કરવાનું ઝનૂન કાયમ રહે છે.અમદાવાદના આ બે વિશિષ્ઠ ક્રાઇમ રિપોર્ટરો વચ્ચેની રેસ હજુ ચાલુ છે, બાઇક હોય કે ન્યૂઝ, જંગ શ્રેષ્ઠતાનો છે. કોઈ નમતું નહીં જોખે એની મને ખાતરી છે.

શુક્રવાર, 4 એપ્રિલ, 2014

કોણ કહે છે કે આ શહેર સલામત નથી,

કોણ કહે છે કે આ શહેર સલામત નથી,
રોજ અહીં રાત એકલી ફરે છે,
સ્ટ્રીટલાઇટની નિર્લજ્જ રોશનીથી
ડરીને ગલીઓમાં સંતાતી ફરે છે,
વળાંકવાળા કાળા રસ્તાઓ પર,
મોંઘેરા શિયળને ડાઘ વિના સાચવે છે,
રોજ સુંદર રાત અહીં એકલી ફરે છે,
પોલીસના માણસખાઉ પેટ્રોલિંગથી દૂર રહે છે,
કૂતરાઓની વચ્ચે રહે છે,
ગોળ વળીને ઉભેલું ટોળું જોઇને , 
સાવચેતીથી રસ્તો બદલે છે,
રોજ યુવાન રાત અહીં એકલી ફરે છે,
બેડરૂમોમાં રોજે રોજ થતા રેપથી ,
ઘર છોડીને અચાનક ભાગી છૂટી છે,
હવે શહેરમાં સલામત ફરે છે,
રોજ રાત અહીં એકલી ફરે છે,

બુધવાર, 19 માર્ચ, 2014

મોહનદાસ, મોહંમ્મદઅલી અને મોદી.....દિલ્હીપથ રક્તથી લથપથ


ઘટના ૧- અહિંસા
દિવસ- ૪થી ફેબ્રુઆરી૧૯૨૨
સ્થળ-ચોરીચૌરાજીલ્લો ગોરખપુરયુ.પી
કોંગ્રેસના અસહકારના આંદોલનમાં જોડાયેલા ૨હજારથી ૩ હજાર લોકો અહિંસક દેખાવો કરી રહ્યા હતા. તેમના નેતાની પોલિસે ધરપકડ કરી લોકઅપમાં પૂરી દીધા. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકી સામે નારેબાજી ચાલુ કરી. વળતા જવાબમાં પોલીસે ગોળીબાર કરી ત્રણ આંદોલનકારીને ઢાળી દીધા અને બીજા અનેકને ઘાયલ કર્યા. ટોળું ભયાનક રોષે ભરાયું અને ભારે પથ્થરમારો ચાલુ કર્યો. ગભરાઇને પોલીસો ચોકીમાં ભરાઇ ગયા. ટોળાનો આક્રોશ ચરમસીમાએ હતો. ચોકીને આગ ચાંપી દેવાઇ. ૨૨ થી ૨૩ પોલીસવાળાને જીવતાં સળગાવી દેવાયા. ઈતિહાસ આ ઘટનાને ચોરીચૌરા હત્યાકાંડ તરીકે ઓળખે છે.
નેતાએ શું કર્યું? --પાંચ દિવસના ઉપવાસ અને આખું ય આંદોલન પાછું ખેંચી લીધું. લોગકો સ્તબ્ધ બની ગયા.  નેતાએ સાફ-સાફ કહી દીધું દેશ હજી અહિંસા માટે તૈયાર નથી. મોહનદાસની મહાત્મા સુધીની સફર શરૂ થઇ ગઇ હતી.
ઘટના-૨ અતિ હિંસા
દિવસ-૧૭ ઓગસ્ટ૧૯૪૬
સ્થળ-કેસોરામ ટેક્સટાઇલ મિલલીચીબાગાન વિસ્તારમીટીયાબુઝg
ડાઇરેકટ એકશનનું એલાન હતું. જાણે બધી જ છુટ હતી. ગાર્ડન રીચ ટેક્સટાઇલ વર્કર્સ યુનિયનના પ્રમુખ સૈયદ અબ્દુલા ફારુકી અને એક ગુંડો મુસ્લિમોના ટોળા સાથે મિલના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા અને ભયાનક હત્યાકાંડ શરૂ કર્યો. ૩૦૦ ઉડીયાઓ સહિત ૫૦૦થી ૮૦૦ હિન્દુઓની કતલ થઇ ગઇ. આખું ય બંગાળ કોમી હિંસામાં લપેટાઇ ગયું.
નેતાએ શું કર્યું? - મોહંમદ અલી જિન્નાહ પોતાની માંગણીમાં અડગ રહ્યા. અખંડ હિન્દુસ્તાનમાંથી પાકીસ્તાનની ‘ લીલુડી ધરતીનો કટકો કાપી લેવાનો જિન્નાહનો મનસૂબો સાકાર થવાનો રસ્તો સાફ થઇ રહ્યો હતો.
ઘટના-૩ હિંસા
દિવસ-૨૭મી ફેબ્રુઆરી૨૦૦૨
સ્થળ-ગોધરાગુજરાત
સાબરમતી એક્સપ્રેસમાં અયોધ્યાથી આવી રહેલા કારસેવકોને ગોધરા સ્ટેશને કેટલાક લોકો સાથે ઝગડો થયો. સિગ્નલ  ફિળયા પાસે ટ્રેન અટકાવાઇ અને એસ-૬ કોચને આગ ચાંપી દેવાઇ. ૫૮ કાર સેવકો જીવતા સળગી ગયા. ૨૮મી ફેબ્રુઆરીનો દિવસ સરકાર માટે નો એકશન ડે’ હતો અને ઉશ્કેરાયેલા હિન્દુઓ માટે ડાઇરેકટ એકશન ડે’ હતો. સેંકડો મુસ્લિમોને સળગાવી દેવાયા.
નેતાએ શું કર્યું?- અનિર્ણાયક રહ્યા. ચૂપ રહ્યા. નવવર્ષ બાદ ઉપવાસ કર્યા. હિન્દુઓના મસીહા બનીને રાજકીય લાભ ખાટતા રહ્યા.
                                            -----------
દિલ્હીના રાજકારણમાં અત્યંત મહત્વનો ભાગ ભજવનારા પ્રથમ બે ગુજરાતીઓ અને હવે વડા પ્રધાનપદના દાવેદાર બનીને ઉભરેલા ત્રીજા ગુજરાતીના રાજકીય જીવનમાં રમખાણો નિર્ણાયક બન્યા છે. એમણે કોમી હિંસા માટે લીધેલા વલણને કારણે એમના રાજકીય અસ્તિત્વને ઓળખ મળી. દક્ષિણ આફ્રિકાના પીટરમારીત્ઝબર્ગના સ્ટેશને ટ્રેનમાંથી ફેંકાઇ જવું એ મો.ક.ગાંધીના અંગત જીવનના પ્રથમ બદલાવનું કારણ હતું. તો રાજકીય જીવનમાં ચોરીચૌરા હત્યાકાંડ એમની અહિંસા પ્રત્યેની પ્રતબિધ્ધતાનો નિર્ણાયક માઇલસ્ટોન હતો. સિધ્ધાંત માટે તેમણે આંદોલનને તડકે મૂકર્યું હતું. એમની આ પ્રતબિધ્ધતા ૧૯૪૭ સુધી એમના મૃત્યુ સુધી ચાલી પણ એમણે મૃત્યુના એક વર્ષ પહેલા જ અહિંસાના લીરેલીરા ઉડતા જોયા. ધર્મ આધારિત અલગ દેશની માંગણી સાથે મહંમદ અલી ઝીણા ઠક્કર-મહંમદ અલી જિન્નાહે --ડાઇરેકટ એકશનનો આદેશ આપ્યો અને હજજારોનો ભોગ લેનારી આ ઘટનાએ જિન્નાહને મુસ્લિમોના નેતા તરીકે પ્રસ્થાપિત કરી દીધા. અંતે એમને પાકિસ્તાન મળી ગયું.
મોદીનો કેસ જરા જુદો છે. એ ૨૦૦૨થી હિન્દુ હૃદય સમ્રાટ બન્યા. ગોધરાકાંડ બાદ૨૦૦૨ની ચૂંટણી સમયે ના એમના આપણા પાંચએમના પચ્ચીસ’ જેવા ભાષણો ચૂંટણીપંચની આંખે પણ ચડયા હતા. પછી એમણે રાગ વિકાસ’ આલાપ્યો અને દેશભરના ઉદ્યોગપતિઓએ વાઇબ્રન્ટની મહેફિલોમાંકમરેથી અડધા ઝૂકીને , ‘વાહ’ ‘વાહ’ કરીને મોદીને દિલ્હીના તખ્તાના દાવેદાર ગણાવતા રહ્યા. અંતે ૨૦૧૪ની ચૂંટણીના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ભાજપે એમની પર જ કળશ ઢોળ્યો.
આ ત્રણેય નેતાઓની રાજકીય કારકિર્દી માત્ર કોમી રમખાણો પૂરતી સિમિત નથી પણ એમના રાજકીય જીવન પર એ રમખાણોનો એટલો પ્રભાવ રહ્યો કે જાણે એમનું રાજકીય જીવન રમખાણોનું સંતાન બની ગયું. એક રીતે જોવા જાવ તો આ ત્રણેય ગુજરાતીઓએ રમખાણોને એનકેશ’ કર્યા. ગાંધીએ હિંસાનો લાભ લઇ પોતાનો અહિંસાનો સિધ્ધાંત અહિંસક રીતે ઠોકી બેસાડ્યો. આ અહીંસા કેટલી ઉપરછલ્લી હતી એ ભારતના ભાગલા સમયે આખા દેશને સમજાઇ ગયું  હતું. જિન્નાહે હિંસાનો લાભ લઇ િદ્વરાષ્ટ્રનો સિધ્ધાંત અતહિિઁસક રીતે ઠોકી બેસાડ્યો.  આજે પણ પાકીસ્તાન હિંસામાંથી બહાર આવી શક્યું નથી. મોદીએ હિંસાનો લાભ લઇ ન.મોનો સિધ્ધાંત અભૂતપૂર્વ લોકપ્રિયતાના આવરણ હેઠળ ઠોકી બેસાડ્યો.  રમખાણો માટે છેલ્લા કેટલાય સમયથી ગુજરાત શાંત છેમોદી તેનો યશ લેતા રહ્યા છે.
ઈતિહાસની એક વિચિત્રતા એ છે કે ૧૯૪૬ના ડાઇરેકટ એકશનથી જન્મેલા રમખાણો માટે જિન્નાહે કોંગ્રેસની માનસિકતાને જ દોષિત ઠરાવેલી. એમણે ગાંધીજીને પણ અવારનવાર હિન્દુ નેતા’ કહીને નવાજેલા. કાળચક્ર ફર્યું અને ૨૦૦૨ના રમખાણો બાદ મોદીએ કોંગ્રેસને મુસ્લિમ તુિષ્ટકરણની પાર્ટી કહીને નવાજેલી અને સોનિયાના ખ્રિસ્તી ધર્મને લઇને ટિપ્પણી કરેલી.  શું ૧૯૪૬માં ખરેખર કોંગ્રેસ મુસ્લિમ હિન્દુ તરફી હતી ..કદાચ અભ્યાસુ ઇતહિસકારો જ આ સવાલનો જવાબ આપી શકે. એક વાત તો ચોક્કસ છે કે ૧૯૪૬ હોય કે ૨૦૦૨... તુિષ્ટકરણના આક્ષેપોનો લોકોના ગળે ઉતરે એવો  જવાબ આપવામાં કોંગ્રેસની નિષ્ફળતાએ રાજકારણના સમીકરણોને ધરમૂળથી બદલાવી નાંખ્યા છે.
મોદી અને જિન્નાહ વચ્ચે એક વિચિત્ર સામ્યતા છે. ૨૦૦૨ના અરસામાં મોદીની જબાન ધર્મની દુહાઇ દેતી હતીઆગ વરસાવતી હતી પણ પછી એ સમન્વય અને સદ્ભાવનાની વાત કરવા માંડ્યા છે. જિન્નાહ પણ પાકિસ્તાન મળ્યું છેક ત્યાં સુધી અત્યંત આક્રમક રહેલા અને પછી સમાન હક્કની વાત કરવા માંડેલા. પાકિસ્તાનની બંધારણ સભાને સંબોધતા જિન્નાહે ૧૧ ઓગષ્ટ૧૯૪૭ના રોજ  કહેલું, ‘પાકિસ્તાનમાં તમે મુકત છોતમે તમારા મંદિરે જવા માટે મુકત છોતમે તમારી મિસ્જદે અથવા તમારા કોઇપણ ધાર્મિક સ્થળે જવા માટે મુકત છો. તમારા ધર્મ સાથે પાકિસ્તાનને કોઇ લેવાદેવા નથી.’ આ જિન્નાહનો ૧૮૦ ડિગ્રીનો યુ-ટર્ન હતો. મોદીએ તાજેતરમાં લખનૌમાં એક રેલીને સંબોધતા કહ્યું હતું કેતેમની આર્થિક નીતિને કારણે ગુજરાતમાં મુસ્લિમો આબાદ બન્યા છે. મુસ્લિમો શું માને છે એ કેવી રીતે ખબર પડશે એ સમજાતું નથી.
દિલ્હીના તખ્તા પર કોઇ ગુજરાતી આસીન થાય એવી ઘટનાની શક્યતા ૩૭ વર્ષ પછી ફરી દેખાઇ રહી છે. કોઇ પણ ગુજરાતી માટે આ ગર્વ લેવા જેવી ઘટના છે.... ગાંધીજી કે જિન્નાહ રાજકારણના ટોચના ખેલાડીઓ હતા .. તો સરદાર સૌથી વધુ લાયક હતા પણ દિલ્હીનું તખ્ત તેમને મળ્યું નહીં. વિચિત્ર સંજોગોમાં મોરારજી પ્રથમ બિન કોંગ્રેસી સરકારના વડાપ્રધાન બન્યા. ગુજરાતના ઈતિહાસમાં મોદીએ લોકપ્રિયતાનું એક નવો જ અધ્યાય આલેખી ચૂક્યા છે. ભારતનો ઈતિહાસ તેમને કેવી રીતે યાદ રાખશે એ  જોવાનું રહ્યું.

બુધવાર, 1 જાન્યુઆરી, 2014

અનીતિ સૂત્રો 3


                                           અનીતિ સૂત્રો 3
1.     1.  સ્ત્રી જયારે એના પતિને ભૂતકાળ કહેતી હોય છે ત્યારે એ એનો દષ્ટિકોણ હોય છે, સત્ય નહીં.

2.      સબસે ઉંચી નફરત કી સગાઇ... જેને ભુલવા તમને બહુ તકલીફ પડશે  એને તમે પ્રેમ કરશો પણ જેને તમે લાખ કોશિષ છતાં નહીં ભુલાવી શકો એને નફરત કરશો.

3.       મંદિરના બહારના ભિખારીઓ કરતાં મંદિરની અંદરના ભિખારીઓ વધુ દયનીય છે.

4.       જેટલી મોટી ચોરી કરો અટલું વધુ સન્માન મળે

5.       ભગવાનના બાપને પણ જેલમાં જવું પડેલું તો આપણે કોણ..

6.       પરુષની બુધ્ધિ  (અનાવૃત) સ્ત્રીની પગની પાની સુધી

7.       અપણા ખોટા નિર્ણયોનો દોષ બીજાના માથે ઠોકી દેવાથી શાંતિ મળે છે.

8.       એપેન્ડિકસ અને અંતરાત્મા બંને સરખા નકામા છે, કઢાવી નાંખવાથી કોઇ નુકસાન થતું નથી.

9.       સ્ત્રી સંગથી દૂર રહેવાથી સ્ત્રીઓ ઘણા પાપમાંથી બચી જશે પણ તમે નહીં બચી શકો.

10.   શરાબ બડી માસુમ ચીજ છે એને તમારા લોભથી દૂર રાખો.

અનીતિ સૂત્રો 2


                          અનીતિ સૂત્રો 2

1.       લગ્ન સમાજમાંથી નક્કી થાય છે, કૌમાર્ય ભંગ સ્વર્ગમાંથી નક્કી થાય છે.
2.       જેને પોતાના ભૂતકાળ પર અફસોસ છે એ આજના વર્તમાન માટે આવતી કાલે કોઇ બલિનો બકરો શોધતો હશે.
3.       સાધુ તો દૂરથી ભલા
4.       સત્ય બધી સમસ્યાનું કારણ છે.
5.       સેકસ શાશ્વત છે, પ્રેમ નહીં.
6.       મૃત્યુ એક જ વાર આવે છે, કૌમાર્ય એક જ વાર ભંગ થાય છે, પ્રેમ અને દગો વારંવાર કરી શકાય છે.
7.       ભગવાન અને બ્રહ્મચર્યને કોઇ સંબંધ નથી.
8.       પીઠ પર પહેરવાના બખ્તર બન્યા હોત તો પ્રેમ આટલો વગોવાત નહીં.
9.       દરરોજ મંદીરે જવાથી ભગવાનને મુરખ બનાવવાની શક્તિમાં વધારો થાય છે.
10.   ઘોર અજ્ઞાનીઓ શ્રેષ્ઠ પુજારીઓ સાબિત થાય છે.