બુધવાર, 10 જુલાઈ, 2013

ચા(હ)

""ચ્યાસ".... આમ તો આ શબ્દ ક્યાંય સાંભળ્યો નહોતો. મને યાદ હતું ત્યા સુધી સાર્થ જોડણીકોશમાં પણઆવો અદભૂત શબ્દ નહોતો, પછી મિત્રએ સમજાવ્યું પાણીપીવાની તલપને જેમપ્યાસ કહેવાય તેમ ચા પીવાની તલપને ચ્યાસ કહેવાય.. આને ગ્રામરને કોઇ લેવાદેવા નથી પણ લોજિકને જરૂર છે. અને સૌ જાણ છે એમ અમદાવાદ લોજિકનું શહેર છે, ચાનું શહેર છે અહી દર બીજા ત્રીજા ચાર રસ્તે ચાની ડિસ્ટિલરી (અમે એને કીટલી કહીએછીએ, બોસ) જોવા મળે છે અને આ દરેક કીટલીના પોતાના વફાદાર ચાહકો છે. આવા સાચા ચાહકો એકવાર પત્નીની વફાદારી પર શંકા કરે પણ પોતાની કીટલી પર મળતા ગરમાગરમ તાંબાવરણા બ્રાઉન પ્રવાહી પર ક્યારેય શંકા કરતા નથી. મેકિસકોનો ટકીલા અને અમદાવાદની ચા સરખા જ માપમાં પીવાય છે. જાણકારો કહે છેકે બંનેનું બંધાણ સરખુ જ હોય છે આમ તો અમદાવાદીઓ પીવામાં અવવ્લ નંબર છે. એક શાયરે કહેલી પંકિતઓ મુરખ તને પીતા નથી આવડતું, બાકી એવો કયો પદાર્થ છે જે શરાબ નથી.... ને અમદાવાદીઓ ગળથૂથીમાં ઉતારી ગયા છે. ઉભી લાંબી બોટલમાંનુંકોઇ પણ રંગીન પ્રવાહી અમદાવાદીને નશો કરાવી શકે છે. પરંતુ ચાની બાબતમાં અમદાવાદીઓ ચુઝી છે. ગમે તેવી ચાની ચુસકી લેવામાં એ લોકો માનતા નથી.
કોઇ અમદાવાદીને સીદી સૈયદની જાળીનું સરનામું ન ખબર હોય એવુ બને પણ લકી ટી સ્ટોલ ક્યા આવ્યો છે તે ખબર ન હોય તેમ ન બને. મકબૂલ.... એટલે કે હવે સ્વ. હૂસૈન પણ લકીની ચા પર ફિદા હતા. એમણે ચાના બદલામાં ચિત્ર પણ આપ્યું હતું. આમ તો એમ.એફ. હુસૈનની માત્ર સહી પણ કરોડોમાં પડે પણ એમણે સહી સાથેનું ચિત્ર સાવ એમ જ મફતમાં આપી દીધું હતું.
લોકો સાચું જ કહે છે ચાનો નશો કંઇક અદભૂત છે. ચા પીવડાવીને મનગમતું કામ કઢાવી શકાય એમ આ આખું શહેર માને છે. અસલના અમદાવાદમાં રતનપોળના સાડીવાળાઓ માનુનીઓને પહેલા ચા પીવડાવતાં અને પછી મોંઘીદાટ સાડીઓ પધરાવી દેતા... એક અડધી પર કરોડોના સોદાઓ કરનાર આ શહેર છે.
સ્કોચ વ્હીસ્કીમાં જે રોલ બ્લેન્ડર્સનો હોય છે, તેવો રોલ અમદાવાદની પ્રખ્યાત કીટલીઓ પર ચા બનાવનારાનો હોયછે. કમનસીબે આ લોકોની સાચી કદર થતી નથી. ધગધગતા સ્ટવ પર એલ્યુમિનિયમ કે હવે સ્ટીલની તપેલીમાં ઉકળતા પ્રવાહીમાં ચા ઉપરાંત શું શું ઉમેરાય છે તેનો ભેદ ફોરેન્સિક એક્સપર્ટસ પણ પકડી શકતા નથી કહેવાચ છેકે, ચા એના પીનારને એક કેરેકટર આપે છે હુસૈનના લકી પ્રેમના કારણે કઇ કેટલાય ઉગતા કલાકારો લકી ચા પીને હુસૈન હોવાનું ગૌરવ અનુભવતા હતા તો આઇઆઇએમની કીટલી પર ચા પીવાથી ઇન્ટેલિજન્ટ બની જવાય છે એમ છાને ખૂણે માનનારા આજે પણ ઓછા નથી.
વીએસ હોસ્પિટલ પાસે ચા પીવાનો બેસ્ટમબેસ્ટ ટાઇમ રાત્રિના 12ની આસપાસનો છે. આખા અમદાવાદમાં સૌ પહેલા છાપા વીએસ પર આવે છે આવા પહેલી ઘારના ગરમાગરમ છાપા સાથે ચા પીવાય ત્યારે કંઇક અનોખી જ કિક વાગે છે. પછી શરૂ થાય સમાચારોનું વિશ્વલેષણઅને ચર્ચાનો દોર. આવી ચર્ચાઓ બે ચીજો વિના અધૂરી છે. એક તો ગાળ અને બીજી ચા. અમદાવાદમાં તો ગાળો પણ લહેજતદાર હોય છે પણ એની વાત પછી ક્યારેક.
મનગમતી ચા માટે શોખીનો ગમે તેટલા દૂર જવા તૈયાર હોય છે. ખેડા ચારરસ્તા પાસે મળતી ચા પીવા ખેડા કરતા અમદાવાદના લોકો વધુ જતા હોવાનું ઇતિહાસમાં નોધાયું છે. ત્રણ દરવાજા પાસેની ઇરાની હોટલમાં ચા સાથે બન જે ઝડપે ખાલી થાય  તે સગી આંખે જોઇએ તો જ માની શકાય પોળિયનો (અમદાવાદના "આદિ"  વાસીઓ) આજે પણ છાતીને ઠોકીને કહે છેકે, બેસ્ટ ચા તો સિટીમાં જ પીવા મળે, બાય ધ વે અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારવાળા જૂના શહેરને સિટી કહેવાનો રિવાજ છે.
અગાઉના જમાનામાં જરા મોટા કપમાં ચા આવતી ત્યારે પણ અમદાવાદીઓ રકાબીમાં અડધી અડધી કરીને પીતા. જોકે આ કપ પણ એક અડધી ના ઓર્ડરના પ્રતિભાવમાં આવતો. આખી ચા એકલી પીનારી વ્યકિત ક્યારેય અમદાવાદી હોઇ જ ન શકે એવું આ શહેરનું બચ્ચે બચ્ચું જાણે છે.
આમ તો જગતભરમાં ચાની પત્તી, જેના શ્રેષ્ઠ પ્રકારને દાર્જિલિંગ ચા કહેવાય છે તેને શોખથી પીવાય છે પરંતુ આવી ચા જો કોઇ અમદાવાદીનેપાઇ દો તો લખી લો બોસ... એ આખી જિંદગી તમારી સાથે કોઇ ધંધો ના કરે... ચાનીભૂકી (ડસ્ટ) અહીંની પસંદીદા ચા છે. ભરપૂર ઉકાળીને બનાવાયેલી આ ચામાં ભૂકીનો રસકસ કાઢી લેવાય છે જો કે કેટલીક કીટલી પર એક જ ભૂકી આખો દિવસ ચાલે અને છતા ટેસ્ટ એનો એ જ રહે એવી જાદુગીરી પણ થતી જોઇ છે.
ચા સાથે આ શહેરના ભાવનાત્મક સંબંધછે જો તમે કોઇ અમદાવાદી મળે અને ચા પાણીનો ભાવ પણ ન પૂછો તો એના મનમાંથીતમે ઉતરી જાવ, એ કદાચ (મનોમન) તમને ભિખારી (જેવા) સમજી લે એવી સો ટકા શકયતા છે. યુરોપને જેવો ગર્વ કોફી કલ્ચર પર છે, એવો જ પણ એનાથી જુદો ગર્વ અમદાવાદીઓને કીટલી કલ્ચર પર છે. કીટલીની દોસ્તી આખી જિંદગી ટકી રહે છે એમ યાર દોસ્તો કીધા કરે છે. 45 ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલી ભયાનક ગરમીમાં પણ ગરમાગરમ ચાનો આગ્રહ રાખનાર આ શહેરની નસો ખોલીને જુઓ તો એમાં ચા દોડી રહેલી દેખાવાની શકયતા વધુ છે.... તો થઇ જાય એક અડધી અડધી ?

4 ટિપ્પણીઓ: