સોમવાર, 15 જુલાઈ, 2013

નંદિની


ઈસ્ટ ઈન્ડિયા કંપનીની 34મી નેટીવ ઈન્ફન્ટ્રીનો કેપ્ટન આદમ સાનફોર્ડ જેટલો સાહસિક હતો એટલો જ શોખીન હતો. એની ટૂકડીના અંગ્રેજ સૈનિકોને એની શૂરવીરતા માટે જેટલું માન હતું એટલુ જ એ સૈનિકોની સ્ત્રીઓને સાનફોર્ડના રંગીલા હોવા સામે વાંધો હતો. જિંદગીને બે હાથે જીવનારા લોકો ક્યારેય બીજાઓની ટીકાથી પોતાની જિંદગી બદલતા નથી. કેપ્ટન સાનફોર્ડ પણ જિંદગીને પોતાની શરતો એ જ જીવતો હતો. પણ જિંદગીને પોતાની શરતો એ જ જીવતો હતો. 1857-58ના એ કટોકટી ભર્યા સમયમાં પણ સાનફોર્ડે પોતાની રીતે જીંદગી જીવવાની ચાલુ રાખેલી. બલ્કે એ સમયમાં એના ગુણો અને અવગુણો પુરી રીતે ખીલેલા. એ સાફ હિન્દી બોલી શકતો. એણે બે ભારતીય સ્ત્રીઓને પોતાના ઘરમાં બેસાડેલી. ઘણીવાર એ આ બંને સ્ત્રીઓને લઈ બહાર નીકળતો. અંગ્રેજ મેડમો આ બે સ્ત્રીઓ અને સાનફોર્ડનો ઉલ્લેખ નીકળે ત્યારે નાકનું ટીચકું ચડાવતી પણ ખાનગીમાં ઓછામા ઓછી ચારે અંગ્રેજ સ્ત્રીઓ સાથે સાનફોર્ડના સબંધ હતા. સાનફોર્ડનો જિંદગીનો ક્રમ સીધો હતો. વિપ્લવીઓ સામેના જંગમાં એ બેફામ વીરતા દાખવતો અને તક મળ્યે એણે રાખેલી બંને સ્ત્રીઓ સાથે બેફામ કામલીલા કરવાનો પણ શોખ હતો. એનું ઘર લગભગ સંગ્રહસ્થાન જેવું હતું.
હમણાં સાનફોર્ડને ગુર્જર લૂંટારાઓનો ઉપદ્રવ ટાળવાની કામગીરી સોંપાઈ હતી. બળવાના કારણે સર્જાયેલી ભયાનક અરાજકતાનો લાભ લઈને ગુર્જર લૂંટારૂ ટોળીઓએ બેફામ લૂંટફાટ અને હત્યાઓ કરી ભયાનક આતંક મચાવ્યો હતો. કાનપુર, મેરઠ અને દિલ્હીથી ભાગી રહેલા સેંકડો અંગ્રેજ પરિવારોને લૂંટી લઈ ગુર્જરોએ તેમને ખતમ કરી નાંખ્યા હતા. ઉત્તર પ્રાંતમાં ગુર્જરોના આવા આતંકને કારણે મોટાભાગના રસ્તાઓ અસલામત થઈ પડ્યા હતા. અંગ્રેજોને પ્રથમ તો આ તમામ હત્યાઓ વિપ્લવી સૈનિકોએ કરી હોવાનું લાગ્યુ હતું બાદમાં તેમને આ ગુર્જર ટોળીઓનું કારસ્તાન હોવાની ખબર પડી હતી એ સાથે જ જનરલ હેવલોકને ગુર્જરોને ખતમ કરવાનો આદેશ આપ્યો હતો. જનરલ હેવલોકે આ માટે તેના જમણા હાથસમા કેપ્ટન સાનફોર્ડને કામગીરી સોંપી હતી અને તેની હાથનીચે 300 અંગ્રેજ અને દેશી સૈનિકો આપ્યા હતા.
કેપ્ટન સાનફોર્ડ પોતાની ટૂકડી સાથે મેરઠથી 50 કિમી દૂર ગશ્ત લગાવી રહ્યો હતો ત્યારે એક વિચિત્ર બનાવ બન્યો જેણે સાનફોર્ડની જિંદગી બદલાવી નાંખી હતી. એ દિવસે સાનફોર્ડ ઉજ્જડ રસ્તા પર જઈ રહ્યો હતો ત્યારે દૂરથી એણે ધૂળ ઉડતી જોઈ. સંખ્યાબંધ લડાઈઓનો ખેલંદો સાનફોર્ડ તરત જ સમજી ગયો કે આગળ ઘોડેસવારો જઈ રહ્યા હતા. આ સમયે આ રસ્તા પર ઘોડેસવારો કાંતો વિપ્લવી સૈનિકો હોય અથવા ગુર્જર લૂંટારા હોય એનિશ્ચિત હતું. એણે ઘોડાને એડી મારી. આગળના ઘોડેસવારો ગુર્જરો જ હતા. હવે ગુર્જરો અને સાનફોર્ડ વચ્ચેનું અંતર ઘટતું જતું હતું. એમણે પણ અંગ્રેજોને જોઈ લીધા હતા અને મેરઠ દિલ્હીના રસ્તા પર શિકારી અને શિકાર વચ્ચે જાણે રેસ જામી હતી. સવારો બેફામ પણે ઘોડાઓને દોડાવી રહ્યા હતા. ઘોડાઓના મોમાંથી ફીણ આવી ગયા હતા છતાં સવારો એડીઓ પર એડી મારી રહ્યા હતા. સાનફોર્ડની ટૂકડી વિખેરાઈ હતી. એની ટૂંકડીના કેટલાક સૈનિકોના ઘોડા એટલા વેગથી દોડી નહીં શકવાના કારણે પાછળ રહી ગયા હતા. હવે સાનફોર્ડ સાથે માંડ પચીસેક સવારો રહ્યા હતા. એજ સમયે ગુર્જરો તરફથી પહેલો શોટ આવ્યો. મરણિયા બનેલા ગુર્જરોએ ફાયરીંગ શરૂ કર્યું હતું. પણ પૂર ઝડપે દોડતા ઘોડાઓ પરથી પાછળ વળીને લાંબી બંદૂકો વડે નિશાન લેવું શક્ય નહોતું એટલે એ લોકો આડેધડ ગોળીઓ છોડી રહ્યા હતા. તેમ છતાં સાનફોર્ડની ટૂકડીના ત્રણ માણસોને ગોળી વાગી હતી અને એ લોકો ઉથલીને નીચે પડ્યા અને દોડતા ઘોડા સાથે ઘસડાયા હતા. એમાંથી એકનું માથું બેત્રણ વાર દોડતા ઘોડાના પગ સાથે ટીચાયું હતું અને એ ત્યાં જ મૃત્યુ પામ્યો હતો. આ બધાની પરવા કર્યા વિના સાનફોર્ડ આગળ વધતો હતો. એ જમાનાની મઝલ લોડર બંદૂકો દોડતા ઘોડા પર ભરવી ગુર્જરો માટે શક્ય નહોતું. એમના તરફથી પહેલી વોલી આવી તે પછી એમના માટે તલવારો સિવાય કોઈ હથિયાર બાકી નહોતું. અંગ્રેજો બરાબર એમનો પીછો કરી રહેલા. ગુર્જરો કરતાં અંગ્રેજો પાસે વધુ સારા અને કેળવાયેલા ઘોડા હતા. ગણતરીની મિનિટોમાં જ રેસ પતી ગઈ હતી. અંગ્રેજ ટૂકડી ગુર્જર સવારોને આંબી ગઈ હતી. સૌથી મોખરે રહેલા સાનફોર્ડ એક ગુર્જર લૂંટારાને જનોઈ વઢ કાપી નાંખ્યો હતો એ સાથે જ ગુર્જરો અને અંગ્રેજો ટૂકડી વચ્ચે તલવારોની ભયાનક લડાઈ જામી પડી હતી. ગુર્જરો હજુ ઘોડા દોડાવી રહ્યા હતા અને એવામાં સાનફોર્ડને એક ઘોડા પર સવાર બે જણને જોયા. એણે પોતાની રીવોલ્વર કાઢીને ફાયર કરી દીધો. પાછળ બેઠેલા સવારની પીઠમાં ગોળી ઘુસી અને એ ઢળી પડ્યો એ સાથે જ ઘોડો ફંટાયો આગળ બેઠેલો સવાર ઉછળ્યો અને ઘોડા પરથી પડ્યો સાનફોર્ડે જોયું કે એ એક ઓરત હતી પણ એ રોકાયોનહીં એણે ઘોડો દોડાવીને ગુર્જરોને મારવાનું ચાલુ રાખ્યુ. થોડો સમયમાં જ આ એક તરફી લડાઈ પુરી થઈ. પાંચ-દસ ગુર્જરો નાસી છૂટવામાં સફળ થયા બાકીનાઓને સાનફોર્ડ અને તેના બરકંદાજોએ પૂરા કર્યા. ઘવાયેલાઓ ઈજાઓથી કણસતા હતા. મૃત્યુ પામેલાઓમાં એક આધેડ ઓરત હતી અને એની પાસે બેસીને એક યુવતી રડતી હતી. સાનફોર્ડે સ્થિતીનો તાગ મેળવ્યો ત્રીસેક લૂંટારા મરાયા હતા અને દસને ઈજા થઈ હતી. સાનફોર્ડ દરેક ઘવાયેલા પાસે ગયો અને એણે દરેકને ગોળી મારી દીધી. સાનફોર્ડ લૂંટારા પ્રત્યે દયા દાખવવામાં માનતો નહીં. એના આ રૂપને જોઈને પેલી રડતી યુવતી પણ સ્તબ્ધ થઈ ચૂપ થઈ ગઈ. જોકે વચ્ચે વચ્ચે એને હીબકાં આવી જતાં હતા અને એની આંખમાંથી આંસુ વહેવાનું ચાલુ હતું એણે લૂંટારૂઓનો સરંજામ અને પેલી યુવતીને કેમ્પભેગા કરવાનો આદેશ આપ્યો અને ત્યાંથી રવાના થઈ ગયો.
એ સાંજે એ કેમ્પમાં એના ટેન્ટમાં બેઠો હતો ત્યારે એના આદમીઓ એ રીપોર્ટ આપ્યો. એ યુવતીના જણાવ્યા અનુંસાર મેરઠના શાહુકાર લક્ષ્મીચંદની દીકરી નંદિની હતી. એ એની માતા અને વળાવિયાઓના કાફલા સાથે દિલ્હી તરફ જઈ રહી હતી ત્યારે ગુર્જર લૂંટારાઓએ કાફલા પર હુમલો કર્યો હતો. એમણે વાળવિયાઓને ક્રૂતતાથી કાપી નાંખ્યા હતા અને બંન્ને ઓરતોને બંદી બનાવી હતી. એ લોકો પોતાના પડાવ પર ફરી રહ્યા હતા ત્યારે અંગ્રેજ ટૂકડીએ એમને આંબી લીધા હતા. રીપોર્ટ સાંભળીને સાનફોર્ડ નંદિનીને હાજર કરવાનો હુકમ આપ્યો. નંદિની આવી ત્યારે કેપ્ટન સાનફોર્ડ હુક્કો ગગડાવતો બેઠો હતો. એણે નંદિનીને જોઈ. એ બાંધો ધરાવતી ખુબ સુરત યુવતી હતી એનો ચહેરો ઓવલ શેપનો અને આંખો બદામી રંગની હતી. એની ગરદન લાંબી હતી અને કોલર બોન ઉપસેલા હતા. વેલ ડેવલપ્ડ બ્રેસ્ટ, પાતળી કમર અને ભરાયેલા નિતંબોને કારણે એ વધુ રૂપાળી લાગતી હતી.. એણે લીલા કલરની ચણિયાચોળી પહેરેલી હતી. અને ઉપર પીળી એઢણી ઓઢેલી હતી. એ ઉઘાડા પગે આવી હતી. સાનફોર્ડ એની સાથે હિન્દીમાં સવાલ જવાબ શરૂ કર્યો. લગભગ અડધો કલાક સુધી સાનફોર્ડ એની પાસેથી વિગતો લીધી અને એની માના મોત વિશે દુખ વ્યક્ત કર્યું અને તેના અગ્નિસંસ્કારની વ્યવસ્થા કરવાની ખાતરી આપી. જેણે એ રાત્રે નંદિનીને પોતાના જ ટેન્ટમાં રાખવાનો હુકમ કર્યો. નંદિની આઘાતમાં હતી એને લાગ્યુ કે આ અંગ્રેજ એની આબરૂ લૂંટી લેશે પણ એવું કશું બન્યું નહીં. સાનફોર્ડ એની સાથે શાલિનતાથી વર્ત્યો એણે પોતાની ચારપાઈ પર નંદિનીને સુવાડી અને પોતે ઓશિકું અને શતરંજી લઈ નીચે ઊંઘી ગયો. ગુર્જરો સામેની દડમજલમાં એણે નંદિનીને પોતાની સાથે જ રાખી. નંદિનીને પોતાની સાથે જ રાખી. નંદિનીને આ અંગ્રેજ પ્રત્યે અચરજ થતું હતું. એ બધો સમય એક સજ્જનને છાજે એમ જ વર્તતો  એનું બધું ધ્યાન રાખતો હતો. નંદિનીએ અંગ્રેજો વિશે સાંભળેલું એના કરતાં આ સાવ જુદો જ લાગતો હતો.
એ એની સાથે ઘણી વાતો કરતો એને જોયા કરતો પણ કોઇ અણછાજતું વર્તન કરતો નહીં એવામાં એક ઘટના એવી બની કે આ બંનેના જીવનમાં ઝંઝાવાત આવ્યો હતો. સાનફોર્ડની ટુકડી ગાઝિયાબાદ ખાતે કેંમ્પ કરીને પડી હતી. ત્યારે રાત્રે કેટલાક વિપ્લવી સૈનિકોએ કેમ્પ  પર હુમલો કરી દીધો હતો. ગેરીલા પદ્ધતિથી કરાયેલા આ હુમલાના કારણે કેમ્પમાં કોઇને ખબર પડે તે પહેલા વિપ્લવીઓ છેક અંદર સુધી ધુસી ગયા હતા એમાંનો એક સાનફોર્ડના ટેન્ટમાં ધુસી ગયો હતો એ ત્યાં ઉંઘતી નંદિનીને અંગ્રેજ ઓરત સમજીને તલવારનો ઘા મારવા જતો હતો ત્યાં જ નંદિની જાગી હતી અને એણે તલવાર તોળીને ઉભેલા બાગી સૈનિકને જોઇને ચીસ પાડી હતી. આ ચીસથી પેલો સૈનિક એકક્ષણ અટક્યો હતો. અને હંમેશા રીવોલ્વર સાથે રાખીને ઊંઘતો સાનફોર્ડ જાગી ગયો હતો એણે સીધો જ ફાયર કર્યો હતો. પેલા સૈનિકના ગળામાં મોટું કાણું પડ્યું હતું અને એ ઢળી પડ્યો હતો. સાનફોર્ડ બહાર દોડ્યો હતો અને એણે સ્થિતિ કાબૂમાં લીધી હતી એ પાછો ફર્યો ત્યારે પેલા સૈનિકની લાશ એમની તેમ પડી હતી અને નંદિની હજુ ડઘાયેલી હાલતમાં ટેન્ટના એક ખૂણામાં લપાઇને બેઠી હતી સાનફોર્ડ પેલાની લાશને બહાર ખસેડાવી હતી. એ રાત્રે નંદિની સાનફોર્ડની પાસે આવીને સૂઇ ગઇ નંદિનીના જીવનમાં આવેલો એ પહેલો પુરુષ હતો અને સાનફોર્ડની જિંદગીમાં આવેલીએ આઠમી સ્ત્રી હતી.
એ પછી સાનફોર્ડ પોતાના ઘરે પાછો ફર્યો ત્યારે એણે પહેલું કામ ઘરમાં રાખેલી બે સ્ત્રીઓને રૃખસદ આપવાનું કર્યું હતું. નંદિની સાનફોર્ડનું ઘર જોઇને આશ્ચર્ય ચકિત થઇ ગઇ હતી. સાનફોર્ડ એક્ત્ર કરેલી દરેક ચીજનો ઇતિહાસ હતો એની પાસે તાત્યાના ઘોડાનું સેડલ હતું. અઝીમુલ્લાના કપડાં હતા અને નાના સાહેબ જે સોનાની થાળીમાં જમતા એ થાળી હતી. એ બિઠુરમાં ધૂસેલી પહેલી ટુકડીમાં એ હતો અને એણે આ બઘી જ ચીજો બિઠુરમાંથી મેળવી હતી. નંદિનીને એ દરેક ચીજની હીસ્ટ્રી રસપૂર્વક કહી રહ્યો હતો. પછી એણે પોતાનો કમર પટ્ટો ખોલ્યો અને હોલ્સ્ટરમાંથી રીવોલ્વર કાઢી કહ્યું જે રિવોલ્વર તારો જીવ બચાવ્યો હતો એ રીવોલ્વર મને મારવા માટે લવાઇ હતી નંદિનીએ પુછ્યું એટલે .. સાનફોર્ડે કહ્યું આ રિવોલ્વર નાના સાહેબે એમના ખાસ સાથીદાર ગુલાબ સિંહ રાજપૂતને આપી હતી. ગુલાબસિંહે આ રિવોલ્વર વડે ઘણાં અંગ્રેજોને ઢાળી દીધા હતા. 1858માં જ્યારે રાણી િવક્ટોરિયાએ ભારતને પોતાના હસ્તક લીધું ત્યારે કાનપુરમાં જાહેરનામું વાંચવાનું હતું ગુલાબસિંહે પ્રતિજ્ઞા કરી હતી કે જે કોઇ જાહેરનામું વાંચશે એની એ એ જ ક્ષણે હત્યા કરશે. એ માટે એણે રાતોરાત ગંગા ઓળંગી  હતી અને એક ઘરમાં સંતાયો હતો એના સંતાવવાની ખબર પડતા સ્થાનિક જમાદારે એ ઘરને ઘેરી લીધું હતું. ગુલાબસિંહની વીરતા પ્રસિદ્ધ હતી એટલે એ ઘરમાં જવાની એક પણ સૈનિકે હિંમત કરી નહોતી. જમાદાર પીછે હઠે એમ નહોતું એ ખુલ્લી તલવારે અંદર ધૂસ્યો હતો એ સાથે જ ગુલાબસિંહે રિવોલ્વરમાંથી ફાયર કર્યો હતો. જમાદાર અટક્યો નહોતો એની તલવાર ગુલાબસિંહની આરપાર થઇ ગઇ હતી. બંને એકબીજાને ભેટતા હોય એવી સ્થિતિમાં સાથે જ મૃત્યુ પામ્યા હતા. સાનફોર્ડની વાત સાંભળીને નંદિનીના ચહેરા પરવિચિત્ર ભાવ આવ્યા એણે રિવોલ્વર હાથમાં લીધી જોઇ અને સાનફોર્ડને પાછી આપી. એ આખો દિવસ નંદિની વિચારમાં રહી સાનફોર્ડને એનું વર્તન સમજાયું નહીં. એ રાત્રે નંદીનીએ સાનફોર્ડને મનમૂકીને પ્રેમ ર્કયો એ એના આખા શરીરને ચુમતી રહી. એણે સાનફોર્ડને લગભગ આખી રાત ઉધવા ન દીધો. સાનફોર્ડને જિંદગીમાં કોઇ સ્ત્રીએ આવો પ્રેમ કર્યો નહોતો. લગભગ સવારે પાંચ વાગ્યે સાનફોર્ડ ઉંધ્યો એના આગોશમાં નંદિની હજુ જાગતી હતી. સાનફોર્ડ ઊંઘી ગયો છે એની ખાતરી થતા એ ઉઠી બંનેના શરીર પર હજુ કોઇ વસ્ત્રો નહોતા. એણે રિવોલ્વર લીધી એની આંખમાં પાણી આવ્યા. એ પાછી ફરી અને સાનફોર્ડને આગોશમાં લીધો. અડધી ઊંઘમાં રહેલા સાનફોર્ડ નંદિની છાતીમાં માથું નાંખ્યું નંદિનીએ એને જકડી લીધો અને કહ્યું સાહેબ મારું નામ નંદિની છે પણ નંદિની લક્ષ્મીચંદ શાહુકાર નહીં મારુ નામ નંદિની ગુલાબસિંહ રાજપુત છે. હું રાજપૂતાણી છું. હું મારી ફરજ બજાવું છું પણ હજુ ય તમને પ્રેમ કરું છું. અડધી ઊંઘમાં રહેલો સાનફોર્ડ આ શબ્દોનો અર્થ બરાબર સમજે એ પહેલાં નંદિનીએ સાનફોર્ડની ગરદનનીપાછળ હાથ લઇ જઇ પહેલો ફાયર કર્યો પછી બીજો અને ત્રીજો....
સાનફોર્ડ પહેલાં જ ગોળીમાં મરી ગયો હતો. બીજા અને ત્રીજી ગોળી સાનફોર્ડની ગરદનમાં થઇ નંદિનીની છાતીમાં ધુસી ગઇ હતી. એના હાથમાંથી રિવોલ્વર સરી પડી એણે છેલ્લો મરણિયો પ્રયાસ કર્યો અને સાનફોર્ડને ગાઢ આલિંગન આપ્યું અને એમજ ઢળી પડી. એક સ્ત્રીના પ્રેમ કરતાં દીકરી માટે બાપની પ્રતિજ્ઞાની કિંમત વધુ હતી.

2 ટિપ્પણીઓ: