મે આઇ કમ ઇન સર.....એ અવાજનીસાથે જ કલાસરૂમમાં શેનલ-5ના પરફયુમની ખુશબુ પ્રસરી વીસ વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દેસાઇનું ધ્યાનઅવાજ તરફ દોરાયું એ રીયા હતી. રીયા શેઠ. કોલેજની સૌથી સુંદર યુવતી .એનો ચહેરો લંબગોળ હતો અને કપાળ મોટું. એની ભ્રમરો અણીદાર હતી. લાંબી આંખોનો રંગ કથ્થાઇ હતો એની આંખોમાં એક અજબ ભીનાશ કાયમ માટે રહેતી. એના ગાલના હાડકા થોડા ઉપસેલા હતા. હડપચી પર તલનું નિશાન એની સુંદરતામાં વધારો કરતું હતું એણે લાઇટ પિંક કલરનું ટોપ અને લીવાઇસનું સ્કીન ટાઇટ બ્લ્યુ રંગનું જીન્સ પહેરેલું હતું .એ મધ્યમ ઊંચાઇની હતી પણ હિલવાળા સેન્ડલ પહેરવાના કારણે એ હતી તેના કરતાં વધુ ઊંચી લાગતી હતી. એના વાળ રેશમી હતા કલાસમાં બેઠેલા તમામ એની સામે જ જોઇ રહ્યા હતા એક સિવાય એ હતા પ્રોફેસર દેસાઇ. પિરીયડ શરૂ થઇ ગયો હતો અને પ્રોફેસર દેસાઇ. એમની હંમેશની આદત મુજબ બ્લેક બોર્ડ પર કોઇ ફોર્મ્યુલા લખીને તેને સમજાવવામાં વ્યસ્ત હતા એમણે પાછળ જોયા વગર જ કહ્યું
કમઇન
નિતંબને એક અદભૂત હિલોળો આપીને રીયા કલાસરૂમમાં આવી આ લગભગ નિત્યક્રમ હતો. રીયા મોટેભાગે કલાસમાં લેટ પડતી એ કહેતી કે એનાથી ટાઇમટેબલ સચવાતું નથી પણ એના લેટ આવવાનું સાચુ કારણ કોઇને ખબર નહોતી. પ્રોફેસર ભણાવવાનો અડધેથી તૂટેલો દોર ફરીવાર શરૂ કર્યો. એ અઘરી લાગતી ફોર્મ્યુલાને સરળ રીતે સમજાવવામાં વ્યસ્ત થઇ ગયા. નાની ઉંમરમાં ડોકટરેટ
મેળવનારા પ્રોફેસર દેસાઇની વિદ્વતા માટે આખી કોલેજને માન હતું એ હજુ યુવાન હતા. માંડ બત્રીસ વર્ષના, પણ ત્રણ આંતરાષ્ટ્રીય સેમિનારમાં એ મોલેક્યુલર બાયોલોજી વિષયમાં પોતાનું પેપર રજૂ કરી ચૂક્યા હતા. એ એમ.એસસી.ના વિદ્યાર્થીઓનો કલાસ લેતા એમની ભણાવવાની પદ્ધતિ એકદમ સરળ હતી એટલે એમના કલાસમાં વિદ્યાર્થીઓ હંમેશા હાજર રહેતા. રીમલેસ ચશ્મા અને હંમેશા અપટુડેટ વસ્ત્રો પહેરતા પ્રો.દેસાઇ માટે કોલેજમાં કેટલીક છોકરીઓને ક્રશ છે એવું કહેવાનું પણ પ્રોફેસર દેસાઇને રીસર્ચ અને ભણાવવા સિવાય કોઇ બાબતમાં રસ નહોતો. રીયા એમના કલાસમાં લગભગ રોજ મોડી પડતી અને પ્રો.દેસાઇ રોજ નક્કી કરતા કે આવતીકાલે રીયા મોડી પડે તો તેને ખખડાવી નાંખવી રીયા અચૂકપણે બીજા મોડી આવતી અને પ્રોફેસરોને ઇશ્વરે આપેલી ભૂલવાની શકિતને કારણે એ અચૂકપણે ભૂલી જતા લગભગ છ મહિનાથી આ ક્રમ ચાલતો હતો.
દેસાઇના કલાસમાં આજે એક અજાયબ ઘટના બની. આમ તો આ પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનો કલાસ હતો એટલે આ કલાસમાં વિદ્યાર્થીઓ બહુ ઊછાંછળા થતા નહી પણ આજે રીયાએ અને એક સહેલીને કંઇ કહ્યું અને એના જવાબમાં એ સહેલી ખડખડાટ હસી અને એણે રીયાને જોરથી તાળી આપી. આ એક વિચિત્ર ઘટના હતી. સામાન્ય રીતે પ્રોફેસર દેસાઇના કલાસમાં આવું કંઇ બનતું નહી. પ્રોફેસર અત્યંત રસપૂર્વક ભણાવતા અને વિદ્યાર્થીઓ ચોક્કસપણ તેમના કરતા ઓછા રસસાથે ભણતા.
તાળીના અવાજથી પ્રોફેસર દેસાઇનો ધ્યાનભંગ થયો એમણે રીયા અને એની સહેલી સામે જોયું અને ભ્રમરો ઊંચી કરી પુછ્યું વ્હોટ હેપન્ડ... રીયાની સહેલી હજુ હસતી હતી. એણે કહ્યું... નથિંગ સોરી સર... પણ પ્રોફેસર દેસાઇ હવે બરદાસ્ત કરવાના મૂડમાં નહોતા એમણે ફરી કડકરીતે પુછ્યું રીયાની સહેલી હજુ પણ હસતી હતી એણે કહ્યું... નથિંગ સર આ તો રીયાને કાલે કોઇએ પ્રપોઝ કર્યું એની વાત એ કહેતી હતી. પ્રોફેસરને આવાં ટાયલાંવેડા ગમતા નહીં એ અકળાયા અને ગુસ્સે ભરાઇને કહ્યું ગેટ આઉટ. આખા કલાસમાં સોપો પડી ગયો. પ્રોફેસર સજલ દેસાઇ કોઇને કલાસમાંથી બહાર કાઢી મૂકે એ રેરેસ્ટ ઓફ રેર ઘટના હતી. આખો કલાસ સ્તબ્ધ હતો. રીયાની સહેલી ઉભી થઇ અને બહાર જતી રહી.રિયાના ચહેરા પર ગુસ્સો આવ્યો પણ એ નીચું જોઇ રહી. પ્રોફેસર દેસાઇએ પાછું ભણાવવાનું શરૂ કર્યું. પણ એમનું ધ્યાન ભણાવવામાં લાગ્યું નહી. એમણે પાછા વળીને બે ત્રણ વખત રીયા સામે જોયું એ નીચું જ જોઇ રહી હતી. એનો સુંદર ચહેરો લાલ લાલ થઇ રહ્યો હતો. પ્રોફેસર દેસાઇએ જેમ તેમ પિરીયડ પૂરો કર્યો.
એ પછી એ ટીચર્સ રૂમમાં બેઠા હતા ત્યારે વિચારે ચડી ગયા. રીયા સુંદર છોકરી હતી. અવારનવાર એમને મળવા આવતી આમ જુઓ તો રીયા અને એમની ઉમરમાં દસ વર્ષનો ફરક હતો જે કંઇ બહું ના કહેવાય. એમને થયું રીયા એમના માટે સારી મેરેજ પાર્ટનર બની શકે તેમ હતું. એમને થયું હમણાં જ જઇને રીયાને પુછી લે પણ એમણે સંયમ રાખ્યો. કોણે રીયાને પ્રપોઝ કર્યું હશે? હશે કોઈ છેલબટાઉ છોકરો. જેણે રીયાને પ્રપોઝ કર્યું છે એને રીયાએ શું જવાબ આપ્યો હશે? જો એણે હા પાડી દીધી હશે તો?.... પ્રોફેસરના મગજમાં ઘમાસાણ મચ્યું હતું. એમણે નક્કી કર્યું કે, સૌ પહેલાં એ રીયાને પૂછશે કે એણે શું જવાબ આપ્યો છે અને પછી પોતાની વાત મૂકશે અને એમણે કોલેજ પૂરી થવાની રાહ જોવા માંડી. બીજા કલાસમાં એમનો પિરીયડ હતો પણ માથું દુઃખે છે કહીને વિદ્યાર્થીઓને છોડી મૂક્યા. એણે દસવાર ઘડીયાળમાં જોયું અને
ચારવાર ચા મંગાવી ત્રીજીવાર ચાવાળો છોકરો થોડો મોડો પડ્યો તો એને ખખડાવી નાંખ્યો. આખરે પાંચ વાગ્યા કોલેજ છૂટી. પ્રોફેસરે પાંચ મિનિટ રાહ જોઈ અને પછી પાર્કિંગમાં પોતાની કાર તરફ ગયા અને જાણે કશું ભૂલી ગયા હોય એમ પાછા ફરીને પ્યૂનને બોલાવ્યો અને રીયાને બોલાવી લાવવાનું કહ્યું એમનો ઈરાદો રીયા સાથે એકલા જ વાત કરવાનો હતો. એટલે એ અગાઉ ગોઠવી રાખેલી યોજના પ્રમાણે જ વર્ત્યા.
એ કાર પાસે આવી ત્યારે પણ એનો ચહેરો ગુસ્સામાં લાલ હતો. એક પળ તો પ્રોફેસર દેસાઈ અસ્વસ્થ થઈ ગાય પછી એમણે હિંમત કરીને પૂછ્યું હું તમને કંઈ પૂછી શકું? રીયાએ કહ્યું બોલો એનો અવાજ સાવ સપાટ હતો.
પ્રોફેસર દેસાઈને થયું એ પુછવાનું માંડીવાળે પણ હવે મોડું થઈ ચૂક્યું હતું. એમણે પુછ્યું
"હું જાણી શકું કે તમને પ્રપોઝ કરનારને તમે શું જવાબ આપ્યો છે.. ?"
રીયાએ એમની આંખોમાં આંખો નાખી અને પુછ્યું તમારે શુ કામ છે?
પ્રોફેસર દેસાઇ હવે અસ્વસ્થ થઇ રહ્યા હતા.
એમણે કહ્યું.. " કામ છે. "
રીયાએ કહ્યું તમારું કામ બોલો પછી હું જવાબ આપીશ. પ્રોફેસરે નોંધ્યુ કે રિયાએ "કામ" શબ્દ પર વધુ ભાર આપ્યો છે. પ્રોફેસરે જેમ તેમ શબ્દો ગોઠવ્યા અને કહ્યું, "તમે..... હું એમ કહેતો હતો કે જો તમે પેલા પ્રપોઝ કરનારને હજું જવાબ ન આપ્યો હોય તો... હું એમ કહેતો હતો કે નહીં .. . હું એમ પુછવા માંગતો હતો કે તમે મને ગમો છો... તમે મારી સાથે લગ્ન કરશો... આટલું કહેતા તો પ્રોફેસરને પસીનો વળી ગયો... "
રિયા એકક્ષણ એમની સામે જોઇ રહી અને પછી ખડખડાટ હસી અને પછી બોલી...
"પ્રોફેસર કાલે જેણે મને પ્રોપોઝ કર્યું હતું એને મે હા પાડી દીધી હતી. "
પ્રોફેસરને લાગ્યું એમના બારેય વહાણ ડૂબી ગયા. રિયાએ કહ્યું "એનું નામ નથી જાણવું ? એનું નામ છે પ્રોફેસર દેસાઇ ... પ્રોફેસર સજલ દેસાઇ ... મારા ભૂલકણા ભાવિ ભરથાર કાલે તમે પ્રપોઝ કર્યું પછી આપણે મારા ઘરે ગયા અને મારા મા-બાપને વાત કરી અને એ પણ સંમત થયા આવતા પખવાડિયે આપણી સગાઇ છે. "
પ્રોફેસરને લાગ્યું કે હવે એ બધુ જ ભુલી રહ્યા છે....!!!