-ગાંધીજી માટે ઊપવાસ પાયશ્ચિત, જ્યારે મોદી માટે ઊત્સવ
મોદી ની સદભાવના સમયે લખેલો આર્ટીકલ
આ ત્રણ દિવસ સંગીતની સૂરાવલિઓ વહેશે, દિગ્ગજ નેતાઓ મને-કમને આર્શીવાદ આપશે, લોકોની હકડેઠઠ મેદની જામશે...ગાંધીજી માટે ઊપવાસ પ્રાયશ્ચિત હતું. મોદી માટે ઊપવાસ ઊત્સવ છે. રાષ્ટ્રીય રાજનીતિના ખેલમાં હવે નરેન્દ્ર મોદીની સદભાવના બલ્કે કહો કે મતભાવના સ્પષ્ટ દેખાઇ રહી છે. ઊપવાસની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને સંબોધીને પત્ર લખીને એમણે સ્પષ્ટ કરી દીધું છે કે અબ દિલ્લી દૂર નહીં! છેલ્લા દસ વર્ષમાં મોદીને 'રાજધર્મ'નું પાલન કરતાં આવડ્યું છે કે નહીં તેનો જવાબ વાજપેયી એ હજુ આપવાનો બાકી છે પણ અડવાણી એ તો સ્પષ્ટ સંકેત આપી જ દીધો છે કે આગામી ચૂંટણી જંગમાં ભાજપના સેનાપતિ નરેન્દ્ર મોદી હશે.
મોદી દરેક ચીજને દરેક બાબતને પોતાના પ્રચાર માટે ઊપયોગમાં લેવાનું સારી પેઠે જાણે છે. ઊપવાસ તો મોદીને ફળ્યા પણ છે. જે સીટે તેમને ક્લીન ચીટ આપી છે તે 'સીટ' ની પૂછપરછ ટાળે પણ તે નવરાત્રીના ઊપવાસ પર હતા. હવે સુપ્રીમના ફેંસલાથી મળેલી રાહત ટાણે ફરી તે ઊપવાસ પર ઊતર્યા છે. જો કે આ મોદીની 'સદભાવના' છે એવું ગાંધીનગરની ગલીનું નાનું છોકરું ય માનતું નથી. આ મોદીની મતભાવના છે. એમને 2002નું 'કલંક' ધોવું છે. જોકે એમણે 2002 માટે ક્યારેય માફી માંગી નથી. પણ રાષ્ટ્રીય સ્તરે જવા માટે એમણે નિષ્કલંક થવું જરૂરી છે.
ભાજપ માટે કદાચ મોદીથી સારો કોઇ 'મુરતિયો' મળવાનો નથી. સુષ્મા અને જેટલી ટીવી પર ભલે ગાજવીજ કરતાં હોય પણ મતોના સોદાગર તો મોદી જ છે. ગુજરાતમાં વાઇબ્રન્ટની અભૂતપૂર્વ સફળતાથી આખી કોર્પોરેટ લોબી મોદીના 'ગૂડ ગવર્નન્સ'થી અંજાયેલી છે. આપણે એવા ભ્રમમાં રાચીએ છીએ કે આ દેશનો પી.એમ. માત્ર મતપેટી નક્કી કરે છે, વાસ્તવમાં મતપેટીઓ કરતાં મોટો રોલ 'બોર્ડ રૂમ'નો હોય છે. 1990ના દાયકામાં લિબરાઇલેઝેશન અને શ્રેણીબધ્ધ આર્થિક સુધારાઓથી કોર્પોરેટ લોબીનું દિલ જીતી લેનારા મનમોહન પર સોનિયા અને કોંગ્રેસ પી.એમ.પદનો કળશ ઢોળે એ કોઇ યોગાનુયોગ નહોતો. આજે મનમોહનની આર્થિક નીતોઓ લગભગ નિષ્ફળતાના આરે છે આવા સમયે ગણતરીના કલાકોમાં ફાઇલો ક્લીયર કરાવીને મોદીએ કોર્પોરેટ જગતને પોતાની તરફેણમાં અંકે કરી લીધું છે. આમેય અડવાણી કે ભાજપ કહે તેના ઘણા સમય પહેલાં સુનીલ મિત્તલ અને અનિલ અંબાણી મોદીને પી.એમ. તરીકે જોવાની ઈચ્છા દર્શાવી ચૂક્યા છે.
1930થી 1950ના દાયકામાં દેશનું નેતૃત્વ મોટેભાગે ત્રણ ગુજરાતીઓના હાથમાં હતું. ગાંધી, સરદાર, અને મહંમદ અલી જિન્નાહે દેશમાં ગુજરાતનો ઝંડો વટબંધ ફરકતો રાખ્યો હતો. ત્યાર બાદ હઠયોગી મોરારજી દેસાઇ 1977માં દિલ્હીના તખ્ત પર આસીન થયા હતા. હવે આ ગુજરાતનું એવું નેતૃત્વ છે જે 'ગાંધીવાદી' નથી. ગાંધી મોટેભાગે સર્વસંમતિમાં માનતા મોદી ડાઈરેક્ટ એક્શનમાં માને છે. એમના જેટલા સમર્થકો છે લગભગ એટલા જ વિરોધીઓ છે.
સૌથી મોટો સવાલ એ છે કે મોદીને દેશ પી.એમ. તરીકે સ્વીકારશે ખરો? વડનગરની શાળામાં ક્યારેક 'કુમાર'ના હુલામણા નામે ઓળખાતો નરેન્દ્ર દિલ્હીના તખ્ત પર રાજ કરે એ સાવ જ અસંભવિત નથી. કોંગ્રેસની લોકપ્રિયતા હાલ તળીયે છે. વળી નેતાઓની સરખામણીમાં મોદીની વક્તૃત્વ કલાની તોલે કોંગ્રેસનો કોઇ નેતા ટકી શકે એમ નથી. મોદીના 'રાજ ના વખાણ તો વિરોધીઓએ પણ કરવા પડે છે. મોદી મતોના મોબીલાઇઝર છે, મલ્ટીપ્લાયર છે એ ગુજરાતમાં સતત સાબિત થતું આવ્યું છે એ પણ સત્ય છે. સવાલ માત્ર નસીબનો છે, સમયનો છે.
Tamari Vat sachi che...Modi mate PM ni post Nasib ane Samay no j Saval che...
જવાબ આપોકાઢી નાખો