બુધવાર, 13 જુલાઈ, 2016

મેસીથી મર્ચન્ટ : નિવૃતિ લેવી એ પણ કલા છે

બગાવત

 : ગુજરાતી સાહિત્ય ગ્લેડિયેટરોના કોલોિઝયમ કરતાં ખોડાઢોરોની પાંજરાપોળ જેવું વધુ લાગે છે

ક્વોટ : ‘‘હું માનું છું કે રીટાયરમેન્ટ વૃદ્ધો માટે હોય છે હજુ હું આ વ્યવસાયમાં છું મારો પુત્ર નવ વર્ષનો છે. મારે એને મોટો થતો જોવા શકય એટલું લાંબંુ જીવવું છે. હું મારી જિંદગીનો આનંદ ઉઠાવી રહ્યો છું. અને હું શકય એટલો લાંબો સમય અહીં જ રહેવા માંગું છું. -હેરીસન ફોર્ડ

એક અભિનેતા છે અને બીજો પ્લેયર છે. બંને પોતપોતાના ક્ષેત્રમાં દિગ્ગજ છે. બંનેની ક્ષમતા વિશે કોઇને સંદેહ નથી. બંને વિશ્વકક્ષાએ ખ્યાતનામ છે. બંને એટલા લોકપ્રિય છે કે એ લોકો એક દિવસમાં એટલું કમાય છે જેટલું કેટલાક લોકો આખી જિંદગીમાં પણ કમાઇ ન શકે. બંને દંતકથા રૂપ બની ગયા છે. એ અભિનેતા એ એવરગ્રીન 76 વર્ષનો હેરીન ફોર્ડ આજે પણ યુવાનને શરમાવે તેવી રીતે કામ કરે છે અને એ પ્લેયર એ 29 વર્ષનો લાયનેલ મેસી િનવૃતિ લઇ ચૂકયો છે. 29 વર્ષની ઉંમર રીટાયરમેન્ટની ઉંમર છે ? આપણા સરકારી બાબુઓ મેસી કરતાં બમણી ઉંમરના થઈ જાય છે છતાં સરકારી કચેરીઓમાં રમ્યા કરે છે અને અરજદારોને ફૂટબોલની જેમ એકબીજા તરફ ફંગોળતા રહે છે.
કોપા અમેરિકામાં આર્જેન્ટિનાને વિજય ન અપાવી શકતા લીઓ મેસીએ ફૂટબોલને તિલાંજલી આપી દીધી. લીઓના આ નિર્ણયથી ફૂટબોલ જગત ખળભળી ઉઠયું છે. એને પાછો લેવાની કોશિશ થઇ રહી છે. કદાચ એ માની પણ જશે. મેસીની આ નિવૃતિ સ્મશાન વૈરાગ્ય જેવી નીવડે તો નવાઇ નહીં પણ એની નિવૃતિએ ફરી એ સવાલ ઉભો કરી દીધો છે કે કયારે નિવૃતિ લેવી ?
નિવૃતિને ઉંમર સાથે કોઇ લેવા દેવા નથી. જર્મન ફૂટબોલ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન ફિલીપ લ્હામ માત્ર 33 વર્ષનો છે. બે વર્ષ પૂર્વે રમાયેલા વર્લ્ડ કપમાં એણે મેસીની જ આર્જેન્ટિનાની ટીમને પરાસ્ત કરી વિશ્વ ચેમ્પિયનનો ખિતાબ જીતી લીધો અને ફૂટબોલને અલવિદા કહી દીધું. એ સફળતાની ટોચે હતો. કારકિર્દીની ટોચે હતો અને એણે નિવૃતિ લઇ લીધી. ફિલીપ જીતીને નિવૃત થયો, મેસી હારીને નિવૃત થયો. મેસી જેટલો જ શક્તિશાળી મનાતો પોર્ટુગલનો ક્રિસ્ટીયન રોનાલ્ડો અત્યાર સુધી એની ટીમને ખાસ મોટી સફળતા અપાવી શકયો નથી પણ હજુ રમે છે.
બોક્સિંગમાં નિવૃતિ લેવી, પાછા ફરવું, હારવું, ફરી નિવૃતિ લેવી એવું બધું ચાલતું રહે છે. જયોર્જ ફોરમેન જેવો બોકસર પણ આ ચક્રને અનુસરી ચૂકયો હતો. એના સિવાય ઘણાં ખ્યાતનામ બોકસરો એકવાર નિવૃતિ જાહેર કર્યા પછી ફરી પાછા રિંગમાં ઉતરે છે. મોટાભાગે આવા બોકસરો બેહિસાબ માર ખાય છે અને ફરી નિવૃતિ જાહેર કરી દે છે.
મોટાભાગની રમતોમાં એથ્લિટ્સ નાની ઉંમરે રીટાયર થઈ જાય છે પણ રાજકારણમાં તેમાંય ભારતના રાજકારણમાં રીટાયરમેન્ટ જેવી કોઈ વસ્તુ નથી. હા, અમેરિકા પોતાના પ્રમુખને બે વાર ચાન્સ આપે છે પછી રીટાયર કરી દે છે. કદાચ અમેરિકનો એવું માને છે કે બે વાર પ્રમુખ બન્યા પછી એ માણસની બુદ્ધિ એટલી સતેજ નથી રહેતી. અમેરિકામાં યુવાન પ્રમુખો વધુ લોકપ્રિયતા પેદા કરી શકે છે. ભારતમાં વેન્ટિલેટર પર રહેલો બુઢ્ઢો, ધૂર્ત રાજકારણી પણ પોતાના પદને ચીપકી રહી શકે છે. ભારતમાં રાજકારણીઓની બુદ્ધિ (કુબુિદ્ધ) જેમ ઉંમર વધે તેમ વધુ તેજ બનતી લાગે છે.
સાહિત્યકારો.... આ અજબ પ્રજાતિ છે. જયાં સુધી પેનમાંથી શાહી નીકળતી રહે ત્યાં સુધી આ લોકો ‘‘સર્જન’’ કરતા રહે છે. સાહિત્યના ફેસ્ટિવલોમાં બુઢ્ઢા સાહિત્યકારો જૂના સોના જેવો માનભર્યો દરજ્જો મેળવતા રહે છે અને થર્ડ કલાસ લખાણો વાચકોના માથે ફટકારતા રહે છે. ગુજરાતી સાહિત્ય ગ્લેડિયરોના કોલોઝિયમ કરતાં ખોડા ઢોરોની પાંજરાપોળ જેવું વધુ લાગે છે.
રીટાયરમેન્ટનો આદર્શ વિજય મર્ચન્ટ હોવો જોઈએ. સુનિલ ગાવસ્કર અને સચિન તેન્દુલકર જેવા નામો ભારતીય ક્રિકેટની ક્ષિતિજે ઉગ્યા પણ નહોતા ત્યારે આ માણસનો ભારતીય ક્રિકેટ પર દબદબો હતો. એની ફર્સ્ટ કલાસ મેચોની એવરેજ 71 ની છે. જે ધ ગ્રેટબ્રેડમેન કરતાં થોડીક જ ઓછી છે. 1951 માં એ ઈંગ્લેન્ડ સામે રમવા ઉતર્યા અને 154 રન ફટકારી દીધા એ એમની ટેસ્ટ કારકિર્દીનો સર્વાધિક સ્કોર હતો અને એ ટેસ્ટ પછી એમણે નિવૃતિ જાહેર કરી દીધી. એમને રીટાયરમેન્ટ અંગે પૂછવામાં આવતાં એમણે કહ્યું, ‘‘રીટાયર વ્હેન પીપલ આસ્ક વ્હાય એન્ડ નોટ વ્હેન’’ વિજય મર્ચન્ટની આ સૌથી ઊંચીસિકસર હતી.
-જનોઈ વઢ :-
જેમણે આખી જિંદગી નોકરીનું ટેન્શન નથી લીધું એવા લોકોને મૃત્યુ સુધી પેન્શન ખાતા જોઇને ઈશ્વર પરથી શ્રદ્ધા ઉઠી જાય છે


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો