શુક્રવાર, 15 જુલાઈ, 2016

પેલેટ ગન - કાશ્મીરી અલગતાવાદીઓની આંખમાં ખૂંચી રહેલુ ભારત


એક જણ કહે છે હું તો ભાઇ મા માટે દવા લેવા ગયેલો, બીજો કહે છે, ઘર માટે દૂધ લેવા ગયેલો, ત્રીજો વળી દીકરી માટે દૂધ લેવા ગયેલોનું ગાણું ગાય છે, કાશ્મીરની હોસ્પિટલોમાં આ બધા કણસતા પડયા છે એમના શરીરના વિવિધ ભાગોમાં પેલેટ ઘુસી ગયેલા છે અને ડોકટરો એમના શરીરમાં ઘુસેલી "ત્રાસવાદ"ની આ કરચો કાઢી રહ્યા છે અને વળી પાછું કોરસ શરુ થયું છે, આ પેલેટ ગનનો ઉપયોગ બંધ કરો, બંધ કરો.. (અને અમને ત્રાસવાદનો નગ્ન નાચ કરવા દો).
આ પેલેટ ગનનો ઉપયોગ કેમ શરૂ થયો એનો ઇતિહાસ પણ રોચક છે. 2010માં આવા ત્રાસવાદેઉપાડો લીધો ત્યારે પોલીસ કાર્યવાહીમાં 120 જણ માર્યા ગયેલા એટલે રાબેતા મુજબ માનવ અધિકારની દુહાઇ અપાઇ એટલે નોન લીથલ વિકલ્પ કરીકે પેલેટ ગનનો ઉપયોગ શરુ થયેલો, પલેટ ગનમાં એક કાર્ટ્રીજમાં 450-600 પેલેટ હોય, અને જયારે આ કાર્ટ્રીજ ફાયર કરાય ત્યારે 60 વાર દૂર એ 6 ચોરસ ફૂટના અંતરમાં ફલાય અને જે વચ્ચે આવે એ નિશાન બને, જો કે એ ઇજાઓ મોટે ભાગે જીવલેણ ના જ હોય,
હવે થયું એવું છે કે બુરહાન સંપ્રદાયના 87થી વધુની આંખમાં આ પેલેટ ઘુસી છે, એકાદ બે જેન્યુઇન કારણવાળા લોકો સિવાયના મોટાભાગના આ લોકો હવે કબૂલી શકે તો છે નહીં કે એ કયા કાંડ કરવા ચાલુ તોફાનોમાં બહાર નીકળેલા.. ચાલુ પથ્થરમારામાં અને ભયાનક તોફાનોમાં એમનો કયો "બુરહાન" દૂધની કે દવાની દુકાન ખોલીને બેઠેલો....???? આ લેખ સાથે આપેલી તસવીર (ઇન્ડીયન એકસપ્રેસ) જોશો તો સમજાઇ જશે કે કેમ આટલા બધાની આંખમાં જ પેલેટ ઘુસી ગયા....
હવે એમને "ઇન્ડીયન" ડોકટરો જોઇએ છે...એમની આંખો સાજી કરવા...ફરીથી પાકીસ્તાનનું ખ્વાબ જોવા....એમની વાત સાચી છે પેલેટ ગનનો કાશમીરી અલગાવવાદીઓ સામે ઉપયોગ બંધ કરી દેવો જોઇએ...જે લોકો AK 47ની ભાષા સિવાય બીજી ભાષા સમજી જ ના શકતા હોય એમની સાથે એ જ ભાષામાં વાત કરાય....પેલેટ ગન બગલાઓને મારવા ઠીક છે "બુરહાનો" સામે તો 900 વાર સુધી અચૂક નિશાન લગાવતી સ્નાઇપર રાઇફલોનો જ ઉપયોગ થવો જોઇએ...

વર્લ્ડ કપ 2007 કવરેજ

 હુ આજે પણ માનું છું કે મોટાભાગનું સ્પોર્ટસ કવરેજ બાવા આદમના જમાનાનું છે, મારે એ પરંપરા તોડવા હતી. એ  વર્લ્ડ કપ 2007 હતો. મારે એનું કવરેજ વિશિષ્ટ રીતે કરવું હતું.

સ્પોર્ટસના પેજને યથાવત રાખીને કંઇક જુદુ કરીશ એમ મેં મેનેજમેન્ટને કહ્યું એમણે મારી પર વિશ્વાસ મૂકયો. આ એક જબરજસ્ત પડકાર હતો.

પહેલા દિવસે 3.45 વાગ્યે એડીશન રીલીઝ કરી... કદાચ આજે પણ આ એક વિક્રમ છે



સિટી ભાસ્કરની ટીમે પડકાર ઝીલ્યો હતો... કદાચ મેં એમના માથે એક વધુ બોજો નાંખી દીધો હતો, એમાના મોટાભાગના ક્રિકેટ વિશે કામચલાઉ નોલેજ ધરાવતા હતા. પણ અમે અમારી જાતને ચેલેન્જ આપી અને ચેલેન્જ પુરી કરી.

હેડીંગ , ફોટો, કોપી અને સ્ટોરી સિલેકશન ગણતરીના કલાકોમાં બલ્કે કહોકે મિનિટોમાં કરવું પડતુ



હર્ષલ ગિબ્સની છ સિકસરોના ફોટો છાપનાર વડોદરા એકમાત્ર એડીશન હતી.































બુધવાર, 13 જુલાઈ, 2016

મેસીથી મર્ચન્ટ : નિવૃતિ લેવી એ પણ કલા છે

બગાવત

 : ગુજરાતી સાહિત્ય ગ્લેડિયેટરોના કોલોિઝયમ કરતાં ખોડાઢોરોની પાંજરાપોળ જેવું વધુ લાગે છે

ક્વોટ : ‘‘હું માનું છું કે રીટાયરમેન્ટ વૃદ્ધો માટે હોય છે હજુ હું આ વ્યવસાયમાં છું મારો પુત્ર નવ વર્ષનો છે. મારે એને મોટો થતો જોવા શકય એટલું લાંબંુ જીવવું છે. હું મારી જિંદગીનો આનંદ ઉઠાવી રહ્યો છું. અને હું શકય એટલો લાંબો સમય અહીં જ રહેવા માંગું છું. -હેરીસન ફોર્ડ

એક અભિનેતા છે અને બીજો પ્લેયર છે. બંને પોતપોતાના ક્ષેત્રમાં દિગ્ગજ છે. બંનેની ક્ષમતા વિશે કોઇને સંદેહ નથી. બંને વિશ્વકક્ષાએ ખ્યાતનામ છે. બંને એટલા લોકપ્રિય છે કે એ લોકો એક દિવસમાં એટલું કમાય છે જેટલું કેટલાક લોકો આખી જિંદગીમાં પણ કમાઇ ન શકે. બંને દંતકથા રૂપ બની ગયા છે. એ અભિનેતા એ એવરગ્રીન 76 વર્ષનો હેરીન ફોર્ડ આજે પણ યુવાનને શરમાવે તેવી રીતે કામ કરે છે અને એ પ્લેયર એ 29 વર્ષનો લાયનેલ મેસી િનવૃતિ લઇ ચૂકયો છે. 29 વર્ષની ઉંમર રીટાયરમેન્ટની ઉંમર છે ? આપણા સરકારી બાબુઓ મેસી કરતાં બમણી ઉંમરના થઈ જાય છે છતાં સરકારી કચેરીઓમાં રમ્યા કરે છે અને અરજદારોને ફૂટબોલની જેમ એકબીજા તરફ ફંગોળતા રહે છે.
કોપા અમેરિકામાં આર્જેન્ટિનાને વિજય ન અપાવી શકતા લીઓ મેસીએ ફૂટબોલને તિલાંજલી આપી દીધી. લીઓના આ નિર્ણયથી ફૂટબોલ જગત ખળભળી ઉઠયું છે. એને પાછો લેવાની કોશિશ થઇ રહી છે. કદાચ એ માની પણ જશે. મેસીની આ નિવૃતિ સ્મશાન વૈરાગ્ય જેવી નીવડે તો નવાઇ નહીં પણ એની નિવૃતિએ ફરી એ સવાલ ઉભો કરી દીધો છે કે કયારે નિવૃતિ લેવી ?
નિવૃતિને ઉંમર સાથે કોઇ લેવા દેવા નથી. જર્મન ફૂટબોલ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન ફિલીપ લ્હામ માત્ર 33 વર્ષનો છે. બે વર્ષ પૂર્વે રમાયેલા વર્લ્ડ કપમાં એણે મેસીની જ આર્જેન્ટિનાની ટીમને પરાસ્ત કરી વિશ્વ ચેમ્પિયનનો ખિતાબ જીતી લીધો અને ફૂટબોલને અલવિદા કહી દીધું. એ સફળતાની ટોચે હતો. કારકિર્દીની ટોચે હતો અને એણે નિવૃતિ લઇ લીધી. ફિલીપ જીતીને નિવૃત થયો, મેસી હારીને નિવૃત થયો. મેસી જેટલો જ શક્તિશાળી મનાતો પોર્ટુગલનો ક્રિસ્ટીયન રોનાલ્ડો અત્યાર સુધી એની ટીમને ખાસ મોટી સફળતા અપાવી શકયો નથી પણ હજુ રમે છે.
બોક્સિંગમાં નિવૃતિ લેવી, પાછા ફરવું, હારવું, ફરી નિવૃતિ લેવી એવું બધું ચાલતું રહે છે. જયોર્જ ફોરમેન જેવો બોકસર પણ આ ચક્રને અનુસરી ચૂકયો હતો. એના સિવાય ઘણાં ખ્યાતનામ બોકસરો એકવાર નિવૃતિ જાહેર કર્યા પછી ફરી પાછા રિંગમાં ઉતરે છે. મોટાભાગે આવા બોકસરો બેહિસાબ માર ખાય છે અને ફરી નિવૃતિ જાહેર કરી દે છે.
મોટાભાગની રમતોમાં એથ્લિટ્સ નાની ઉંમરે રીટાયર થઈ જાય છે પણ રાજકારણમાં તેમાંય ભારતના રાજકારણમાં રીટાયરમેન્ટ જેવી કોઈ વસ્તુ નથી. હા, અમેરિકા પોતાના પ્રમુખને બે વાર ચાન્સ આપે છે પછી રીટાયર કરી દે છે. કદાચ અમેરિકનો એવું માને છે કે બે વાર પ્રમુખ બન્યા પછી એ માણસની બુદ્ધિ એટલી સતેજ નથી રહેતી. અમેરિકામાં યુવાન પ્રમુખો વધુ લોકપ્રિયતા પેદા કરી શકે છે. ભારતમાં વેન્ટિલેટર પર રહેલો બુઢ્ઢો, ધૂર્ત રાજકારણી પણ પોતાના પદને ચીપકી રહી શકે છે. ભારતમાં રાજકારણીઓની બુદ્ધિ (કુબુિદ્ધ) જેમ ઉંમર વધે તેમ વધુ તેજ બનતી લાગે છે.
સાહિત્યકારો.... આ અજબ પ્રજાતિ છે. જયાં સુધી પેનમાંથી શાહી નીકળતી રહે ત્યાં સુધી આ લોકો ‘‘સર્જન’’ કરતા રહે છે. સાહિત્યના ફેસ્ટિવલોમાં બુઢ્ઢા સાહિત્યકારો જૂના સોના જેવો માનભર્યો દરજ્જો મેળવતા રહે છે અને થર્ડ કલાસ લખાણો વાચકોના માથે ફટકારતા રહે છે. ગુજરાતી સાહિત્ય ગ્લેડિયરોના કોલોઝિયમ કરતાં ખોડા ઢોરોની પાંજરાપોળ જેવું વધુ લાગે છે.
રીટાયરમેન્ટનો આદર્શ વિજય મર્ચન્ટ હોવો જોઈએ. સુનિલ ગાવસ્કર અને સચિન તેન્દુલકર જેવા નામો ભારતીય ક્રિકેટની ક્ષિતિજે ઉગ્યા પણ નહોતા ત્યારે આ માણસનો ભારતીય ક્રિકેટ પર દબદબો હતો. એની ફર્સ્ટ કલાસ મેચોની એવરેજ 71 ની છે. જે ધ ગ્રેટબ્રેડમેન કરતાં થોડીક જ ઓછી છે. 1951 માં એ ઈંગ્લેન્ડ સામે રમવા ઉતર્યા અને 154 રન ફટકારી દીધા એ એમની ટેસ્ટ કારકિર્દીનો સર્વાધિક સ્કોર હતો અને એ ટેસ્ટ પછી એમણે નિવૃતિ જાહેર કરી દીધી. એમને રીટાયરમેન્ટ અંગે પૂછવામાં આવતાં એમણે કહ્યું, ‘‘રીટાયર વ્હેન પીપલ આસ્ક વ્હાય એન્ડ નોટ વ્હેન’’ વિજય મર્ચન્ટની આ સૌથી ઊંચીસિકસર હતી.
-જનોઈ વઢ :-
જેમણે આખી જિંદગી નોકરીનું ટેન્શન નથી લીધું એવા લોકોને મૃત્યુ સુધી પેન્શન ખાતા જોઇને ઈશ્વર પરથી શ્રદ્ધા ઉઠી જાય છે


મંગળવાર, 12 જુલાઈ, 2016

રાવણ સીતા માટે ખુવાર થયો, રામ તો ‘મહારાણી’ માટે લડ્યા!

બગાવત

 મેં તો સતીત્વની પરીક્ષા આપી, તમે પતિત્વની પરીક્ષા ક્યારે આપશો?

સીતા અનોખી છે, એના જેવું પાત્ર એક જ હોય શકે. કદાચ એક કરતાં વધુ રામ જન્મ લેશે પણ સીતા તો એક અને માત્ર એક જ રહેશે.
-સ્વામી વિવેકાનંદ

 રામે સીતાને અગ્નિ પરીક્ષા આપવા કહ્યું અને એણે અગ્નિ પરીક્ષા આપી પણ ખરી, પણ જો-સીતા આજની યુવતી હોત તો એણે રામને કંઇ જુદું જ કહ્યું હોત..!

દિવસે લંકામાં બે ચિતાઓ સળગી હતી, એક પર રાવણનું શરીર સળગતું હતું અને બીજી પર સીતાનો આત્મા સળગી રહ્યો હતો. બંનેનો દાહ કંઇ જુદો જ હતો. અગ્નિ રાવણનાં આત્માને અને સીતાનાં શરીરને સ્પર્શી શકતો નહોતો. બંને ચિતાઓ સળગાવવા માટે એક જ વ્યક્તિ જવાબદાર હતો અને એ હતો અયોધ્યાનો રાજકુમાર શ્રીરામ. ચારિત્ર્યની પરીક્ષાનાં નામે પત્નીને સળગતી ચિતા પર જવા મજબૂર કરનાર આવો રાજવી ભારતવર્ષમાં કયારેય થયો ન્હોતો અને થવાનો નહોતો. સૌ એની પ્રશંસા કરી રહ્યાં હતાં ને સીતા એને સવાલો પૂછી રહી હતી. ચિતા પર ઉભી થઇને એકટક રામ સામે જોતી જનક રાજાની એ લાડકી પુત્રીનાં શબ્દો મૌન સવાલો કરી રહ્યાં હતા. ‘મારા રામ, હું તો આ ચિતામાંથી બહાર આવી જઇશ પણ તમે જીંદગીભર સળગ્યા કરશો. મને લાગે છે કે, આજે જો રાવણ જીત્યો હોત તો મારે અગ્નિ પરીક્ષા નહીં આપવી પડી હોત. ચૌદ વર્ષનો વનવાસ તમારી સાથે મેં ગુજાર્યો અને તમે માની બેઠા કે અશોક વાટિકામાં મને લાંછન લાગ્યું. મારા રામ, તમે અયોધ્યાનું સિંહાસન ભૂલાવી ન શક્યા અને મને સોનાની લંકા ચળાવી ન શકી.
સતીત્વને તમે શું સમજો? મંદોદરીને વિભિષણ સાથે પરણાવી અને તારાને સુગ્રીવ સાથે પરણાવી. તમારી મરજી પડે ત્યારે અને તમે કહો એ પુરૂષને પરણે એ સ્ત્રી સતી? રાવણની ચિતા ઠરી નથી અને મંદાદરીનાં આંસુ સૂકાયા નથી. વિભિષણને ઇનામ આપવામાં થોડું મોડું તો કરવું તું..તમે જ એવું કહેતાં હતા કે મરીચે કુટિલતા કરી અને એટલે જ મારું હરણ થઇ ગયું. તો રામ, તમે શું કર્યું? વિભિષણની મદદ વગર તમે રાવણને મારી શક્યાં હોત ખરાં?
મને ખબર છે અયોધ્યાનો રાજકુમાર ન્યાયી છે અને એ અયોધ્યા માટે કશું પણ કરી શકે છે. રઘુકૂળ ભૂષણ, તમે આ યુધ્ધ કર્યું એ તો અયોધ્યાની મહારાણી માટે, તમે વાનર સેના લઇને આવ્યા, તમે સમુદ્ર કિનારે પડાવ નાંખ્યો. શંકા તો તમને ત્યારની આવી હતી. મેં રાવણની વાત માની છે  નહીં, એ જાણવા એટલે જ તો તમે હનુમાનને મોકલ્યા. જોઇ-ચકાસી અને વિચારીને તમે યુધ્ધ શરૂ કર્યું. હું તો રાહ જોતી હતી કે મારો પતિ આવે અને રાવણને પાઠ ભણાવે. સેતુબંધ પરથી આવ્યો એ તો અયોધ્યાનો રાજકુમાર હતો, જે અયોધ્યાની મહારાણીને લેવા આવ્યો. દિલ પર હાથ રાખીને કહેજો કે, ‘મારા પ્રેમ માટે આવ્યા હતા કે તમારા અભિમાન માટે?’ લોકો કહે છે કે રાવણ જેવું અભિમાન કોઇનું નહોતું. તો તમને પણ કર્તવ્ય નિષ્ઠ રાજવી થવાનું ગુમાન ઓછું હતું? તમે રોજ જીતતાં હતા અને એ રોજ હારતો હતો અને છતાં એ સીતા માટે મક્કમ હતો.
મારા રામ, તમારા રહસ્યોને તો હું જ જાણું છું. ક્ષત્રિય વટનાં નામે શિકાર કરવા તમે ગયાં અને સુવર્ણ મૃગનું આળ મારા પર ચઢાવ્યું. ચૌદ વર્ષ હું વનવાસમાં રહી અને મને એક મૃગ ચર્મનું ઓછું પડ્યું? જન્મી ત્યારથી દોમ-દોમ સાહ્યબી જોઇ છે. સુવર્ણ અલંકારોને એક ક્ષણમાં છોડી દેનારી સીતાને મૃગ ચર્મનો મોહ ન હોય રામ..! પત્નીને ભાઇનાં ભરોસે છોડી દઇને તમે નીકળ્યાં હતાં. હું તો તમારી રાહ જોઇ રહી હતી..!
તમારા પિતાએ એની ત્રીજી રાણીને આપેલા વચન માટે થઇને તમે મને મહેલમાંથી જંગલમાં લાવ્યા અને આ સળગી રહ્યો છે એ રાવણ મને જંગલમાંથી મહેલમાં લઇ ગયો. એનાં સોનાનાં મહેલો-એની સોનાની લંકા મને ચળાવી ન શકી અને તમે કહો છો કે સીતા સુવર્ણ મૃગ માટે હઠ કરતી હતી? આ ચિતા મને બાળી નહીં શકે, માત્ર એટલા માટે નહીં કે હું સતી છું, પણ એટલા માટે કે હું સાચી છું.
મારા રામ, રાવણ જીત્યો હોત તો મારે અગ્નિ પરીક્ષા નહીં આપવી પડત. આ ચિતા મને બાળી નહીં શકે. હું અગ્નિમાંથી બહાર નીકળીશ એટલે તમને સંતોષ થશે. તમે મને સતી કહેશો. પણ, રામ મેં સતીત્વની પરીક્ષા તો આપી દીધી, હવે તમે પતિત્વની પરીક્ષા ક્યારે આપશો?
જનોઇ વઢ :
તમથીયે પહેલા અશોક વનમાં, સીતાજી એ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચમા નીરાધાર નારી તોયે, દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલા ને માર્યો તેમા કર્યું શું પરાક્રમ, અમથો વિજય નો લૂટ્યો લ્હાવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો..! (એક ગુજરાતી ભજન)

ગુરુવાર, 7 જુલાઈ, 2016

સેકસ પ્રકૃતિ છે લગ્ન વિકૃતિ છે

                                બગાવત


 લગ્ન નામની આ સંસ્થાએ સ્ત્રીઓને જેટલો અન્યાય કર્યો છે એટલો ભાગ્યે જ કોઈ બીજી બાબતે કર્યો હશે.


પ્રેમનો અભાવ નહીં, મિત્રતાનો અભાવ
દુ:ખી લગ્નજીવનનું કારણ હોય છે-નિત્શે

એ રોજ સવારથી સાંજ કામ કરે છે, રસોઈ કરે છે, છોકરાઓ જણે છે, છોકરાઓ ઉછેરે છે, વર્ષો વીતતાં બેડોળ અને બુદ્ધિહીન બનતા જતા પતિદેવને સાચવે છે, વહુ સાથે સર્વોપરિતાનો જંગ ખેલે છે અને આખી જિંદગી એક બંધનમાં રહ્યા કરે છે અને બંધનમાં જ મરી જાય છે અને મર્યા પછી પણ એના શરીરને એ બંધનની નિશાનીઓ વીંટાળી દેવામાં આવે છે. લગ્ન નામની આ સંસ્થાએ સ્ત્રીઓને જેટલો અન્યાય કર્યો છે એટલો ભાગ્યે જ કોઈ બીજી બાબતે કર્યો હશે.

સેકસ એ આદિમ પ્રકૃતિ છે, લગ્ન એ સેક્સનું ઇન્સ્ટિટ્યૂશનલાઇઝેશન  છે, અને દરેકને લગ્ન કરવાનો અધિકાર એ સમાજમાન્ય  સેક્સનું લોકશાહીકરણ છે. પ્રકૃતિમાં આવી ‘‘લોકશાહી ’’કયાંય નથી. જુદા જુદા પ્રાણી સમૂહનો અભ્યાસ કરો તો એક બાબત સ્પષ્ટ થાય છે કે પ્રકૃતિમાં દરેક નરને પ્રજોત્પતિ કરવાનો  (સેક્સ કરવાનો) અધિકાર હોતો નથી. ઘણાં ખરાં પ્રાણીઓ ઝૂંડમાં રહે છે. આ ઝૂંડમાં એક શક્તિશાળી નર હોય છે. જે સમૂહની માદાઓ સાથે સંવનન કરે છે પણ બીજો કોઈ નર આવી ચેષ્ટા કરે તો આલ્ફા નર એની સાથે યુદ્ધ કરે છે અને જે જીવે એ નરને માદાઓ સાથે સંવનનો અધિકાર મળે છે. પ્રકૃતિમાં સેક્સ એ શક્તિશાળીનો અધિકાર છે. એનું કારણ પણ સ્પષ્ટ છે. પ્રકૃતિની રચના એવી છે કે, નવી પેઢી વધુ ને વધુ શક્તિશાળી હોય અને જેનેટિક વૈવિધ્યતા ધરાવતી હોય એટલે જ પ્રકૃતિમાં પ્રેમ નથી, સેક્સ સર્વત્ર છે. સિંહના ઝૂંડમાં રહેતી ચાર કે પાંચ સિંહણો સાથે એ ઝૂંડનો નરસિંહ સંવનન કરે છે અને સંતાન પેદા કરે છે પણ જો કોઈ બીજા નરની સાથેની આધિપત્યની લડાઈમાં એ નર હારી જાય તો નવો નર ઝૂંડ પર આધિપત્ય જમાવી દે છે. એટલું જ નહીંં એ જૂના નરનાં તમામ સંતાનોને મારી નાંખે છે. સંતાનો મરી જતાં સિંહણો સંવનન માટે ફરી તૈયાર થાય છે. એ પ્રમાણે નવો નર પોતાના જીન્સને નવી પેઢીમાં ટ્રાન્સફર કરે છે. પ્રકૃતિમાં દયા નથી. નબળા નરના સંતાનોનેે જીવવાનો કુદરતમાં અધિકાર નથી. પ્રકૃતિની રચના દરેક પ્રાણીની નવી પેઢીને વધુ ને વધુ મજબૂત બનાવવાની છે અને આ માટેની ચાવી માદાના હાથમાં છે.

મનુષ્ય જાતિનું અસ્તિત્વ લાખો વર્ષથી છે અને આપણી કહેવાતી સંસ્કૃતિનું અસ્તિત્વ માંડ છેલ્લાં પાંચ હજાર વર્ષથી છે. ક્રોધ,લોભ, મોહ અને કામ જેવી પ્રકૃતિદત્ત લાગણીઓને  નિયંત્રિત કરવાના કે નાબૂદ કરવાના આપણે છેલ્લાં પાંચ હજાર વર્ષથી પ્રયત્નો કરીએ છીએ પણ સફળ થયા નથી, સફળ થવાના નથી. ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા જેવી બાબતો જરૂરી છે પણ આપણે તેને અનિષ્ટ ગણી છે. જ્યારે કામ-સેકસને પણ આપણે અનિવાર્ય અનિષ્ટ જેવો દરજ્જો આપ્યો છે. સેક્સની તીવ્ર ઇચ્છા પ્રકૃતિદત્ત છે. એના કારણે ઉદ્ભવતી સમસ્યાઓનું  નિયંત્રણ લાવવા લગ્ન સંસ્થા ઊભી કરાઈ છે. પ્રેમ સાવ જુદી જ બાબત છે. લગ્નના પરિણામે જન્મતું સહજીવન એટલે જ પ્રેમ એના જેટલી ખોટી માન્યતા બીજી કોઈ નથી. પ્રેમ અને સહજીવનને ઝાઝું કશું લાગતુંવળગતું નથી. નહીંતર પ્રેમમાંથી જન્મેલાં આટલાં બધાં લગ્નો નિષ્ફળ ના હોત. સહજીવન સાથે જીવવાની આદત પાડે છે અને એ આદત જીવનનો એક ભાગ બને છે. અને જીવન જીવાઇ જાય છે.
‘‘લગ્ન ’’ નામની આ સંસ્થાના ટકવા માટે બહુ જરૂરી હતું સ્ત્રીઓ પર અંકુશ રાખવો. પ્રાણીઓની માદામાં પ્રકૃતિ એ એક ‘‘ક્લોક ’’ ફિટ કરેલી હોય છે. પ્રાણી એ કુદરતી રચના એટલા માટે છે. કારણ કે નવી પેઢી વધુ મજબૂત બને, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે. હાથીઓના સમૂહમાં માદાને મેળવવા બે નર હાથીઓ વચ્ચે ખૂનખાર સંઘર્ષ ચાલતો હોય ત્યારે હાથણી પોતાની મસ્તીમાં આસપાસ વિચરણ કર્યા કરતી હોય છે. જે જીતે એની સાથે એ સંવનન કરે છે. જુદા ‘‘લગ્ન ’’ સંસ્થાને ટકાવવા સ્ત્રીઓ પર જુદા જુદા અંકુશો લદાયા હતા. સ્ત્રીઓને ઘૂમટામાં કે પડદામાં રખાતી અને એવી વ્યવસ્થા રખાતી કે એ માત્ર એક પુરુષનું મોંઢું જોઈ શકે. આ વ્યવસ્થા સ્ત્રીની કુદરતી આકર્ષણની વૃત્તિને કચડવામાં ઉપયોગી સાબિત થતી. જ્યાં સુધી સ્ત્રીઓ  ‘‘ઢંકાયેલી ’’રહી લગ્નોની સફળતાનું પ્રમાણ ઊંચું રહ્યું. સ્ત્રીઓ મુક્ત બની એ સાથે જ લગ્નો જોખમમાં આવી ગયાં કારણ કે પુરુષોએ તો પહેલેથી જ આવાં બંધનો સ્વીકાર્યા જ નહોતાં.

જે તે સમયની સમાજ વ્યવસ્થા માટે લગ્નો અનિવાર્ય હતાં પણ હવે સમાજ વ્યવસ્થા બદલાઈ છે એટલે લગ્ન વ્યવસ્થામાં  પણ ધરમૂળથી બદલાવ લાવવો જ પડે. રામનો સમય કૃષ્ણના સમય કરતાં જુદો જ હતો એટલે કૃષ્ણના યુગમાં ‘‘લગ્ન ’’ની પ્રથામાં ખુદ ભગવાને જ ફેર કરી નાંખ્યો હતો. જોકે આપણે હવે ‘‘રામ રાજ્ય ’’તરફ આગળ વધી રહ્યા છીએ અને આ ઊલટો ક્રમ ‘‘વાનર રાજ્ય ’’સુધી પાછો ન લઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના કરવાની રહે !!!
જનોઈવઢ:-
જો તમે ઇચ્છતા હોવ કે તમારી પત્ની તમારી બધી જ વાત સાંભળે તો બીજી સ્ત્રી સાથે વાત કરો એ બધું જ સાંભળશે. -સિગ્મંડ ફ્રોઇડ