મંગળવાર, 6 ઑગસ્ટ, 2013

પ્રેમની નિશાની

 કોઈની પાસે પ્રેમમાં પડવાના કારણ હોતા નથી પણ પ્રેમમાં પડવાની નિશાનીઓ એમના દિલ પર અચૂક હોય છે. દક્ષિણ ગુજરાતના વાપી પાસેના એક નાના ગામની સ્તુતિ સોનપાલ અને પોરબંદરના સરમણ પટેલ પાસે પણ પ્રેમમાં પડવાના કોઈ કારણ નહોતા. અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજમાંથી, લેથમશીનમાં મેન્યુફેકચર થયેલા પૂર્જાની જેમ તાજી પાસ આઉટ થયેલી સ્તુતિ અને એલ.એમ.ફાર્મસી કોલેજમાંથી ફેક્ટરીમાં બનેલી ચોસલા બંધ દવાઓની જેમ બહાર પડેલો સરમણ એક બીજાને અમદાવાદની ગુફા પાસેની ઝેન કાફેમાં પ્રથમવાર મળ્યા અને પ્રેમમાં પડ્યા. એમની પાસે પણ સમયે પ્રેમમાં પડવાના કારણો હતા નહીં. એમની મુલાકાત પછી એમની પ્રાયોરિટીમાં ફેરફાર આવી ગયો. સ્તુતિનાં ઘુંઘરુ અને સરમણની ગિટાર થોડા દિવસો માટે દિવાલ પરની ખીલીએ ટીંગાઈ ગયા. હીના પછી બંન્નેએ સાથે રહેવા જુદા જુદા પાર્ટટાઈમ કોર્સમાં એડમિશન લઈ લીધું. ઘરવાળાઓને એમ લાગ્યું કે તેમના સંતાનો આગળ ભણી રહ્યા છે. સમયે સ્તુતિ અને સરમણ એક ફ્લેટમાં લિવ-ઈનમાં શિફ્ટ થઈ ચૂક્યા હતા અને ઘરનું ઈકોનોમિક્સ કેમ ગોઠવવું ગણી રહ્યા હતા. બે જણ વચ્ચે પ્રેમ ભલે અખૂટ હોય પૈસા ઝડપથી ખૂટી જતાં હોય છે. બંનેએ ઘરે કહ્યું હતું કે, લોકો પાર્ટટાઈમ ભણે છે અને પાર્ટટાઈમ નોકરી કરે છે. પણ એમનો બધો સમય ફૂલટાઈમ પ્રેમમાં જતો હતો.
જ્યારે તમે માણસને ચાહો છો ત્યારે એનું બધું તમને ગમવા માંડે છે. સ્તુતિ અને સરમણને ઝડપથી સમજાઈ ગયું કે બંનેનો કલાપ્રેમ એમના માટે સર્વસ્વ છે. સરમણે સાથે જઈને પોતે ફી ભરીને સ્તુતિને કદંબમાં કથ્થકના એડવાન્સ કલાસ માટે દાખલ કરાવી. સ્તુતિના ઘુંઘરુનો ખનકાટ શરૂ થયો એ સાથે જ સરમણના  ખિસ્સામાંથી પૈસાનો ખનકાટ શમી ગયો. સાંજે સ્તુતિએ સરમણને સપ્તકમાં દાખલ કરાવ્યો. ફીના પૈસા સ્તુતિએ ભરી દીધાં. સાંજે અને પછીના પંદર દિવસ એમના ઘરમાં માત્ર મેગી બની. પણ બંને ખુ હતા. પંદર દિવસ રોજ સ્તુતિ પાછી આવીને સરમણને કેટલાક સ્ટેપ્સ બતાવતી અને સરમણ ગિટાર પર પોતે શીખેલો નવા કમ્પોઝિશન સંભળાવતો. સંગીત અને નૃ્ત્ય બંને ખુશ હતા. જિદંગી મઝાની જતી હતી.
થોડાં દિવસ પછી એક અણધારી સમસ્યા ઊભી થઈ. અણધાર્યા પ્રેમમાં સમસ્યાઓ પણ અણધારી આવતી હોય છે. સપ્તકમાંથી પાછા આવી રહેલા સરમણને કોઈ વાહનચાલકે ટક્કર મારી એને તો ખાસ વાગ્યું નહીં પણ ગિટાર લાકડાંના કાટમાળમાં ફેરવાઈ ગઈ. સરમણની સાધનાનો તંતુ તૂટી ગયો અને સાથે તૂટ્યું સ્તુતિનું દિલ. પછી સ્તુતિનો નૃત્યમાંથી રસ ઊડી ગયો ડાન્સ ક્લાસમાં જતી પણ હવે એનું ધ્યાન કથ્થકમાં નહોતુ એને એક ચિંતા હતી સરમણ માટે નવી ગિટાર લાવવાની.
આખરે એણે સરમણને ફોર્સ કર્યો અને એક કોમન ફ્રેન્ડ પાસેથી રૂ.1,50,000 દર મહિને રૂ.10,000 પાછા આપવાની શરતે ઉધાર લેવડાવ્યા અને સરમણને ગિબ્સન કંપનીની નવી  ગિટાર અપાવી. સંગીત અને નૃત્ય ફરી પાછા આનંદમાં હતા પણ પ્રેમ અને પૈસાને ઝાઝું બનતું નથી. ઘરનું ભાડું રૂ.10,000 ચૂકવવાનું, ઘરનો ખર્ચ કાઢવાનું અને ગિટારનો રૂ.10,000નો હપ્તો ચૂકવવાનો બધામાં પૈસા ખલાસ થઈ ગયા માત્ર પ્રેમ રહ્યો. રાત્રે સ્તુતિએ નક્કી કર્યું કે સરમણને સંગીત ક્લાસ ચાલુ રાખવા દેશે અને પોતે ક્યાંક નૃત્યના ટ્યુશન કરાવશે. એણે સરમણને જ્યારે કહ્યું ત્યારે સરમણે ચોખ્ખી ના પાડી દીધી. સરમણે કહ્યું કે, એના કરતાં ક્યાંક નોકરી શોધી લેશે. પણ પ્રેમમાં પડેલો પુરુષ આખરે તો સ્ત્રીથી હારી જતો હોય છે. સરમણ પણ હાર્યો. સ્તુતિએ ટ્યૂશન શોધવાનું નક્કી કર્યું. પછીના સ્તુતિ પોતાના ક્લાસમાં જઈ શકી. સોમવારે જ્યારે પાછી આવી ત્યારે એણે સરમણને ગળે હાથ વીંટાળીને વધાઈ ખાધી કે એને એડવોકેટ પરેશ ઠક્કરની દીકરીને કથ્થક નૃત્યની તાલિમ આપવાનું ટ્યૂશન મળી ગયું છે. એણે કહ્યું કે, એડવોકેટ ઠક્કર વિધુર છે અને પ્રેક્ષા એમની એકની એક દીકરી છે. પ્રેક્ષાને જુઓતો પરાણે વહાલ આવે. પણ એડવોકેટ ઠક્કર દિલના બહુ સરળ માણસ છે. એમણે કોઈ પણ લપ્પનછપ્પન કર્યા વિના મહિને રૂ.10,000 ટ્યૂશન ફી પેટે આપવાનું નક્કી કરી આપ્યું હતું. દિવસ પછી અઠવાડિયા સુધી રોજ સ્તુતિ એડવોકેટ ઠક્કર અને એમની દીકરી પ્રેક્ષાની વાત કરતી દરરોજ સરમણને નવં શું શીખ્યો પૂછતી અને સરમણ એના માટે અગાઉની જેમ જુદાજુદા કમ્પોઝિશન વગાડતો.સંગીત વાગતું રહેતું  અને થાકેલું નૃત્ય થોડીવારમાં સાટ ઊંઘી જતું .
સાતમી તારીખે સ્તુતિએ રૂ. એક હજારની દસ નોટો સરમણના હાથમાં મૂકી. બધી નોટોનો કાગળ તો સરખોજ હોય છે. પણ હજારની નોટમાં કંઇ જુદો પાવર હોય છે અને પાવર સરમણને ફીલ થયો. બે દિવસ પછી સરમણે સ્તુતિને એક સારા સમાચાર આપ્યા હોટલ તાજ ઉમ્મેદમાં સરમણને પાર્ટ ટાઇમ ગિટાર વગાડવાનીનોકરી મળી હતી. પગાર હતો રૂ. 15000 . હવે બંનેને વાંધો આવવાનો નહોતો. સ્તુતિને પહેલાં તો થયું કે સરમણન મ્યુઝિક નહીં સાચવી શકે પણ સરમણે ક્હ્યું કે બંને સાચવી લેશે.
પછીના અઠવાડિયે સ્તુતિએ ચિંતા વ્યક્ત કરી કે પ્રેક્ષા ઝડપથી થાકી જાયછે અને એનું ધ્યાન રહેતું નથી. એણે કહ્યું પણ ખરુ કે હવે બીજુ ટ્યુશન મળેતો સારુ પણ સાથે સાથે ઉમેર્યું કે એડવોકેટ ઠક્કર એટલા ભલા માણસ છે કે એમનું ટ્યૂશન છોડવાની ઇચ્છા થાય.એણે કહ્યું કે પ્રેક્ષાને દરેક દરેક સ્ટેપ્સ વારંવાર કરીને બતાવવા પડતા હોવાથી થાક વધુ લાગે છે સંગીત અને નૃત્ય હજુ ખુશ હતા પણ નૃત્ય વધુ ઝડપથી થાકીજતુ અને ગમે ત્યારે ઝોકે ચડી જતું.  સરમણ હોટલ તાજ પરથી પાછો આવતો ત્યારે તે કાયમની જેમ સ્તુતિને આગોશમાં લઇને ઉંઘી જતો. એ બંન્નેના સ્વપ્નાઓ સવાર સુધી જાગતા રહેતા. બંનેને દિવસે બીજાને મળવાનો બહુ સમય રહેતો નહી પણ એમનો પ્રેમ હજુ સમયનો ગુલામ થયો નહોતો. દિવસે સ્તુતિ પરત આવી ત્યારે એના હાથ પર બેન્ડેજ લગાડેલી હતું અને હથેળીનાપાછળના ભાગે સફેદ મલમ. એને જોઇને સરમણના ચહેરા પર ચિંતા તરી આવી એણે પુછપરછ કરી માંદલા હાસ્ય સાથે સ્તુતિએ કહ્યું , પ્રેક્ષા બહુ રમતિયાળ છે આજે જ્યારે નોકરાણીએ એને ચાનો કપ આપ્યો ત્યારે હાથમાં ચાનો કપ લઇને ઉઠી અને દોડવા ગઇ હું ત્યા બેઠી હતી. ચાનો કપ ઢાેળાયો અને ગરમાગરમ ચા મારી હથેળીથી માંડીને કોણી સુધી ઢોળાઇ. હુંએકદમ દાઝવાથી ઉઠવા ગઇ અને પગમાં પગ આવતા પડી ગઇ એટલે કોણી પાસે છોલાયું પણ એડવોકેટ ઠક્કર બહુસારા માણસ છે જાતે દોડતા ગયા અને બેન્ડેજ દાઝવા પર લગાડવાનું ક્રીમ લઇનેઆવ્યા એમણે સારીરીતે મારી સંભાળ લીધી.
સાંભળીને સરમણે એને એકદમ આગોશમાં લીધી અને એનું માથુ ચૂમી લીધુ પછી એની આંખોમાં આંખો નાંખીને પુછ્યું તું ટ્યુશન કરવા જતી નથીને. ક્યાક બીજે કામ કરે છે ને ... સ્તુતિની આંખો ઝુકી ગઇ એની આંખોમાંથી આસું બહાર આવી ગયા અને સાથે સાથે સત્ય પણ.... એણે કહ્યું હું હોટલ રેસિડન્સીમાં હાઉસકીપીંગનું કામ કરુ છું. આજે કોઇ ગેસ્ટ રૂમ ખાલી કરતી વખતે રૂમમાંની ઇલેક્ટ્રીક કીટલી ચાલુ રાખી ગયા હતા. મને ધ્યાનમાં રહ્યું નહોતું હંમેશની જેમ એને ઉપાડીને ચેક કરવા જતાં ગરમાગરમ પાણી મારા હાથ પર ઉડ્યું અને હાથે ફોલ્લા ઉઠ્યા અને ત્યાંથી ઝડપથી ખસવા જતાં ટેબલની ધાર સાથે મારી કોણીને જોરથી અથડાઇ હતી. સરમણ એને ગાઢ લિંગનમાં લીધી. એના ચહેરા પર હૈયું નીચોવાઇ જાય એવી વેદના તરી આવી. લિંગનથી છુટી થઇનેસ્તુતિ સરમણના ચહેરા પર વાળમાં હાથ ફેરવ્યો અને પુછ્યુ કે સરમણ તું ગુસ્સે તો નથીને..  તને ક્યારે શંકા પડી કે હું પ્રેક્ષાને ડાન્સના ટ્યૂશન આપવા જતી નથ જો હું આમ ના કરત તો તારા કલાસનો અને ગિટારનો ખર્ચ ના નીકળત.
સરમણ નીચું જોઇ ગયો અને કહ્યું કે મને આગાઉ કયારેય ખબર પડી જ નહોતી. આજે આ બેન્ડેજ અને મલમ જોઇને ખ્યાલ આવ્યો ... હું સેન્ટર રેસિડન્સીના કીચનમાં હેલ્પર તરીકે કામ કરુ છું. અને આજે સાંજે કોઇએ આવીને કહ્યું કે હાઉસકીપીં ગર્લ દાઝી છે ત્યારે મે બેન્ડેજ અને મલ ઉપર મોકલાવ્યા હતા સ્તુતિ એની સામે જોઇ રહી  એ બોલી.... એટલે .... એટલે ....
સરમણે કોઇ જવાબ આપ્યો નહી. એ નીચું જોઇ ગયો.
સ્તુતિને બધું સમજાઇ ગયું સરમણની એણે છાતીમાં માથુ નાંખી દીધુ. કોઇની પાસે પ્રેમમાં પડવાના કારણ હોતા નથી પણ એમની પાસે પ્રેમમાં પડવાની નિશાનીઓ અચૂક મોજૂદ હોય છે સ્તુતિના હાથ પર એવી નિશાની આવી ગઇ હતી અને સરમણના દિલ પર એવી નિશાની આવી ગઇ હતી.

3 ટિપ્પણીઓ: