શુક્રવાર, 23 ઑગસ્ટ, 2013

.... પણ એ રોતલ નહોતી, એ ક્યારેય રડી નહોતી





 એક એવી જગ્યા છે જ્યાં હું મારી પત્નીને લઈ જઈ શક્યો નથી.
....... ...... ...... ...... ...... ..... .... ..... ..... ...... ...... ......
આમેય મને ફરવાનો બહુ શોખ. ગીરના જંગલો હોય કે હિમાલયની પવર્તમાળાઓ, સોમનાથનો સમુદ્ર કિનારો હોય કે અર્બુદાચલના શિખરો, ભાગ્યે જ એવાં રમણીય સ્થળો હશે કે જ્યાંની મુલાકાત મેં લીધી ન હોય. પણ મને માત્ર પ્રવાસનો જ નહીં બીજાને પ્રવાસે લઈ જવાનો પણ એટલો જ શોખ, ક્યાંય જઉં એટલે કોઈ મિત્ર નવરો હોય એને અને ક્યારેક ઘણા 'બીઝી' હોય તેવા મિત્રોને પણ તાણી જઉં. અલબત્ત મારી સ્થળની પસંદગી એટલી સરસ રહેતી કે મારી સાથે આવનારા મિત્રો એ સ્થળને ક્યારેય ભૂલી શકતા નહીં.
લગ્ન બાદ મારો પ્રવાસનો શોખ બેવડાયો. હવે તો મારે સાથાદાર માટે કોઈનેય શોધવા જવું પડતું નહીં. હું ને મારી પત્ની ફરવા નીકળી પડતાં. જો કે આમ તો મારી પત્ની કંઈ ફરવાની મારા જેટલી શોખીન નહીં પણ મારી સાથે આવવામાં એ ક્યારેય ના ન પાડતી. લગ્ન બાદ અમે ખૂબ ફર્યાં. દેલવાડાના દેરાંઓની કોતરણી અને ત્યાં આવેલા મિથુન શિલ્પો સમજાવવામાં મેં પૂરો દિવસ ગાળ્યો હતો, એ દરેક વાતને કૌતુકભરી આંખો સાથે સાંભળ્યા કરતી. હિમાલયની પર્વતમાળાઓમાં થતા સૂર્યોદય અને સૂર્યાસ્તોની સાક્ષી એને હું બનાવતો અને પ્રકાશની રંગછાટાઓ બતાવતો. ધીમે ધીમે એને પણ મારી જેમ પ્રવાસનો છંદ લાગવા માંડ્યો હતો.
અમે જે - જે સ્થળે જતાં તે, દરેક સ્થળે અમારી યાદગીરી મૂકી જવાનું એને વળગણ વ્યસન હતું. પ્રવાસમાં જતી વખતે એ ચોક કે રંગીન પેનો સાથે લેતી અને જ્યાં જઈએ ત્યાં ત્યાં અમારા નામ અચૂક લખતી. ક્યારેક તો કોઈ વૃક્ષની છાલ પર પણ કોતરતી. મને એની આ પ્રવૃત્તિ ગમતી નહીં પણ તેની સામે હું વાંધો ય લેતો નહીં. પછી અમારા બંનેના નામો સાથે +1 લખતી થઈ. એ ગર્ભવતી થઈ હતી. આવનારા બાળકનું અમે નામ નક્કી કર્યું નહોતું. આથી એણે આ નવી અનોખી પદ્ધતિ ત્રણેનાં નામ લખવા શોધી કાઢી હતી.
આ નવી પરિસ્થિતિને કારણે અમારા પ્રવાસો ઘટ્યા નહીં. અલબત્ત હવે પ્રવાસોમાં સાવધાની જરૂર રાખવી પડતી. એની - એ બન્નેની સગવડોનો કાસ ખ્યાલ રાખવો પડતો. અમારા બેની સાથે કોઈ ત્રીજું સતત છે એ ખ્યાલે એ ક્યારેક રોમાંચિત થઈ જતી તો ક્યારેક શરમાઈ જતી એને જે જગ્યા ગમી જતી ત્યાં એ અચૂક કહેતી આપણે આપણા બાળકને લઈને ફરી અહીં આવીશું. ક્યારેક એ ઉપસતા જતા પેટ પર હાથ ફેરવી ઉદરમાંના બાળકને બહારના સૃષ્ટિ સૌંદર્યનું વર્ણન કરી સંભળાવતી તો ક્યારેક હું આ કામ કરતો. પ્રવાસની હાડમારીઓથી કંટાળતી તો પેટમાંના બાળક સાથે કંઈ કંઈ વાતો કરતી હું પાસે જતો તો વાત બંધ કરી દેતી ચોક્કસ. મારા વિશે મારા સંતાનને ફરિયાદ કરતી હશે.
ધીમે ધીમે મહિનાઓ વીતવા માંડ્યા. એને લાગતા થાકનું પ્રમાણ વધવા માંડ્યું અને અમારા પ્રવાસનું પ્રમાણ ઘટવા માંડ્યું. થાકીને એ બેઠી હોય તો હું એને 'રોતલ' કહી ચીડવતો. એ સામે જવાબ વાળતી મારું બાળક એકદમ 'ટફ' હશે તમારા કરતાં પણ વધુ, એ ક્યારેય રડશે નહીં, હું એને ફરી ચીડવતો 'ગાંડી, જન્મ્યા પછી તરત બાળક રડે નહીં તો શ્વાસોચ્છવાસ જ શરૂ ન કરી શકે અને મરી જાય, હું મારું મેડિકલ જ્ઞાન ઠાલવતો. એ તરત ગુસ્સે થતી અને કહેતી આવું બધું નહીં બોલવાનું. એનામાં મને ચૂપ કરી લેવાની અજબ આવડત હતી.
જેમ સમય વીતતો ગયો એમ અમે ત્રણે એકબીજાની વધુ નિકટ આવવા માંડ્યા. મને લાગતું કે એના પેટમાં રહ્યે રહ્યે પણ અમારું બાળક અમારી વાતો સમજી શકે છે. અમારી વાતોમાં સૂર પૂરાવે છે. બાળક પેટમાં ફરકવાને કારણે એને અજબ સંવેદન થતું. એને ખરેખર શું થાય છે એ એમને ક્યારેય સમજાવી શકતી નહીં. ફરકવાનું વધી જાય ત્યારે એ મારી પાસે ફરિયાદ કરતી. હું એના પેટ પર હાથ મૂકીને બાળકને સમજાવવાનો પ્રયત્ન કરતો એ તરત શાંત થઈ જતું. તરત એ ચીડાતી - સાવ ખોટે ખોટું. આ બાળક અત્યારથી મારું કંઈ સાંભળતું નથી તો મોટા થયા પછી શું સાંભળશે?
ક્યારેક એ આવનારું સંતાન પુત્ર હશે કે પુત્રી એ વિશે વિચાર્યા કરતી, મને પૂછ્યા કરતી. જો કે એને ખબર હતી કે મારા માટે પુત્ર કે પુત્રીનો કોઈ ફરક નહોતો. ફરક તો એને માટેય ક્યાં હતો? છતાં ક્યારેક એ આવનારું બાળક પુત્ર હોય એવી કલ્પનાઓ કરતી અને ક્યારેક આવનારું બાળક પુત્રી હોય એવી કલ્પનાઓ કરતી. એને આવી કલ્પનાઓ કરવી ગમતી.
હવે અમારું બહાર ફરવાનું ઓછું થતું ગયું અને કલ્પના વિહાર વધતો ગયો. અમે મુલાકાત લીધેલા સ્થળો અંગે એ બાળક સાથે વાત કરતી. પોતાની સાથે ફરી લઈ જશે એવું વચન આપતી અને મારી પાસે પણ એવું વચન માગતી - આપાવડાવતી.
રિવાજ મુજબ સાતમા મહિને એણે પિયર જવાનું હતું. એને એ ગમ્યું નહીં. જતી વખતે એને ખૂબ દુઃખ થયુ એ ગઈ પણ જલદી અમને બંનેને પાછા લેવા આવજો એવું વારંવાર મને કહીને - યાદ અપાવડાવીને એ ગઈ. મને ફોન કરતી કે પત્ર લખતી તો પણ એનું આ રટણ ચાલુ રહેતું. હું એને એક જ જવાબ વાળતો તમને બંનેને મારે ક્યારેય લેવા આવવાનું છે એ તો તામે નક્કી કરવાનું છે.
વચમાં થોડો સમય એની તબિયત કથળી ગઈ. ડોક્ટરે એને બેડરેસ્ટ ફરવાવ્યો. હવે એને ફરજિયાતપણે પથારીમાં સૂઈ રહેવું પડતું. સૂતાં સૂતાં એ બાળક અંગે, અમારા ભવિષ્ય અંગે  અવનવી કલ્પનાઓ કરતી. કલ્પનામાં ને કલ્પનામાં એને મોટો કરતી અને એને પરણાવતી પણ ખરી!
મારે એમને બંનેને જલદી જ લેવા જવું પડે એવો સમય આવી ગયો. એના ઘરેથી ફોન આવ્યોઃ 'અધૂરા મહિને પુત્રી જન્મી છે.' જે મળી એ પહેલી ટ્રેનમાં બેસી હું દવાખાને પહોંચ્યો. એ પ્રસવ વેદનાથી યાતનાથી થાકીને સૂતી હતી. અમારું સંતાન બીજા રૂમમાં હતું. મેં મારી પત્નીને ખલેલ ન પહોંચાડી. એને સૂવા દીધી. બીજા રૂમમાં ગયો અમારા પ્રથમ સંતાનને જોયું. એ નાનકડી, સુંદર છોકરી હતી. અમારી દીકરી, અમારું પ્રથમ સંતાન. પાછળ ઊભેલા મારા સસરાએ મારા પિતાને કહ્યું. 'આટલી સુંદર નવજાત બાળકી એમણે એમની જિંદગીમાં પ્રથમવાર જ જોઈ છે.' મારા પપ્પાએ પણ એમા સૂર પૂરાવ્યો. એનો વર્ણ, એની સુંદરતા બેનમૂન હતી. બેમિસાલ હતી. મારી પત્ની હજુ સૂતી હતી.
મેં અમારી ફૂલ જેવી બાળકીને હળવેથી ઊંચકી, મારા ખભા પર મણમણનો બોજ આવી ગયો. ખભા ઝૂકી ગયા. મારા પિતા અને મારી પત્નીના પિતા મારી બાજુમાં આવ્યા. અમે ચાલવા માંડ્યા. કેટલોક સમય અમે ચાલ્યા જ કર્યું. મારું શરીર ચાલતું હતું. મન સ્થિર થઈ ગયું હતું. નાનકડા મંદિરના ઓટલે આવીને અમે અટક્યા. ક્યાંક જાગી ન જાય એવી બીકે એકદમ હળવેથી બેસી મારી પુત્રીને મારા ખોળામાં ગોઠવી.  એક જણે આશ્ચર્યથી મારી સામે જોયું પણ બાપનું દિલ એ શું જાણે?
કેટલાક વધુ માણસો આવ્યા અને એમાંના કેટલાક અમારી પાસે ઊભા રહ્યા. કેટલાક પાસેની અવાવરું ઝાડીમાં ગયા. મારી પુત્રી એમ જ સૂતી હતી આંખો મીંચીને, નાનકડી મુઠ્ઠીઓ બંધ વાળીને, એના ચહેરા પર તાજી ખીલેલી કળીની કુમાશ હજુ કાયમ હતી. હું એને જોતો રહ્યો, જોતો જ રહ્યો, કેટલોક વખત વીતી ગયો ઝાડીમાં ગયેલાઓમાંનો એક પાછો આવ્યો. એણે મારા પિતાને ઈશારો કર્યો. એમણે મારા ખભે હાથ મૂક્યો. મેં એમની સામે જોયું. સમજ્યો. હું ઊભો થયો, આગળ ચાલ્યો. થોડે દૂર બે-ત્રણ જણ ઊભા હતા. ધરતીના ખોળે મારી સુંદર પુત્રી માટે થોડી જગ્યા કરવામાં આવી હતી. મેં એને હળવેકથી સુવાડી. ક્યાંક જાગી ન જાય એ બીકે. કોઈકે મને મીઠું ભરેલી થેલી આપી. મારી પ્રથમ દીકરીને ખારાશ આપવાની મારી હિંમત ન ચાલી. મેં એનું મોં ધીમેથી બીજી તરફ ફેરવી નાખ્યું. અને મુઠ્ઠી ભરીને મીઠું નાખ્યું. મને થયું એ રડશે પણ એ રોતલ નહોતી. એ ક્યારેય રડી નહોતી. એ ક્યારેય રડી શકી નહોતી. એ જન્મ્યા બાદ ક્યારેય શ્વાસ લઈ શકી નહોતી.
........
એ એક એવી જગ્યા છે જ્યાં હું મારી પત્નીને લઈ જઈ શક્યો નથી જ્યાં અમારી પ્રથમ દીકરી સૂતી છે.

1 ટિપ્પણી: