બગાવત
પુરુષની “ના” પણ
“ના”જ હોય છે
------------------------------ ------------------------------ ------------------------------ ---------
એ બનારસી સાડી, એ સોનાનું નેકલેસ, એ આંદામાનની ટ્રીપ, લગ્નના દસ વર્ષમાં ચોથી વાર લીધેલું એ "નવી" ડિઝાઈનનું મંગળસૂત્ર, એ એપલનો ફોન કે તમારા ભાઈની દીકરીના લગનમાં આપેલી એ ઢગલાબંધ મોંઘીદાટ ગિફટસ.....જો આ બધું તમે તમારા પતિની ના ની ઉપરવટ જઈને કરાવ્યું ના હોય કે લેવડાવ્યું ના હોય તો તમારે માટે આ લેખ નથી! જો તમે તમારા પતિ કે પુરુષ પાર્ટનરની "ના"નું સન્માન કરતા હોવ તો ચોક્કસ તમે વિશ્વની લુપ્ત થતી પ્રજાતિઓમાંથી એક છો! સ્ત્રીની "ના"ની જેટલી ચર્ચા થઇ રહી છે એટલી પુરષોની ના ની ચર્ચા થતી નથી. સ્વાભાવિક છે કે આ વાંચીને કેટલીક ફેમિનિસ્ટોના પેટમાં દુખી આવશે પણ અહીં વાત સમાનતાની જ છે. સંબંધોમાં બંન્નેની હા અને બંન્નેની ના નું મૂલ્ય એક સમાન જ છે.
મોટાભાગની સ્ત્રીઓ એમ માનતી હોય છે કે પુરુષની ના ને યેનકેન પ્રકારે હા માં ફેરવીને એમણે મોટો મીર મારી લીધો છે વાસ્તવમાં આ સંબંધમાં પડનારી તિરાડની શરૂઆત હોઇ શકે છે. જો તમારે ઇચ્છતા હોવ કે તમારી ના નું સન્માન થાય તો સામેનાની ના નું પણ સન્માન કરતાં શીખો. આંસુ અને સેકસએ પુરુષની નાને હામાં પલટાવવા માટેના સ્ત્રીના બે મોટા હથિયારો છે. સમાગમએ સંબંધોમાં ફેવિકોલનું કામ કરે છે પણ જયારે સેકસનો ઉપયોગ સોદાબાજી માટે થવા લાગે ત્યારે ગંભીર સમસ્યાઓ સર્જાઇ શકે . શયનખંડમાં માથું દુખે છે ની લાગણીનું સન્માન જોઇતું હોય તો , આજે થાકી ગયો છું વાળી લાગણીને પણ સમજવી પડશે. અવું જ આંસુઓનું છે. સ્વાર્થ માટે એટલા આંસુ પણ ન વહાવવા જોઇએ કે જેથી તમારા આંસુ અને મગરના આંસુમાં કોઇ ફરક જ ના રહે. શયનખંડ સામીપ્ય સાધવાની જગ્યા છે એ હઠપૂર્તિ માટેનું રણ મેદાન નથી. સ્ત્રીઓ જો શરીરની સુદરતાનો હથિયાર તરીકે ઉપયોગ કરશે તો પુરુષો શારીરિક પશુતાનો હથિયાર તરીકે ઉપયોગ કરે તેવી સંભાવના રહેલી જ છે.
ઇમોશનલ બ્લેકમેઇલીંગ શરુ થાય ત્યાર સંબંધોમાં ખટાશ આવી જતી હોય છે અને જો સમયસર આ તિરાડ દૂર ના થાય તો સંબંધો અત્યંત ખરાબ થઇ જતાં હોય છે. કૈકયીના કોપભવનમાં જવાનો કિસ્સો રામાયણમાં નોંધાયો છે. ઇમોશનલ બ્લેકમેઇલીંગથી કૈકયી રામને વનવાસમાં મોકલી શકી હતી પણ પોતાના ભરતને રાજા તો બનાવી શકી જ નહોતી. આજે તો કંઇક મેળવવા જતાં સ્ત્રીઓ પોતાની રામને જ ગુમાવી બેસે એવી સંભાવના વધુ રહેતી હોય છે.
ઓ.કે. , સાચી વાત છે કે દરેક વ્યકિતના શરીર પર દરેકનો પોતાનો જ અધિકાર હોય છે. પણ દરેકના મન પર પણ દરેકનો પોતાનો જ તો અધિકાર હોય છે. શરીર પરના બળાત્કારો વિશે તો બહુ ઉહાપોહ થાય છે પણ મન પરના બળાત્કારો વિશે ઝાઝો અવાજ ઉઠતો નથી, અને મન પરના બળાત્કારનો તો પુરુષો પણ ભોગ બને જ છે, કયારેક એની પ્રતિક્રિયા પુરુષો તરફથી આવતી જ નથી અને કયારેક બહુ જ જુદા સ્વરૂપે આવે છે. રામાયણમાં અક પ્રસંગ છે જેમાં વાલિયા લૂંટારાની લૂંટને વહેંચવામાં કોઇ છોછ નહીં રાખતા કુટુંબીઓ એના પાપમાં ભાગીદાર થવાની ના પાડી દે છે. તમને જો લૂંટમાં રસ હોય તો તમારા વાલિયા લૂંટારાના પાપ સરખા હિસ્સે વહેંયવાની તૈયારી રાખવી જોઇશે. સમાનતા માત્ર પુણ્ય વહેંચવામાં જ નહીં સમાનતા પાપ વહેંચવામાં પણ રાખવી જોઇએ.
સંબંધોમાં સ્ત્રીઓને થતાં અન્યાય વિશે એટલું બધું કહેવાય છે કે પુરુષોને થતા અન્યાય વિશે કયારેય કશું કહેવાતું જ નથી. સંબંધનો પાયો સમાન હોવો જોઇએ અને એનો ભાર પણ બંન્ને વ્યકિતના ખભા પર સરખો જ હોવો જોઇએ. જયારે આ ભાર અસમાન બની જાય ત્યારે ખુદ સંબંધો પણ ભાર જ બની જતા હોય છે. મનામણાં કરવા એ જુદી બાબત છે અને ત્રાગાં કરવાં એ જુદી બાબત છે. મનામણાંના શબ્દમાં જ મનને મનાવવાનો મહિમા છે. ત્રાગાં માત્ર ત્રાસ ફેલાવે છે, ત્રાગાં બાદ જેને મળે છે એ તો ખુશ રહી શકે છે પણ આપનાર કયારેય ખુશ રહી શકતો નથી.
વાસ્તવમાં જયાં સુધી પ્રેમ હોય છે ત્યાં સુધી સામેના માટે કંઇપણ કરવાની ઇચ્છા જ સતત રહેતી હોય છે પણ જેવો જુદારો શરુ થાય છે એ સાથે જ સમીકરણો શરુ થઇ જાય છે. એટલે એક સાદુ સત્ય સમજવા જેવું છે કે પ્રેમ હશે તો અને ત્યાં સુધી સમીકરણો સમજવાની જરૂર નહીં પડે. જો પ્રેમ નહીં હોય તો માત્ર સમીકરણો જ રહેશે.
જનોઇવઢ- દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે અને દએ સ્ત્રીની પાછળ પેલા પુરુષની પત્ની હોય છે- ગ્રાઉચો માર્કસ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો