ટોલનું અર્થશાસ્ત્ર લોમડીની લુચ્ચાઈ અને શિયાળની ખંધાઈનું મિશ્રણ છે
‘રાજાએ આયાત-નિકાસ માટેના સ્થાન, જળમાર્ગ અને દેશના ધોરી રસ્તાઓનું નિર્માણ કરવું જોઈએ’- ચાણક્ય (અર્થશાસ્ત્ર)
સોળમી સદીમાં મહંમદ બિન કાસિમે એ વેરો પ્રથમવાર શરૂ કર્યો અને પછી વર્ષો સુધી એ ચાલતો રહ્યો. થોડો સમય અકબે એ બંધ કર્યો અને ઔરંગઝેબે એ શરૂ કર્યો. જઝિયા વેરો દરેક બિન મુસ્લિમે આપવો ફરજિયાત હતો અને એ ભયાનક અપમાનજનક હતો. સુલતાનો અને બાદશાહો પેઢી દર પેઢી એ કર ઉઘરાવતા રહેતા અને હિન્દુ દરબારીઓ ખુલ્લી આંખે તમાશો જોયા કરતા. પ્રજા પીસાતી રહેતી અને રાજાના ધન ભંડારો ભરાતા રહેતા. અઢારમી સદી સુધી આ તમાશો ચાલતો રહ્યો પછી બસ્સો વર્ષ જરા શાંતિ રહી. હવે આધુનિક શાસકોએ ટોલ ટેક્સના નામે જઝિયા વેરા જેવી ઉઘરાણી શરૂ કરી છે. તમારી પાસે કાર છે, ટ્રક છે? તો તમે ભયાનક ગુનો કર્યો છે. તમે જાણે અધાર્મિક છો. સદીઓ જૂના રસ્તાઓ વાપરવાની તમને સ્વતંત્રતા નથી. તમારે રસ્તાઓ વાપરવા ટેક્સ આપવો પડશે. દેશ શ્રીમંત થવા માગે છે અને શાસકો ઇચ્છે છે કે જનતા ગરીબ જ રહે.
પ્રાચીન કાળથી રસ્તાઓ બાંધવા એ રાજાનું કર્તવ્ય ગણાતું હતું. હડપ્પન કાળમાં પણ નગરોના રસ્તાઓ સુઆયોજિત અને વ્યવસ્થિતપણે બાંધેલા હતા અને તેનો નિભાવ થતો હતો. હવે સરકારોએ રસ્તાઓને કમાણીના સાધનો બનાવી દીધા છે. રસ્તાઓ બાંધવા માટે સરકાર ખેડૂતો પાસેથી નજીવા દરે જમીન સંપાદન કરે છે અને પછી રોડ બાંધતી કંપનીઓને રસ્તાઓ સોંપી દે છે. આ કંપનીઓના શેર હોલ્ડરોની ઉંડી તપાસ કરાય તો કયા કયા નેતાઓના કેટલા હિતો છે તે ખબર પડી જાય. એકવાર કંપની રસ્તો બાંધે એટલે શરૂ થાય ટોલ ટેક્સનું ક્યારેય ન પુરુ થનારું વિષચક્ર. પંદર વર્ષ માટે લેવાતો રહે અને દર વર્ષે ટોલમાં વધારો થતો જ રહે. ટોલનું અર્થશાસ્ત્ર સમજવું આમ આદમીનું કામ નથી એ માટે લોમડીની લુચ્ચાઈ અને શિયાળની ખંધાઈ જોઈએ. બહુ ગાજેલો અમદાવાદ-વડોદરાનો એક્સપ્રેસ વે શરૂ થયો ત્યારથી આજદિન સુધી ટોલ ટેક્સ બમણો થઈ ગયો છે. કંપનીઓ ભાવ વધારો માગ્યા કરે છે, સરકાર આપ્યા કરે છે અને જનતા પીસાયા કરે છે.
ક્યારેય મુદત વીત્યે ટોલ બંધ થતો નથી એ માટે લોકોએ હાઇકોર્ટ સુધી લડવું પડે છે, પોતીકા પૈસાનું પાણી કરવું પડે છે ત્યારે જઈને ટોલ ઉઘરાવાનું બંધ થાય છે. સરકાર આટલો બધો ટેક્સ ઉઘરાવે છે તો રસ્તાઓ બાંધી કેમ શકતી નથી? આપણા ખિસ્સામાંથી પડાવી લેવાયેલો ટેક્સ સરકારી બાબુઓના ચેમ્બરના એસી ચલાવવા અને એમની ધોળા હાથીઓ જેવી કારના પેટ્રોલ માટે છે? રસ્તાઓ કોઈ પક્ષ કે સરકારના બાપની મીલકત નથી. રાજાશાહી હતી ત્યારે પણ રસ્તાઓ હતા, અંગ્રેજો હતા ત્યારે પણ આ રસ્તાઓ હતા અને હાલના નકારા શાસકો નહીં હોય ત્યારે પણ રસ્તાઓ હશે. આ રસ્તાઓએ બડા બડા સુલતાનોની શાહી સવારી જોઈ છે અને આ રસ્તાઓ પરથી એ જ સુલતાનો પસાર થઈ સુપુર્દે ખાક થયા છે. વાઇસરોયોના તામઝામ આ રસ્તાઓ પર હતો અને આ રસ્તાઓ પરથી જ તેમણે બોરીયા-બિસ્તર બાંધીને વિદાય થવું પડ્યું હતું. રસ્તાઓને વેચી મારનારાઓને પણ આજ રસ્તાઓ પરથી વિદાય આપવામાં આવશે.
છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાતના રસ્તાઓ ઉપર વાંઝિયો ગર્વ લેવાની સરકારોને આદત પડી ગઈ છે. ટોલ ટેક્સ ચૂકવે પ્રજા, દેખભાળ કરે કંપનીઓ અને ફુલણશી બનીને ફરે સરકાર. સરકારો જો ટોલ ટેક્સને વાજબી ઠરાવતી હોય તો જે ખેડૂતોની જમીન રસ્તાઓ બાંધવા માટે સરકારે પડાવી લીધી છે તેમને તે જમીનમાં દર વર્ષે ઉપજતા પાકની કિંમતના આધારે વાર્ષિક સાલિયાણું બાંધી આપવું જોઈએ. છે હિંમત આવું કરવાની?
------------
જનોઈવઢ : 1757માં અંગ્રેજો પ્લાસીના યુદ્ધમાં જીત્યા ત્યારથી એમની સરકાર કંપની સરકાર કહેવાતી હતી. હવે ફરી દેશમાં કંપની સરકાર છે, કંપની માટે, કંપની દ્વારા, કંપનીઓ વડે ચાલતી સરકાર.
----------------
સોમવાર, 4 એપ્રિલ, 2016
ટોલ ટેક્સ કે આધુનિક શાસકોનો જઝિયા વેરો?
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
મોહમ્મદ બિન કાસીમ નામનો કોઈ શાસક સોળ મી સદી માં થયો હોય એવું ઈતિહાસ માં ક્યાય વાંચવામાં આવ્યું નથી તમે જો એ મોહમ્મદ બિન કાસીમ ની વાત કરતા હોવ જેણે આઠમી સદી ના પ્રારંભ માં સિંધ પર વિજયી હુમલો કર્યો હતો ,તો વાત અલગ છે....
જવાબ આપોકાઢી નાખો