રવિવાર, 22 માર્ચ, 2015

અનથીંકેબલ, અનબિલીવેબલ અનસ્ટોપેબલ

એ બેપરવા હતો, બદમિજાજ હતો બદદિમાગ હતો. એણે ક્યારેય કોચનું સાંભળ્યું નહીં, કોપી બુક સ્ટાઈલની પરવા કરી નહીં. કેપ્ટનો માટે એ માથાનો દુ:ખાવો હતો અને પ્રેક્ષકો માટે એ ‘હીરો’ હતો. અે પોતાની શરતોએ રમ્યો, પોતાની સ્ટાઈલથી રમ્યો. પોતાની સમજથી રમ્યો. થીકીંગ ક્રિકેટરોની ક્યારેક બોરીંગ લાગતી જમાતમાં એ દુર્લભ પ્રજાતિનો ‘’ઈમ્પલસિવ’’ ક્રિકેટર હતો. ટેસ્ટ હોય કે વનડે,બોલ લાલ હોય કે સફેદ, એ ઓપનિંગમાં ઉતર્યો હોય કે દસમા નંબરે એ બેટીંગની એક જ રીત જાણતો હતો. ક્રિકેટ બોલ સાથે એને બાપે માર્યાવેર હોય એેવા પઠાણી મિજાજ સાથે ઉતરતો અને તલવારની માફક બેટ વીંઝ્યા કરતો. જે બોલ એની અડફેટે આવતાં એ સ્ટેન્ડમાં જઈ પડતાં અને જે બોલરો અને અડફેટે આવતા એ હતાશમાં સરીજતા. એ અનથીંંકેબલ હતો. અનબિલીવેબલ હતો. અનસ્ટોપેબલ હતો. ટેકનિક, કન્સીસ્ટન્સી અને ટેમ્પરામેન્ટવાળી બેટીંગની દુનિયામાં સચિન જશે તો વિરાટ આવશે. અને કાલિસ જશે તો ડિવીલીયર્સ આવશે પણ કદાચ શાહિદ આફ્રિદી જેવો માથા ફરેલ ક્રિકેટર ફરી આવશે નહીં. એની બેટીંગ હંમેશા ફાસ્ટ લેનમાં રહેતી. દરેક બોલ ફટકારવામાં માટે જ હોય છે એવી એની સાદી સમજ હતી. સુનિલ ગાવસ્કરની બેટીંગને જો આપણે લયબધ્ધ કવિતા કહીએ તો આફ્રિદીની બેટીંગ ફાસ્ટ મેટેલિક મ્યુઝિક હતું. એનું પાવર હિટીંગ બેમિસાલ હતું. એ 16 વર્ષની કથિત ઉંમરે પ્રથમ વનડે રમવા ઉતર્યો અને માત્ર 37 બોલમાં અેણે સદી ફટકારી દીધી. સમગ્ર ક્રિકેટ વિશ્વ સ્તબ્ધ હતું. ક્યારેક આવી વિસ્ફોટક બેટીંગની કલ્પના પણ થઈ શકતી ન હતી. વર્ષો સુધી એ રોકોર્ડ અતૂટ રહ્યો. પણ આંકડાઓ સાથે એ આફ્રિદી પઠાણ ને  ક્યારેય લેવા દેવા જ નહોતી. એની બેટીંગને આંકડામા સમજાવી શકાતી નથી. એ મેદાનમાં ઉતરતાં ત્યારથી વિરોધી કેપ્ટનોના જીવ અધ્ધર થઈ જતાં.  એ ભયાનક હદે અન પ્રેડિકટેબલ હતો. અને સુપરફાસ્ટ ઝડપે રન બનાવતો રહેતો.
હું ત્રણ ક્રિકેટરોની બેટીંગને ‘‘એન્ટરટેઈનમેન્ટ’’ ‘‘અેન્ટરટેઈનમેન્ટ’’ અને "એન્ટરટેઈનમેન્ટ" ગણું છું ,અે ત્રણ હતા. કોર્ટની વોલ્શ, મુરલીધરન અને હરભજનસિંઘ આ ત્રણે કંઈક અનોખી પણ વિચિત્ર રીતે બેટીંગ કરતાં. એક પ્રકારનું મનમોજી પણું એમની બેટીંગમાં રહેતું. મુરલીધરનને ‘‘સ્ટાન્સ’’ સાથે  સ્નાન સૂતકનો સંબંધ ન હોતો અે ગમે તે તરફ ખસીને બોલને ફટકારવાનો પ્રયત્ન કરતો. હરભજનની સરદારી મિનીજમાં ફટકાબાજી ચલાવતો અને વોલ્શ... એને તો ડિફેન્સીવ શોટ રમતો જોઈને પણ તમે હસીને બેવડ વળી જાવ એ બે પગ વચ્ચે બેટ લાવીને  ડિફેન્સીવ રમવાનો  પ્રયત્ન કરતો. થકવી દેનારી બોલીંગ પછી કે પહેલાં આ ત્રણે બેટીંગની ભરપૂર મજા લેતા અને કરાવતા.
આફ્રિદી પણ બાદમાં બોલિંગ પર વધુ ધ્યાન આપવા માંડ્યો હતો. પણ આ પઠાણમાં કંઈક મેન્યુફેક્ચરીંગ ડિફેક્ટ હતી. સ્પિનરોએ બોલિંગ ધીમી કરવાની હોય એવું એના ભેજામાં ક્યારેય ઉતર્યું ન હતું. એટલે એ જ્યારે ફાસ્ટીશ લેગ સ્પિન કરતો ત્યારે એના બોલની સ્પિડ કલાકના 120 કિમી/કલાકે પહોંચી જતાં. સરખામણીની દ્રષ્ટિએ જોઈએ તો ઓસ્ટ્રેલિયાના અત્યંત ઘાતક ગણાતા ગ્લેન મેકગ્રાથની એવરેજ સ્પીડ 125-130 કિમી/કલાકની રહેતી આ ઉપરથી અંદાજ  આવે કે આફ્રિદી ટૂંકા રનઅપમાં કેટલી તાકાત પેદા કરતો હતો.
આ વર્લ્ડકપમાં કોને મળશે એતો ખબર નથી. પણ સંગકારા, જયવર્દને, મિસ્બાહ ઉલ હક્ક અને આફ્રિદી જેવા અદ્‌ભૂત ક્રિકેટરોને આખરી સલામ કહી દીધી છે.  ક્રિકેટના ઈતિહાસમાં ભાગ્યે જ ક્યારેય આવું બન્યું છે. જ્યારે અેક સાથે આવા ઉચ્ચ કક્ષાના ક્રિકેટરોએ એકસાથે વિદાય લીધી હોય. આફ્રિદીનું વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન ક્યારેય સાકાર થયું નહીં. એની બેટીંગ અધૂરપ વાળી હતી. એ એની ક્ષમતાને ક્યારેય ન્યાય આપી શક્યો નહીં. એની કારકિર્દી અધૂરપ વાળી હતી. એ  ક્યારેય ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરી શક્યો નહીં. રીટાયરમેન્ટના વર્ષો  બાદ એની ઈનિગ્સને યાદ કરીને કદાચ એ વિચારતો હશે કે એ થોડું વધુ રમ્યો હોત તો... અને એની રમતો જોનાર એની પ્રત્યેક ઈનિગ્સ વિશે વિચારતા હશે કે એ થોડા વધુ બોલ રમી ગયો હોત તો... પણ એને ભુલી શકાશે નહીં, શાયદ અધૂરપમાં જે મઝા છે, જે કશિશ છે એ
ક્યારેય સંપૂર્ણતામાં હોતી નથી.