સોમવાર, 26 માર્ચ, 2018

કાળી સ્ત્રીની પીઠ પર કોતરાયેલી સફેદ કવિતા

બગાવત:

હેડીંગ :
કાળી સ્ત્રીની પીઠ પર
કોતરાયેલી સફેદ કવિતા

પેટા : સ્ત્રૈણ કવિઓની વાસનાની કલમ અને બુઢ્ઢા કવિઓની કલમની વાસના વચ્ચે કવિતાનું એક વર્તુળ પુરું થઇ રહ્યું છે.


"અમારી પીઠ પર એવી વારતાઓ કંડારેલી છે ,
જેનો ભાર કોઈ પુસ્તકો ઉંચકી નહીં શકે"_ રૂપી કૌર
એક વરિષ્ઠ સાહિત્યકારે લેખિકાના  કામ પર એક નજર નાંખી, તેના  વક્ષ:સ્થળ તરફ જોતાં કહ્યું કે તમે ખૂબ સરસ લખો છો ...ગુજરાતી સાહિત્ય જગતમાં કેટલાંક વરિષ્ઠ સાહિત્યકારો પાસે છુપાવવા જેવું ઘણું છે અને ગુજરાતી લેખિકાઓ પાસે કહેવા જેવું ઘણું છે. બદમિજાજ, બળવાખોર અને થોડા બદમાશ હોય એવા યુવા સાહિત્યકારો ગુજરાતી સાહિત્યમાં હવે લુપ્ત થઈ ગયેલી પ્રજાતિ છે. સ્ત્રૈણ કવિઓની વાસનાની કલમ અને બુઢ્ઢા કવિઓની કલમની વાસના વચ્ચે કવિતાનું એક વર્તુળ પુરું થઇ રહ્યું છે.
કવિતા, એ પ્રેમઘેલી શાયરીથી બહુ જુદી ચીજ છે, મૂળ સોમાલિયન અને હવે બ્રિટનમાં રહેતી કવિયત્રી વોર્સન શાયર લખે છે,
"એ રાત્રે મેં વિશ્વનો નકશો ખોળામાં લીધો
અને આખા નકશા પર આંગળી ફેરવી પુછયું,
(મારા જેવી) પીડા કયાં કયાં થાય છે?
નકશામાંથી જવાબ આવ્યો,
બધે જ,
બધે જ,
બધે જ.
ગધ  પીડાને વસ્ત્રો પહેરાવે છે, કવિતાઓ પીડાને નિર્વસ્ત્ર કરી નાંખે છે.
મૂળ પંજાબી અને હવે કેનેડામાં રહેતી રૂપી કૌર એની કવિતાઓથી જેટલી પ્રખ્યાત છે એ કરતાં વધુ ઈન્સટાગ્રામ પર એના માસિક સ્ત્રાવના ડાઘાવાળા કપડાં સાથેનો ફોટો મુકવાના કારણે પ્રખ્યાત થઈ છે. એના ફોટોને વધાવી લેનારા આપણા લોકો એ એને બહુ વાંચી નથી , એ ૨૫ વર્ષની છોકરીના પ્રથમ પુસ્તકની ૨૫ લાખ કોપી વેચાઈ ચુકી છે. આપણા "પેડમેનો" ને એ પાંચ દિવસ માટેના  સ્ત્રીના સેનેટરી નેપકીનમાં જેટલો રસ પડયો છે એટલો રસ મહિનાના બાકીના પચીસ એ સ્ત્રીના કામમાં પડતો નથી!
રુપી કૌર હંમેશા 'સ્મોલ લેટર્સ'માં લખે છે અને સાથે ઇલસ્ટ્રેશન મૂકે છે.
એ લખે છે
"આપણે પાછળ જે છોડી દીધું છે
એ મારા ટુકડા નથી કરતું
આપણે સાથે રહ્યા હોત તો જે બાંધી શકયા હોત
(એનો વિચાર) એ મને તોડી નાંખે છે"
રૂપી કૌરે પોતાની વેબસાઈટપર પોતાની નગ્ન પીઠ પર પુસ્તકનું કવર પેજ પેઈન્ટ કરીને મૂકયું છે, સ્ત્રીઓ માટે પીઠ વેદનાના સોળો છુપાવવાની શ્રેષ્ઠ જગ્યા છે. દરેક સ્ત્રી પીઠ પર વેદનાની કિતાબોનો ભાર લઈને ફરે છે અને એ ઇચ્છતી હોય છે કે સહનુભુતિનો હાથ પહેલા ફરે પછી બ્રાના હુક ખુલે, પણ દરેક સ્ત્રી એટલી નસીબદાર હોતી નથી. રૂપી કૌરના પહેલા પુસ્તકનું નામ છે, "મિલ્ક એન્ડ હની". એ લખે છે,
"એણે મને પુછયું લોકો પર પ્રેમ રાખવાનંુ તારા માટે કેટલું સરળ છે
જવાબ આપતી વખતે મારા હોઠ પરથી દૂધ અને મધ ઝર્યા,
મેં કહ્યું, કારણકે લોકો મારી સાથે પ્રેમાળ કયારેય નહોતા"
સ્ત્રીએ દૂધ જેવા સફેદ કે મધ જેવા મીઠા રહેવું કાયમ માટે જરૂરી છે? મધ માત્ર મધમાખીઓ પાસે હોય છે અને મધ મેળવતાં પહેલાં મધમાખીઓનો ડંખ સહન કરવાની તૈયારી રાખવી પડે છે, મધમાખી સાથેનો પ્રેમ કેવો હોય?
વોર્સન શાયર લખે છે,
"તારી સાથે પ્રેમ કરવો એ
યુધ્ધમાં ઉતરવા જેવું હતું
હું જેટલી વાર પાછી આવી
સાવ બદલાઈને આવી"
બીજા ને પ્રેમ કરવો એટલે જાતથી દૂર ભાગવું એવું નથી, જે લોકો પોતાની જાત સાથે એકલા રહી શકતા નથી એ હંમેશા બીજાનો સંગાથ ઝંખતા રહે છે અને આ ડરને આ ઝંખનાને પ્રેમ ગણાવતા રહે છે. એકલતા ડરામણી હોય છે? રૂપી કૌર  લખે છે,

"જો તમને  એકલતા ડરાવતી હોય તો,
સમજવું કે તમને તમારી પોતાની સખત જરૂર છે"

જે પોતાની એકલતાને માણી નથી શકતા એ લોકો સૌથી ઇન સિકયોર, સૌથી નિષફળ અને સૌથી સ્વાર્થી પ્રેમી હોય છે, જે સતત પોતાની જાતથી ભાગ્યા કરે છે એ એક દિવસે તમારાથી પણ દૂર ભાગી જશે, જે પોતાની જાતને સંભાળી નહીં શકે એ તમને પણ સાચવી નહીં શકે. જે માણસને પોતાની કંપની નથી ગમતી એ જયારે એમ કહે કે એને તમારી કંપની ગમે છે તો એ માત્ર દંભ છે. જેને પોતાના એકાંતમાં પણ બીજાની જરૂર પડે છે એવા બેવફા થવાની શકયતા વધુ હોય છે. મન પાસે ચિત્રગુપ્ત જેવો ચોપડો હોય છે જેવા તમે એકલા પડો કે મન એ ચોપડો ખોલીને બેસી જાય છે, જો તમે પીડા વહેંચી હશે તો મન તમને જંપવા નહી દે  અને એકાંત બહુ પીડાદાયક થઈ જશે . પોતાની જાત પાસેથી ભાગી જવું પડશે અને સતત ભાગતા રહેવું પડશે. જો ચોપડો ચોખ્ખો હશે તો એકાંત રળિયામણું હશે. જો માણસ એકાંતમાં રેરામાણિક હશે તો જ સંબંધમાં પ્રામાણિક રહી શકશે... રૂપી કૌરનો જ જાણે પડઘો પાડતી હોય એમ વોર્સન શાયર લખે છે,

" મારી એકલતા એટલી સરસ છે કે હુ તને તો જ સ્વીકારીશ જો તું મારા એકાંત કરતાં પણ વધુ મધુર હોઈશ"

જેના પાસે મધુર એકાંત હોય એવી સ્ત્રીઓ બહુ મજબૂત હોઈ શકે છે અને પુરુષોને આવી મજબૂત સ્ત્રીઓ ગમતી હોતી નથી

જનોઈવઢ:
કેટલીક વખત તમારો પ્રકાશ જંતુઓને અને તમારી ઉષ્મા પરોપજીવીઓને તમારા સુધી ખેંચી લાવે છે, આવા લોકોથી તમારા (આકાશ અને ) અવકાશને, અને તમારી શકિતને સાચવો- વોર્સન શાયર