બુધવાર, 4 જૂન, 2014

ધ કિંગ કેન નેવર ડાઇ

ઇનસાઇડર
પ્રણવ ગોળવેલકર
જુની ટેપ અને સીડીમાંથી ટીવીના પડદે ઉભરતો અને પાતળો યુવાન હજુ એવો જ છે,  એના લાલ કોટ અને અંદર દેખાતા સફેદ શર્ટની પહેલી ઝલક જોઈને યુવાનો ચિચિયારી પાડી ઉઠે છે, એના સંગીતના બીટ્સ શરૂ થાય છે અને ‘ટ્રાન્સ’ની અનોખી દુનિયાની ક્ષિતિજ ઉઘડી જાય છે, એના ‘મૂન વોક’ને નિહાળવા પૃથ્વી પણ જાણે પળવારમાં અટકી જાય છે, એની બોડી મૂવમેન્ટ્સ અને સ્ટેપ્સની બેસુમાર ઝડપથી સમય સ્થિર થઈ જાય છે અને શરૂ થાય છે યૌવનનો ઉત્સવ... આ સંગીતની દુનિયા છે,યુવાનોની દુનિયા છે, કિંગ ઓફ પોપ
માઇકલ જેકસનની શહેનશાહત છે. પર્ફોર્મન્સ શરૂ થવાની ત્રીજી સેકન્ડે ચાઇલ્ડ મોલેસ્ટેશન, મલ્ટીપલ મેરેજ, સ્કીન ટ્રીટમેન્ટ, નાકની સર્જરી, બધુ ય ભુલાઈ જાય છે રહે છે માત્ર બીટ્સ, સ્ટેપ્સ અને અવાજની સંમોહક દુનિયા... ધ કિંગ કેન નેવર ડાઇ માઇકલ અમર છે.  વેસ્ટર્ન અમેરિકન મ્યુઝિક માટે માઇકલ એક ક્રાંતિ હતો. એલ્વીસ પ્રેસ્લીનો સાચો વારસદાર હતો. વિશ્વભરના મ્યુઝિકને, યુવાનોને અમેરિકનાઇઝ્ડ કરવામાં માઇકલનો ફાળો સૌથી મોટો હતો. વિશ્વમાં અમેરિકન પ્રમુખની સત્તા પહોંચતી હતી એનાથી વધુ આગળ માઇકલના વિશ્વવિક્રમી આલ્બમ થ્રિલરના ગીતો પહોંચતા હતા. સંગીત આંકડાઓનું ક્યારેકય મોહતાજ હોતું નથી પણ માઇકલ અદ્વિતિય હતો એમ કહેવા માટે કેટલાક આંકડાઓ આપવા પડે એમ છે. એના આલ્બમોની ૭૫ કરોડથી વધુ નકલો વેચાઈ હતી, ૧૩ વખત ગ્રેમી એવોર્ડ, વિશ્વમાં આજ દિન સુધી સૌથી વધુ વેચાયેલું આલ્બમ થ્રિલર અને ઢગલાબંધ સન્માનો માઇકલસાચા અર્થમાં ‘કિંગ’ હતો. માઇકલ આભાસી દુનિયાનો અવાજ હતો એની વાસ્તવિક દુનિયા કકંઇક જુદી જ હતી. એના ભયાનક બાળપણ અને જડસુ બાપ વિશે એ
ઝાઝું બોલતો નહોતો પરંતુ ૧૯૯૩માં એક ઇન્ટરવ્યૂમાં કિંગનું મહોરું ઉતરી ગયું હતું અને બાળપણમાં એના બાપે આપેલા ત્રાસ વિશે વાત કરતા એ મોઢું ઢાંકીને રડી પડ્યો હતો. એના બાપે એની ઉપર ત્રાસ ગુજારવામાં કંઇ બાકી રાખ્યું નહોતું. એ માઇકલને ડરાવતો, ધમકાવતો અને બેરહેમપણે ફટકારતો પણ પરંતુ દુનિયાને માઇકલનું રૂદન ક્યારેક સાંભળવા મળ્યું નહીં, સાંભળવા મળ્યો એક સંમોહક જાદુઈ અવાજ. નાનપણથી જ સ્ટેજ પર પર્ફોર્મન્સ આપવા માંડેલા માઇકલ અને એના ભાઇબહેનોએ જેકસન ફાઇવ ગ્રૂપ રચ્યું. બાદમાં માઇકલ અલગ થયો અને ટોચે પહોંચ્યો. આ સમયગાળામાં માઇકલની દુનિયા વિરોધાભાસોની દુનિયા બની ગઈ. એના પ્રશંસકો લાખોના ગુણાકારમાં વધતાજતા હતા પરંતુ અંગત જિંદગીમાં એ વધુને વધુ એકાકી બનતો જતો હતો. એ વાસ્તવિકતાથી દૂર ભાગતો ગયો. એણે નાણાંની મદદથી પોતાની આસપાસ આભાસી દુનિયા રચી નાંખી. જેને એણે નેવરલેન્ડ નામ આપ્યું. ૧૯૮૦થી એની ચામડીનો રંગ બદલાવા માંડયોઅને દુનિયાભરમાં એણે સ્કીન ટ્રીટમેન્ટ કરાવી હોવાની વાતથી હોબાળો મચી ગયો. માઇકલ મિડાસ બની ચૂકયોહતો.સંગીતની દુનિયામાં એ જેને સ્પર્શતો એ ‘ગોલ્ડન હિટ’ બની જતું હતું અને વાસ્તવિકત દુનિયામાં એ જે કાંઇ પણ કરતો એ વિવાદમાંસપડાઇ જતુંહતું. ‘કિંગ ઓફ પોપ’ બનવાની કિંમત માઇકલ ડગલેને પગલે ચૂકવતો હતો. વયમાં ઘણો મોટો થયેલો માઇકલ બાળપણ માટે તરસતો રહ્યો. એના રાન્ચ ‘નેવરલેન્ડ’માં એણે વિશાળ ઝૂ સહિતની બાળકોને ગમે એવી અનોખી દુનિયા ઉભી કરી. એણે બાળકો સાથે રહેવાનું શરૂ કર્યું અને શરૂ થયો ચાઇલ્ડ મોલસ્ટેશનના સાચા ખોટા આરોપોનો સિલસિલો. માઇકલ સ્ટેજ પર ઓછું અને કોર્ટમાં વધુ દેખાવા માંડ્યો. માઇકલની આભાસી દુનિયા વાસ્તવિકતાના ભાર નીચે તૂટી રહી હતી. ચાઇલ્ડ મોલસ્ટેશનનાઆરોપોમાંથી  ઘેરાયેલા માઇકલ એલ્વિસની પુત્રી લિઝા સાથે લગ્ન કર્યા પણ બે વર્ષમાં લગ્ન તૂટી ગયા. વાંક દેખાઓની નજરમાં આ લગ્ન પણ ચાઇલ્ડ મોલસ્ટેશનમાંથી છટકવાનું બહાનું હતું. પછી તો માઇકલ ક્યારેય વિવાદોની માયાજાળમાંથી બહાર આવી શક્યો જ નહીં.‘થ્રિલર’ના રિલિઝ થયાના ૨૫  વર્ષ બાદ ૨૦૦૮માં માઇકલે થ્રિલર - ૨૮ નામનું આલ્બમ બહાર પાડ્યું. જેમાં રિમિકસ ગીતો ઉપરાંત અગાઉ પ્રસિદ્ધ ન થયેલું સંગીત હતું. બાર અઠવાડિયામાં આ આલ્મબની ત્રીસ લાખથી વધુ કોપી વેચાઈ ગઈ. બીટ્સની દુનિયામાં માઇકલનો જાદુ બરકરાર હોવાનો આ પુરાવો હતો. માઇકલે આ જ સાલમાં ૫૦ વર્ષ પૂરા કર્યા વર્ષ પૂરા કર્યા. આ પ્રસંગે કિંગ ઓફ પોપ આલ્બમ રિલઝિ કર્યું. જેની લાખો નકલો વેચાઇ. માઇકલે ૫૦થી વધુ કોન્સર્ટ પ્લાન કર્યા અને નવી ટૂરની જાહેરાત થઈ. પરંતુ માઇકલ ‘વન’માં પ્રવેશે એ કદાચ કુદરતને ક્યારેય મંજુર નહોતું. અવાજના આ જાદુગરના હૃદયના અવાજ એ પહેલા જ બંધ થઈ  ગયો.એના મૃત્યુના ચંદ કલાકો બાદ ફરી પ્રશ્ન થાય છે માઇકલ શું હતો? લાગે છે કે દુ:ખ, દર્દ અને પીડાને ભૂલવા દેનારું સંગીત માઇકલ હતો, કાનમાંથી શરીરમાં ઘુસી અંગેઅંગને નાચવા મજબૂર કરનારો અવાજ માઇકલ હતો. લાલ કોટ અને ટૂંકું લાઇટ બ્લેક પેન્ટ પહેરવા મજબૂર કરનારી બળવાખોર ઇચ્છા માઇકલ હતો. વાસ્તવકિતાની પૃથ્વી પર ચકાચોંધ આભાસી ચદ્ર રચી તેની પર મૂન વોક કરનાર માઇકલ હતો. ભાષાની સરહદોને તોડનાર માઇકલ હતો અને ક્યારેય ઘરડો નહીં થનાર બાળકો માઇકલ હતો. કડવું સત્ય એ છે કે આપણા સૌની અંદર કોઈક ખૂણે માઇકલ જીવતો હોય છે પણ રડવાનું જાત માટે રાખીને દુનિયાનું મનોરંજન કરનાર એ કિંગ ઓફ પોપ હતો.

સોમવાર, 2 જૂન, 2014

પ્રશાંત અને શેખ: ક્રાઇમ રિપોર્ટીંગના 'કેન એન્ડ એબલ'



(જેમણે જેફ્રી આર્ચરની ‘કેન  એન્ડ એબલ’ વાંચી નથી એમને આ હેડિઁગ સમજાશે નહીં. એમણે બાજુમાં પુછી લેવું)


એક સુરતથી અહીં આવ્યો, બીજાની સૂરતમાં જોવા જેવું કશું નથી. એક કાયમી ઇન સિકયોર છે, બીજાને સિકયુરિટી શબ્દથી જ નફરત છે. એક હંમેશા સ્ટાઇલિશ રહે છે, બીજાને છેલ્લે ક્યારે ‘ઇન શર્ટ’ કર્યું હતું એ પણ યાદ નથી. એક કોન્સ્ટેબલોની વચ્ચે પોતીકાપણું મહેસૂસ કરે છે બીજાને આઇપીએસ અફસરોને આંજી દેવાની મઝા આવે છે. બંને એકબીજાની શક્તિઓને માન આપે છે અને બંને એકબીજાના કટ્ટર પ્રતસ્પિધીઁઓ છે. સરફરાઝ શેખ અને પ્રશાંત દયાળ વચ્ચેની ઝનૂની સાઠમારી છાપાંઓમાં ક્રાઇમ સ્ટોરીઝને ધબકતી
રાખે છે.

પ્રશાંત મેવેરીક છે, મિસ્ટિરીયસ છે, મેગ્નેટીક છે. એ પોતાના મૂળીયાને જડમૂળથી વળગી રહે છે. તમામ અ-સામાન્ય બાબતો એના માટે સ્ટોરી બને છે. એ આજીવન ‘વ્હીસલ બ્લોઅર’ છે. કોઇને પણ અન્યાય થતો હોય... ઘણીવાર તો અન્યાય થતો હોય કે ના થતો હોય પણ પ્રશાંતને લાગે કે અન્યાય થઈ રહ્યો છે તો માથે કફન બાંધી લડતમાં ઝંપલાવી દે છે. સામે લડવાની એની કાયમી પ્રકૃતિ છે. એની બાબતો એની સ્ટોરીમાં ઉતર્યા કરે છે. સરફરાઝ ઝનૂની છે, સક્ષમ છે, એરોગન્ટ છે. ‘‘વન અપમેન શિપ’’ એનામાં ભારોભાર છે. એ
સતત સ્ટોરીઝની શોધમાં હોય છે. એના ઘણીવાર વિચિત્ર લાગે એવા સ્વભાવને કારણે બીજા છાપાના રિપોર્ટરો એની સાથે ખાસ હરતા ફરતા નથી. સરફરાઝને પણ હવે એ ફાવી ગયું છે. એ આવી સ્થિતિને પોતાની તરફેણમાં ગણાવે છે અને કહે છે ‘‘સિંહ તો એકલો જ ફરે ને...’’ ટેરેરીસ્ટ ઓર્ગેનાઇઝેશન અંગે એની માસ્ટરી છે. એકે-૪૭માંથી ગોળી છુટે એના કરતાં વધુ ઝડપથી એ ત્રાસવાદીઓના અને એમના કનેકશન્સના નામો બોલતો રહે છે અને એની અપેક્ષા હોય છે કે એના એડિટરને એ બધા જ નામો અને એના કનેકશન્સ યાદ હોય... આ જેટલું લાગે છે એટલું સહેલું નથી. એકાદ સાંજે એ સીધો ચેમ્બરમાં આવે અને કહે સાહેબ સલીમ યુસુફ (નામ કાલ્પનિક છે) દિલ્હી પોલીસના હાથમાં પકડાઇ ગયો. આપણે પુછીએ કોણ સલીમ યુસુફ? એટલે કહે... ‘‘બાટલામાં હતો એ પહેલાં વાઘામોનમાં હતો... લશ્કરનો માણસ છે,રિયાઝના કનેકશનમાં છે, જયપુર અને અમદાવાદમાં હતો... ’’ હવે એના એડિટરે સમજી જવાનું કે આ ભાઇશ્રી
સલીમ યુસુફ દિલ્હીના બાટલા હાઉસમાં થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રાસવાદીઓ સાથે સંકળાયેલા હતા અને તે અગાઉ દ. ભારતના વાઘામોનના જંગલોમાં તેમણે ત્રાસવાદી તાલિમ લીધેલી અને જયપુરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં અને અમદાવાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં એ શકમંદ ગણાય છે. પણ જો એડિટરને કે ચીફ રિપોર્ટરને સરફરાઝના ‘કોડવર્ડ’માં ન ખબર પડે તો એનું માન એ લોકો પ્રત્યે ઉતરી જાય! એ એમની સામે કંઇ રિએક્ટ તો ના કરે પણ મનમાં ચોક્કસ માને કે આ લોકોને કાંઇ ખબર પડતી નથી.ઉપરીઓને કંઇ ખબર પડતી નથી એવું પ્રશાંત પણ ચોક્કસ માને, ખાસ કરીને જ્યારે એની કોઈ એક્સકલુઝિવ સ્ટોરી માટે એની પાસે કવોટ્સ કે વર્ઝન માંગવામાં આવે ત્યારે.... એને અધિકારીઓ (છાપાના પણ) કરતાં એના પોતાના સોર્સ પર વધારે વિશ્વાસ હોય છે એ પોતાના સોર્સને સાચવવા કોઈપણ હદે જઈ શકે છે.
પ્રશાંત અને સરફરાઝ બંનેએ અમદાવાદમાં દિવ્ય ભાસ્કર શરૂ થયું ત્યારે સાથે કામ કર્યું હતું. આજેય જ્યારે રૂબરૂમાં મળે ત્યારે સરફરાઝ પ્રશાંત સાથે માનપૂર્વક વાત કરે અને એની સિનિયોરિટી સ્વીકારે પણ ખરો. ‘સિનિયર’ હોવું એ સરફરાઝ માટે જરા જુદો અર્થ ધરાવે છે. ‘સિનિયર કભી સાધારણ નહીં હોતા’ એવું એના જુનિયર રિપોર્ટરોને કહેતાં મેં એને ઘણીવાર સાંભળ્યો છે. પણ જ્યારે આ બંને પોતાના અનુયાયીઓ સાથે હોય ત્યારે એકબીજા પ્રત્યેના અભિપ્રાય જુદા હોય છે... દરબાર અને દરબારીઓની એ અસર હોઈ શકે. સરફરાઝની કાયમ ફરિયાદ હોય છે કે ‘પ્રશાંત ભાઈ તો સારા છે પણ એમની આસપાસના લોકો ખરાબ છે. એમણે આવા લોકોથી દૂર રહેવું જોઈએ’ અને સામે પક્ષે પ્રશાંતની ફરિયાદ હોય છે કે ‘‘શેખ છોકરમત બહુ કરે છે અને ગમે તેમ બોલે છે એણે ધ્યાન રાખવું જોઈએ.’’સને ૨૦૧૦માં જ્યારે અમિત શાહ અને ૧૬ સરકારી સોહરાબુદ્દીનો સામે સીબીઆઇની કાર્યવાહી શરૂ થઈ ત્યારે ન્યૂઝની ‘ડિટેઇલ્સ’ મેળવવા માટે અને એક્સકલુઝિવ સ્ટોરઝિ મેળવવા માટે કાંટે કી ટક્કર થઈ હતી. પ્રશાંત એ સમયે ટાઇમ્સમાં હતો અને સરફરાઝ દિવ્ય ભાસ્કરમાં હતો., આ બંને ન્યૂઝ પેપરોની લાઇન એ સમયે જુદી હતી પણ બંનેની રોજ એકબીજા પર સ્કોર કરવાની લડાઇનો હું સાક્ષી છું.પ્રશાંતને બંધનો ગમતા નથી... બીટના પણ... એટલે એ સ્ટોરી મેળવવા માટે બીજાની બીટમાં ઘુસી જતાં અચકાય નહીં. સરફરાઝ સામાન્ય રીતે ક્રાઇમ બીટ પુરતો મર્યાદિત રહે. પોલીટીકલ બીટમાંના કનેકશનોને કારણે રાજકીય એંગલ ધરાવતી સ્ટોરીઓમાં પ્રશાંતને
અડવાન્ટેજ મળે જ્યારે સરફરાઝ ઇનપુટ માટે એા છાપાના પોલિટિકલ રિપોર્ટરો પર આધારીત રહે અને જે દિવસે એને જરૂરી ઇનપુટ ના મળે એ દિવસે એ ફ્રસ્ટ્રેટ થઈ જાય. આખો દિવસ એ સ્ટોરી પાછળ દોડ્યો હોય, જમવાનું પણ રહી ગયું અને બીજા દિવસે એની સ્ટોરી નબળીપડે એટલે સવારથી એની અકળામણ શરૂ થઈ જાય. પછી એને સંભાળવાનું અઘરું બની જાય.ઈપણ એડિટર માટે આ બંનેને હેન્ડલ કરવા એ માથાના દુ:ખાવો છે આ એક મુખ્ય કારણ છે કે આ બંને નોકરી બદલતા રહે છે.

પ્રશાંત સ્વભાવે જ બળવાખોર છે એટલે જ્યાં સુધી એ કોઈ વાત સાથે સંમત ન થાય તો એ વાત ત્યાં જ અટકે  રિપોર્ટરો સુધી જઈ જ ના શકે. સરફરાઝ હંમેશા સાથી રિપોર્ટરો પાસેથી કામ માટે ૧૦૦ ટકા પ્રતબિદ્ધતાની અપેક્ષા રાખે અને એ માટે એરોગન્ટ પણ બની જાય.સાબરમતી જેલના સુરંગકાંડ વખતે આ બંને વચ્ચે સમાચારો મેળવવાની ઉગ્ર લડાઈ થઈ હતી. બેશક! સુરંગનો ફોટો લાવીને પ્રશાંતે બાજી મારી હતી અને એનો સોર્સ જેલમાં છે એવું માનવામાં સરફરાઝ સાચો હતો. એ સમયે સરફરાઝની મહેતન ઓછી નહોતી પણ હું માનું છું કે પ્રશાંત એની સમગ્ર કારકિર્દીમાં કયારેય નહોતો એવા  ટોપ ફોર્મમાં હતો. એનો સોર્સ મજબૂત હતો અને એ સોર્સ એણે વર્ષોથી સાચવેલો હતો. પ્રશાંતને વાંધો એ હતો કે સરફરાઝે એના વિશે એલફેલ બોલીને એને ચેલેન્જ આપી હતી. સરફરાઝ આજે પણ માને છે કે કેટલાક વચેટિયાઓએ એની વાતને ટ્વીસ્ટ કરીને પ્રશાંત સુધી પહોંચાડી હતી.આ બંને વચ્ચેની સ્પર્ધા રસપ્રદ રીતે બીજા ક્ષેત્રમાં પણ ચાલતી રહે છે. સરફરાઝ પલ્સર ૨૨૦ ખરીદી લાવ્યો. એ સ્પોર્ટ્સ બાઇક છે લાંબા અંતર સુધી જતા રિપોર્ટર્સ માટે એ બાઇક નકામી છે એમ મેં એને એ વખતે જ કહેલું. પછી પ્રશાંત પણ એ જ બાઇક લાવ્યો. મેં એને પણ વારેલો. બંને મારા મિત્રો છે અને ‘‘વાર્યા ન વળવું પણ હાર્યા વળવું’’ એ બંનેનો જાણે મુદ્રાલેખ છે. અંતે બંનેએ એ બાઇક બદલી નાંખી. હવે પાછો આ બંનેની બાઇક રેસમાં રસપ્રદ વળાંક આવ્યો છે. પ્રશાંતે થોડા સમય પહેલાં બુલેટ ખરીધ્યું છે અને હવે સરફરાઝે પણ બુલેટ લીધું છે. પ્રશાંતનું બુલેટ ૩૫૦ સીસીનું હતું. સરફરાઝે ૫૦૦ સીસીનું બુલેટ લીધું છે..... વન અપ મેન શિપ... યૂ નો...?
સ્પર્ધા બાઇકસની હોય, ન્યૂઝની હોય કે સર્વોપરીતાની હોય એક વાત ચોક્કસ છે કે સરફરાઝ સાથેની કટ્ટર સ્પર્ધાને કારણે પિસ્તાલીસની ઉંમર પસાર કરી ચૂકયો હોવા છતાં પ્રશાંત વીસ વર્ષના રિપોર્ટરો કરતાં વધુ સ્ફૂર્તિથી કામ કરે છે અને પ્રશાંત સાથેની સ્પર્ધા સરફરાઝને સતત દોડતો રાખે છે. હું માનું છું કે પ્રશાંતને કારણે સરફરાઝને એની અંદરની શ્રેષ્ઠ તાકાત બહાર લાવવામાં મદદ મળે છે અને સરફરાઝને કારણે પ્રશાંતને શ્રેષ્ઠતા સાબિત કરવાનું ઝનૂન કાયમ રહે છે.અમદાવાદના આ બે વિશિષ્ઠ ક્રાઇમ રિપોર્ટરો વચ્ચેની રેસ હજુ ચાલુ છે, બાઇક હોય કે ન્યૂઝ, જંગ શ્રેષ્ઠતાનો છે. કોઈ નમતું નહીં જોખે એની મને ખાતરી છે.