બુધવાર, 14 નવેમ્બર, 2012


રિપોટર્સ ડાયરી-

ત્રણ કૂતરાં, બે ગાયો, એક કુતૂહલવશ આમ તેમ જોતો યુવક, એક મૌલવી, બે નમાજી અને ભૂતાવળસમાં કેટલાંક ઝાડ... ગુલબર્ગ સોસાયટીમાં જીવનના નામે કુલ આટલું જ બચ્યું છે. દસ વર્ષ પહેલાં ૨૯ બંગલા અને દસ એપાર્ટમેન્ટની આ સોસાયટીમાં સો-દોઢસો લોકોનો વસવાટ હતો.

આજે ઘરો-ખંડેરો મૌન છે, પાંદડાં પણ હાલતાં નથી. કૂતરાં અજાણ્યાઓ જોઈને ભસે છે અને પછી શાંત થઈ જાય છે. બે ગાયો નિરાંત જીવે કશુંક વાગોળી રહી છે પણ અહીંનો ભૂતકાળ વાગોળવા જેવો નથી. એક સમયે જે રસ્તા પર ક્રૂરતાએ નગ્ન નાચ કર્યો હતો, જે દીવાલો પર મરણચીસોએ અસહાય બનીને માથા અફાળ્યાં હતાં એ દીવાલો વચ્ચે- એ રસ્તાઓ પર ચાલતાં કમકમાટી થઈ આવે છે. પગ કશાકને અથડાય છે અને કોઈ લાશને અડક્યાનું માનીને છળી જવાય છે. ઘરોમાં કશું નથી. કાળી પડી ગયેલી દીવાલો, તૂટેલી ફરસ અને ઊખડી ગયેલી છતો. માનવતાનું મૃત્યુ અહીં દરેક જગ્યાએ છપાઈ ગયેલું છે. રસોડાના, બાથરૂમના ગ્લેઝ્ડ ટાઇલ્સ પણ ઊખડી ગયેલા છે. શાયદ અહીં જે બન્યું એનું પ્રતિબિંબ પણ ભયાવહ હશે.

અહેસાન જાફરીના ઘરના ઉપરના માળે જઈ શકાતું નથી. જાળીનો નકૂચો સાવ વાળી દેવાયો છે- તદ્દન ન ખૂલે એવો. શા માટે ? ગુલબર્ગ ઘણા સવાલો કરે છે, દસ વર્ષ પછી પણ જવાબ મળતા નથી.

શાંત... તદ્દન શાંત રહો તો શાંતિને ચીરતો અહેસાન જાફરીની બંદૂકનો અવાજ સંભળાય છે અને પછી સંભળાય છે એક્સામટા હજારો અવાજો અને એમાં દબાઈ જતી ચીસો. અહીંની શાંતિ પણ અસહ્ય છે, અસહાય છે. અહીં જે કાંઈ બન્યું એનાં કારણો આપવા આસાન છે પણ બચાવ કરવો મુશ્કેલ છે.

એક પછી એક ઘરમાં માત્ર ખાલીપો છે. અહીં લાગેલી આગનાં ચિહ્નો દરેક સ્થળે સ્પષ્ટ છે. બારસાખ અને બારીઓ માત્ર કોલસો બનીને રહી ગયાં છે. એક ઘરમાં દાદરની નીચે આવા કોલસાથી કોઈએ ‘ઓમ’ દોર્યો છે અને મોર ચિતર્યો છે. સુંદરતાનું પ્રતીક આવા સ્થળે જુગુપ્સા વર્તાવે છે. ગુલબર્ગ વિરોધાભાસો અને સમાનતાનું પ્રતીક બની ગઈ છે. ગુલબર્ગની બહારના રસ્તા પર એક પોલીસવાળો બંદૂકને ખોળામાં મૂકી ખુરશીમાં બેઠો છે, ચોકી કરવા. દસ વર્ષ બાદ પણ પોલીસ ગુલબર્ગની સરહદથી દૂર છે. ગુલબર્ગ અને બહારની દુનિયા વચ્ચે એક દીવાલ હજુ છે, બહારની ચહલપહલ અને અંદરની સ્મશાનવત્ શાંતિને જુદી પાડતી દીવાલ. દીવાલની પેલી તરફ સહેજ આગળ એક સ્કૂલ છે, જ્યાં યાદ રાખવા જેવું ઘણું શિખવાડાય છે. ગુલબર્ગ ક્યારેય ભૂલી ન શકાય તેવા પાઠ ભણાવે છે. દસ વર્ષ થઈ ગયાં, આ દીવાલ આજેય ભેદ અકબંધ રાખે છે.

અહીંની દીવાલો પરની કાળાશ પર હાથ ફેરવું છું તો હાથ કાળા થાય છે. દીવાલની કાળાશ ઓછી થતી નથી. હાથ વધુ જોરથી ઘસું છું તો હાથ વધુ કાળા થાય છે. દીવાલની કાળાશ સહેજેય ઘટતી નથી. માનવતા આ કાળાશને કેવી રીતે ધોશે ? ગુલબર્ગ સંખ્યાબંધ સવાલો કરે છે, પરંતુ દસ વર્ષ બાદ પણ જવાબો મળતા નથી.

ગુલબર્ગકાંડ: એ બધું જે તમે જાણવા માંગો છો